51 લાખની સમાજસેવા કર્યા પછી જે આત્મસંતોષ મળે છે, તેટલો 51 કરોડ કમાયા પછી પણ નથી મળતો….

આજે આપણો દેશ ઘણો આગળ નીકળી ગયો છે. પણ અત્યારે પણ જોવા જઈએ તો ક્યાંક ના ક્યાંક છોકરીઓ સાથે અન્યાય થતો હોય છે. તેમજ પહેલાના સમયમાં છોકરીઓને શિક્ષણ આપવામાં નહતુ આવતું. એટલે જ સરકારે બેટી બચાવો અને બેટી ભણાવો અભિયાન શરૂ કર્યું છે. સરકારના આ અભિયાન હેઠળ આપણા દેશમાં દીકરીઓને ભણાવવા પર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે.

અત્યારના સમયને ધ્યાનમાં રાખીએ તો તે બહુ જરૂરી પણ છે. તેવામાં વડોદરાની નિશિતા રાજપૂત જે છેલ્લા આઠ વર્ષથી સમાજસેવા કરે છે અને ગરીબ બાળકોને જરૂરી મદદ કરે છે.

તે પોતે અત્યારે અભ્યાસ કરે છે અને સાથે તે ગરીબ બાળકો જેમની પાસે ભણવા માટેના પૈસા નથી તેમને ફ્રીમાં શિક્ષણ આપી રહી છે. કોલેજમાં વેકેશન પડતાની સાથે ટિનેજર્સ બહાર ફરવા જતા રહેતા હોય છે પણ નિશિતા વેકેશનમાં બહાર ફરવા જવાની જગ્યાએ છોકરીઓના અભ્યાસ માટે આર્થિક મદદ કરવાનો પ્રયત્ન કરી રહી છે.

નિશિતાને સમાજસેવાની પ્રેરણા તેના જ પિતા ગુલાબ રાજપૂત પાસેથી મળી છે. ગુલાબભાઈ ખુદ ‘હૂંફ ચેરીટેબલ ટ્રસ્ટ’ ચલાવે છે જે થકી અનાથ તેમજ ‘બાળ રિમાન્ડ હોમ’માં રહેતા બાળકો માટે કાર્ય કરે છે. નિશિતા તેના પિતાને આદર્શ માનીને આ કામગીરી કરી રહી છે .

નિશિતા રાજપૂતનું અત્યારે વેકેશન છે અને તે સ્કૂલે જતી જરૂરિયાતમંદ બાળાઓની મદદ કરમા માટે પ્રયત્ન કરી રહી છે. નિશિતાએ વેકેશનમાં ૩૫૧ બાળકીઓના અભ્યાસ માટે ત્રણ મહિનાની ફીના ચેક માટે પ્રયત્ન કરી રહી છે. છેલ્લા એકાદ મહિનામાં તેણે સો જેટલા ચેક પણ મેળવી લીધા છે.

વડોદરાની નિશિતા આવી નિઃસહાય તેમજ ભણવા ઈચ્છતી બાળકીઓને આર્થિક રીતે ઘણી જ મદદ કરે છે. નિશિતા અત્યાર સુધી લગભગ 5 હજાર જેટલી બાળકીઓના ભણતરના ખર્ચામાં મદદ કરી ચૂકી છે. નિશિતા બાળકીઓની સ્કૂલ ફી, સ્કૂલનો ગણવેશ તેમજ અન્ય જરૂરી શિક્ષણને લગતી ચીજો માટે આર્થિક મદદ કરી રહી છે.

નિશિતા અત્યારે અભ્યાસની સાથે સાથે દેશની દીકરીઓ માટે ઉત્તમ કાર્ય કરી રહી છે. તે પોતે અત્યારે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝમાં ગ્રેજયુએશન કરી રહી છે.

નિશિતાનું આવું ઉત્તમ કાર્ય જોઈને ગરબ દીકરીઓના માતા-પિતાને પણ પોતાની છોકરીને ભણાવાનો ઉત્સાહ જાગ્યો છે. નિશિતા ગરબ અને મજૂરીકામ કરીને પોતાનું જીવન જીવતા લોકોની દીકરીઓના અભ્યાસ માટે દાતાઓ પાસેથી દાન લઈને મદદ કરી રહી છે. નિશિતા દરેક દાતા પાસેથી 1,000 રૂપિયાનો ચેક સ્વિકારે છે અને તે પૈસા સીધા સ્કૂલના એકાઉન્ટમાં જમા થાય છે.

નિશિતાએ જણાવ્યું કે તે ચેક દ્વારા જ દાનનો સ્વીકાર કરે છે જેથી કરીને પૈસાનો ખોટી રીતે ઉપયોગ ના થાય અને જરૂરિયાતમંદ બાળકીઓને મળી રહે. તે દાન આવે તે ગરીબ બાળકીના અભ્યાસની પાછળ ખર્ચ કરવામાં આવે છે અને તેની બધી વિગતો દાતાને આપવામાં આવે છે.

જો કે, તમને જણાવી દઈએ કે, નિશિતા અત્યારે ધોરણ 2 થી 12 સુધી અભ્યાસ કરતી છોકરીઓની મદદ કરી રહી છે. અને આવનાર સમયમાં તે કોલેજની છોકરીઓને મદદ કરવા માટેની પણ યોજના બનાવી રહી છે. જેના માટે તે મા ચેરીટેબલ ટ્રસ્ટ શરૂ કરવાનું વિચારી રહી છે. તેમજ નિશિતા નોટબુકમાં દાતાનું નામ, સરનામુ, ચેક નંબર અને કઈ તારીખે મદદ કરી જેવી વિગતો લખી રાખે છે. તેમજ આવતા વેકેશનમાં કુલ ૧,૦૦૦ છોકરીઓને અભ્યાસમાં મદદ કરાવું લક્ષ્યાંક રાખ્યું છે.

થોડા દિવસો પહેલા જ વડોદરા શહેરની મહેમાન બનેલી મલાઇકા અરોરાએ શહેરની 2 યુવતીઓનું સન્માન તેમની ડોટરની એજમાં મધરહૂડ નિભાવવા બદલ કર્યુ હતું. એટલું જ નહીં મલાઇકાએ તેમનું કાર્ય જાણતાં બન્ને યુવતીઓને તાળીઓથી વધાવી હતી. જ્યારે સોસાયટીને સ્ટ્રોંગ વુમન એમ્પાવરમેન્ટનો મેસેજ આપનાર મહિલાનું સન્માન પણ મલાઇકાએ કર્યુ હતું. જેમાં નિશિતા રાજપૂતનો પણ સમાવેશ થતો હતો.

નિશીતા રાજપૂતે ગત વર્ષે 5100 ગર્લ સ્ટુડન્ટ્સની 51 લાખ રૂપિયા ફી ભરી યુવાનો ધારે તો સમાજની સેવા મોટા લેવલ પણ કરી શકે છે તેવો મેસેજ આપ્યો હતો. જેથી મલાઇકા અરોરાએ નિશીતા રાજપૂતનું સન્માન કર્યુ હતુ. નિશીતાએ જણાવ્યુ હતું કે, 51 લાખ રૂપિયાથી સમાજની સેવા કર્યા પછી આત્માને જે સંતોષ મળે છે તે સંતોષ 51 કરોડ કમાયા પછી પણ નથી મળતો.

આ વખતે નિશિતાએ 10 હજાર વિદ્યાર્થિનીઓની ફી ભરવાનું નક્કી કર્યુ છે. જેનો આકંડો એક કરોડ રૂપિયા થાય છે. છેલ્લા 7 વર્ષમાં નિશિતાએ ફી ભરેલા વિદ્યાર્થિનીઓની સંખ્યા 20 હજારને પાર કરી જશે. અને ફીની રકમ કુલ 2 કરોડ 19 લાખ પર પહોંચી જશે.

જો તમે પણ આ કાર્યમાં નિશા ને સપોર્ટ કરવા ઇરછતા હો તો, અહી અમે નીચે એક સ્ક્રિનશોટ મુકીએ છીએ જે તેણીની ફેસબુક પેઇજની પોસ્ટ નો છે, એમાં આપેલ નંબર પર આપ કોન્ટેક્ટ કરી શકો છો.

મિત્રો, આજે જયારે આખી દુનિયા હું, મારો પૈસો અને મારી દુનિયા ના નાદ માં પડેલી છે ત્યારે નિશા રાજપૂત જેવી દીકરીઓ નું આવું ઝળહળતું કાર્ય જોઇને એવું થાય કે “આ દુનિયામાં હજુ પણ માનવતાના દીવા બળે જ છે”

જો આપ નિશાને સપોર્ટ કરતા હો તો કોમેન્ટ કરો “Great Work Nisha”

સંકલન : પ્રિયંકા પંચાલ

 

ટીપ્પણી