“સરપ્રાઈઝ” ખુબ જ સુંદર રીતે લખાયેલ વાર્તા આજે જ વાંચો

સરપ્રાઈઝ

            “મેઘા” જાણે પોતાના નામને સાર્થક કરતી સ્ત્રી, એક મેઘા જેમ ધરતીનાં છોરુઓની તરસ છીપાવે તેમ આ મેઘા પણ પ્રેમની હેલી બની પોતાનાં સ્વજનો પર સ્નેહની વર્ષા બની વરસતી. દેખાવે સુંદર, આકર્ષક વ્યક્તિત્વ, નિર્મળ સ્વભાવ, સુશિક્ષિત અને સંસ્કારી એક ઘરને સ્વર્ગ બનાવે તેવી સ્ત્રી. મેઘાનાં પરીવારમાં પ્રેમાળ પતિ પ્રતિક, સાસુ-સસરા, એક દિયર અને નાનો દિકરો નિશિથ. એક માળામાં પરોવાયેલા મોતી જેવું ઘર અને આ માળા જેમાં ગુંથાયેલી તે દોરી જેવી “મેઘા”. આખું ઘર તેની આસપાસ જ વીંટળાયેલું રહેતું.

સવારે વહેલુ ઉઠવું, બધાનો નાસ્તો તૈયાર કરવો, નિશિથને જગાડી શાળાએ જવા માટે તૈયાર કરવો, પ્રતિક, નિશિથ અને તેના દિયરનું ટિફિન તૈયાર કરી ભરી આપવા, સાસુ-સસરા માટે ચા-નાસ્તો તૈયાર કરવો. ઘર સુખી-સંપન્ન હોવાથી કામવાળા આવતા હતા પણ, અમુક કામ મેઘાએ પોતાના હસ્તક જ રાખેલા જેમ કે રસોઇ, બાગ-બગીચાની દેખરેખ અને સંભાળ રાખવી, ઘરની ચીજવસ્તુઓની ખરીદી કરવી વગેરે કામમાં મેઘા હંમેશા પોતાની જાતને વ્યસ્ત રાખતી. નિયમિત કામ પતાવી મેઘા બપોરની રસોઈ બનાવતી થોડી ઘણી તૈયારીઓ સવારે કરીલે પણ સાસુ-સસરાની ઊંમર પ્રમાણે ગરમ જમવાનું મળે તે વિચારથી બપોરે જ રસોઈ કરે.

રસોઈ પતાવી નિશિથને શાળાએથી લાવવો, જમાડવો ત્યારબાદ થોડો આરામ અને બપોર પછીના સમયમાં તે તેના અભ્યાસને કામે લગાડતી મતલબ કમ્પ્યૂટર પર પતિ અને  દિયરના બાકી રહેલા કામ  પતાવી આપતી. એ બધું આટોપીને નિશિથનું લેશન અને ફરી સાંજની રસોઈ અને કામ. બસ, આમ જ પોતાનાં પરિવારને સંભાળતી, સૌથી પહેલાં ઊઠી સૌથી છેલ્લે સુતી. મેઘા પરિવારનો ધબકાર હતી. પતિનાં અને પોતનાં દિકરાના કામ જાતે કરવામાં તેને અપાર આનંદ મળતો.

આજે મેઘા ખૂબ ખુશ છે આજે તેના લગ્નની નવમી વર્ષગાંઠ છે. પરંતુ પતિને આ  વાતથી અજાણ રાખવા દરરોજ જેવું જ સામાન્ય વર્તન કરી રહી છે. સવારનાં સાડા દસ થયા હતાં બધાં જ ઘરનાં મુસાફરો પોતપોતાનાં રસ્તાં પર નીકળી ગયા હતાં. ઘરે મેઘા એકલી જ હતી ત્યાં ડોરબેલ વાગી, મેઘાએ દરવાજો ખોલ્યો અને આ શું? મેઘા ખુશીથી ઊછળી પડી તેની સ્કૂલટાઈમની ફ્રેંન્ડ જીજ્ઞા તેની સામે ઊભી હતી. બંને એકબીજાને ભેંટી પડી. ઘણાં લાંબા સમયે મળી હતી. કોલેજ દરમિયાન જ જીજ્ઞાના પપ્પાની ટ્રાંસફર અન્ય શહેરમાં થઈ હોવાથી સખીઓનો સાથ છૂટી ગયો હતો જે આજે જઈને મેળાપ થયો  હતો. બંને એ ઘણી વાતો કરી. જીજ્ઞાએ મેઘાનાં ઘરનાં, તેની સાજ સજાવટનાં ખૂબ વખાણ કર્યા અને તેના વિશે પૂછ્યું.

મેઘા જણાવે છે કે, “ અમારાં પરિવાર વિશે તો તું જાણે જ છે એકદમ સામાન્ય પરિવારની હું છોકરી, કોઈ મોટા સપનાઓ વિશે તો વિચારેલું નહિ. કોલેજ પુરી કરી પપ્પાની મદદ થાય તે આશયથી થોડો સમય નોકરી કરી પણ સાથે સાથે લગ્નનાં અનેક પ્રસ્તાવ આવવા લાગ્યા. મમ્મી પપ્પા મને જીંદગીમાં સેટ થયેલી જોવા માગતા હતા. આથી તેમના આગ્રહવશ મે નોકરી છોડી લગ્નના બંધનમાં બંધાવાની મંજુરી આપી સારાં દેખાવ અને સારા અભ્યાસને લીધે પ્રતિક જેવો પતિ અને આવુ સુખી સંપન્ન સાસરું મળ્યું. અહિં કોઈ વાતની ખોટ ન હતી. સસરાનું સારું એવું પેન્શન સાવે છે અને પ્રતિકનો પગાર પણ દરેક જરુરિયાતને સંતોષાય એટલો હતો તો પછી મારી નોકરીનો પ્રશ્ન જ ન હતો. આમ, પણ પ્રતિક માટે પૈસા કરતાં પરિવારનું મહત્વ વધું હતું અને પ્રતિકના એ સિધ્ધાંતને મેં સહર્ષ સ્વીકાર્યો અને આ પરિવાર સાથે જે પ્રેમની સગાઈ થકી નોકરી બંધાવી તેમાંથી મને સ્નેહ અને સંતોષનો ખૂબ સારો પગાર મળે છે. હું મારી જિંદગીથી ખૂબ ખુશ છું.” જીજ્ઞા તો જાણે બધુ સાંભળી અવાક બની ગઈ.

થોડીવારે  જીજ્ઞા બોલી, સ્કૂલ કોલેજની ટોપ છોકરીઓમાં જેની ગણતરી થતી, ભણવા સિવાય સીગીંગ, ડાંસીગમાં અવ્વલ,  કમ્પ્યૂટરની માસ્ટર એવી મેઘા આવું રસોયણ, આયા કે કામવાળાનાં કામ કરી ખુશ છે? મેઘા થોડી ઝંખવાઈ અને હસીને વાત ટાળવા પ્રયત્ન કર્યો પણ જીજ્ઞા આટલેથી અતકી નહિ તેણે વધારે ઊમેર્યું,” જો મેઘા આવી સુફિયાણી વાતો કરીને મને ન સમજાવ, સીધું જ કે ને કે તું કંઈ જ નથી કરતી. તારા જેવી ટેલેન્ટેડ છોકરી આમ પોતાની આવડત અને સ્કીલને ચુલામાં હોમી દે તે યોગ્ય નથી. તું બધા માટે આટલું કરે છે પણ અંતે તને શું મળે છે? તારાં માટે તું શું કરે છે? કામકાજ તો નોકર પણ સંભાળી લે, બાળકો તો આયા પણ મોટા કરી દે, તેના માટે તારે તારી આઝાદી શા માટે ગુમાવવી પડે? તે ક્યારેય તારા પર નજર કરી છે તું શું હતી અને શું થઇ ગઈ છો? મારું માન તો તારાં પગભર જ બનવું જોઇએ. જીજ્ઞાએ આગળ ઉમેર્યું, “મને જો મારી રીતે જીવું છું, આઝાદ છું, આત્મવિશ્વાસ્થી છલકી રહી છું.” ઘરમાં રહેવાવાળી સ્ત્રી માત્ર કામવાળી જ બનીને જ રહી જાય છે તેનો પોતાનો વિકાસ ક્યારેય ન કરી શકે.

જીજ્ઞાએ ઉમેર્યુ “મારી  ઓફિસમાં જ એક સોફ્ટવેર એંન્જીનિયરની જગ્યા ખાલી છે જો તું હા પડે તો હું વાત કરું. બે દિવસ પછી ઈંટરવ્યું છે અને તારા જેવી સ્માર્ટ સ્ત્રીને નોકરી ન મળે તે તો બને જ નહિં.”

થોડીવારે જીજ્ઞા જવા માટે ઊભી થઈ, નોકરી બાબતે મેઘાએ વિચારીને જણાવવા કહ્યું. જીજ્ઞા ચાલી ગઈ પરંતુ તેના કહેલા શબ્દો મેઘાના કાનમાં હજી પણ ગુંજી રહ્યા છે. સુખની સરવાણીમાં અસંતોષના શેરડાં ફૂટ્યાં અને એક જ વિચાર આવવા લાગ્યો. “ સાચી વાત છે ! મારી શું હાલત થઈ છે, હું કેવી હતી ને કેવી થઈ ગઈ છું. આ બધા વૈતરા કરી મને શું મળ્યું??”

આજે કોઈ કામમાં મેઘાનું મન નોતુ લાગતુ તેને થવા લાગ્યું બધાં પોતાના કામમાં અને વિચારોમાં વ્યસ્ત છે આજે મારી દરકાર પણ છે કોઈને ! બીજાં બધા તો ઠીક પણ પ્રતિકને પણ આજનો દિવસ યાદ ન રહ્યો ? જીજ્ઞા સાચું જ કહે છે, ‘હું માત્ર એક કામવાળી બનીને રહી ગઈ છું.’  બસ, આ ગડમથલે મેઘાને હચમચાવી મૂકી અને જાણે મનમાં ને   મનમાં પોતાના નોકરી કરવાના મનસૂબા પર મંજુરીની  મહોર મારવા લાગી. આજે તેણે બપોરે ગરમ રસોઈ પણ ન બનાવી, પ્રતિકનું કામ પણ  ન કર્યું કે ન તો નિશિથનાં લેશન પર ધ્યાન આપી શકી.

સાંજે છ વાગ્યે પ્રતિકનો ફોન આવ્યો, “ ઓફિસમાં મીટીંગ હોવાથી ડીનર લઈને જ ઘરે આવશે.” તેનાં દિયરે તો સવારે જ ના પાડેલી ફ્રેન્ડસ સાથે બહાર ડીનર પર જવાનો હતો.સાસું-સસરાં સંબંધીને ત્યાં ભજન સંધ્યામાં જવાનું કહીને જતાં રહ્યાં. મેઘાએ નિશિથ માટે જમવાનું બનાવા જાય ત્યાં નિશિથે પણ ના પાડી કહ્યું તેને પણ એક મિત્રની બર્થ ડે પાર્ટીમાં જવાનું છે કહીને તે પણ બહાર નીકળી ગયો.

ઘરનાં સ્ભ્યોનું આજના દિવસે આવું વર્તન જોઈ મેઘા એકદમ રડમસ થઈ ગઈ. તેણે મનોમન વિચારી લીધું કે, કાલે તે બધાને પોતાની નોકરી કરવાની વાત કરી દેશે.

સાંજના સાડા સાત થયાં સવારથી વિચારેલું, સાંજે તો બર્થ ડે પર પ્રતિકે અપાવેલો પીંક ડ્રેસ પહેરીશ અને તેની ફેવરીટ હોટલમાં જઈને સેલીબ્રેટ કરીશ પણ આ વિચારો પડતાં મુકી સોફા પર બેસી ટી.વી. જોવા રીમોટ હાથમાં લીધું.

પાંચેક મિનિટ રહીને ડોરબેલ વાગી, મેઘાએ દરવાજો ખોલ્યો તે કંઈ બોલે, વિચારે તે પહેલા તો તેનું આખુ ફેમિલી સાસું-સસરા, પ્રતિક, દિયર અને નિશિથ હાથમાં ગિફ્ટના બોક્સ, એક મોટો ફલાવર બુકે અને કેક લઈને “ સરપ્રાઈઝ !! સરપ્રાઈઝ !!” બોલતાં આવીને મેઘાને ઘેરી વળ્યાં. બધાં મેઘાને ભેટતા બોલ્યા, “ હેપ્પી એનીવર્સરી” મેઘાના ચહેરા પર આશ્ચર્ય સાથે ખુશી છવાઈ ગઈ. કેક ગોઠવી તેના દિયરે પ્રતિક અને મેઘા પાસે કેક  કટ કરાવી. તેના સાસુ-સસરાએ મેઘાને હાથમાં એક ગિફ્ટનું બોક્સ આપતાં કહ્યું, “ મેઘા આજના દિવસે જ તું આ ઘરમાં આવી અને અમારા ઘરને સ્વર્ગ બનાવી દીધું. અમને તારા માતા-પિતા સમજી અમારી પ્રત્યે તારો સેવા ધર્મ બજાવે છે તારાં આવ્યા પછી અમને કોઈ દિવસ દિકરી ન હોવાનો વસવસો નથી રહ્યો !!” આવું કહેતા  તેમની આંખો છલકી ગઈ. મેઘા બોલી, “ તમે આવું ન બોલો મમ્મી-પપ્પા, હું શું કરું છું ?? કંઈ જ નહિ ફક્ત આ ઘરના  રૂટિન કામ જ તો કરું છું !” મેઘાને આગળ બોલતી અટકાવી તેના દિયરે કહ્યું, “પ્લીઝ ભાભી તમારું રુટીન કામનું મહત્વ અમે સમજીએ છીએ મમ્મીની વાત સાચી છે તમે ક્યારેય તમારો પોતાનો વિચાર ન કરી અમારા બધા માટે ઘણું  કરો છો. એક મા, પત્નિ, વહુ, ભાભી અને મારા માટે એક આદર્શ મિત્ર બનીને રહો છો. તમારાથી આ ઘર સંપૂર્ણ છે.”

પ્રતિકે મેઘાનો હાથ હાથમાં લીધો અને ગીફ્ટમાં લાવેલી વીંટી પહેરાવતા કહ્યું , મેઘા, ખરેખર ! હું કેટલો ભાગ્યશાળી છું કે તારા જેવી પત્નિ મને મળી. આજે જ્યારે દરેક શિક્ષીત સ્ત્રી પોતાના કરીયર ખાતર બધું જ છોડે છે ત્યારે ફક્ત મારી ખુશી માટે તે તારું કરિયર છોડી દીધું. ઓફિસમાં મારી નિયમિતતા અને કામની ચોક્કસાઈની જે પ્રસંશા થાય છે તેની હકદાર પણ તું જ છો. તારા વગર હું જ નહિં મારો આખો પરિવાર અધૂરો છે તારા મતે તારું કંઈ જ ન કરવું અમારા માટે ઘણું બધું કર્યા સમાન છે. તારા પ્રેમ અને સમ્માન આ વીંટી કરતાં પણ ઘણાં જ અમૂલ્ય છે. તું એક સાચી સ્ત્રીનું સ્વરૂપ છે મેઘા… અમે તને ખૂબ જ ચાહીએ છીએ !! વી લવ યુ ડિયર !! વી લવ યુ વેરી મચ.”

છેલ્લે નિશિથ આગળ આવ્યો અને મેઘાને ભેટતા બોલ્યો, મમ્મી, તું કેટલી સારી છે, મારા બધા જ ફ્રેન્ડસ ટયુશન જાય છે જ્યારે તું મને ભણાવે છે. બધાની મમ્મી નોકરી કરે છે કોઈને એની મમ્મી નથી જમાડતી જ્યારે મને તો તું તારા હાથે જમાડે છે. તારી સાથે સુવડાવે છે અને સવારે તું જ તો મને જગાડે છે મમ્મી… તું મને બહુ વહાલી લાગે છે.” એમ કહેતા નિશિથે મેઘાના ગાલ પર એક વહાલભરી ચુમી કરી.

રાતે બધા સુઈ ગયા બસ માત્ર એક મેઘા જાગતી હતી. આંખમાં ઊંઘની જગ્યાએ અફસોસનાં આંસુ હતાં અને વિચારોના વમળ જેમાં તે ચકરાવે ચડી હતી. “ શું પોતાના પગભર હોવું જ સ્ત્રી સ્વાતંત્ર્ય છે? શું ભણીને  નોકરી કરવામાં જ અભ્યાસની સાર્થકતા હશે? ઘર, પરિવાર, સંબંધ, લાગણી બધું જ શું આ જમાનામાં આઉટડેટેડ બની ગયું? માનવીય સંબંધોમાં એક-મેકના અંતરમાં વસી અરસ-પરસ પ્રેમ, સમ્માન આપવા કે મેળવવા ખૂબ મોંઘા થઈ ગયા હશે? ઘરમાં રહીને પરિવારને સાચવનાર સ્ત્રીની કશી જ કિંમત નહિ કરતાં હશે??” એ જે લોકો પણ હોય, હું એમાંથી અલગ થઈશ.

બીજા દિવસે જીજ્ઞાનો ફોન આવ્યો મેઘાએ તેને જવાબ આપ્યો, “ સોરી જીજ્ઞા ! તારી વાતો સાંભળી હું ખૂબ મોટી ભૂલ કરવાની હતી. ત્યાં ઈંટરવ્યુંમાં કોઇ મારી રાહ નહિ જુએ કે મારા નહિ આવવાથી કોઇને કંઈ જ ફરક નહિ પડે પણ મારા ન હોવાથી મારા ઘરને અને મારા પરિવારને ખૂબ ફરક પડશે. આ વગર પગારની નોકરીમાંથી જે પ્રેમ, લાગણી, સમ્માનની આવક થાય છે તેની કિંમત તને નહિં સમજાય પરંતુ મને શું મળ્યું તેનો જવાબ મને મળી ગયો છે….!!

આટલું બોલતા ફોન મૂકી સામે ઊભેલા પ્રતિકને મેઘા પ્રેમથી ભેટી પડી અને આંખમાં આસુ સાથે એટલું જ બોલી શકી, ‘’ પ્રતિક કાલે આપણા લગ્નની વર્ષગાંઠ હતી અને મારો ….. મારો !! ફરી ગૃહ પ્રવેશ.”

લેખિકા : નિશા રાઠોડ  

રોજ રોજ નવી વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ – ” જલ્સા કરોને જેંતીલાલ”  

ટીપ્પણી