મુકેશ સોજીત્રાની કલમે લખાયેલ વાર્તા “પરકમ્માં” આજે જ વાંચો

 પરકમ્માં 

ગામ આખું સડક થઇ ગયું જયારે વાત જાણવા મળી કે નબુમાં અને એની વહુ વિલાસ દેવદિવાળી વખતે પરકમ્માં માં ગ્યાતા તે બોરદેવી પાસે બહુ ભીડ તે સાસુ વહુ નોખા પડી ગયાં ને તે પછી વહુ નો જડી એ નો જડી અને નબુ ડોશી આવ્યાં એકલાં.!! અને આમેય નબુ ડોશી કર્મના ફૂટ્યાં હતાં છ વરસ પહેલાં ધણી ગુમાવ્યો, એક વરહ પેલાં એકનો એક દીકરો ગુમાવ્યો અને આ દેવ દિવાળીએ વિલાસ વહુ. ચોરને ચૌટે ગામના ભાભાઓ આખી ઘટનાનું  પોસ્ટ મોર્ટમ કરવાં મંડાણાં  જેમ કુતરા ભાત વિંખે એમ!!

ચલમનાં ધુમાડા કાઢતાં કાઢતાં ખીમો બોલ્યો

ઓધા તું માન કે ના માન આ કોઈ બાવાનું કારસ્તાન હોય, બાકી વાતમાં માલ નહિ કે વિલાસ વહુ ને કોઈ ભગાડી જાય કે વિલાસ વહુ કોઈની સાથે ભાગી જાય!!, બાકી વહુ ખોવાણી હોય તો જડે તો ખરીને???  ત્યાં કેટલા પોલીસવાળા હોય??? એને કહે મોટા માઇક માં જાહેરાત થાય, નક્કી આમાં બાવાનો હાથ હોય”

“ખીમાની વાત સાચી છે કે જૂનાગઢમાં આવી વિદ્યા વાળા ય બાવા ય છે, એ ચલમ પીતા પીતાં જેની કોર ધુમાડો જાવા દે અને જે બાઈ માણસ ની ઉપર જાય ને એ પછી કોઈને નો ભાળે અને ઓલા બાવાને જ ભાળે, જેમ બકરી રજકાનાં પૂળા વાંહે ધોડે એમ જ!! તમાકુ ચાવતા ચાવતા  ઉકાભાભા એ પોતાનું બ્રહ્મજ્ઞાન રજુ કર્યું”

સો વાતની એક વાત બેય ઘરભંગ બાયુને ન્યાં પરકમ્માંમાં જાવાની જરૂર જ શું હતી,?? એટલી બધી ભક્તિ છમરા કાઢી ગઈ હતી, તે હવે નબુ ભલે ને ભોગવે, ભક્તિ કરવી હોય તો ગામમાં નથ્ય થાતી તે ઠેઠ જૂનાગઢ લાંબુ થાઉં પડેને વિહ ગાઉ  ટાંટિયા તોડો તો જ ભક્તિ થાય” વગર કારણે જેઠા ઉકળી ગયો. આમેય આ કાઠીયાવાડી ભાભાની એક મોટી ખાસિયત એ વગર કારણેય ઉકળી શકે.

“તારી સાત પેઢીમાં કોઈએ સત્યનારાયણની કથા ય નથી કરી ને જેઠા તું તો રેવા જ દેજે બોલતો જ નહિ, આ તો શ્રદ્ધાનો વિષય બાકી ગામમાં કોઈ કે કે જેઠા ભાભો આજ મંદિરે હતો તો જેઠા તારું ખાહડૂ ને મારું માથું, માટે જેઠા તું તો જાળવ્યો જ જા”  મગન આતા એ જેઠીયાને રોકડું પરખાવ્યું.. કારણ ગમે તે હોય પણ ગામ આખું ચકડોળે ચડ્યું હતું, પણ એક વાત સાથે સહુ સહમત કે વિલાસ વહુ ભાગે તો નહિ એ તો નક્કી હતું જ …. નક્કી કાંઈક બન્યું છે ને વિલાસ વહુ ખોવાણી છે!!!

આમેય આ ગામમાં નથુ આતાની છાપ સારી હતી, એક ભગત તરીકેની એની વહુ નબુ એ ઘરનો બધો કારોભાર  ઉપાડી લીધો હતો. કારોબારમાં તો પિસ્તાલીશ વિઘા જમીન એક ગાય, બે બળદ ને ત્રણ ભગરી ભેસું!! નામ તો એનું નર્મદા હતું, પણ ઉમર વધતાની સાથે બધા એને નબુ કહેતાં. એયને સુખેથી સંસાર ચાલતો હતો. મોટી ઉંમરે પારણું બંધાયું. ધણી ધણીયાણી ખુશ!! છોકરા નું નામ પાડ્યું મગન અને પહેલા તો આવા નામ જ પાડતાંને  મગન જયારે અઢાર વરહનો થયો ને ત્યારે સુરત ગયો, એ વખતે હીરાનો જમાનો આવ્યો હતો, લોકો જીરા વાળાને [ખેતી વાળાને ] છોકરી ના આપે હીરા વાળાને આપે. ખબર પડે કે છોકરો સુરત છે અને હીરા ઘસે છે તરત જ સગપણ ગોઠવાઈ જાય. બે વરહ હીરા ઘસ્યા નો ઘસ્યા ત્યાં ભગત દેવ થયાં ને નબુ માથે આભ ફાટી પડ્યું!! મગન આવતો રહ્યો દેશમાં અને હવે નબુ એ દીકરાનું સગપણ શોધવા માંડ્યું. પણ છોકરો ખેતીમાં ને તે કોઈ ઝટ દઈને હા નો પાડે. એવામાં વાત આવી કે બાજુના એક  ગામમાં કન્યા છે. નબુમાં ગયા ત્યાં જોયું તો થોરે કેળું!! ગામમાં જેની જરાય એક ટકોય આબરૂ નહિ એવા રણછોડને ઘરે આ વિલાસ, અને એય બિચારી ભાગ્યની ફૂટલ કે આવા ઘરમાં એનો પનારો પડેલ. છોકરીની માં એ ઘરઘરણૂ કરેલ ને વિલાસ ને આંગળીયાત લાવેલાં. આગલા ઘરના બેછોકરા હતા વિલાસથી મોટા, તોય રણછોડ ને કમત સુજેલી.  તે પછી તો વિલાસની માં પણ સ્વર્ગે સિધાવી ગયેલી ને રણછોડનુંય બોર્ડ પૂરું થઇ ગયેલું. એક વિલાસ ને બેય ભાયું વધ્યાં!! ભાયું તો કહેવા ખાતરના બાકી બેય ભાયું અને એની બેય બાયું મોજ કરે ને આખા ઘરનું કામ આ બિચારી વિલાસ પર!! મારકુટેય થાય!! માં સામી ગાળો ય બોલે કારણ કે સગી બહેન નહિ ને!! નબુ બે દિવસ રોકાણી ગામમાં સંબંધીને ત્યાં….. અને આખી વાતનો તાગ કાઢી લીધેલો, વિલાસને ય પૂછી જોયું, બિચારી કાંઈ ના બોલી પણ આંખમાંથી આંસુ પડ્યા ને નબુ એ નક્કી કર્યું કે આને આ નર્કમાંથી કાઢવી છે. બેય ભાઈ પૈસાના લાલચુ તે નબુએ દાણો દબાવ્યો,  વિલાસના સગપણની વાત કરી. અને મોટાભાઈ એ રોકડું પરખાવ્યું એના લગ્ન ના ખર્ચના ચાળીસ હજાર થાય,!! સગવડ  હોય તો આવવું બાકી અમને પચાસ હજાર દેવા વાળાય પડ્યા છે, મોડું કરશોમાં!! અને નબુ નો બાટલો ફાટ્યો, હવે ચાલીશ નહી પચાસની કાકી!! બોલ્ય પણ તારી બેન આવશે મારે દીકરા વેરે જ!!આમ મગનને પરણાવ્યો પણ આ સુખ લાંબુ ટક્યુ નહિ લગ્ન ના છ મહિના પછી મગન નું શરીર માંડ્યું લેવાવા!! ખેતીનું કામ થાય નહિ. મોટા દવાખાને બતાવ્યું કે લોહીનો બગાડ છે વારે વારે લોહી ચડાવું પડશે, નહીંતર વરસ દિવસ સેવા કરો, અને આમેય સાસુ કે વહુ બેમાંથી એક ને તો મગન પાસે સેવા કરવા રહેવું પડતું. ખેતી માટે ભાગિયો પણ આવ્યોને  ને ભાગીયો મળ્યો પણ સારો, વિસ વરહનો હતો પણ કામ ગજબનું કરતો, હતો દાહોદ બાજુનો. પણ સગા દીકરાની જેમ કામ કરે.!! એક બાજુ મગન નો મંદવાડ વધ્યો બે બે મહિને લોહી બદલાવવું પડે ને પણ ખેતીમાં એ વરસોમાં સારું પાકેલું બીજા કરતા ને…. તે વાંધો ના આવ્યો. ત્રણ વરહ આમને આમ ચાલ્યું ને અંતે મગને દેહ છોડ્યો. અને હવે નબુમાં સાવ અંદરથી પડી ભાંગ્યા. પણ દેખાવા ના દે!! ભાગિયાને કર્યો છૂટો અને હવે કોના માટે કમાવવાનું!! બને સાસુ વહુ થાય એટલી  ખેતી કરે. મગન ના અવસાન ને હજુ એક મહિનો પણ નહોતો થયો ને કે વિલાસનો મોટો ભાઈ આવ્યો વિલાસ ને તેડવા!!  કાયમ માટે લઇ જવા!!એને જોઈને જ વિલાસ રોવા મંડેલી,!! નબુ એ ચા પાઈને કીધું કે હવે જો આ ડેલીમાં પગ મુક્યો છે ને તો તારા ટાંટિયા ભાંગી નાંખીશ.!! કારણ કે એને હજુ વિલાસને પરણાવવી હતી અને એના બદલામાં પૈસા લેવા હતાં!! પૈસો શું ના કરાવે?? પણ નબુએ એવો તો લંગરાવ્યો કે ઈ તો ગાજતો જ ગયો.

આ દિવાળી એ મગન ને ગુજરી ગયે એક વરસ થઇ ગયેલ. પડવા ને દિવસે નબુ એ કીધું કે

” વિલાસ મારી એક છેલ્લી ઈચ્છા છે  ગિરનારની લીલી પરકમ્માં કરવાની. ભગત જીવતાં હતાં ત્યારે તો દર વરસે જતી, એના ગયા પછી એવો કોઈ સમય જ ના મળ્યો કે પરકમ્માં થાય, પણ હવે ભગવાને સમય આપ્યો છે ને તે છેલ્લી વાર મને તું એ ઈચ્છા પુરી કરાવી દે એટલે ગંગ નાહ્યા”

” જી બા” વિલાસ બહુ ઓછું બોલતી, વિલાસ ખાલી બહારથી જ રૂપાળી નહોતી પણ અંદરથી ય રૂપાળી હતી, અને જે અંદરથી રૂપાળું હોય ને એ બોલે ઓછું!!

તે કારતક સુદ દશમને દિવસે આ બને ઘર ભંગ સાસુ વહુ ઢસા થી જૂનાગઢની ટ્રેન માં ઉપડ્યા તે સાંજે પહોંચ્યા જૂનાગઢ. સાથે એક થેલો લીધેલો અને ડોશી એ પણ એક થેલી લીધેલી રસ્તામાં દામાકુન્ડે ચાલીને જતા હતા વિલાસે કહ્યું કે બા તમારી થેલી લાવો તમને ભાર લાગશે પણ નબુ એ ના પાડી કે એમાં શું ભાર લાગે અને આમેય ડોશીઓ મરે ત્યાં સુધી માથે  કૈંક ને કૈંક ભાર તો રાખેજ!! રાતે ઉતારો કર્યો ભવનાથ ની તળેટીમાં અને પછી રાતે બાર વાગ્યે કારતક સુદ અગિયારશને દિવસે રૂપાયતન સંસ્થા પાસેથી પરકમ્માની શરૂઆત થઇ!! તે બેય સાસુ વહુ ચાલ્યે નબુ બધું બતાવતી જાય!! અગાવની પરકમ્મા ના સ્મરણો વાગોળતી જાય!! બેય સવારે ઝીણાબાવાની મઢીએ પહોંચ્યા ત્યાં ઘડીક સૂતાં, ચારે કોર કીડીયારાની જેમ માણસો ઉભરાયેલું, એક બાજુ ભજન ચાલતા હોય તો બીજી બાજુ સવારમાં ચા નાસ્તો થતો હોય, આખી પ્રકૃતિ જાણે ઉત્સવનો આનંદ માણતી હોય એવું મનોહર દ્રશ્ય!!બપોર પછી સુરજકુંડ અને સરકડીયા હનુમાન થઈને બીજે દિવસે બપોરે માળવેલા પહોંચ્યા અને હવે એક જલારામ ઘોડી વટાવો કે તરત જ આવે બોરદેવી ને ત્યાંથી ખોડિયાર મંદિર ને આમ પરિક્રમા પુરી થાય. થોડો આરામ કરીને ત્યાં થી ઉપડ્યા હવે ઠીક ઠીક થાક લાગતો હતો. વિલાસે ફરીથી કીધું બા તમને ભાર લાગતો હોય તો લાવો થેલી પણ નબુએ કાંઈ હોંકારો ના ભણ્યો!! અને હવે આવી જલારામ ઘોડી એકદમ સાંકડો રસ્તો, એક ની પાછળ એક એમ જ ચલાય ને ખતરનાક ચડાઈ જાળવીને જ ચડવું પડે બાકી પરકમ્મા માં તમે ટોળામાં ચાલો તો ચાલે, પણ જલારામ ઘોડીએ એક સાથે બે માણસો ચાલી ના શકે. ટોચે પહોંચીને જોયું તો ત્યાં એમનો જૂનો ભાગીયો સૂરો ઉભો તો વિલાસનો નવાઈનો પાર ના રહ્યો  આ અહીં ક્યાંથી? નબુ માં ને વિલાસ મળ્યાં. બધાને આનંદ થયો થોડેક નીચે ઉતરીને ઓતરાદી કોર્ય એક વડના ઝાડ નીચે પહોરો ખાવા બેઠાં અને નબુમાં એ પોતાની થેલ્લી માંથી પોટલી ખોલી,જાણે કે પોતાનું પેટ ખોલ્યું!!!

“ જો વિલાસ બેટા, સુરા ને મેજ બોલાવ્યો છે, આટલા મનેખમાં એ આપણને ક્યાં ગોતે?? એટલે જ મેં એને કિધુતું કે જલારામ ઘોડીએ તું સવારથી ઉભો રહેજે અમે સાંજ સુધીમાં પહોંચી જઈશું!! વિલાસ બેટા વાત ને બરાબર સાંભળજો હો !!  મગન શરૂઆતથી જ બીમાર બેટા!!, પણ તોય તે ત્રણ વરસ કાઢ્યા બેટા, બીજી હોયને તો જતી રહે!! પણ તું ખાનદાન બેટા!! સાચું ખાનદાન!! અને આ સુરાને પણ તારા પ્રત્યે લાગણી એ મેં ત્રણ વરહમાં જોયેલું.. એણે પણ કોઈ દી મર્યાદા ના છાંડી , મેં એને મારા સોગન્દ દીધાને ત્રણ વાર ફોન કર્યો ને ત્યારે એ આવ્યો છે. હું તો હવે ખર્યું પાન કાલ સવારે હોઉં ના હોઉં તારું કોણ???

આજુબાજુમાં ક્યાંય તારા યોગ્ય મુરતિયો નથી અને હોય તોય તમને જીવવા ના દે બેટા, અને તારો ભાઈ મારા ગયા પછી તને વેચી નાંખે તો આપણાં ગામમાંથી કોઈ તારી વહારે ના આવે.તારો ભાઈ તને ગમે ત્યાં પરણાવે તો દુખી જ થવાનું ને!! આપણા  ગામ આખાને હું જાણું !!ગામ આંખાની  છઠ્ઠીમાં ય હું ગયેલી!! જે લોકો, એના ભાઈ બંધ, મગન બીમાર હતો ત્યારે ક્યારેય નો આવતાં એ એના ગયા પછી અવારનવાર આવવા માંડ્યા.. વાતું મારી હારે કરે અને નખ્ખોદિયાની નજર રસોડા બાજુ જ હોય, એક વરહ મેં આ બહુ જોયું,!! મારો આત્મા કકળતો, અને કોઈ એવો છોકરો નજરમાં જ ના આવે કોની હારે મારે તને વળાવવી. એકલા સુંદરતા સાચવવીને બહુ જ કઠણ અને મને આ સૂરો સાંભર્યો. આ એક જ તને સાચવી લેશે, એય ને જતી રહે એના વતનમાં!! સુખી થાવ!! તારે ઘરે થી, એ નરક માંથી હું તને લાવી પણ મારા ગયા પછી તને ફરીથી નરક ના મળે એ પણ મારે જોવુને!! અને આમાં આપણી પેઢી દર પેઢી ના સચવાયેલા ઘરેણાં છે!! તને સોંપું છું બેટા!! ” અને નબુ એ પોટલી વિલાસને અંબાવી.ત્રણેય ચોધાર આંસુ એ રડયા. વિલાસ ઉભી થઇ સાસુને ભેટી પડી. જિંદગીમાં એણે સાસુને કોઈ કામની ના પાડી નહોતી, વિલાસ તો અંદરથીય રૂપાળીને!! નબુએ સુરાને પણ બાથમાં લીધો. એક અનોખું મિલન સર્જાયું!! છેલ્લે નબુ બોલી. ” જતા રહો તમે કોઈ દિવસ આ બાજુ આવશોમાં કે મારા ખબર અંતર પુછશોમાં કે ખોટી ચિંતા કરશો નહિ, ગામને હું સંભાળી લઈશ… જે વાતો થાય એ હું પચાવી લઈશ.. ભગવાન તમારી વાડી લીલી રાખે એય ને તમે જિંદગીની પરકમ્મા લહેરથી કરો જાવ. હવે પાછું વાળીને જોશો નહિ….અને હા એક વરહ પછી બરાબર આજ દિવસે તમે કબીરવડ મારી રાહ જોજો જો જીવતી હઈશ તો છેલ્લી વાર મળી લઈશ નહીંતર જય ગિરનાર” અને નબુમાં આગળ ચાલ્યા ગયાં હવે એની પાસે થેલી નહોતી, થેલીનો ભાર નહોતો, પાછું વાળીનેય ના જોયું, બસ સડેડાટ ચાલ્યા! જીવન પરથી એક મોટો ભાર નબુમાં એ ઉતારી નાંખ્યો હતો.

થોડોક સમય વાત ચાલી ગામમાં કે વિલાસ નું શું થયું..?? પછી ગામ ભૂલી ગયું નબુમાંએ આ વખતે ખેતીમાં ખાલી જાર જ વાવી અને એ પણ ગાયોને ખવરાવવા… ધીમે ધીમે એ બંધન ઓછું કરતા ગયાં. ભેશું કાઢી નાંખી, બળદ હતા એ ગામમાં એક નબળું કુટુંબ હતું એને આપી દીધા. એક ગાય રાખી. નોરતા પુરા થયાં ને એણે એના શેઢા પાડોશીને પૂછ્યું કે

“લખમણ, તારે જોતી હોય તો પેલો હક તારો બાકી હવે મારે જમીન વેચવી છે” લખમણે જમીન લીધી. ગામ દાંત કાઢે કે નબુ નું હવે પુરે પૂરું છટક્યું છે ડોશી આટલો પૈસો લઈને જશે  ક્યાં??!! ના આગળ ધરાળ છે ના પાછળ ઉલાળ છે!!  બસ કારતક સુદ દસમને  દિવસે ગામના બાવાજી જે મંદિરની પૂજા કરતા એને બોલાવીને ગાય અને મકાન સોંપી દીધું. જે મૂડી હતી એનું એક પોટકું બાંધ્યું ને સુરતની બસમાં બેસીને નબુ ડોશી ભરૂચ ઝાડેશ્વર ચોકડીએ ઊતર્યા ને બરાબર આપેલા સમયે કબીરવડ પહોંચ્યા..!! અને દૂરથી જોયું તો સૂરો અને વિલાસ ઊભેલાં નબુમાં ત્યાં ગયાં સૂરો ભેટી પડ્યો. વિલાસના હાથમાં એક માસનું બાળક હતું. નબુમાં એ બાળકને તેડ્યું!! વહાલ કર્યું!! બધા રેતીમાં બેઠા, વિલાસ નું તેજ એવુને એવું જ હતું. વિલાસના ભાતામાંથી થોડું ખાધું. અને પછી જે રકમ હતી એ સોંપીને કીધું.

“આ છેલ્લો ભાર પણ હવે તમને સોંપી દઉં છું, હવે કાલે મોત આવેને તોય મને મંજુર છે”

“બા તમે અમારી ભેગા ચાલો” સુરા એ કીધું અને વિલાસની આંખમાં પણ એજ ભાવ હતો..

” ના બેટા હજુ ભગતની એક ઈચ્છા પુરી કરવાની છે, તમને તો ક્યાંથી ખ્યાલ હોય પણ જયારે જયારે અમે ગિરનારે પરકમ્મા કરવા જાતને ત્યારે ભગત કહેતા કે એક વાર નર્મદાની પણ પરકમ્મા કરવી છે, અને પછી એ વાતો કરતાં કે એ પરકમ્માં બહુ અઘરી, વગર પૈસે થાય બધું છોડીને જ થાય!! ખુબ સાંભળી એની વાતો.!! ભગત તો એ ના કરી શક્યાં. પણ એની ઈચ્છા હું પુરી કરીશ, પણ આંસુ ના પાડતાં હવે, મને હસ્તે મો એ વિદાય આપો, અનેય આમેય હું નબુ અને નબુને અંત કાળે તો માં નર્મદા જ સાચવેને??!!”

અને નબુમાં ફરીથી સડસડાટ ચાલ્યા માં નર્મદાને કિનારે આ વખતે પણ એણે પાછું વાળીને ના જોયું, વિલાસ, સૂરો અને તેનું નાનું બાળક જ્યાં સુધી નબુમાં દેખાતા હતાં ત્યાં સુધી ઉભા રહ્યા.!!

લેખક:- મુકેશ સોજીત્રા 

ખુબ જ ભાવ સભર નવલિકાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ : ” જલ્સા કરોને જેંતીલાલ”

 

 

ટીપ્પણી