એસ.એસ.સી. બોર્ડમાં ૯૬.૯૮% બીજા ક્રમે આવેલી નીકિતા દરેક વિદ્યાર્થીઓ માટે છે પ્રેરણારૂપ, જાણો તેના વિશે…

એસ.એસ.સી. બોર્ડમાં ૯૬.૯૮% બીજા ક્રમે આવેલી નીકિતા દરેક વિદ્યાર્થીઓ માટે છે પ્રેરણારૂપ, જાણો તેના વિશે… રીક્ષા ચાલકની બોર્ડ રેન્કર દીકરી બનવા ઇચ્છે છે પ્રોફેસર… જાણો તેણે કયા સંજોગોમાં હાંસલ કરી છે સફળતા…


૯૬.૯૮% લાવીને બોર્ડમાં બીજા નંબરે આવેલી રીક્ષા ડ્રાઈવરની દીકરીએ સાબીત કરી બતાવ્યું કે કોઈપણ વિપરિત સંજોગોમાં પણ અપાર સિદ્ધિઓ મેળવી શકાય.

આપણે આપણાં બાળકને તે પાણી માગે અને આપણે તેને હાથમાં દૂધનો કટોરો આપી દેતાં અચકાતાં નથી. અને કેમ ન આપીએ? આપણે જે કંઈપણ જીવનમાં કમાઈએ છીએ અને જે કંઈપણ આપણું છે એ આપણાં સંતાનોનું જ તો હોય છે ને? બાળક નાનું હોય ત્યારથી તેની દરેક ડિમાન્ડ પૂરી કરીએ છીએ ત્યારે એ નથી વિચારતાં કે તેમને મોટાં થતાં જો બધી જ માગ પૂરી કરીશું તો ભવિષ્યમાં તેમને કોઈ તકલીફ તો નહીં પડે ને?


બાળકોને વિપરિત સંજોગોમાં પણ મહેનત કરીને સિદ્ધિ મેળવવાનું શીખવતાં ભૂલી તો નથી જતાંને? બાળકોને દરેક સંજોગોમાં, જે પણ પરિસ્થિતિ મળે તેમાં અનુકૂળ થઈને રહેતાં પણ શીખવવું જોઈએ. માતાપિતાની એ માત્ર ફરજ નથી કે બાળકનું ભરણપોષણ કરે, માતાપિતાની એ પણ જવાબદારી છે કે તેને એવી સમજણશક્તિ આપે કે તે કોઈપણ સ્થિતિનો સામનો કરવા સક્ષમ થાય અને પરિક્ષાઓ માત્ર અભ્યાસની જ નહીં બલ્કે જીવનમાં દરેક પરિક્ષાઓમાં સફળતાપૂર્વક ઉત્તીર્ણ થાય.


એવો જ એક ઉત્તમ દાખલો આજે લઈને આવ્યાં છીએ. મોરબીની વિદ્યાર્થીની, જેણે આ વર્ષ ૨૦૧૮ – ૧૯ની એસ.એસ.સી. બોર્ડ ૧૦મા ધોરણમાં આખા ગુજરાત રાજ્યમાં બીજા નંબરે આવી છે. નીકિતા વિશે વાત આગળ કરીએ તો આપને તેના પર ગર્વ થશે અને તેના વિશે જાણીને નવાઈ પણ લાગશે.


પારિવારિક સંજોગોઃ

નીકિતાનું આખું નામ છે, નીકિતા ભરતભાઈ મૂછડિયા. તે મોરબી શહેરના સામાન્ય વર્ગના પરિવારમાંથી આવે છે. તેના પિતા એક રીક્ષાચાલક છે. નીકિતાના માતા ગૃહિણી છે. તેમણે નીકિતાની પરવરિશ અતિશય સામાન્ય બાળકની જેમ જ કરી છે. તેણે અભ્યાસ માટે કોઈ મોંઘો ખર્ચો કે ફી ભરીને મોંઘા ક્લાસિસ નથી કર્યા.


નીકિતાનું રીઝલ્ટ જાણીને પરિવારમાં સૌ કોઈ ખુશ થઈ ગયા. તેના પિતાની આંખોમાં હર્ષના આંસુ આવી ગયાં. ભલે એમણે દીકરીને સામાન્ય જીવનથી વિશેષ કોઈ સગવડો નહીં આપી શક્યા હોય પણ આજે રાજ્ય આખામાં નામ કરીને તેણે માતાપિતા અને આખા પરિવારને અપાર સુખ અને ગૌરવ અપાવ્યાં છે.

નીકિતાની સફળતા વિશે તેનું શું કહેવું છે?

સાર્થક વિદ્યાલયમાં ભણતી નીકિતાના ૯૯.૯૮ પર્સન્ટાઈલ અને ૯૬.૯૮% સાથે જિલ્લા ફ્સ્ટ અને બોર્ડ સેકન્ડ આવેલી નીકિતાએ સામાન્ય ગુજરાતી શાળામાં અભ્યાસ કરીને પણ સખત પરિશ્રમ કરીને આ સિદ્ધિ મેળવી છે. તેનું કહેવું છે કે તેણે લગભગ દરરોજ સાતથી આઠ કલાક અભ્યાસ કર્યો છે. અને દરેક વિષયને ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે.

નીકિતાની ઇચ્છા શું છે?


નીકિતા આગળ જઈને કોઈ મોંઘો ઇજનેરી અભ્યાસ કરવા નથી ઇચ્છ્તી. તે સામાન્ય પ્રવાહમાં એડમીશન લઈને વધુ અભ્યાસમાં માસ્ટર્સ કરવા ઇચ્છે છે. તેનું સપનું પ્રોફેસર બનવાનું છે.

એવું નથી કે જો તમારી પાસે બધી સુખ સાહેબી હોય અને બધી જ ઇચ્છાઓ પૂરી થતી જ હોય તો મહેનત કરવાની તો કોઈને જરૂર નથી પડતી. હા, વિપરિત સંજોગોમાં પણ તમે તમારા માટે આગવો રસ્તો શોધીને ઊંચું સ્થાન બનાવશો તો એ સફળતાનો સ્વાદ કંઈક ચોક્કસ જુદો જ લાગશે…

નીકિતાએ સાબીત કરી બતાવ્યું છે કે તેની મહેનત જ્ઞાતિ, ધર્મ કે દીકરો – દીકરી જેવી પ્રગતિમાં બાધા બનતી વિચારધારાને ફગાવી દીધી છે. તેણે માત્ર પરિવારનું જ નહીં, પણ શાળાનું, શિક્ષકોનું અને મોરબી શહેરનું નામ રોશન કરનારી આ સમજુ અને હોંશિયાર દીકરી ભવિષ્યમાં આખા ગુજરાતનું અને દેશનું નામ ઉજાળે એવી આશા કરીએ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ