ચાલને યાર રીસ્ટાર્ટ કરીએ… કાશ સંબંધોમાં પણ આવું થઇ શકતું હોત..

કમ્પ્યુટર પર કામ કરતા હોઈએ અને બધું હેંગ થઈ જાય પ્રોગ્રામ NOT RESPONDING બતાવે ત્યારે સી.પી.યુ. માં આપેલું નાનકડું બટન દબાવીએ કમ્પ્યુટર રીસ્ટાર્ટ થાય અને પાછું બધું હતું એમનુંએમ થઈ જાય…કેટલું સરસ નહી..કાશ! જિંદગીમાં સંબંધો માટે પણ આવું બટન હોત તો! કાંઇક અણગમતું થાય ને એ બટન દબાવીએ એટલે પાછું બધું સુંદર મજાનું હોય એમનું એમ થઈ જાય…

આરોહી અને આરુષી બંને ખાસ સહેલી સ્કુલથી સાથે અને કોલેજમાં પણ સાથે એડમિશન મળેલું ..બંનેને એકબીજા પ્રત્યે અપાર સ્નેહ, હમેશા સાથેજ રહેતા એટલી હદે કે બંનેના આખા કુંટુબના લોકો એ એકબીજાને ઓળખતા..જીવ જુદા નહી, ઘરના ક્યારેક કહેતા પણ ખરા કે તમારા માટે તો એકજ ઘરના બે મુરતિયા શોધવા પડશે..કોલેજમાં આવ્યા ને બહારની દુનિયાથી પરિચિત થવા લાગ્યા બંનેની પોતાની વિચારસરણી વિકસવા માંડી, ને નાની વાતોમાં થતી ચર્ચાઓમાં બંનેના વિચારો જુદા-જુદા થવા લાગ્યા…આ નાના-નાના મતભેદો અંતે મનભેદમાં આકાર પામી ચુકેલા.. હરેક ક્ષણ સાથે વિતાવતી એ બંને સહેલીઓ હવે એકબીજા સાથે ઓછો સમય ગાળતી થઈ… મતભેદો એટલી હદે વધી ગયા કે બંને ને લાગવા લાગ્યું કે હવે એને મારી સાથે નથી ફાવતું એ હંમેશા મારી વાતનો વિરોધ કરે છે અને બેઉ વચ્ચે આવેલું અંતર વધીને સંબંધના છેડે આવી ઉભું રહી ગયું..બેઉ ઘણું રડ્યા પણ ખરા અને ઘરના સમજાવવાનો પ્રયત્ન કરતા તો કહેતા એ નથી બોલતી તો હું શું કામ બોલવું..? .. વર્ષોથી સાથે રહેતા વ્યક્તિ સાથે હંમેશા માટે છેડા કપાઈ ગયા… બંને પોતાની જિંદગીમાં આગળ વધવા લાગ્યા પણ મનમાં બંનેને ડગલે ને પગલે એકબીજાની ખોટ વર્તાતી પોતાની જિંદગીનો અમુલ્ય સંબંધ ગુમાવ્યાનું દુઃખ બેઉને જીવનભર ચળ્યા કરતું..

ઘણીવાર જીવનમાં બનતું હોય છે સામેની વ્યક્તિની ઘણી વાતો આપણને ના ગમે..ત્યારે આપણે એ વાતોને છોડવાને બદલે એ વ્યક્તિને છોડી દેતા હોઈએ છીએ.. મનમાં એના માટે ઘણી લાગણી હોય છે પણ એની સામે “હું પણાનું” પડલુ એટલું વજનદાર બની ગયું હોય છે કે એ લાગણીઓને આપણે મનમાં જ દફનાવી દઇએ છીએ…અને હ્રદયમાં ઊંડા નીશાશા લઇ દુખી થયા કરીએ… ભલે વર્તનમાં ના દેખાય પણ મનમાં તો એ આશાની જ્યોત જલતીજ હોય છે કે એ મને બોલાવે…બંને બાજુ આ જ વિમાસણ કોઈ સામેથી પહેલ ના કરે અને અંતે સંબંધ પુરો…એક જુનું ગીત છે “તુમ્હે એ જીદથી કે હમ પુકારે હમે એ ઉમ્મ્મીદ વો પુકારે, હેં નામ હોઠો પે અભી લેકિન આવાજ મેં પડ ગઈ દરારે..”

માનુષી અને માનવ પતી-પત્ની, ચાર વર્ષના લવ-જીવન બાદ બેઉ લગ્ન-જીવનમાં જોડાયા…શરૂઆતના છ મહિના બધું સરસ ચાલ્યું, પછી ધીરે ધીરે નાની-નાની વાતોમાં ચર્ચાઓ વધવા લાગી,પસંદ-નાપસંદ, ગમા-અણગમા, જવાબદારીઓ, વચ્ચે એકબીજા પ્રત્યેની ખારાશ વધવા લાગી. માનુષીએ લાગતું કે માનવ હવે તેને પહેલા જેવો પ્રેમ નથી કરતો, સામે માનવને થતું જે રાત પડે પણ મારાથી પરાણે દુર જતી માનુષી એને લગ્ન પછી મારી માટે સમયજ નથી.. બંનેના જીવનમાં પ્રેમ તો હજીયે એટલોજ હતો પણ સાથે સાથે ગેરસમજણ પણ ઘર કરી ગઈ રોજરોજના ઝઘડા વધવા લાગ્યા..ને બંને છુટા પડી ગયા…માનુષી ઘર છોડી નીકળી ગઈ..વાત ડિવોર્સ સુધી આવી ગઈ… હંમેશા સાથે રહેવાની કસમો ખાનારા બેય હમેશા માટે એકબીજાથી દુર રહેવાનો નિર્ણય કરી ચુકેલા.. માનુષીના ગયા બાદ માનવને એની ખુબ યાદ આવતી થતું પણ ખરું કે એને સોરી કહું અને લઇ આવું પાછી ..પણ પાછો મનમાં એમ પણ વિચાર આવતો કે જો એની ઈચ્છા નથી તો પરાણે મારી સાથે રાખવાનો કોઈ મતલબ નથી …સામે માનુષીની હાલત પણ આવીજ હતી.. પોતે ઘર છોડીને આવેલી અને પાછા જવામાં પોતાનો ઈગો વચ્ચે આવતો.. એને રાહ જોયા કરી કે માનવ એક વાર કહેશે અને પોતે દોડીને એની પાસે પહોંચી જશે… બેય વચ્ચેનો પ્રેમ, લાગણી અને હુંફ એમનાએમ જ હતા એક ગેરસમજણ પ્રવેશી અને બધું હતું નહોતું થઈ ગયું…

બે વચ્ચે જયારે નાની-મોટી અથડામણ થાય ત્યારે થતી દલીલો સામે જે તે સમયે એટલો આક્રોશ હોય છે મનમાં કે લાગણીઓ માટે જગ્યા નથી રહેતી.. અને એકબીજાની ભૂલો શોધવા લાગીએ છીએ.. જે સમયે ઝઘડો શરુ થયો હોય એ મુદ્દ્દો તો બાજુ પર રહી જતા આપણે પહેલાની વાતોને યાદ કરીને વધારે લડી પડીએ છીએ… સામેની વ્યક્તિજ આપણને ખોટી લાગ્યા કરે… આ કોમ્પીટીટીવ યુગમાં આપણને જીતવા માટેજ લડવાની આદત પડી ગઈ છે અને સંબંધો માટે પણ આપણે એજ અભિગમ અપનાવવા લાગ્યા છીએ… પોતે સાચા છીએ એ સાબિત કરવામાં આપણે ઘણું એવું કરી નાંખી દુ:ખને આમંત્રણ આપતા હોઈએ છીએ … જગતમાં કંઈ સંપૂર્ણ નથી… ક્યારેક આપણી પણ ભૂલ હોઈ શકે તો ક્યારેક સામેવાળાની પણ.. એકવાર ભૂલ ને ભૂલી જઈએ.. પણ આપણે એવું નથી કરતા ભૂલવા જેવું બધુંજ આપણે ગોતી ગોતીને યાદ રાખીએ છીએ, વારંવાર એને વાગોળી પોતે દુખી થઈએ અને સામે વાળાને એનો અહેસાસ કરવી એને પણ દુખી કર્યા કરીએ છીએ…

સંબંધોમાં ભૂલો, ગેરસમજણ, અથડામણ, બધું સહજ છે પણ આ બધાને એટલું મોટું ના થવા દેવું કે એ આખા સંબંધ ને ગળી જાય.. આ બધાની નાની-નાની શરૂઆત ક્યારેક નફરતનું પહેલું પગથીયું સાબિત થતી હોય છે… જયારે સંબંધોમાં ઓટ આવવાની શરૂઆત થાય ત્યારે યોગ્ય સમય જોઈને આમેની વ્યક્તિ સાથે ખુલ્લા મને પોતાના મનની વાત રજૂ કરી દેવી જોઇએ.. કે મને આ નથી ગમતું અને આ ગમે છે તમે આવું કહ્યું તો મને દુઃખ થયું…અને ગેરસમણ ને દુર કરવાનો પ્રયત્ન એકવાર તો કરવોજ જોઇએ… એ ના કરે તો આપણે કરીએ..શું ખબર આપણી પહેલ કરવાથીએ એ આખે આખો માણસ અનલોક થઈ જાય,નફરતની કુંપણ ઉગતા પહેલાજ ગેરસમજણનું બીજ ડીલીટ થઈ જાય… સંબંધ જે અંત કિનારે આવીને ઉભો હોય એમાં લાગણીઓની લહેરો ઉમટી પડે… પોતાના અહંમને એકવાર ઓગાળવાની સામે આખે આખો સજીવન સંબંધ ભેટ મળે… કોઇપણ સંબંધ પૂરો કરતા પહેલા એને એક તક જરૂર આપવી જોઇએ બને કે એજ વ્યક્તિ સાથે ભવિષ્યમાં તમારો સંબંધ સૌથી શ્રેષ્ઠ સાબિત થાય.. જીવનમાં ભૂલોને ભૂલવાની પણ મજા છે, પોતાની વ્યક્તિ સાથે ઝઘડવાની અને રીરીશાવાની પણ મજા છે, અને એ મનાવે ત્યારે માની જવાની પણ મજા છે…

શરીર ને જીવતું રાખવા લોહી અને હ્રદય જેટલા જરૂરી છે એટલુંજ મહત્વ જીવન માટે સંબંધોનું છે .. સંબંધો હંમેશા જિંદગીને જીવતી રાખે છે… એનર્જી માત્ર ખાવા અને સુવાથી જ મળે એવુ નથી કંઈક મનગમતું કરવાથી પણ મળે છે મનગમતી વ્યક્તિને મળીએ એટલે રીચાર્જ થઈ જવાય.. અને એ જયારે જીવનમાંથી દુર થવા લાગે ત્યારે જીવનમાં કંઈક ખૂટવા લાગે છે… એને ના રોકવાની લાગણી મનના એક ખૂણામાં અફસોસ ને જન્મ આપે છે… જે આખી જીંદગી એક દુ:ખ બનીને જીવનમાં રહી જતું હોય છે…જિંદગીને ખુશીઓથી ભરપુર રાખવા શું પોતાની વ્યક્તિને એકવાર એવું ના કહી શકાય… “જે થયું એ થયું.. બધુજ ભુલી જઈએ… ચાલને યાર એકવાર સંબંધને રીસ્ટાર્ટ કરીએ”

એકબીજાના પ્રેમને કરીએ સેવ,
નફરતના બીજને ડીલીટ કરીએ …
ચાલને યાર,…એકવાર રીસ્ટાર્ટ કરીએ…
મનગમતું બધું રિસ્ટોર કરી,
થયેલી ભૂલોને એડીટ કરીએ …
ચાલને યાર,…એકવાર રીસ્ટાર્ટ કરીએ…
ખુશીઓથી દિવસને કરીએ લોગ ઇન,
નવા સપના સાથે શટ ડાઉન કરીએ…
ચાલને યાર,…એકવાર રીસ્ટાર્ટ કરીએ…
મન પર હજી,
સ્પર્શનો પાસવર્ડ અકબંધ છે …
સહેજ અડકીએ એકબીજાને…
લાગણીઓને અનલોક કરીએ…
ચાલને યાર,…એકવાર રીસ્ટાર્ટ કરીએ…
અહંમનો વાઇરસ રીમુવ થઈ જાય,
એવી સમજણની સ્કેનીંગ સિસ્ટમને ઇન્સ્ટોલ કરીએ…
ચાલને યાર,…એકવાર રીસ્ટાર્ટ કરીએ…
પરસ્પર વ્હાલથી રાખીએ જિંદગીને અપડેટ,
ચાલને સંબંધને આપણા અપગ્રેડ કરીએ
ચાલને યાર,…એકવાર રીસ્ટાર્ટ કરીએ…

લેખક : સ્વાતી સીલ્હર

દરરોજ આવી અનેક વાર્તા વાંચો ફક્ત અમારા પેજ પર – જલ્સા કરોને જેંતીલાલ 

ટીપ્પણી