લીંબોર્ગિની ગાડી વિષે તમે જાણતા હશો પણ તેની શોધ એ અપમાનનો બદલો લેવા માટે થઇ હતી..

ઈટાલીના એક ખેડૂત પરિવારમાં જન્મેલા ફારુચિયો લીંબોર્ગિનીએ પોતાની લગન અને મહેનતથી ટ્રેકટર બનાવતી એક કંપની શરૂ કરી. થોડા સમયમાં ફારુચિયોની આ કંપની ઇટાલિની નામાંકિત કંપનીઓમાં સ્થાન પામી. ફારુચિયોને કાર ખૂબ ગમતી એટલે એ વખતે એણે દુનિયાની સૌથી શાનદાર ગણાતી ફેરારી 250 ખરીદી.

કાર ચલાવતી વખતે ફારુચિયોને એવું અનુભવાયુ કે આ વર્લ્ડક્લાસ કારના કલચમાં પ્રોબ્લેમ છે. એમણે ફેરારી કંપનીના માલિક એન્જો ફેરારીની એપોઇન્ટમેન્ટ લીધી અને સીધા એમને જ મળવા પહોંચી ગયા. ફારુચિયોએ ફેરારીની મળીને એની કારના કલચમાં થતી પરેશાનીની વાત કરી.

વાત સાંભળીને એન્જો ફેરારી હસી પડ્યા. દુનિયાની નામાંકિત કાર વિશેની આવી ટિપ્પણી સાંભળીને એન્જો ફેરારીએ કહયુ, “મિસ્ટર, આ ખેતરમાં ચલાવવાનું ટ્રેકટર નહીં લક્ઝુરિયસ કાર છે. ટ્રેક્ટરવાળાને આમાં કાંઈ ખબર ના પડે. ખામી મારી ગાડીમાં નહીં પણ ગાડી ચલાવનારા ડ્રાઈવરમાં છે.”

એન્જો ફેરારીની આ વાત ફારુચિયોને હૃદયમાં ખૂંચી. ફેરારીએ કરેલા આ અપમાનનો જડબાતોડ જવાબ આપવાનો એણે નિશ્વય કર્યો. ફેરારીને પણ ટક્કર મારે એવી કાર બનાવવા માટે 1963માં સેન્ટ અગાટ નામના નાનકડા શહેરમાં ફારુચિયોએ એક ફેક્ટરી શરૂ કરી અને દુનિયાને અતિ લક્ઝુરિયસ તથા સ્પોર્ટ્સ કાર લીંબોર્ગિનીની ભેટ મળી. અપમાનનો બદલો લેવા માટે જ બનાવેલી લીંબોર્ગિનીએ આજે ફેરારીને પાછળ રાખી દીધી છે.

મિત્રો, કોઈ તિરસ્કાર કે અપમાન કરે ત્યારે દલીલો કરીને નહીં પણ કોઈ નક્કર કામ કરીને સામેવાળાની બોલતી બંધ કરવાનો ફારુચિયો લીંબોર્ગિનીનો આ રસ્તો અપનાવવા જેવો ખરો.

લેખક : શૈલેશ સગપરીયા

આવી જ પ્રેરણાદાયી પોસ્ટ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી