“લવ મેરેજ” – યુવાનીમાં થઇ ગયેલી ભૂલ માંથી મળ્યો છુટકારો…

ધીમે ધીમે વહેતા પવનની લહેરખીમાં નયના એકીટશે તુલસીક્યારાની બાજુમાં ખીલેલા નાનકડા ગુલાબને એ નીરખી રહી હતી. ત્યાજ એની નજર ગુલાબ આસપાસ રંગ વિખેરતા પતંગીયા પર પડી. પતંગીયું ઉડતું ઉડતું બારીમાં થઇ આખરે ઘરમાં પ્રવેશ્યું. ઘર જાણે કે રંગીન મેઘધનુષ્ય, ઘડી બે ઘડીમાં તો ઘર જાણે કે સુખના હિલ્લોળે ચડ્યું. નયનાએ વિચાર્યું આ સુખ પણ સાવ પતંગીયા જેવું જ છે. થોડી વાર આવે તો બધું રંગીન…અને જાય તો બધું બેરંગ..નિસ્તેજ. થોડી વારમાં પતંગિયું આવ્યું એજ રસ્તે ઘરમાં રંગીન તેજ-લીસોટાઓ મૂકી અદ્રશ્ય.

નયનાની આખો ઉભરાઈ. એ વિચારવા લાગી કે ક્યાં મારો પ્રેમી કિરણ અને ક્યા આ ઐયાશી, વાસનામાં ડૂબેલ પતિ કિરણ ? સવારના સોનેરી હુંફાળા કિરણની જેમ મારા જીવનમાં પ્રવેશેલો, અને આજ એ જ કિરણનો સ્પર્શ જાણે કે દઝાડે છે. પિતાએ તો ઘણું સમજાવી હતી કે

બેટા..યુવાનીના ઉંબરે થતી ભૂલ, એના કારણે કઈ આખી જિંદગીભરનો પછતાવાનો ભારો તો ના જ બંધાય. પણ ત્યારે કિરણના પ્રેમમાં ગળાડૂબ થયેલી નયનાને પિતાના શબ્દો નિરર્થક લાગ્યા. એ લવ મેરેજ કરે પિતાની આબરૂને લાંછન લાગે એ પહેલા, લાચાર પિતાએ દીકરી સામે જુકીને હાર માની.

એક બાજુથી ગરીબાઈ જનકરાઈનાં બારણે અડીંગો જમાવી બેઠી હતી, બીજી બાજુ દીકરીની જીદ. આખરે જનકરાઈ અને સરોજબેને દીકરીની પસંદગી પર મને-કમને સ્વીકૃતિ આપી લવ મેરેજ હવે એર્રેંજ મેરેજ થયા. પત્નીના ઘરેણા વેચ્યા ત્યારે દીકરીના આણા માટેની જોગવાઈ માંડ-માંડ થઇ. દીકરીનું સપ્તપદી પરનું એકએક ડગલું ગરીબી તરફથી અમીરી તરફ મંડાતું હતું, દીકરીના ચહેરા પર સંતોષની આભા છલકાતી હતી અને બાપના ચહેરે ચિંતાની લકીરો, ખબર નહિ પણ તેઓ ખુશ નહોતા, કશુંક અંદરથી ડંખતું હતું. હૃદય વલોવાતું હતું. એની આંખોમાં આશ્રું છલકાયા, કાનમાં શબ્દો ગુંજ્યા.

‘કાળજા કેરો કટકો મારો…ગાંઠયથી છૂટી..’ મંડપમાં બેઠેલી નયનાને પિતાજીએ મન ભરીને નીરખી.

‘પપ્પા, પપ્પા કરતીને પા..પા..પગલી ભરતી …હંમેશા પપ્પાની આંગળી પકડી ચાલનારી નૈયું આજે સપ્તપદીના સાત ફેરા એકલી ભરવાની હતી. એક ડૂમો ગળામાં આવી અટકી ગયો. દીવાલનો ટેકો લઇ જનાકભાઈએ ચેતન વિહીન દેહને ખુરશીને હવાલે કર્યો. એકની એક દીકરીની વિદાય પિતા માટે વજ્રાઘાત સાબિત થઇ, દીકરીને વિદાઈ આપે એ પહેલા જ પોતે વિદાઈ લઇ લીધી.
અચાનક કોઈ જોર જોરથી દરવાજો ખખડાવતું હોઈ એવું લાગ્યું, એ વર્તમાનમાં આવી.

આવી ગયા મહાશય..હમણાં જ ધાણીફૂટ ગાળોનો વરસાદ, બે-ચાર ધોલ-ધપાટ, ધક્કા-પાટુ, થોડી મારકૂટ ને દારૂની તીવ્ર બદબૂ ..ને પછી શરીરની ભૂખ, આ રોજનો ક્રમ.
દરવાજો ખોલતા જ સામે પોલીસવાન અને એમ્બ્યુલન્સ જોતા જ એને ફાળ પડી.
‘મેમ, મને કહેતા ખુબ જ અફસોસ થાય છે કે આપના પતિનું સવારે ટ્રેન અકસ્માતમાં…’ અને એ આગળ કઈ બોલી શક્યો નહી. સફેદ કપડામાં અર્ધ કપાયેલી લાશનો ઢગલો જોતા જ નયનાને કમકમાં આવી ગયા.
‘મેમ, આ ચુંટણીકાર્ડ પરથી ઓળખ થઇ શકી છે.’ દિલાસો આપી પોલસે પ્રાથમિક તપાસ કરી વિદાય લીધી.

અંતિમ સંસ્કાર કરી ખાલી ઘરમાં પાછી ફરતા જ આજ ફરી પેલું પતંગિયું ઉડતું ઉડતું એની પાસે આવ્યું. આખું ઘર જાણે કે રંગીન. એની આંખો ભરાઈ ગઈ. માના ખોળામાં માથું રાખી એ ધ્રુસકે ધ્રુસકે એ રડી પડી.
આજ લવમેરેજની કેદમાંથી છૂટી ફરી માના લવનાં તાંતણે બંધાણી હતી.
આ એ જ ટ્રેન એક નરકમાંથી ઉગારી એને વહાલના વડલા સમા બાપના ઘર તરફ લઇ જતી હતી.

લેખક : શૈલેષ પંડ્યા

દરરોજ આવી નાની નાની સમજવા જેવી વાર્તા વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી