સોનાનો સુરજ – લગ્નના 25 વર્ષ થઇ ગયા અને આજે પણ તેનો પતિ કરતો હતો તેની પર શંકા..

*આંસુ પછીના સ્મિતનું દ્રશ્ય તો જુઓ*

*વર્ષો પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે*

‘ઓહોહો.. કેટલું મોડું થઇ ગયું..?’ સ્વાતિ ધડિયાળમાં જોતા સ્વગત બોલી. સાંજના 5:50નો સમય થયો હતો. સ્વાતિ બે હાથમાં ચાર ભરેલી થેલી લઈને ઝડપથી માર્કેટમાંથી ઘર તરફ જઇ રહી હતી વારંવાર ધડિયાળમાં જોતી અને સાડીના છેડાથી પરસેવો લુછતા લુછતા હાંફતા હાંફતા જઈ રહી હતી. ત્યાં તો તેણે જોયુ કે સામેથી જુના પાડોશી મધુબેન આવતા હતા.


સ્વાતિને થયું કે બસ હવે તો વઘારે મોડું થશે. તે મધુબેનને જોયા વગર જાણે મધુબેનની નજરથી પોતાને બચાવતી નીકળી જતી હતી. પણ મધુબેન તેને જોઇ ગયા. તેણે સ્વાતિને બુમ પાડી , હવે સ્વાતિ પાસે ઊભા રહેવા સિવાય કોઈ રસ્તો ન હતો. મધુબેન તો વાતો કરવામાં ચાલુ થઇ ગયા. વચ્ચે વચ્ચે સ્વાતિએ વાત કાપીને છૂટા પડવાની ઘણી કોશિશ કરી, પણ મધુબેન તેને છોડતા જ ન હતા છેવટે પંદર મિનિટ ઊભા રહ્યાં પછી સ્વાતિને માંડ માંડ છુટકારો થયો. સ્વાતિએ ઘડિયાળમાં જોંયુ તો 6:10 નો ટાઇમ થઇ ગયો હતો. તેના ઘબકારા વઘી ગયા. તેણે વિચાર્યુ કે આજે તેનો પતિ અનિલ થોડો મોડો આવે તો સારું, ત્યાં સુઘી તે ઘરે પહોંચી જાય. ઘરે જઇને જોયું તો બારણું ખુલ્લુ જ હતું. મતલબ કે અનિલ ઘરે આવી ગયો હતો. તે ઢીલી પડી ગઇ. ઘરમાં જઇને થેલી મૂકીને પંખા નીચે મુકી. અનિલ સોફામાં બેસીને છાપુ વાંચતો હતો. સ્વાતિ સામે જોઇને તીખી નજરે પૂછયું, “કયાં ગઇ હતી?”


સ્વાતિએ દબાતા અવાજે કહ્યું, “માર્કેટ ગઇ હતી, ઘરની જરૂરી વસ્તુ લાવવાની હતી.” અનિલે બીજો સવાલ કર્યો. “કોની સાથે ગઇ હતી..?માર્કેટ જ ગઇ હતી કે બીજે કયાંય ..?? આટલી વાર કેમ લાગી ?”

સ્વાતિની આંખમાં આંસુ આવી ગયા.તે બોલી , ” અનિલ, આપણા લગ્નને 25 વર્ષ થઇ ગયા, હજી તમને મારા પર વિશ્ર્વાસ નથી..? તમારી આ શંકાની આગે આપણી જિંદગી સળગાવી દીઘી છે, તમારા આવા સ્વભાવથી આપણો દીકરો અંશુ હોસ્ટેલમાં ચાલ્યો ગયો છે, હવે તો મારી ઉંમર પણ 50 વર્ષની થવા આવી, હવે તો આવા સવાલ ન કરો…!!” અનિલ કંઇ બોલ્યો નહી, બસ.. સ્વાતિ સામે છાપાનો ઘા કરીને ચાલ્યો ગયો.


સ્વાતિ કયાંય સુઘી બેસી રહી, રસોઇ કરવાની તેને ઈચ્છા જ ન થઇ. લગ્નજીવનના 25 વર્ષનું સરવૈયુ કાઢયું તો સમજાયુ કે આટલા વર્ષમાં એક દીકરા અંશુ સિવાય તેણે કંઇજ મેળવ્યું ન હતું. બસ નુકસાન અને માત્ર નુકસાન જ હતું. અરે..પતિનો પ્રેમ તો ઠીક, તેનો વિશ્ર્વાસ પણ જીતી ન શકી હતી. કયાં આઘારે તે જીવી રહી હતી તે સમજાતું ન હતું.

અનિલ અને સ્વાતિના લગ્નને 25 વર્ષ થઈ ગયા હતા. અનિલનો સ્વભાવ પહેલેથી જ આવો હતો. લગ્નના પહેલા દિવસથી જ સ્વાતિ પર શંકા કરતો હતો સ્વાતિના પપ્પા કે ભાઇ ઘરે આવે તે પણ અનિલને ગમતું ન હતું. ઘરની ખરીદી માટે દુકાનદાર સાથે વાત કરે તો પણ શંકા કરતો, અંશુ નાનો હતો અને સ્કૂલે રિક્ષામાં જતો ત્યારે રિક્ષાવાળા સાથે વાત કરે તો પણ અનિલ ગુસ્સો કરતો, બસ સ્ત્રી પુરુષના સંબંઘમાં એક જ વસ્તુ હોય તેમ જ તે વિચારતો. શંકા… શંકા… શંકા..


સ્વાતિ કંટાળી ગઇ હતી. તેણે બઘા સાથે વાત કરવાનું બંધ કરી દીઘું, પણ અનિલના સ્વભાવમાં કોઇ ફેર ન પડયો.

અનિલને દારૂ પીવાની આદત હતી. પીઘા પછી તે જે બોલવાનું ચાલુ કરતો તો સ્વાતિ કાને હાથ રાખીને બેસી જતી. સંભળાય નહી તેવા શબ્દો બોલતો. નાનકડો અંશુ ડરીને સ્વાતિને લપાઇને બેસી જતો. સ્વાતિ કોઇને વાત કરે તો બધા તેને સમજાવતા કે, તારે કંઇ ન બોલવું, કાલ સવારે તારો દીકરો મોટો થઈ જશે એટલે અનિલ સુઘરી જશે, પછી તારી જિંદગીમાં સોનાનો સુરજ ઉગશે. પણ લોકોને શું ખબર કે કાલ સવારની આશામાં કેટલી અંઘારી રાત હતી !! છતાં સ્વાતિ આશામાં ને આશામાં બધુ સહન કરીલેતી. અંશુ જેમ જેમ મોટોથતો ગયો તેમ તેમ તેના મનમાં મા પ્રત્યેની લાગણી અને બાપ પ્રત્યેની નફરત વધતી ગઇ.તે સ્વાતિને કહેતો , ” ચાલ મમ્મી, આપણે આવા માણસ સાથે નથી રહેવું” પણ સ્વાતિ ના પાડતી. આમને આમ કંટાળીને અંશુ હોસ્ટેલમાં ચાલ્યો ગયો. સ્વાતિના લગ્નને 25 વર્ષ થઇ ગયા. પણ અનિલ ન સુધર્યો.


એક દિવસ અનિલ દારુ પી ને ઘરે આવતો હતો ત્યારે તેનો એકસીડન્ટ થયો. અનિલ બચી ગયો , પણ બે-ચાર હાડકાં ભાંગી ગયા. અઠવાડીયું હોસ્પિટલમાં રહ્યા બાદ ઘરે આવ્યો. સ્વાતિએ ખૂબ સેવા કરી. તે અનિલની શંકા, ગુસ્સો ભૂલીને તે જલ્દી ઊભો થઇ જાય તેની પ્રાર્થના કરતી પણ તેની આટલી સેવાની પણ અનિલ પર અસર ન થઇ. તેને તો સ્વાતિ ડોકટર સાથે વાત કરે એ પણ ગમતું ન હતું.


એક દિવસ વહેલી સવારે 5 વાગ્યે અનિલ ઊભો થઇને પાણી પીવા ગયો. સ્વાતિ સુતી હતી અનિલ હજી પૂરેપૂરો સ્વસ્થ થયો ન હતો અને અડઘા જાગતા, અડઘા સુતા અનિલથી બેલેન્સ ન રહ્યું… અને તે ધડામ .. પડી ગયો… અવાજ સાંભળીને સ્વાતિ દોડી આવી. જોયું તો અનિલ રસોડામાં ચતોપાટ પડયો હતો. માથુ ફુટી ગયું હતું અને સખત વહેતા લોહીને કારણે જાણે લોહીનું ખાબોચીયું ભરાઇ ગયું હતું. સ્વાતિ ગભરાઈ ગઇ. તેણે અનિલને બોલાવવાનો પ્રયત્ન કર્યો પણ અનિલ ન બોલ્યો. તેણે ઝડપથી ડોકટરને બોલાવ્યા, ડોકટરે આવીને કહ્યુ કે અનિલ હવે આ દુનિયામાં નથી. સાંભળીને સ્વાતિ હતપ્રભ થઇ ગઇ.તેને આઘાત લાગ્યો પણ રડવું ન આવ્યું.


તેણે બારીમાંથી બહાર જોયું તો પૂર્વ દિશામાંથી સૂરજ ઘરતી પર અજવાળું પાથરવા આવી રહ્યચ હતો. તેને એ ન સમજાયુ કે આ સૂરજ આજે આટલો તેજસ્વી કેમ લાગે છે ?? તેને એ ન સમજાયું કે આજે ઉગતો સૂરજ તેને સોનાનો સૂરજ કેમ લાગતો હતો ..??

લેખક : દિપા સોની “સોનુ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ