રામ મોરી દ્વારા લખાયેલી સ્ત્રી જીવનની કરૂણતાને આલેખતી લાગણીસભર વાર્તા… શેર કરો, લાઇક કરો..

“SOLUTION”

માનસી મહાપ્રયત્ને તૈયાર થઈ. એ ક્યાંય સુધી ડ્રેસીંગ ટેબલે બેઠી બેઠી અરીસામાં પોતાને એકીટશે જોતી રહી. આંખમાંથી ફરી આંસુ છલકાઈ ગયા અને આઈલાઈનર રેળાઈ ગઈ. બહાર ડ્રોઈંગરૂમમાં બધાના મોટેમોટેથી હસવાના અવાજો આવતા હતા. ગરમાગરમ સમોસા અને ભજીયાની સુગંધ ઘરમાં આજે કશુંક ખાસ હોવાની ચાડી ખાતી હતી.

સવારથી ઘરમાં દરેક કામની અંદર ઉત્સાહ જોવા મળતો હતો. માનસીના મોટા ભાઈ અને પપ્પાએ પણ આજે ઓફીસમાંથી રજા લીધી હતી. મમ્મીએ સોફાના નવા કવર ચડાવ્યા હતા અને ભાભી સવારથી કિચનમાં કચોરી, સમોસા અને પાતરા બનાવી રહ્યા હતા. છોકરાવાળા જોવા આવવાના હતા. એનઆરઆઈ છે છોકરો. રોનક શાહ. મમ્મીપપ્પા અમદાવાદના છે પણ છોકરો વર્ષોથી અમેરિકા સેટલ.

આમ તો બધું જ ફિક્સ હતું. કુંડળી પણ મળી ગઈ હતી. માનસીના ઘરના લોકો કુંડળીમાં વિશ્વાસ નહોતા કરતાં પણ સામાવાળા થોડા વહેમીલા. એ લોકોનું મન રાખવા મોટા ભાઈ માનસીની કુંડળી બનાવી લાવેલા. પૂજારીએ કહેલું કે છત્રીસમાંથી સત્યાવીસ ગુણ મળે છે એટલે ખૂબ શુકનવંતી ઘટના છે. આજે બસ, છોકરો છોકરી એકબીજાને મળી લે એવી એક ફોર્માલીટી પૂરી કરવાની હતી. માનસીના પપ્પા મમ્મીએ તો માનસી અને રોનકને બહાર કોફીશોપમાં મળવું હોય તો પણ મળી લે એટલી તૈયારી બતાવેલી, પણ માનસીએ જ ના પાડી. માનસીના ભાભીએ આખી ઘટનાને એ રીતે રજૂ કરી કે અમારા માનસીબેન શરમાય છે. ફરી હસાહસ અને સામાવાળાની આંખોમાં અહોભાવ.છોકરાવાળા આવી ગયા હતા.

મમ્મી રોનકના મમ્મી સાથે નવા અથાણાની રેસીપીની વાતો કરતા હતા. રોનકના પપ્પા માનસીના પપ્પા સાથે અમેરિકામાં વાતાવરણ કેવું એ વિશેના પોતાના અનુભવ કહી રહ્યા હતા. રોનક ચૂપચાપ ડ્રોઈંગરૂમમાં લાગેલી તસવીરો અને ટી.વી.માં ચાલતી એડવર્ટાઈઝ જોયા કરતો હતો. મોટો ભાઈ રોનકની અધીરાઈ સમજી ગયા એણે કિચનમાં જઈને સમોસા અને ચાયની ટ્રે તૈયાર કરતા ભાભીને કહ્યું

“કિર્તી,માનસીને લઈને હવે ઝડપથી બહાર આવ. તૈયાર એટલા પણ ન થવું જોઈએ કે સામાવાળાને કોઈ વહેમ પડે.” ભાભી મોટાભાઈની આંખોમાં જોવા લાગ્યા. મોટાભાઈએ માથું સહેજ હલાવીને કહ્યું. “કિર્તી, એને સમજાવજે.રોનક સારો છોકરો છે અને હા, એને એ પણ સમજાવજે કે કોઈ ડ્રામા ક્રીએટ કરવાની જરૂર નથી. આ સગપણ ફિક્સ જ છે. બીજી કોઈ જ પ્રકારની અપેક્ષા ન રાખે.” મોટાભાઈની આંખોની કડકાઈ ભાભી બહું સારી રીતે સમજતા. એણે માત્ર માથું હકારમાં હલાવીને ઓકે કહી દીધું. ફટાફટ હાથ ધોઈને ભાભી માનસીની રૂમમાં આવ્યા.

“માનસીબેન, તૈયાર થઈ ગયા ?ઓહો ! સરસ લાગો છો.”
માનસીએ આંખો લૂંછી પણ તેના ગાલ પર આઈલાઈનર એટલી રેળાઈ હતી કે ગાલ કાળા થઈ ગયા હતા. ભાભીએ ટીશ્યુપેપરથી આંખો લૂંછી આપી અને માનસીના દુપટ્ટાની ગડ ઉકેલી.

” ચલો માનસીબેન, બહાર બધા રાહ જુએ છે. મહેમાન આવી ગયા છે.”
“ભાભી, આઈ કાન્ટ..હું જયેશને નહીં ભૂલી શકું…બીલીવ મી એ સારો છોકરો..ભાભી તમે બધાને સમજા…” એ હિબકા ભરવા લાગી.
ભાભીએ માનસીની પીઠ પર હાથ મુક્યો અને માનસીનું છલકાયેલું આંસુ પોતાની સાડીના પલ્લુથી લૂંછી આપ્યું.

“સમોસા ઠરી જશે.” માનસી આઘાતથી ભાભીને જોઈ રહી.
બહાર ડ્રોઈંગરૂમમાં માનસી માંડ અડધો કલાક બેસી શકી. એનો શ્વાસ રુંધાવવા લાગ્યો હતો. કોઈ બળજબરીથી મોઢું દબાવીને ઉંડી ખાઈમાં ધકેલતું હોય એમ એ અંદરથી તરફડિયા મારતી હતી. સ્માઈલ તો એ મહામહેનતે આપી શકી હતી. જોકે એને વધારે પ્રશ્નોના જવાબ નહોતા આપવા પડ્યા, કેમકે ભાભીએ જ બધું કવર કરી લીધું હતું. બધ્ધું નક્કી થઈ ગયું જડબેસલાક. માનસીને નવાઈ લાગી એટલી ઝડપે.

રાત્રે ભાભી પાણીની બોટલ ભરવા કિચનમાં આવ્યા. રસ્તામાં માનસીનો રૂમ આવે. ભાભીએ જોયું તો માનસીનો રડવાનો ધીમો આવતો હતો. ભાભીએ પાણીની બે બોટલ ભરી અને ગેલેરીમાં વળગણી પર સુકાતો ઉનનો વ્હાઈટ ટુવાલ લીધો.ભાભીએ માનસીના રૂમના બારણે ટકોરા પાડ્યા.થોડીવાર પછી માનસીએ દરવાજો ખોલ્યો. એની આંખો સૂઝેલી હતી. એના ચહેરા પર ઘરના બધા લોકોના નિર્ણય સામેની નારાજગી દેખાતી હતી. એણે એકદમ સખ્તાઈથી ભાભી સામે જોયું

“બોલો.”
“આ પાણી તમારા માટે.”માનસીએ ચૂપચાપ બોટલ લઈ લીધી. થોડીવાર સુધી બંને કશું બોલ્યા વિના ચૂપચાપ ઉભા રહ્યા.પેસેજમાં નાઈટલેમ્પનું ઉદાસ અજવાળું પથરાયેલું હતું. ભાભીએ ટુવાલ માનસીના હાથમાં આપ્યો અને નજર નીચે રાખી,

“માનસીબેન, આ ટુવાલ રાખો સાથે.મોઢામાં ટુવાલ દબાવીને રડશો તો અવાજ રૂમની બહાર નહીં જાય. બાજુમાં સુતાં હોય એને સુધ્ધાં તમારા રડવાનો અવાજ નહીં આવે…જાત અનુભવથી કહું છું !”

માનસી સ્તબ્ધ. આંખોમાં છલકાયેલા આંસુ પાંપળે તોળાઈ રહ્યા. એણે ધ્રુજતા હાથે ટુવાલને છાતીએ વળગાડ્યો અને પેસેજના અંધારામાં ઓગળતી જતી ભાભીને જોઈ રહી.

લેખક : રામ મોરી

ખુબ લાગણીસભર વાર્તા, શેર કરો તમારા મિત્રો સાથે, લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી