સ્માઈલિંગ બુદ્ધા ઓપરેશન આપણા ભારતના ઇતિહાસના આ પડાવ વિષે તમે જાણતા હતા…

આજના જ દિવસે ભારતના ‘સ્માઈલિંગ બુદ્ધા’થી આખી દુનિયામાં છવાઈ ગયો હતો સન્નાટો, મહાસત્તાઓ થઈ હતી સ્તબ્ધ

આજનો દિવસ ભારત માટે ખુબ મહત્વનો ગણી શકાય. કારણ કે આજના દિવસે ભારતે ઈતિહાસ રચી નાખ્યો હતો અને આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ હતી. હવે વાત કરીએ કે આજે એવું તે શું થયું હતું. આજે 18મી મે છે. આજના જ દિવસે એટલે કે 18મી મે 1974ના રોજ રાજસ્થાનના પોખરણમાં ભારતે પહેલીવાર પરમાણુ બોમ્બનું પરીક્ષણ કર્યુ હતું. આ પરીક્ષણ કરતાની સાથે જ ભારત દુનિયાની 6 મહાશક્તિઓમાં સામેલ થઈ ગયું હતું. ભારત પહેલા 5 દેશો એવા હતાં જેઓ પરમાણુ શક્તિ ધરાવતા હતાં. જેમાં અમેરિકા, બ્રિટન, રશિયા, ફ્રાન્સ, ચીન સામેલ હતાં. સૌથી મહત્વની વાત તો એ હતી કે જે અમેરિકા દુનિયાની રગેરગની માહિતી પર ધ્યાન રાખતું હોય છે તેને ગંધ સુદ્ધા આવી નહતી કે ભારત પરમાણુ પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. ભારતના આ પરાક્રમથી દુનિયા રીત સરની ચોંકી ગઈ હતી.

ઓપરેશનનું નામ હતું ‘સ્માઈલિંગ બુદ્ધા’ભારતે આ અતિ મહત્વના ઓપરેશનનું નામ રાખ્યું હતું સ્માઈલિંગ બુદ્ધા. કોઈને પણ એ વિચાર આવે કે પરમાણુ પરીક્ષણના અભિયાનનું નામ ઓપરેશન બુદ્ધા કેમ? તો જણાવી દઈએ કે પરમાણુ પરીક્ષણ જે દિવસે કરવાનું હતું તે દિવસે બુદ્ધ પૂર્ણિમા હતી. જેને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિકોએ તેનું નામ સ્માઈલિંગ બુદ્ધા રાખવાનું સૂચન કર્યુ હતું. એટલું જ નહીં મિસાઈલ પર સ્માઈલિંગ બુદ્ધાનો ફોટો પણ રાખવામાં આવ્યો હતો. આટલા મહત્વના મિશનમાં 75 વૈજ્ઞાનિકો સામેલ હતાં. સવારે 8.05 વાગે ભારતે પહેલવહેલું પરમાણુ પરીક્ષણ કરીને દુનિયામાં પોતાની તાકાતનો ડંકો વગાડ્યો. પોખરણમાં જે પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું તે સફળ રહ્યું. તે સમયે બોમ્બની ગોળાઈ લગભગ 1.2 મીટર હતી અને વજન 1400 કિગ્રા હતું.

તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરાગાંધીની ગજબની ઈચ્છા શક્તિ અને દ્રઢ નિર્ણયશક્તિઆ પરમાણુ પરીક્ષણ ભારત માટે એક મોટી ઉપલબ્ધિ હતી. કારણ કે દુનિયાની મહાશક્તિઓને ગંધ સુદ્ધા ન આવી અને ભારતે પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને પોતાની અસીમ તાકાતનો પરિચય કરાવી દીધો. આખી દુનિયા મોઢામાં આંગળા નાખી ગઈ. આ સાથે જ અમેરિકાની ગુપ્તચર એજન્સીની નિષ્ફળતા પણ બહાર આવી. જો કે અમેરિકાને સંકેત મળ્યો હતો કે ભારત પરમાણુ પરીક્ષણ કરી શકે છે પરંતુ તત્કાલિન નિક્સન પ્રશાસને ભારતની શક્તિને ઓછી આંકી. આ અદભૂત અને સફળ ઓપરેશનનો શ્રેય આપણા દેશની ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ને પણ જાય છે. જ કે એક વાત હતી કે અમેરિકાના વિદેશ મંત્રાલયે ભારતને પરમાણુ પરીક્ષણના પરિણામો ભોગવવા અંગે ચેતવ્યું હતું. પરંતુ આમ છતાં. આયર્ન લેડી ગણાતા તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ કોઈ જ પરવા કરી નહીં અને દેશ માટે જરૂરી એવા આ પરમાણુ પરીક્ષણને નિર્ધારીત રીતે આગળ ધપવા દીધુ.

વૈજ્ઞાનિક હોમી જે ભાભાનું યોગદાનભારતને પરમાણુ શક્તિ બનાવવા માટેનું અભિયાન તે સમયે કઈ આજકાલનું નહતું. તેની શરૂઆત તો 1944માં જ થઈ ગઈ હતી. તેનું નેતૃત્વ મહાન ભૌતિક વૈજ્ઞાનિક હોમી જે ભાભાએ કર્યુ હતું. તેમના જ નેતૃત્વમાં ભારતે પરમાણુ કાર્યક્રમની શરૂઆત કરી હતી. ભાભાએ ભૌતિક વૈજ્ઞાનિક રાજા રમન્નાની સાથે પરમાણુ કાર્યક્રમ પર કામ શરૂ કર્યુ હતું. ત્યારબાદ અનેક મોટા વૈજ્ઞાનિકો તેમાં જોડાયા હતાં. જો કે પરમાણુ કાર્યક્રમને ગતિ મળી હતી જવાહરલાલ નહેરુના કાર્યકાળમાં. પછી આવ્યાં ઈન્દિરા ગાંધી. તેમણે પણ આ મિશનને ભરપૂર સમર્થન આપ્યું. બધેથી સપોર્ટ મળ્યા બાદ વૈજ્ઞાનિકોએ પણ આ મિશનને સફળ બનાવવામાં કોઈ કસર છોડી નહીં. પરિણામ એ આવ્યું કે 1974 આવતા સુધીમાં તો ભારતીય વૈજ્ઞાનિકોની એક ટુકડી ભારતને એક પરમાણુ બોમ્બ બનાવી આપવામાં સક્ષમ થઈ ગઈ હતી. ટીમ લીડર ભૌતિક વૈજ્ઞાનિક રાજા રમન્ના હતાં જે ભાભા ઓટોમિક રિસર્ચ સેન્ટરના ડાઈરેક્ટર હતાં. તેમણે સિસ્ટમ ડેવલપમેન્ટના કામમાં સમન્વય માટે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના તત્કાલિન દિગ્દર્શક અને રક્ષા મંત્રીના વૈજ્ઞાનિક સલાહકાર ડો.બસંતી દુલાલ નાગ ચૌધરી સાથે મળીને કામ કર્યું. પી કે આયંગરે ડેવલપમેન્ટના પ્રયત્નોમાં દિગ્દર્શનની મહત્વની ભૂમિકા ભજવી અને આર.ચિદમ્બરમે ન્યૂક્લિયર સિસ્ટમ ડિઝાઈન કરી હતી.

લેખન સંકલન : વિરલ રાવલ

દરરોજ આવી અનેક વાતો અને માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી