“પ્રેમની પરાકાષ્ઠા” – એક લાગણીસભર વાર્તા… શેર કરો અને લાઇક કરો અમારું પેજ…

સડસડાટ એમ્બ્યુલન્સ આવીને કિરણના ઘરના બારણે ઊભી રહી ગઇ. કોલાહલ મચી ગયો. શેરીમાં શું થયું હશે? તેવા વિચારની અફવાએ વેગ લીધો. ઘરની અંદરથી માંદા રવિને લઈને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો. હોસ્પિટલમાં દાખલ થતાં જ બધા રીપોર્ટ કઢાવવામાં આવ્યા. કિરણે ઉચાટ સાથે ગભરાઈને ડોક્ટર સૂરજને પૂછ્યું, ‘શું થયું મારા રવિને? અચાનક લોહીની ઉલટી કેમ થવા લાગી? તેને કોઈ રોગ નથી તો આ કેમ?’ તે બોલતી હતી ત્યારે જીભ અટકી જતી હતી. તે રવિને જોઈને બેચેન બની ગઈ હતી.

બેબાકળી બની ગઈ જવાબ સાંભળવા માટે, આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા હતા. ડોક્ટર સૂરજે તેને શાંતિથી બેસવા કીધું અને તેને પાણી આપ્યું. રિપોર્ટ કઢાવવામાં આવ્યા છે, બધું ખબર પડી જશે. પછી ચારેક દિવસ અલગ અલગ ટેસ્ટ લેવામાં આવ્યા. ડોક્ટરે તેને હજી જવાબ આપ્યો નહોતો. કિરણનો ગુસ્સો સાતમા અસમાન પર પહોંચી ગયો ને તેની ધીરજ ખૂટી ગઈ હતી. તે સીધી કેબીનમાં ઘૂસી ગઈ ને ગુસ્સા સાથે તૂટી પડી. ‘કેટલા બધા રીપોર્ટ કરાવ્યા, હવે તો જવાબ આપો, શું થયું છે મારા રવિને? હું તેને આમ મરતા જોઈ ના શકું. સૂરજે તેને શાંત કરી. ને બેસવા માટે કીધું. મારી વાત શાંતિથી સાંભળજો અને મન મક્કમ રાખજો.

રવિને બ્લડકેન્સર છે. કિરણે એકદમ ટેબલ પકડી લીધું ને એકદમ ઊભી થઇ ગઈ ને વાત સાંભળતા જ વધારે ગુસ્સેથી રડતાં રડતાં બોલવા લાગી, ‘તમે ડોક્ટર છો એટલે કંઇપણ બોલશો? અમારા લવ મેરેજ થયા છે, અમે કેટલીય મુશ્કેલીમાંથી પસાર થયા છે. અમારા લગ્ન ઘરનાં બધાની ના છતાં કર્યા છે. હજી સુધી કોઇ રોગ થયો નથી તેને હવે અચાનક આમ કેમ? તમારી કોઈ ભૂલ થતી લાગે છે. રીપોર્ટ બદલાઈ ગયો હશે.’ સૂરજને આવી પરિસ્થિતિનો અણસાર હતો જ, તેણે સમજાવ્યું કે કોઈકવાર કેન્સરની જાણ પહેલીથી નથી થતી. અચાનક રોગનાં લક્ષણ દેખાય છે. તેની જિંદગી હવે થોડીક જ બચી છે.

કિરણ મનથી ભાંગી પડી ને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. સૂરજે તેને સાન્ત્વના આપી બેસાડી. સૂરજે તેનો હાથ હાથમાં લઈ તેને શાંત કરી પાણી પીવા આપ્યું. તેના સ્પર્શમાં લાગણીની ભીનાશ હતી. આ વાત બહાર ઊભો રહેલો રવિ સાંભળી ગયો કે તેને બ્લડકેન્સર છે. તે સાંભળી અવાચક થઇ ગયો ને પડી જતા બચી ગયો. શું થશે મારી કિરણનું? તે વિચારીને તેનો ડૂમો ભરાઈ ગયો ને રડી પણ ના શકયો. કદાચ કિરણ તેને અહીં જોઈ જશે તો તેને કેટલું દુઃખ થશે, તેની મને ખબર છે. તે ધીમે ધીમે મારી સામે મારા મરતા પહેલાં હજાર વાર મરશે. એટલે હું તેને જાણ ના થવા દઈશ કે મને ખબર છે.

રવિએ મનમાં કંઈ નક્કી કર્યું ને સૂઈ ગયો. કિરણે પણ મન મક્કમ કર્યું કે રવિને ખબર ના પડવા દેશે કે તેને ખબર છે કે તેને બ્લડકેન્સર છે. તેના રોગની તેને જાણ ના કરશે. તેની પાસે દિવસો બહુ ઓછા છે તેને હું ઓછી જિંદગીમાં ઘણી બધી ખુશી આપીશ, તેને આકાશ જેટલો વિશાળ પ્રેમ કરીશ. તેના અહેસાસને હું જીવીશ મારામાં. સાચા પ્રેમની પરિભાષા સાર્થક કરીશ. અમે એકબીજામાં એવા ખોવાઈ જઈશું કે બધું તે દુઃખ ભુલી જશે. કદાચ જિંદગીમાં તેને ખુશ જોઈ મૃત્યુ આવવાની ના પાડે અને પાછું ફરી જાય. તેને વાંચેલું કશું યાદ આવી ગયું.

“આટલી અમસ્તી જિંદગીમાં મથામણ કેટલી?

આયખું જીવવું છે તારી સાથે હલામણ કેટલી? ”

કિરણ રૂમમાં દાખલ થઈ કે તરત રવિ જાગી ગયો ને કીધું ‘તું આજે ઘરે સૂઈ જજે, અહીંયા બધા મારી કાળજી રાખશે. સ્ટાફ સારો છે. ઘરે માં એકલી છે. તેને ચિંતા થશે.’ કિરણે ના પાડી, ‘તમે કેવી વાત કરો છો? તમને મૂકીને હું કેવી રીતે જાવ?’ રવિનો ગુસ્સો સાતમા અસમાનમાં પહોંચી ગયો તું બહુ ધ્યાન રાખે છે તે ખબર છે, ક્યારની સૂરજની કેબિનમાં શું કરતી હતી? મને દેખાય છે બધું.’ તેમ છતાં કિરણે સાથે રહેવાની જીદ કરી તો બોલ્યો કે તારે સૂરજ સાથે રંગરલિયા મનાવવી છે. આ સાંભળીને કિરણ તૂટી ગઈ ને ચાલી ગઈ. રવિનું બદલાયેલું વર્તન જોઈ ભીતરથી તૂટી ગઈ, તેને લાગ્યું તેના ચીંથરા ચીંથરા થઈ ગયા છે. રવિએ વિચાર્યું હું તેને નફરત કરીશ, તો મારાથી જલ્દી દૂર થશે ને તે મારા મુત્યુ પછી સારી રીતે જીવી શકશે તેની જીંદગી.

નવરાશના સમય પર હવે રવિ સૂરજ સાથે ગપ્પાં મારતો, સાથે નાસ્તો કરતા બંને સારા મિત્રો બની ગયા હતા. કિરણ આવતી, પણ તેને બહાર કાચમાંથી જોઇ ચાલી જતી. તેને ભાવતી વાનગી લાવતી અને સૂરજને આપી દેતી ને કહેતી રવિને ખબર ના પડવા દેતા કે હું મોકલું છું. મનમાં પીડાભરી વિદાય લેતી. સમય જતાં બંને ખાસ મિત્રો બની ગયા.

અચાનક એક દિવસ રવિની તબિયત બગડી ગઈ તેને ICUમાં દાખલ કરવામાં આવ્યો. તેની પાસે હવે સમય જ ઓછો હતો. તેણે સૂરજને કીધું કિરણને ફોન કર મારે અર્જન્ટ કાંઈક કહેવું છે. ફોન કરતાં જ કિરણ દોડીને આવી, તે પાગલ જેવી થઈ ગઈ હતી. તેને સુરજે શાંત કરી રવિ સામે મોત હોવા છતાં તેના ચહેરા પર શાંત ભાવ હતા. કિરણ પાસે વચન માગ્યું કે હું કંઈક માંગીશ મને આપીશ? કિરણે કીધું, ‘તું જલ્દી સારો થઈ જા, પછી તું કહેશે તેમ કરીશ.’ પણ રવિની જિદ સામે નમી ગઈ, તેને વચન આપી દીધુંતું કહેશે તેમ કરીશું.

સૂરજ અને કિરણને બંનેને પાસે બેસાડીને પુછયું તમે બંને એકબીજાનાં જીવનસાથી બનશો? આ વાત સાંભળતા જ કિરણનો હાથ રવિના હાથમાંથી છૂટી ગયો. ગુસ્સે થઈને બોલી, ‘આ શું બોલો છો? મારા જીવનમાં તારા સિવાય કોઈનો પ્રવેશ શકય નથી. હું તારી સાથે જ કાયમ રહીશ.’ ‘તને તે જ સમજાવ છું મને ખબર છે કે મને કેન્સર છે. હવે મારી પાસે સમય ઓછો છે.’

રવિને સૂરજ બંને એક જ નામના પર્યાય છે. તે મારો જ પડછાયો છે. તમારાં બન્નેના લગ્ન આજે જ જોવા માંગુ છું. આ વાત સાંભળી જાણે કિરણના શ્વાસ અટકી ગયા તેની ધડકન કોઈએ છીનવી લીધી હોય તેવું લાગ્યું. તે ગળગળી થઈને બોલી હું તારાથી અલગ થવાનું વિચારી ના શકું. તું તો કોઈને મને સોંપી દેવા માંગે છે.આ કેવી રીતે શક્ય છે? પગલી, આ જ તો પ્રેમની પરાકાષ્ઠા છે. હું તારામાં મારા નામ સાથે હંમેશા જીવંત રહીશ. તું ખુશ ના હશે તો હું કેવી રીતે શાંતિથી મરી શકીશ? સાથે સૂરજની પરવાનગી પૂછી લીધી ને હોસ્પિટલમાં જ ઘડિયા લગ્ન લેવાયા. તે મનમાં બોલ્યો, “તને ખૂશ જોઈ મારૂ જીવંત રહેવું નિશ્ચિત છે. ભગ્ન હૃદયની તને જોઈશ તો મૃત્યુ નિશ્ચિત છે…”

થોડીવારમાં રવિએ પ્રાણ ત્યજી દીધા. તે તેના પ્રેમને સાર્થક કરતો ગયો સાથે ત્યાગ અને સમર્પણની ભાવના સમજાવતો ગયો આજે તેનો પ્રેમ આભ જેટલી ઉંચાઈની પરકાષ્ઠાને પામી ગયો હતો.

સૌજન્ય : સ્ટોરી મિરર

લાઇક કરો અમારું પેજ. આવી સરસ મજાની વાર્તાઓ વાંચવા અહીં ક્લિક કરો – સ્ટોરી મિરર

ટીપ્પણી