લવ યુ દોસ્ત.. – ડો. આકાશ સફળ થાય છે નેત્રાને એ જાળમાંથી બચાવવા કે નહિ? જાણવા વાંચો….

“લવ યુ, દોસ્ત”

“આયુષ, યુ આર સો સ્વીટ. તને ખબર છે, મેં કેટલો મિસ કર્યો છે તને? બટ યુ આર સો બ્રેવ યાર. આખરે તેં મને શોધી જ લીધી. ઘરથી દૂર આ જગ્યાએ તારા વિના પાંચ દિવસો કેમ કાઢ્યા છે એ મારું મન જાણે છે. બટ નાઉ આય એમ રિલેક્સ. હું રોજ તને આ હીંચકા પાસે મળવા આવીશ. સોરી ડિઅર, કોઈ આવતું લાગે છે. તું જતો રહે હમણાં. પછી મળીએ. બાય.”

ડો.આકાશ ક્યારના નેત્રાને જોઈ રહ્યા હતા. એ બગીચામાં આવેલા ઝાડે બાંધેલા હીંચકા પર બેઠી હતી. ડો.આકાશ ‘ફીલ ફ્રી હોમ’માં છેલ્લા અઠવાડિયાથી આવ્યા હતા. શહેરથી દૂર કુદરતનાં સાંનિધ્યમાં આવેલું વિશાળ કેમ્પસ એટલે ‘ફીલ ફ્રી હોમ’. નાનાથી માંડીને મોટી ઉંમરનાં બાળકો પોતાના ઘરથી દૂર એક મહિનો અહીં આવીને રહેતાં. એ બધા જ બાળકોમાં એક વાત સામાન્ય હતી – કોઈ પોતાના પપ્પા સાથે રહેતું તો કોઈ પોતાની મમ્મી સાથે. મા-બાપ સાથેના પરિવારની કલ્પના પણ એમાંના કેટલાકે તો કરી નહિ હોય. બધા જ બાળકોનાં માતા-પિતા એકબીજાથી અલગ રહેતા હતાં.

‘ફીલ ફ્રી હોમ’માં એ બધાં જ બાળકો થોડો સમય પોતાના પેરેન્ટ્સનાં છુટાછેડાને લીધે થયેલી અસરમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતાં. આમેય લગ્નવિચ્છેદની સૌથી વધારે અસર બાળકો પર થતી હોય છે. શહેરના જાણીતાં મનોચિકિત્સક આકાશ મહેતા પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને આ બાળકો સાથે આવીને રહેતા હતા. પોતાની આગવી ઢબે બાળકોને આ પરિસ્થિતિને અનૂકુળ થવા મદદ કરતા હતા. એમનું વ્યક્તિવ જ એવું હતું કે અજાણ્યું માણસ પણ બે ઘડી વાત કરવા લલચાઈ જતું. સપ્રમાણ બાંધો, લંબગોળ ચહેરો, ઘઉંવર્ણ વાન અને પિસ્તાલીશીના સ્માર્ટ ચહેરા પર સતત રમતું રહેતું સ્મિત. થોડા જ દિવસની ઓળખાણમા તો કોઈ પણ એમને પસંદ કરવા લાગતું.

નેત્રા પણ આ બધા બાળકો જેવી જ હતી. ઉંમર હતી બાર વર્ષ. બધા જ હવે ધીરે ધીરે નવા માહોલને અનૂકુળ થઈ રહ્યા હતા. નેત્રા શરૂઆતમાં અતડી અતડી રહેતી હતી. ન કોઈ સાથે વાત કરવી કે ન કોઈ રમતમાં ભાગ લેવો. આમ જુઓ તો નવી જગ્યાએ આવું થવું સાવ સહજ કહેવાય. પણ ડો.આકાશે નોધ્યું હતું કે અચાનક જ ગઈ કાલથી નેત્રાનાં વર્તનમાં અણધાર્યો ફેરફાર આવ્યો હતો. સાવ સુનમુન રહેતી છોકરી અચાનક જ ખુશીથી કુદાકુદ કરવા લાગી હતી. એક મનોચિકિત્સક હોવાના નાતે તેમને આ સહેજ ખૂંચ્યું. એ પછી ડો.આકાશે નેત્રા પર વધુ ધ્યાન દેવાનું ચાલુ કર્યું હતું.

“હાય નેત્રા, તને હીંચકા ખાવા બહુ ગમે, નહિ?” ડો.આકાશે એની સાથે વાત કરવાની ચાલુ કરી.
“અં…ના ના. એ તો બસ એમ જ.“ કહેતી નેત્રા ઊભી થવા ગઈ.
“અરે બેસને. હું તને હીચકા નાખું.” ડો.આકાશે એને બેસાડી અને પાછળથી હીંચકા નાખવા લાગ્યા.
“અચ્છા નેત્રા, તારા પપ્પા પણ તને આમ જ હીંચકા નાખતા હશે, ખરું ને?” ડો.આકાશે ધીરે ધીરે નેત્રાના મનની વાત જાણવાનું શરૂ કર્યું.
“એ તો ક્યારેક જ. મોટેભાગે તો મમ્મી જ નાખે.” એમના અચરજ વચ્ચે નેત્રા આજે ખુશીથી વાતો કરતી હતી. આ પહેલા એની સાથે વાત કરવાની કોશિશ જ બેકાર ગઈ હતી.
“તને અહીં ગમે છે?”

“હા. હવે તો બહુ જ ગમે છે.” નેત્રાની ખુશી એના અવાજમાં છલકાતી હતી.
“અરે વાહ, ઘણા ફ્રેન્ડ્સ બની ગયા હશે તારા અહીં તો!” ડો.આકાશ ખૂબ સાવચેતીથી વાત આગળ વધારતા હતા.
“ના… મતલબ હજી તો કોઈ નથી બન્યું.” નેત્રાએ થોડું અચકાતા કહ્યું.
“ઓહ્હ. તને ખબર છે? મારું પણ કોઈ ફ્રેન્ડ નથી. આપણે બંને ફ્રેન્ડશીપ કરીએ તો?”
નેત્રાએ એકદમ પાછળ જોયું. “મારે કોઈ ફ્રેન્ડની જરૂર નથી.” એની આંખોમાં એક અજબની ચમક આવી ગઈ હતી.

“અચ્છા, અચ્છા… કંઈ વાંધો નહિ. મને તો એમ કે તું મારી ફ્રેન્ડ બનીશ એટલે હું તારા માટે આ લાવ્યો હતો.” ડો.આકાશે વાતને બીજી તરફ વાળતાં કહ્યું. પોતાના પોકેટમાંથી એક ગુલાબનું ફૂલ કાઢીને નેત્રાને આપ્યું.
નેત્રાનું નાનું મુખ મલકાઈ ઉઠ્યું. પિંક કલરના રોઝ તો એના ફેવરિટ.
“વાઉ… ઇટ્સ માય ફેવરિટ.” નેત્રાએ ખુશીથી એ ગુલાબ લઈ લીધું.

બીજે દિવસે ફરી એ જ સમયે ડો.આકાશ ગુલાબ લઈને નેત્રા પાસે પહોચ્યાં. એ ત્યાં જ બેઠી હતી. હીંચકા પાસે. તેણે હસીને ગુલાબ લેવા પોતાનો હાથ લંબાવ્યો.
“અહં… એમ નહિ. રોઝના બદલામાં મારી દોસ્તી કરવી પડે.” ડો.આકાશે ગુલાબ પાછું ખેચતાં કહ્યું.

કૈંક વિચારીને નેત્રાએ પણ પોતાનો હાથ લંબાવ્યો. “ફ્રેન્ડસ.” પોતાની નાની બેન જેવી આ છોકરીના મનની વાત જાણવા એની સાથે દોસ્તી કરવી જ પડશે એ ડો.આકાશ જાણી ગયા હતા.

****

“આયુષ, તને ખબર છે. ડોક્ટર ઇઝ વેરી નાઈસ. રોજ મને એક રોઝ આપે છે. એ પણ મારી જેમ એના પપ્પાથી ખૂબ ડરે છે. એટલા સરસ જોક્સ કહે કે હસી હસીને મારું તો પેટ દુખી જાય. તું મળીશ એમને? આય એમ શ્યોર તને બહુ મજા આવશે. અચ્છા આયુષ…”
“હાય નેત્રા. હાઉ આર યુ?” નેત્રાએ ચમકીને પાછળ જોયું તો ડો.આકાશ ઊભા હતા.
“અરે તમે ક્યારે આવ્યા? આઈ એમ ફાઈન. મારું રોઝ ક્યાં?”

“રોઝ તો આ રહ્યું. બટ રિમેમ્બર તેં મને કૈંક સરપ્રાઈઝ આપવાનું કહ્યું હતું?” ડો.આકાશે નેત્રાને રોઝ આપતા કહ્યું.
“યેસ. આય રિમેમ્બર. પણ પહેલા આંખ તો બંધ કરો.”
“ઓકે બાબા.” ડો.આકાશ આંખ બંધ કરીને ઊભા રહ્યા.
“સો હિઅર ઇઝ માય સરપ્રાઈઝ. માય સિક્રેટ ફ્રેન્ડ,આયુષ.” નેત્રાએ થોડીવાર પછી ડો.આકાશને આંખ ખોલવા કહ્યું. “આયુષ, આ છે ડો.આકાશ.”

ડો.આકાશ ઘડીભર અવાચક થઈ ગયા. એણે નેત્રા સામે જોયું. “કેવી લાગી મારી સરપ્રાઈઝ?” નેત્રા પૂછી રહી હતી. ડો.આકાશ શું બોલે? નેત્રા જેને પોતાનો ‘સિક્રેટ ફ્રેન્ડ’ કહેતી હતી એવી કોઈ વ્યક્તિ જ ત્યાં હાજર નહોતી! એ હીંચકા પાસે ડો.આકાશ અને નેત્રા સિવાય ત્રીજું કોઈ જ નહોતું! એમણે નેત્રા સાથેની છેલ્લા પંદરેક દિવસની મુલાકાતો યાદ કરી જોઈ. ધીરે ધીરે ડો.આકાશની સામે આખું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું.

નેત્રા જેવી સીધી દેખાતી છોકરીની અંદર એક માનસિક દરદી છૂપાયેલી હતી. પોતાની મમ્મીની સૌથી નજીક એવી નેત્રા એના ચાલ્યા જવાથી સાવ એકલી પડી ગઈ હતી. પપ્પાથી એ ખૂબ ડરતી. એક તો પપ્પાનો ડર અને મમ્મીની ગેરહાજરીથી અનુભવાતી એકલતા. નેત્રાએ પોતાની જાતને દુનિયાથી સાવ અલિપ્ત કરી લીધી હતી. પોતાની મનની દુનિયામાં એણે એક કાલ્પનિક પાત્ર ઊભું કર્યું હતું. એ રોજ એની સાથે વાતો કરતી, હસતી, લડતી, ઝગડતી. છેલ્લા લગભગ એક વર્ષથી નેત્રા પોતાની કાલ્પનિક દુનિયામાં જ રહેતી હતી.

એ દુનિયામાં એનો એકમાત્ર સાથી હતો – એનો સિક્રેટ ફ્રેન્ડ આયુષ. જે ખરેખર તો નેત્રાના મનનો એક ભ્રામક ખયાલ જ હતો. પરંતુ આટલો વખત રોજ એક કાલ્પનિક પાત્ર સાથે સમય વિતાવ્યા પછી એનું મન એમ જ માનવા લાગ્યું હતું કે વાસ્તવમાં આયુષ નામનો એનો એક ફ્રેન્ડ છે. એની સાથે સમય પસાર કરવો એ જ નેત્રાનું એક માત્ર લક્ષ્ય હતું. નેત્રાની બીમારી એટલી વધી ગઈ હતી કે એક દિવસ પણ આયુષ સાથે વાત ન કરે તો એ બેચેન થઈ જતી.

****

“મે આય કમ ઇન, સર?” ડો.આકાશે ફાઇલમાંથી ઊંચું જોયા વિના હાથથી અંદર આવવાનો ઈશારો કર્યો. “હા, તો બોલો શું તકલીફ છે?” ડો.આકાશથી પોતાની રોજિંદી આદત મુજબ પૂછાઈ ગયું, પણ સામે નેત્રાને જોઈને એ ખુશ થઈ ગયા.
“અરે નેત્રા. તું છે? આય થોટ મારું કોઈ પેશન્ટ હશે. બેસ ને.” ડો.આકાશે એકદમ ખુશીથી કહ્યું.

“આય એમ ઓલ્સો યોર પેશન્ટ ડોક્ટર.” નેત્રાએ ચેરમાં બેસતાં કહ્યું.
“નો ડિઅર. યુ આર માય ફ્રેન્ડ ફર્સ્ટ. સોરી આજે મારી પાસે તારું ફેવરિટ રોઝ નથી.” ડો.આકાશે હસીને કહ્યું.
“આજે હું તમારા માટે ગિફ્ટ લાવી છું. હું મારી માનસિક બીમારીમાંથી બહાર આવવામાં સફળ થઈ એની પાછળ તમારી સારવાર અને પ્રેમનો બહુ મોટો ફાળો છે. સતત બે વર્ષથી જે ધીરજથી તમે મને સંભાળી છે એ તો કાબિલે તારીફ છે. એનાં બદલામાં મારી પાસે તમને આપવા માટે ફક્ત એક જ વસ્તુ છે– માનસિક રીતે સ્વસ્થ એવી નેત્રાની દોસ્તી. ફ્રેન્ડસ?” આંખમાં આંસુ સાથે નેત્રાએ પોતાનો હાથ લંબાવ્યો. ડો.આકાશે તરત જ ઊભા થઈને એ હાથને થામી લીધો.

નેત્રાએ લઈ આવેલો તાજાં ફૂલોનો ગુલદસ્તો પણ જાણે આ અમૂલ્ય સંબંધને સુવાસિત કરવા મહેંકી ઉઠ્યો.

સૌજન્ય : સ્ટોરી મિરર 

આવી સરસ મજાની વાર્તાઓ વાંચવા અહીં ક્લિક કરો – સ્ટોરી મિરર

રસપ્રદ વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ : “જલ્સા કરો જેંતીલાલ”

ટીપ્પણી