હેલો.. ભગવાન..વાંચો અનાયાસે વ્હારે આવ્યા ભગવાનની વાત

હેલો.. ભગવાન..

માધવ પોતે આર્કિટેક્ટ હતો. દેખાવડો પણ ખરો. પચીસ વરસની પ્રેક્ટિસ પછી પણ તે ઘરે આવે એટલે સમર્પિત થઈ જતો. એની પત્ની બધાને કહેતી કે,”એમને તો કાંઈ ખબર જ ન પડે. મારે જ બધું સમજાવવું પડે. જો હું ના હોઉં ને તો ખબર નહિ આમનું શું થાય? રસ્તે ચાલતા હોય ને તો ખાડામાં પડી જાય એવા છે સાવ!” માધવ માત્ર માથું હલાવતો કારણ કે તે જાણતો કે તેની પત્ની પણ અન્યની પત્નીઓ જેવી જ છે. તે પણ ક્યારેક મજાકમાં કહેતો કે,”આ ન હોયને તો મને તો રસ્તા પર વાહનો પણ ન દેખાય. એકાદ બસ નીચે તો આવી જ જાઉં!” માધવની પત્ની રાધા પણ સાવ ભોળી. એટલે બેઉનું ગાડું ચાલ્યા કરતું. એ બંને માંથી કોણ સુંદર છે તે નક્કી કરવાનું અઘરું જ પડતું. એક વાર રાધાની બહેને પૂછેલું કે,” જીજુ તમારા બેમાંથી સુંદર કોણ અને નસીબદાર કોણ?” અને માધવે જવાબ આપેલો,”હું સુંદર અને રાધા નસીબદાર.” એનાથી એક વાત તો સાબિત થઇ ગઈ હતી કે વધારે બુદ્ધિશાળી તો માધવ જ છે.

થોડા દિવસથી માધવ નવું શીખ્યો હતો. કંઈ પણ કામ હોય તો કહે કે ભગવાનને કહી દઈશ. નળ બગડેલો હતો અને એણે ભગવાનને ફોન કરી દીધો. બીજા દિવસે માણસ આવીને સરસ કરી ગયો. ફ્રિજ બંધ થઈ ગયું ને ફરી ભગવાનને ફોન અને તે પણ રીપેર થઈ ગયું. આવા નાના મોટા કામમાં તે ભગવાનની જ મદદ લેતો. રાધા બધાને કહેતી,”માધવ છે નરસિંહ મહેતા જેવા. ભગવાન એમની બધી વાત માને. વળી કોઈ પણ માણસ આવે ને પૈસા આપીએ તો ધરાર હાથ ન અડાડે. કહે શેઠે ના પાડી છે. જેના માથે શામળિયા શેઠનો હાથ હોય તેને વળી દુઃખ શાનું? આસપાસ વાળા લોકો પણ માધવ જાણે સાચે જ નરસિંહ મહેતા હોય તે નજરે જોવા લાગ્યા. એક વાર બાજુની સોસાયટીમાં નાગ નીકળ્યો અને માધવ ને બોલાવવા આવી ગયા.” તમારે માથે તો ભગવાનની કૃપા છે તો જરાક સાપને પકડી ને ફેંકી આપોને!” માધવને રાધા પર ગુસ્સો આવ્યો પણ રાધાનું માન સાચવવા તે બે વાંસ લઈને એમની ભેગો ગયો. ડિસ્કવરી ચેનલ પર સાપ પકડતા લોકો ને જોયા હતા એવી જ રીતે એક વાંસથી મોં દબાવી બીજો વાંસ એક બીજા ભાઈને આપ્યો અને પૂંછડી પકડવા કહ્યું. બેઉએ નાગ તો પકડી લીધો. જો પહેલા પૂંછડી છોડે તો તે વીંટાઈ જાય અને મોં છોડે તો નાગ ડંસ મારે. નાગને લઈને તળાવની પાળે ગયા. અને એક બે અને ત્રણ બોલીને સાથે ફંકી દેવાનું નક્કી કર્યું. એક બોલીને ટોળા તરફ નાગ કર્યો. બે બોલીને તળાવ તરફ અને ત્રણ બોલીને છોડી દીધો ટોળા પર. ભાગ દોડ મચી ગઈ. અને માધવ ઘરે આવી ગયો.

રાધાએ સમજાવ્યું કે ભગવાનને સોંપી દેવું હતું ને! અને માધવ અકળાયો,”એમ બધાના કામ થોડા એ કરે? આપણું કામ હોય તો ઠીક છે.” દર વખતે કોઈ ફિયાસ્કો થાય અને રાધા ટોકે કે ભગવાનને સોંપી દો તો? માધવ હવે ચૂપ રહેતો. એક દિવસ ખુબ વરસાદ હતો અને રાધાએ માધવની ઓફિસે ફોન કર્યો. તે ફસાઈ ગઈ હતી કમર સુધીના પાણીમાં તેણે ભૂલથી ગાડી ઉતારી દીધી હતી. તે તો કિનારે આવી ગઈ પણ ગાડી ફસાઈ ગઈ હતી. માધવે ભગવાનને ફોન કર્યો અને અઠવાડિયામાં તો ગાડી નવી નક્કોર હોય એવી થઈને આવી ગઈ. ફરી એજ જવાબ. પૈસા ના લેવાય. શેઠ ઠપકો આપે. રાધાને હવે માધવમાં જ શામળિયો દેખાવા લાગ્યો. તે વિચારતી કે મારો વર આ ગોટાળા મારે છે તે લીલા તો નહિ હોય ને? તે હવે સવાર સાંજ માધવને પગે લાગતી. એનું જોઈને આસ પાસ વાળા અને કામવાળા પણ પગે લાગી જતા. સામે વાળા ભાઈ જે માધવને કાયમ પગે લાગતા તેને લકી ડ્રોમાં એંસી લાખની ગાડી લાગી. હવે માધવનો સંપ્રદાય મોટો થવા લાગ્યો. ઓફિસમાં મોડું થાય તો ક્લાયન્ટ બૂમો પડે એટલે રાધાને મનાવીને એક ફોટો બહારની રૂમમાં મુકાવી દીધો. હવે તો બધા માધવનો ફોટો પાકીટમાં રાખતા. માધવ ભૂલો કરે તો તે લીલા ગણાતી અને કઈ સારું થાય તો ચમત્કાર.

માધવને પણ આ બધાની નવાઈ લાગતી પણ રાધા આગળ તેનું કઈ ચાલતું નહિ. એક વાર માધવ ખુબ ચિંતામાં હતો રાધાએ કારણ પૂછતાં ખબર પડી કે ઓફિસમાંથી વીસ લાખની ચોરી થઈ છે. ક્લાયન્ટના પૈસા સાઈટ પર દેવાના હતા અને ચોરી થઈ ગયા. રાધાએ કબાટ ખોલીને પચીસ લાખ આપ્યા. માધવ તો આભો જ થઈ ગયો. તેણે પૂછી જ લીધું કે તારી પાસે આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા? રાધાએ લટકો કરીને જવાબ આપ્યો,”તમારા ફોટા પાસે બધા જે પૈસા ચડાવે છે તે છે આ બધા. તમે તો એવી વાત કરો છો જાણે તમને ખબર જ ન હોય!” માધવની બોલતી બંધ થઈ ગઈ. તેને ખરેખર ખબર ન હતી. એ પૈસા લઈને ઓફિસ જતો રહ્યો. પૈસા ચૂકતે થઈ ગયા ત્યાં રાધાનો ફોન આવ્યો. ખબર પડી કોણ લઈ ગયું છે પૈસા?” બીજું કોણ હોય એક જ કોન્ટ્રાક્ટર હતો આપણો, ભગવાન. આટલો સારો પગાર આપતા તો પણ ચોરી કરી. મારી જ બુદ્દિ બહેર મારી ગઈ હતી કે એના પર વધારે પડતો ભરોસો કર્યો.” રાધા ચૂપ થઈ ગઈ. એના મગજમાં ધીમે ધીમે વાત સમજાતી હતી. તે ધીમેથી બોલી,” જુઓ, જે થવાનું હતું તે થઈ ગયું. બહુ હોબાળો ના કરશો. આ જે પૈસા આપ્યાને તમને એ ભગવાનના નામથી જ આવ્યા છે. એમાંથી એ થોડા લઈ ગયો. વાત પુરી થઈ ગઈ. હજુ આજે જ એક જણને નોકરી મળી એના વસ હજાર આવ્યા છે. બે ત્રણ મહિનામાં રિકવર થઈ જશે. ”

માધવ કર્મના સિદ્ધાંતવાળો શ્લોક શોધવા લેપ ટોપ લઈને બેસી ગયો. ત્યાં ફોન આવ્યો,”હેલો, ભગવાન બોલું છું. સાઈટ પર પૈસા આપવા નીકળ્યો હતો ત્યાં સ્કુટર અથડાયું એટલે પાટો બંધાવવા ગયો હતો. લાઈન હતી એટલે મોડું થયું. સાઈટ પર પહોંચ્યો તો તે કહે છે કે પૈસા મળી ગયા છે. હવે આ પૈસા નું શું કરું?” માધવને પૈસા કરતા પણ ભગવાન પાછો આવે તેમાં વધારે રસ હતો.

સાંજે રાધાનો ફોન આવ્યો,”કુકર બગડી ગયું છે હવે શું કરીશું?” માધવે કહ્યું,”ભગવાન ને કહી દઈશ..” અને સામેથી જોરથી ફોન મુકાઈ ગયો.

સૌજન્ય : સ્ટોરી મિરર 

આવી સરસ મજાની વાર્તાઓ વાંચવા અહીં ક્લિક કરો – સ્ટોરી મિરર

રસપ્રદ વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ : “જલ્સા કરો જેંતીલાલ”

ટીપ્પણી