“એકલવ્ય” – એક નાનકડી વિદ્યાર્થીની અને તેના શિક્ષકની વાર્તા.. વાંચો અને શેર કરો..

અંજના છઠ્ઠા ધોરણમાં ભણતી મારી ટ્યુશનની વિદ્યાર્થીની હતી. શરમાળ, ઓછાબોલી અને સરળ સ્વભાવ એની ઓળખ. અભ્યાસમાં ખુબ જ નબળી હોઈ, કોઈ પણ વાત એકદમથી ન સમજી શકે એવી.

આ નેવુંનાં દાયકાની વાત છે, જયારે ગુજરાતી માધ્યમ પ્રચલનમાં હજુ હતું. મોબાઈલ જેવું કંઈ આગળ ચલણમાં આવશે એવી ય કંઈ ખબર નહોતી. ત્યારે છોકરાંઓ ઘરથી શાળા અને શાળાએથી રમતનાં મેદાનમાં જોવા મળતા ખરાં.

દર શનિવારે મારા ટ્યુશન વર્ગમાં “મારી વાત સાંભળો” એવો ખાસ વર્ગ મેં રાખ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ પોતપોતાનાં મનની વાતો રજુ કરે. એ બહાને એમનું માનસ જાણવા મળે. વિદ્યાર્થીઓ અઠવાડિયાનાં ભણતરનાં ભારથી થોડાં હળવા થાય, વકતૃત્વકલા ખીલે, નવા વિચારોની આપ લે પણ થાય.

એક શનિવારે આ વર્ગ અંતર્ગત સહુએ “મને કઈ વસ્તુ ગમે અને શા માટે ?” એ બાબતે વિચાર રજુ કરવાના હતા. ફેન્સી કમ્પાસ, પિઝ્ઝા, લંડન ટ્રીપ, કોમિક બૂક, ચાર ખાનાવાળું દફતર, ક્રીકેટ કીટ, નાનકડું પાળેલું ગલૂડિયું, એવા અનેક “મહાન “, “મોટા” વિષયો પર ગહન!!?! ચર્ચાઓ થઈ.

અંજનાનો વારો આવતાં જ શરમાતી શરમાતી, ધીમા સાદે બોલી.. “મનીષા ટીચર.. મને તો.. છે ને… તે… કાંડાઘડિયાળ બહુ ગમે.. પણ પપ્પા લઈ નથી દેતા.”

“ઘડિયાળ જ કેમ?” મને રસ પડ્યો.

“એના થી માભો પડે, ને…છે ને…તે…પૈસાદાર અને સાથે હોશિયાર લાગીએ.” મરક મરક હસતા ધીરૂં ધીરૂં બોલવાની એની આદત.

બાળકો તો ઘેર ગયા પણ મારા મનમાંથી અંજનાની વાત ખસતી નહોતી. જસુભાઈની કરીયાણાની દુકાન બાજુમાં જ હતી. અંજનાનાં પિતા. જસુભાઈના પત્ની અશક્ત, ત્રણ છોકરાંવનો બોજો.. વળી દુકાન ખાસ ચાલતી નહીં. જસુભાઈ ને મેં વાત કરી. એમનું કેહવું હતું કે આ વખતે જો અંજના બધા વિષયમાં પાસ થાય તો ઘડિયાળ પાક્કી.

“પાસ થાય….તો.. અે પણ બધા જ વિષયમાં.”

હવે આ તો મારા માટે ય અઘરો વિષય થઈ પડ્યો.. જેનાં કુલ માર્ક્સ જ ૨૯ થતા હોય એને બધા વિષયમાં પાંત્રીસે પહોચાડવી કેમ? અંજનાની ઘડિયાળ આ વખતે ય ગઈ. મેં વિચાર્યું.

પરિણામ આવ્યું. આમ તો ધક્કે ધક્કે ગાડી નીકળી ગઈ પણ ઈતિહાસમાં બે માર્ક ઓછા પડ્યા. થોડી આશા બંધાઈ કે આ બે માર્ક્સની કસર વાર્ષિકમાં પૂરી કરી શકાશે. હું થોડી વધુ મેહનત લઈશ અને કરાવીશ પણ. એ નિર્ધાર સાથે. આખરે મારી નાનકડી શિષ્યાનું મોટું અરમાન પૂરું કરવાનો મામલો હતો… કાંડા ઘડિયાળનો હતો.

આજે ઈતિહાસનો જ પીરીઅડ. પણ અંજના બહુ જ બેધ્યાન હતી. મરક મરક હસ્યા કરે. ફ્રોકની બાંયમાં હાથની રમતમાં મશગૂલ.

મારું ધૈર્ય ખૂટ્યું. તો ય જરા કડક છતાં નીચા સૂરમાં કહ્યું, “અંજના.. ક્યાં ધ્યાન છે તારું? ઈતિહાસમાં આ વખતે પાસ થવું છે કે નહીં?” ..કોઈ અસર નહી…જૈસે થે…

ઘણા પ્રયાસો પછી ય હું અંજનાને વાળી ન શકી. નવાઈ તો લાગી, કે આટલી ડાહી અને ચૂપચૂપ રહેતી છોકરી આજે કેમ અલગ વર્તન કરી રહી છે?! હું અહીં એની નાવડી પાર લગાવવા અથાક પરિશ્રમ કરું છું અને એ કેમ આજે આમ ચંચળ છે? અંતે મેં થોડા નારાજ થઈ કહી જ દીધું. “ચાલો આજે રજા. મારો ભણાવવાનો કોઈ મતલબ જ નથી, જ્યાં તારે ભણવું જ ન હોય તો.”

ત્યાં તો અંજના ધીમેથી આછું આછું બોલી..” મનીષા ટીચર.. તમારી પાસે રિસ્ટવોચ છે?”

ઓહો.. તો આ ઘડિયાળ હજુ ભમ્યા કરે છે મગજમાં… એક તો હું અસમંજસમાં હતી એમાં આવા સવાલે મને વધુ અકળાવી.. “મારે શી જરૂર ? તમે લોકો આવો જ છો ને ટાઈમસર. ચાર વાગે તમારો બેચ આવે અને પાંચ વાગે કુશલનો બેચ, અને આ વોલ ક્લોક રહી.. પણ તારે શું કામ છે એ જાણી ને? આજે તેં જરાય ધ્યાન નથી આપ્યું.. આ ઠીક નથી. મને નથી ગમ્યું.” હું વિદ્યાર્થીઓને વઢવામાં પહેલેથી ઠોઠ.

અંજનાએ મરકવાનું અકબંધ રાખીને ધીરેથી પોતાનો હાથ સરકાવી મારી સામે ધર્યો.

હું કઈ પ્રતિક્રિયા આપું એ પેહલાં જ બોલી, “ટીચર.. છે..ને..તે.. આજે જ પપ્પા એ લઈ આપી. લો.. આ તમે રાખો. તમારા હાથ પર કોઈ દિવસ કાંડા ઘડિયાળ હોતી જ નથી ને. તમારે કેટલી દોડધામ રહેતી હોય છે? તમે કેટલી મહેનત કરો છો અમારા માટે… તમે પહેરો તો મને ગમશે.”

“ઓહ…!” હું મારી નાનકડી શિષ્યા ને જોઈ રહી. અને એ મરકતી મરકતી મને.

હું અંગુઠો માગું કે લઈ લઉં એવી દ્રોણ તો નહોતી પણ અંજનામાં એકલવ્યનાં દર્શન થઈ ગયાં.

સૌજન્ય : સ્ટોરી મિરર

આવી સરસ મજાની વાર્તાઓ વાંચવા અહીં ક્લિક કરો – સ્ટોરી મિરર

ટીપ્પણી