“દિવાલનો ચહેરો” દિવાલ પર દેખાતો એક હેટવાળો ચહેરો, આ રહસ્યમી વાર્તા અચૂક વાંચો

“દિવાલનો ચહેરો”

સાયલી આજે જ મુંબઈથી દેવલાલી આવી હતી. બારમાની પરીક્ષા પતી પછી મમ્મી પપ્પા સાથે યુરોપ જવાનો પ્રોગ્રામ હતો. પણ એ તો મે મહિનામાં જવાનું હતું. માતા પિતા બેઉ નોકરી અર્થે જતા રહે એટલે થોડા દિવસ નાના નાની સાથે રહેવા આવી હતી.

સત્તર વર્ષની સાયલી સ્માર્ટ અને સ્વતંત્ર મિજાજની હતી. હરિયાળા દેવલાલીમાં નાનાજીનો સોસાયટીમાં છેવાડે બેઠા ઘાટનો બંગલો હતો. ફરતે મોટા કંપાઉન્ડમાં જાતજાતના ફૂલઝાડ શોભતા હતા. બંગલો હવે થોડો જુનો થયો હતો છતાં સુંદર લાગતો હતો.

“તારો સ્પેશ્યલ રુમ અમે સાફ કરાવી ને તૈયાર રાખ્યો છે..ખુશ ! નાના નાની સાયલીના આવવાથી ખુબ ખુશ હતાં. ઓકે નાનુ..” મમ્મી પપ્પા તો સવારે વહેલા જતા રહેવાના હતા. સાયલી આરામથી સવારે ઉઠી. કમાલ છે ને મુંબઈની ફાસ્ટ લાઇફમાં સવાર જલદી પડી જાય. અહીં તો હજી બધું શાંત છે. સાયલી પલંગમાં સુતા સુતા કમરાનું નિરીક્ષણ કરવા લાગી. ઘણી જગ્યાએ દિવાલમાં પોપડા નીકળી ગયા હતા. કદાચ વરસાદનું પાણી લીક થઈ ઉતરતું હશે. પલંગની બંને તરફની દિવાલ પર જુના ફેમિલી ફોટા અને દેવ દેવીના કેલેન્ડર લગાડેલા હતા. સિલિંગ અને સામેની દિવાલ પર પર વધુ ગળતર હશે. જરા ધ્યાનથી જોતાં એની નજર ચોંટી ગઇ. એ ફરી ફરી ને જોવા લાગી.

સિલિંગ અને દિવાલના સાંધાથી શરૂ થઈ એક ચહેરો આકાર પામતો હતો. આબાદ જાણે કોઈએ ચિત્ર સ્કેચ કર્યુ હોય એમ. માથા પર ફેલ્ટ હેટ ઊંડી આંખો પર જાડી ભ્રમર, જાડી મૂછ નીચે દબાઈ જતા હોઠ. દાઢીને એમાં વચ્ચે ખાડો. કાઉબોય જેવું દેખાતુ આપમેળે આકાર પામેલા એવા ચિત્રને જોઇ સાયલી જરા ચોંકી ગઈ.

રુમમાંથી નીચે આવી કે નાનાજીએ કહ્યું “સાયલી..માય લવલી ડૉલ..ચાલ માર્કેટમાં જઈએ…નાની આપણા પેટ પર કંઇ એક્સપરીમેન્ટ કરવા માંગે છે…સાયલી તૈયાર થઈ ગઈ. જતાં જતાં એની નજર ફરી દિવાલ પર ગઈ.. એ જ ચહેરો જાણે એની સામે જોઈ રહ્યો હતો.

દેવલાલીની માર્કેટ નાની હતી. લીલોતરી અને ફળો લઈને બંને કાર પાસે આવ્યા. નાનાજીને સીગારેટ પીવી ગમતી એટલે સાયલીને કારમાં બેસવાનું કહી સામે પાનવાળા પાસે ગયા.

ખાસ્સી વાર થઈ એટલે સાયલી બારીમાંથી ડોકું કાઢી નાનાજીને બૂમ મારવા ગઈ પણ અવાજ ગળામાં જ અટકી ગયો. નાનાજી જેની સાથે વાત કરતા હતા એ અદ્દલ એ જ માણસ હતો… જેનો ચહેરો એના રુમની દિવાલ પર ઉભરી આવ્યો હતો.

સાયલી અચંબિત થઈ ઉઠી… કેવી રીતે શક્ય છે… ફાટી આંખે એ વ્યક્તિને જોતી રહી… આખા રસ્તે સાયલી ચૂપચાપ બેસી રહી. કોણ હતી એ વ્યક્તિ?

ઘરે આવીને એ કમરામાં જવા ડરતી હતી.. અચાનક ચહેરો જીવંત થઈ જાય તો..!

સાંજ નાના નાની સાથે પત્તા રમવામાં નીકળી ગઇ. નાનાજીએ ડીનર માટે સાયલીના ફેવરીટ ડોમીનોઝ પીઝા મંગાવ્યા. બેલ વાગી. સાયલી એ દરવાજો ખોલ્યો…”પીઝા ફોર યુ મેમ”… સાયલી આઘાતથી મૂઢ થઈ ગઈ. ફરી એ જ ચહેરો..ફેલ્ટ હેટ.. ઉંડી આંખો..મૂછ..

શું થયું સાયલી? પૈસા આપી દે.. કહેતા નાના દરવાજા પાસે આવ્યા.. થેંક્યુ.. કહી દરવાજો બંધ કર્યો…શું થયું સાયલી..સવારે પણ તું આને જોઈને ચોંકી ગઈ હતી..

સાયલીએ નાનાનો હાથ પકડ્યો અને લગભગ ઘસડતી પોતાના કમરામાં લઈ ગઈ.આંગળી ચીંધીને એણે નાનાજીને દિવાલ બતાવી. નાનાજી પાંચ મિનિટ સુધી દિવાલ સામું જોતાં રહ્યાં.. ઓહ… આતો આતો.. એ જ.. ઓહ માય ગૉડ.. બંને જણાં ભયભીત, આતંકિત દશામાં નીચે આવ્યાં અને સોફા પર ફસડાઈ ગયાં. સાયલીએ ધીમે રહી નાનીને પણ આ વિચિત્ર ઘટના કહી. નાની પાછાં હાર્ટ પેશંટ.. ત્રણે જણાંએ મળી નક્કી કર્યું કે ઇન્સપેક્ટર મોરેને જણાવવું. નાનાજીએ ફોન લગાડયો પણ લાગ્યો નહિ એટલે ત્રણે સાથે પોલીસ સ્ટેશન જવા નીકળ્યા. દસ મિનિટ પછી ઉતાવળે અંદર જઈ એકસાથે ફરિયાદ લખાવવા માંડ્યા. ઇન્સપેકટર નીચુ જોઈ કંઈ લખી રહ્યો હતો. અચાનક એણે ઉંચું જોયું. ઓહ ત્રણેના મોંમાથી એક સિસકારો નીકળી ગયો. ઇન્સપેકટર નાં સ્વાંગમાં પણ એ જ હતો…એણે વંકાયલ સ્મિત કર્યું.

ત્રણે જણાં પાછળ જોયા વિના ભાગ્યા અને કારમાં બેસી ગયા. થોડે દૂર જઈ કાર ઉભી રાખી નાનાએ મોરેને ફોન લગાડયો. “સાહેબ મિ વિસરલો.. અમે પોલીસ સ્ટેશન હમણાં બીજે ખસેડ્યું છે…કાય ઝાલા?”

નાનાજીએ મોરેને બધી વાત કરી… મોરે હતપ્રભ બની સાંભળી રહ્યો… થોડી વાર સાંભળી એણે કહ્યું.. હું ઘરે આવું છું..

સાયલી.. નાનાજી અને નાની બહારથી સહજ હોવાનો ડોળ કરી રહ્યા હતા પરંતુ અંદરથી ફફડી રહયા હતા. દાદીની સ્વાદિષ્ટ થાળીપીઠ ચાખ્યા વિનાની પડી રહી હતી.

ટ્રીં…ગ.. બેલ વાગી.. ત્રણે જણાં એક બીજા સામું જોવા લાગ્યા….ક..દા..ચ..મોરે હશે… સાયલી દરવાજો ખોલવા ઉભી થઈ.. પણ નાના જીએ ઈશારો કરી બેસી જવા કહ્યું.. એમણે કી-હોલમાંથી જોવાની કોશિશ કરી પણ કંઈ બરાબર કળાયુ નહીં. બહારથી મોરે જેવો અવાજ આવ્યો.. “હું છું અંકલ દરવાજો ખોલો…નાનાજી એ દરવાજો ખોલ્યો…અને એ જ દિવાલવાળો ચહેરો અંદર ધસી આવ્યો…

એનું વંકાયેલ સ્મિત ભયાનક લાગતું હતું.. એની અપાર્થિવ આંખો સાયલી પર મંડાયેલી હતી…એ ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો…નાનાજી એ એને પાછળથી પકડી લીધો…કોણ છે તું… શું જોઇએ છે તને…?

એ કંઈ બોલ્યા વગર સાયલી તરફ આગળ વધવા ગયો પણ નાનાજીએ એને ધક્કો મારી પાડી નાખ્યો. નાના અને નાની મળી એને જમીન સાથે જડી દીધો..પણ સાયલીને ખબર હતી તેઓ વધુ વાર ઝાલી નહીં રાખી શકશે.. એને કંઈક વિચાર આવ્યો અને એ પોતાના કમરા તરફ ભાગી… સાયલીએ ઉપર જઈ સ્ટોર રુમમાંથી સફેદ રંગના પેઇન્ટનો ડબ્બો કાઢ્યો અને દિવાલ તરફ ભાગી.. નીચેથી પેલા માણસની ચીસો આવી રહી હતી… સાયલીએ પેઇન્ટનો પહેલો લસરકો દિવાલના ચહેરા પર માર્યો.. નો….નીચેથી માણસની મરણચીસ સંભળાઇ.. સાયલી ઝનૂનપૂર્વક આખા ચહેરા અને એની આજુબાજુ બધે સફેદો મારી દીધો… હવે નીચેથી ચીસો આવવી બંધ થઈ ગઈ હતી. એ નીચે આવી. “કાય ઝાલા…શું ગરબડ છે?…ઇન્સપેકટર મોરે પૂછી રહ્યો હતો.

ત્રણે જણાં ફાટી આંખે નીચે પડેલી ફેલ્ટ હેટને જોઈ રહ્યા હતા….

સૌજન્ય : સ્ટોરી મિરર 

આવી સરસ મજાની વાર્તાઓ વાંચવા અહીં ક્લિક કરો – સ્ટોરી મિરર

રસપ્રદ વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ : “જલ્સા કરો જેંતીલાલ”

ટીપ્પણી