“આશીર્વાદ….” – એક લાગણીસભર વાર્તા… શેર કરવાનું ભૂલતા નહિ…

‘બેન તમે મારી આ બાર વરસની દીકરીને રાખશો તો તમે મારા ભગવાન. હવે તો ભગવાનને ત્યાંથી તેડું આવ્યું છે એટલે મારા અન્નજળ પાણી દુનિયા સાથે પૂરાં થયા. મારી હિરાનું હવે કોઈ નથી આ દુનિયામાં. એકલી રહેશે દીકરીની જાત….અને દુનિયા રાક્ષસોથી ભરેલી છે…અનાથ આશ્રમમાં મૂકીશ તો ન્યાંય રાક્ષસ તો છે…..એના કરતાં ઈ તમારા રસોડામાં પડી રહેશે. તમે એને કામ શીખવજો. તમે દીકરીની જેમ નહીં પણ એક કામવાળીની જેમ મોટી કરજો. માંડ માંડ બોલતી રૂડી બે હાથ ભેગા કરે તે પહેલાં શ્વાસ છોડી દીધો. મીતા અકળાઈ. આમ તો તેને આ બાઈ પહેલેથી ગમતી ન હતી. પણ સાસુના વખતથી તે કામ કરતી હતી એટલે તે કશું બોલી શકતી ન હતી.વળી રાજ પણ તેને ઘરની વ્યક્તિની સમજતો. તેની દીકરીને માટે ખાવાનું તો ઠીક પણ કપડાં પણ અપાતાં હતા.

મીતાને આ બાઈ સાથે વાંધો ન હતો.પણ્ તેના મનમાં એવો વહેમ હતો કે રૂડીને એઈડ્સને લીધે મરી છે. એટલે તે પોતાના છ મહિનાના યશને તેનાથી દૂર રાખવા માગતી હતી. માનો એઇડ્સ દીકરીમાં હોય જ. આ વાત તેણે પતિ સમીરને પણ કરી. સમીર થોડીવાર તો કશું બોલ્યા નહી. પછી કહ્યું ‘આ વાત કોઈને કહેતી નહીં. રૂડીબેનને વર્ષોથી ઓળખીએ છીએ. એ એવાં નથી. હું નાનોથી મોટો તેની પાસે થયો છું. તેને બહુ વખતે છોકરી થઈ વળી તેનો વર મરી ગયો.’ એ વાત પૂરી કરે તે પહેલાં મીતા વચ્ચે બોલી ‘તમે મારી વાત સાંભળો, રૂડીને એડ્સ હતો એ પાકી વાત છે. મને રૂડીએ જ કીધુંતું.’ હવે સમીરે વાત કાપી અને બોલ્યો ‘આ વાત ઘરમાં બધાને ખબર છે. અને તેની હિરાને નથી તેના બધા ટેસ્ટ પણ થઈ ગયા છે. એટલે આ છોકરી આપણી જવાબદારી છે. તેની આંખ સામે તો જો કેવી ભોળી ને નિખાલસ છે.’ આમ બોલી સમીર પડખુ ફરી સૂઈ ગયો. હવે મીતા થોડું જોરથી બોલી ‘તેની આંખો ગમેતેવી હોય તેનું મારે શું? તમારે સહુને જેમ કરવું હોય એમ કરો. હું મારા યશને તેનાથી દૂર રાખવાની છું.’ આમ બોલી પગ પછાડતી ઓરડામાંથી બહાર નીકળી ગઈ.

હિરા ઘરનું બધું કામ કરતી. આવા વખતે મીતાને સારું લાગતું. પણ જેવીએ તેનાં નાનકડા યશ તરફ જોતી તો અકળાઈ જતી. હિરાને યશ ખૂબ વહાલો લાગતો. તેના પગલાં અને તેની નજર આખો વખત યશને જ શોધતી. પણ તેને ખબર હતી કે મીતાબેનેને તે યશ સામે જુએ એ ગમતું નથી. એક દિવસ યશ સૂઈ ગયો હતો. અને મીતા બહાર ગઈ હતી. યશ ઓચિંતા ઊઠી ગયો. રડતા યશને હિરાએ તેડી લીધો. યશ છાનો રહી ગયો. હિરા ખુશ ખુશ થઈ ગઈ. તે તેને લઈને ઘરમાં ફરવા લાગી. થોડીવારમાં મીતા ઘરે આવી તેણે હિરાને યશને તેડી ફરતાં જોયો અને તેનો ગુસ્સાનો જ્વાળામુખી ફાટી નીકળ્યો. તેણે યશને તેના હાથમાંથી ખેચી લીધો. પછી હિરાનો ચોટલો પકડ્યો. તેને દરવાજા સુધી લાવી. આજ સમયે યશ રડવા લાગ્યો. એટલે હિરા બોલી ‘હું તેને અડીશ નહીં. તમે ભાઈને નહીં રડવા દ્યો.’ તે બોલતા બોલતા તે ઘરની બહાર નીકળી ગઈ. મીતાએ મમ્મીજીને પણ કહ્યં ‘તમને તો ખબર છે તેને હું તમારે લીધે નીભાવું છું. પણ હવે નહીં.’ સાંજે પપ્પાજી અને સમીર ઘરે આવ્યા ત્યારે તેની પાછળ હિરા પણ હતી. ચૂપચાપ ધીમે પગલે અને માથું નીચું કરીને ઊભી હતી.

‘યશ સૂઈ ગયો છે? સારું કર્યુ. હિરા અમારી થાળી પીરસો.’મીતા અવાક થઈ ગઈ. તેની આંખો ચકળ વકળ થવા લાગી. ‘મીતા બેટા હિરાને કહી દીધું છે કે તે હવે યશને નહીં અડે. બાકી જે નથી તેનો વાઘ બનાવવાની જરૂર નથી.તેના રિપોર્ટ સાફ છે. તમારે ડોક્ટર સાથે વાત કરવી હોય તો કરી લેજો.’ હવે સન્નાટોં ભારેખમ બન્યો. મીતાએ તેજ પળે ઘર છોડવાનો વિચાર કર્યો. સમીરના ચહેરાના ભાવ જોઈને માંડી વાળ્યું.

ચાર વરસના યશને એક દિવસ બહુ માથું દુખવા લાગ્યું. આંખો પણ. ડોક્ટર પાસે ગયા તો ડોક્ટરે ઝીણી આંખો કરીને કહ્યું ‘યશને ધીમે ધીમે હવે દેખાતું ઓછું થશે. તેની આંખો સૂકાવા લાગી છે.’

‘આનો કંઈ ઉપાય? કોઈ દવા ઓપરેશન?’ સમીરે ચિંતાતૂર અવાજે પૂછ્યું.

‘હજુ યશ બહુ નાનો છે. પછી કોઈ નેત્રદાન કરે. બે વરસમાં લગભગ તેને દેખાતું બંધ થઈ જશે.તેને કોઈની આંખો મળી જાય તો બહુ સારું પરીણામ મળે.’ડોક્ટર બોલ્યા.

‘મારી આંખો લઈ લ્યો.’ મીતા રડતી રડતી બોલી

‘આજકાલ તો નેત્રદાન બહુ લોકો કરે છે. ચિંતા ન કરો. કશોક રસ્તો નીકળશે.’ ડોક્ટરે આશ્ર્વાસન આપતા કહ્યું.

મીતા રડતી રડતી ઘરે આવી. આવીને મમ્મીજી પપ્પાજીને બધી વાત કરી. બધા ચિંતામાં મૂકાયા. મમ્મીજીએ ઠાકોરજીની માનતા રાખી. હવે યશની શાળાનું શુ કરવું…..તેના ટીચર સાથે વાત કરી કશુંક સોલ્યુશન કાઢવું તેની ચર્ચા કરી. પછી હજુ થોડું દેખાય છે ત્યાં સુધી શાળામાં મોકલવો….પણ મીતાએ તેની સાથે જ રહેવું. રસોડાનું કામ હિરા પર છોડવું.

નક્કી કર્યા પ્રમાણે બધું બરાબર ચાલવા લાગ્યું. મીતાને બહુ ગમતું ન હતું કે હિરાના હાથની બનાવેલી રસોઇ યશને ખવડાવવી પડે. તે યશની માટે તેને ભાવતું બનાવવાનોવાનો પ્રય ત્ન કરતી. હિરા પણ યશને ભાવતું બાનાવતી…યશને ખૂબ ભાવતું. તે વખાણ કરતો. મીતાને ગમતું નહીં. એક દિવસ મીતા શાળાની મીટીંગમાં ગઈ હતી. ત્યારે યશ ઘરે હતો. બહાર છોકરાંઓ રમતા હતા. અવાજ સાંભળી યશ પણ બહાર ગયો. તે તેના મિત્રો સાથે રમવા લાગ્યો. તે રમતાં રમતાં ભૂલથી ઉલટી સાઈડ ચાલ્યો ગયો. અને સામે એક બસ આવતી હતી. હિરાનું ધ્યાન યશ તરફ ગયું. તેણે સામેથી આવતી બસ પણ જોઈ. તે દોડી.’યશ….યશ…’સાદ પાડ્યો. આ સાદ સાંભળી પપ્પાજી દોડ્યા. હિરાએ યશને ધક્કો મારી દીધો. પણ પોતે બચી ના શકી. બધા લોકો ભેગા થયા…..પપ્પાજીએ યશને ઉંચકી લીધો. બસ ડ્રાઈવર પણ નીચે ઉતર્યો. બધા ભેગા થઈ હિરાને હોસ્પીટલ લઈ ગયા. ‘હિરા બચે એમ નથી’ ડોક્ટરોએ કહ્યું. હિરાએ મીતાને બોલાવીને કહ્યું ‘માસી મને કાંઈ રોગ નથી. મારી આંખો યશભાઈને આપશો. મારા આશીર્વાદ રૂપે.’ આમ બોલી હિરાએ આંખ મીચી દીધી.

સૌજન્ય : સ્ટોરી મિરર 

આવી સરસ મજાની વાર્તાઓ વાંચવા અહીં ક્લિક કરો – સ્ટોરી મિરર

ટીપ્પણી