: દિવાળીના તહેવારો પછી શરુ થતી ઠંડીમાં લગનગાળા દરમિયાન જાળવો તંદુરસ્તી…

દિવાળીના તહેવારો પછી શરુ થતી ઠંડીમાં લગનગાળા દરમિયાન જાળવો તંદુરસ્તી…

દિવાળોનો મહાપર્વ પૂરો થયા પછી તરત જ લગ્નગાળો શરુ થયો છે ત્યારે શરીરને દોડાદોડીથી થાક લાગે છે. તેલવાળી તીખી વાનગીઓ અને મીષ્ઠાન્ન ખાઈને સ્વાસ્થ્યને સાદો ખોરાક ખાવાની પણ ઇચ્છા થતી હોય છે. એવા સમયમાં ઠંડક પણ થોડી વધવા લાગે છે અને વાતાવરણમાં બે – બે ૠતુઓ હોવાનો અનુભવ થવા લાગે છે. એવે વખતે શરીરનું તાપમાન જાળવવું અઘરું પડે છે. કેમ કે રાતે ખૂબ ઠંડી પડવા લાગે છે, વહેલી સવારે ખુશનુમા ઝાકળ પડે અને તે સૂકાય છે આકરા તાપ પડ્યા પછી બપોર સુધી ખૂબ પરસેવો વળે એવી ગરમી થાય છે.

દરમિયાન થાક અને નાદુરસ્તીમાં ચહેરો ચમક ગુમાવીને રૂક્ષ થતો જાય છે. જેને તેજસ્વી અને દમકવાળો દેખાડવા માત્ર મેકઅપ કરીને તૈયાર થવું પૂરતું નથી. બાહ્ય કાળજી રાખવા કરતાં તેને અંદરથી જાળવવાથી કુદરતી નિખાર આવે છે અને ત્વચાની કોમળતા જળવાય છે.

જેને માટે કેટલાક રોજિંદા અને સરળ ઉપાયોની ચર્ચા કરીએ, જેને લીધે તહેવારો અને લગ્નસરા દરમિયાન ચહેરા પર થાક ન દેખાય અને ચમક વધે તે જાણીએ.

પુષ્કળ પાણી પીવું જોઈએઃ

પ્રકાશના તહેવારમાં દિવાળી દરમિયાન અને લગ્નગાળામાં ચહેરા પર નૂર અને આંખોમાં ચમક જોવા ઇચ્છતા હોવ તો જેમ બને તેમ વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ. પાણી પીવાથી શરીરમાંથી પરસેવા અને મળમૂત્ર વાટે કચરો નીકળી જાય છે. શરીરમાંથી ટોક્સિક્સ નીકળી જવાથી ત્વચા ચોખ્ખી અને ચમકવાળી દેખાય છે. જેને લીધે તાજગી અનુભવાય છે.

પૂરતી ઊંધ લેવી જોઈએઃ

આખો દિવસ જ્યારે ઉલ્લાસમાં પસાર થાય ત્યારે ભલેને મોડી રાતે માંડ પથારી ભેગાં થવાય છે. જ્યારે અને જેટલો સમય મળે આરામ કરી લેવો જોઈએ. ઊંઘ લઈ લેવાથી થાક ઉતરે છે અને ફ્રેશ થઈ જવાય છે. આંખોની રતાશમાં ફરક પડે છે. ચહેરા પરના સોજાના થર ઉતરે છે.

મોઈશ્વરાઈઝરઃ

આ સમયગાળામાં શરદી અને ગરમી બંને પ્રકારનું વાતાવરણ હોય છે જેને લીધે ચામડીમાંથી ભેજ ઉડી જઈને ખરબચડી થતી જાય છે ખેંચાણ જણાય છે. એવા સમયે સારી બ્રાન્ડનું અને તમારી ત્વચાને અનુરૂપ હોય એવું બોડી મોઈશ્વરાઈઝર નિયમિત રીતે લગાવવું જોઈએ. જેથી તણાયેલી કે ફાટેલી ન દેખાય અને પ્રસંગ મુજબ આપ ખૂબ સરસ દેખાઈ શકો.

ઠંડા પાણીએ નહાઈ શકાયઃ

ઠંડક ભર્યું વાતાવરણ શરુ થાય એવા સમયે સીધું જ ગરમ પાણીથી નહાવવાનું શરુ ન કરતાં શરુઆતમાં ઠંડા પાણીએ જ નહાવું જોઈએ. કેમ કે તહેવારોમાં આમેય ઝડપથી જ નહાઈ લેવાનું હોય છે. અને જો ગરમ આકરા પાણીએ માથામાં કે ચહેરા પર ઉતાવળે નહાઈએ તો ચામડી ખેંચાઈને સંકોચાઈ જાય છે જેથી કરીને નહાયા બાદ સૂકાયા પછી વધુ રૂક્ષ લાગે છે અને ફાટે છે.

મેકઅપ વધુ ન કરવોઃ

ભપકાદાર અને ચમકીલો મેકઅપ કરવાની ફેશન હવે ઓછી થતી જાય છે. નેચરલ દેખાય તેવો અને ચહેરાને એકરૂપતા આપે તેવા ફાઉન્ડેશન સાથે મેટ મેકઅપની ટિપ્સ એક્સ્પર્ટસ આપે છે. ખાસ કરીને જો દિવસ દરમિયાન પાર્ટી હોય તો એકદમ હળવા જ રંગોની લિપ્સ્ટીક અને આઈશેડોનો ઉપયોગ કરવો જોઈએ.

સનસ્ક્રીન લોશનઃ

પૂરતો આરામ કરી ઊંઘ લઈને ઠંડા પાણીથી નહાયા બાદ, બોડી મોઈશ્વરાઈઝર લગાવી, આછો મેટ મેકઅપ કર્યા પહેલાં સનસ્ક્રીન લોશન લગાવું જોઈએ. જેથી આખા દિવસમાં જો દોડધામ પણ કરવી પડે તો ચહેરાની ચમક ઉતરવાની બીક ન રહે. એવું નથી કે તે ફકત ઉનાળામાં જ લગાવાય. શરૂ થત શિયાળાનો કૂણો તડકો પણ ચામડીને રૂક્ષ કરે નહીં તે જોવું જોઈએ. હવે તો સારી ક્વોલિટીની મેકઅપ કોસ્મેટિક્સ પણ સનસ્ક્રીન એસ.પી.એફ. ૧૮થી ૫૦ સુધીની માત્રામાં ઉમેરેલ બજારમાં ઉપલબ્ધ છે.

શરીરની નાની એવી કાળજી પણ લેશો તો દરેક અવસરો મજાથી માણી શકશો.