પ્રિય જીવન – લાગણીથી તરબોળ એક પત્ર… જીવનની કલમે…

પ્રિય પ્રિયે,

જાણીને આનંદ થયો કે તે મારુ એ લખેલ વાંચ્યું છે. મારા પત્ર કે ભાવ અંગે વાંચીને જરૂરી પણ નથી, કે તું એનો જવાબ આપે. મારે હંમેશની જેમ તારી પાસેથી કાઈજ નથી જોઈતું. કારણકે મારા સ્વભાવમાં માંગવાની ત્વરા પણ કદાચ ત્યારેજ આવે છે, જ્યારે તારા દિલમાં કાઈક આપવાની ભાવના જીવંત બને છે. તારા દિલના ભાવ વગર મારી અભિલાષાઓનું અસ્તિત્વ અધૂરું છે. સાચું કહું તો તારું સર્વસ્વ જ્યારે મુક્ત પણે તે મને સોંપ્યું હતું, ત્યારેજ તારી પાસે કાંઈ મેળવવાની ઈચ્છા છૂટી ગઈ હતી. કારણકે મેળવવાની ઈચ્છા ત્યાં જ હોય છે, જ્યાં આપણી પાસે એનું કાંઈ જ ન હોય અથવા કોઈ આપણું ન હોય. મારા માટે તારા સોપાયેલા સ્વ પછી, તો મેળવવાનું કઈ વધ્યુંજ નથી. તારી પાસે છે એ પણ મારું છે, અને મારી પાસે છે એ પણ મારુંજ છે. તો પછી તારા પાસે માંગવાની કે મેળવવાની ઈચ્છા મારામાં આવેજ ક્યાંથી…?
ભલેતું મારાથી સદાય દૂર જ રહે, કદાચ હું પાસે લાવીને તને એ મંજિલ સુધી લાવવા નથી માંગતો કે જ્યાંથી કદાચ તુ પાછી ન વળી શકે. પણ હા, મારા કહેવાનો ભાવાર્થ તું સમજી ચુકી છે એટલુંજ બસછે. તારા દિલમાં મારા માટે ના વહેતા ક્ષણિક ભાવોના અસ્તિત્વની પ્રતીતિ માટે પણ આભાર. કદાચ મારા માટે તો આ પ્રતીતિ પણ પ્રેમના સાગરો કરતા બહુ વીશાળ છે.

મને તો ખુશી છે એ વાતની કે તું ખુશ છે. મને ગમ છે એ વાતનો, કે તારી ખુશીમાં ક્યાંક ને ક્યાંક મારો સહજ ભાવ ક્ષણભંગુર પણ જીવંત છે. આ જીવંતતા તારા ભવિષ્યના નિર્ણયોને જરૂર પ્રભાવિત કરશે, એટલે તારે કદાચ એ વિચારોને પણ મનમાંથી ખંખેરી નાખવા પડશે. જીવનમાં ક્યારેય એ નથી મળતું જેની આપણે કામના કરીએ છીએ, પણ હા જીવન એ બધું જરૂર આપે છે જે મેળવવા આપણે પ્રયાસ કરીએ છીએ. સબંધો ક્યારેય માંગીને નથી મળતા એ તો ફક્ત આપીનેજ કેળવાય છે. તું મારી નથી અને હું તારો પણ નથી, છતાં ક્યારેક લાગે છે અંતરમાં ક્યાંક કોઈ છે જે એક બીજાના છે. પણ એ કેમ છે…? શા માટે એ અલગ નથી થઈ શકતા એનું કારણ મારી પાસે નથી, હું શોધવાના વ્યર્થ પ્રયાસ કરીને થાકી ચુક્યો છું. હવે, હું એ પ્રયત્નોમાં મારી યાદોને વધુ મક્કમ અને દુઃખ દાયી નથી બનાવતો. આશા છે કે તું પણ એવુંજ કરતી હોઈશ હવે…

વીતેલા ભૂતકાળમાં તારા અસ્તિત્વની ઘણી આંટી ઘૂંટીઓ ને મેં તારી અંદર રહીને જીવી લીધી છે. હું જાણું છું કે આ સાચું નથી અને શક્ય પણ નથી, છતાં આ અહેસાસો માં બધુંજ આભાસી તથ્ય વાસ્તવિક થઈ જાય છે. તું કેટલી દૂર, અને તારાથી હું કેટલો દૂર… આપણી તો કદી આંગળીઓ પણ એકબીજાને એ ઉત્કંઠાથી નથી સ્પર્શી, છતાં જાણે લાગણીઓ એ વર્ષો વર્ષનો સમાગમ માણ્યો છે. કેટલું વિચિત્ર છે એ બધું અનુભવવું, જીવવું અને વિચારવું અથવાતો પછી એનાથી પીછો છોડાવવા મનમાંથી એ બધું જ કાઢીને ફેંકી દેવું.

એ દિવસો, એ રાતો અને એ ક્ષણો, જ્યારે જ્યારે યાદોમાં ઘુમળાય છે ત્યારે આંખો સામે બસ એક તું આવી જાય છે. મો ફુલાવતી, આંખો નચાવતી, ક્યારેક શોર્ટસ માં તો ક્યારેક શર્ટમાં, ક્યારેક હસતી તો ક્યારેક આંસુઓ સારતી, ક્યારેક ઉમંગમાં તો ક્યારેક આતંકમાં… તારા દરેક દરેક ભાવોને મેં તારા જ દ્વારા કેદ થયેલી તસવીરો માં જોયા છે. જીવ્યા છે, જાણ્યા છે અને માણ્યા છે. તારી એટલી નજીક રહીને કદાચ જે કોઈ એ નહીં અનુભવ્યું હોય એ મેં તારાથી આટલા દૂર રહીને અનુભવ્યું છે.

એ દરેકે દરે કક્ષણો મારા જીવનમાં અક બંધ છે. જ્યારે જ્યારે મેં તારી આંખોની દુનિયામાં વહેતી સરગમોને જોઈ છે. તારી આંખોની ઉછળ કુદ અદાઓમાં તારી હૈયાની લાગણી ઓને પણ ગાળી છે. ક્યારેક તારા હોઠોના બારીક રેખાંકિત ભાગોમાં છુપાયેલું એ વરસાવીદેવાનું જૂનું નતો ક્યારેક પાછું બધુ જ વ્યાજ સહિત મેળવી લેવાનું સંકર્ષણ પણ અનુભવ્યું છે. તારાથી દૂર હોવા છતાં તારા શરીરના એકેએક અંગના અકારો ને જાણે હું અનુભવી ચુક્યો છું. એ સ્પર્શની આભાસી અનુભૂતિઓ મેં વાસ્તવિકતા કરતા વધુ નિકટતા પૂર્ણ રીતે કરી છે. તારા ઉછળ કુદ કરતા શ્વાસોની રમતમાં તારા વળાંકોને મલકાતાં જોયા છે. ક્યારેક તારી નાભીના કિનારે અળોટેલા ઉત્સાહને ગલગલીયા કરીને જગાડ્યો છે, તો ક્યારેક તારા આકર્ષણના મોહમાં ખેંચીલેતા ગુલાબી હોઠોના કોમળ ફૂલોને ચુમ્યા છે. મારા અહેસાસોમાં જે તારા ભાવ જુમ્યા છે એની ખુશી મારા માટે અનંત છે.

બસ, અઢળક તમન્નાઓ અધૂરી છે. તારા સાથ અને સહવાસની, પણ આપણો સબંધ અશક્ય છે. મેં પહેલાજ કહ્યું એમ વિચારેલું બધુંજ પૂર્ણ નથી થઈ જતું. કારણકે આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ, જ્યાં દિલના સબંધો કરતા સાંસારિક અને સામાજિક સંબંધોનીજ સ્વીકૃતિ છે. દિલના ઉભરાઓ સતત દબાવી દેવામાં આવે છે, જે તે પણ અનુભવ્યું છે અને મેં પણ. વાસ્તવિકતા આભાસી દુનિયા કરતા અલગ હોય છે. પણ સંબંધ… સંબંધ આભાસમાં એટલો ગહન નથી બની શકતો, જેટલો વાત્વિકતા માં હોય છે. તારા દરેકે દરેક સ્પર્શની અધૂરી છુટેલી ઈચ્છાઓ તારી યાદોના વહેણ મજબૂત કરે છે. પણ, તારી સામાજિક સ્થિતિએમાં અશક્યતાઓને જન્મ આપે છે. હું પણ તને પામવા કરતા તને ખુશ જોવાની તરફેણમાં વધુ છું. કારણકે પ્રેમના સબંધોતો ત્યારેજ લાંબા ચાલે છે, જ્યારે એને બંને તરફના પૂર્ણ વાતાવરણ દ્વારા સ્વીકારવામાં આવે. જોકે એ શક્ય નથી, અને એના વગર આભાસમાં જીવાયેલી કોઈ જ ક્ષણ શક્ય નથી.

આપણે કોઈજ અશક્યતાને શક્ય કરવી નથી. કારણકે પ્રેમમાં આપવાનું હોય છે, કાઈજ મેળવવાનું નહિ. જો મેળવવાનું એમાં આવી જશે, તો પ્રેમમાં સાર્થકતા અંતની તરફ વળી જશે. પણ, આ પ્રેમ અંતને પામી જ ન શકે. કારણ કે એની વાસ્તવિક શરૂઆત કદી થઈજ નથી. બધુંજ આભાસ છે, તું પણ… તારા વિચારો પણ… અને તારા આભાસો પણ… તારી યાદો પણ… તું પણ… અને હું પણ…

જ્યારે સંબંધ બંધાય ત્યારે એમાં થી પ્રેમ મુક્ત થઈ જાય છે. અને જ્યારે સબંધો મુક્ત થાય ત્યારે પ્રેમ એમનામાં બંધાઈ જાય છે. કારણકે બંધનમાં પ્રેમ શક્ય નથી અને પ્રેમમાં બંધન…

સંબંધ કરતા સત્ય માં વિશ્વાસ હોવો જોઈએ. કારણકે સત્ય એ પ્રેમ છે, પ્રેમ એ પ્રકૃતિ છે અને પ્રકૃતિ એ સ્વીકૃતિ છે અને અંતે સ્વીકૃતિ પ્રકૃતિનું મિશ્રણ એજ ઈશ્વરીય સૃષ્ટિની અધિકૃત સ્તુતિ છે…

હવે તું અને હું ક્યાં છીએ… એન કોઈ એ કહેવાની જરૂર છે કે ના એ વિશે પૂછવાની. જો કોઈ સંબંધ આપણા વચ્ચે હશે તો એ દિલના ઊંડાણમાં ક્યાંક કંઈક કરીને બહાર નીકળવા જરૂર મથતો હશે. પણ, હા ધ્યાન રહે એ માત્ર પ્રેમજ હોવો જોઈએ… આકર્ષણ કે અધિકાર ભાવ નહિ…

તારો જીવન..

લેખક :સુલતાન સિંહ ‘જીવન’

આપ પણ કઈ લખવા માંગતાહોવ તો કોમેન્ટમાં લખી શકો છો, દરરોજ અલગ અલગ વાર્તાઓ અને પત્રોવાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી