જલ્સા કરોને જેંતીલાલ

સિંહાસનીયો પથ્થર – અંધારામાં એ દિવસે એ અચાનક ત્યાંથી નીકળ્યો અને તેને અવાજ આવ્યો…

ગામના પાદરથી નજીકના અંતરે સીમમાં જવાના રસ્તે પડેલ પથ્થરની એક મોટી શિલાની બાજુમાં ઊભા ઊભા કેટલાક જુવાનિયા વાતે વળયા હતા. “લે તું ક્યાંથી જાણી લાવ્યો કે આ સિંહાસનીયા પથ્થર પર એણે પોતાના નાના બાળકનું માથું પટકીને લોહી છાંટયું હતું.?” “ઘણા વર્ષો પહેલાની આ વાત છે તેવું મારા દાદા કહેતા હતા” મોહન બોલ્યો.

image source

રાજુએ દલીલ કરી,” પણ મા તે મા જ હોય તે એમ કાંઈ મા પોતાના બાળકને પોતાની જાતેજ મોતના મોંમાં ધક્કેલે? આવું બનવા જોગ નથી.,” “સાચું હશે કદાચ, મેં પણ સાંભળેલું કે ધોબી કપડાં ધોતી વખતે જેમ કપડાને ધોબી પછાડ મારે તે રીતે એક અભાગણીએ તેના છ માસના બાળકને આ પથ્થર પર પછાડીને મોતને ઘાટ ઉતર્યો હતો ને પોતે કૂવો પૂર્યો હતો.” જો એ લોકવાયકા સાચી હોય તો તે ખુબજ ધૃણા જનક ને ઘાતકી કહેવાય.” છોકરાંઓની વાત સાંભળવા ઊભા રહેલા નિવૃત શિક્ષક પ્રવિણભાઇ વાતને વધુ ઘેરી બનાવીને આગળ ચાલતા થયા.

” સાંભળ્યું ને પ્રવીણકાકાએ શુ કહ્યું ? હમણાંથી વળી ક્યારેક રાત ઢળતાં કે ભરભાંખળામાં ટાંણેકટાણે કેટલાય જણને રડતા બાળકનો અવાજ આ પથ્થર પરથી આવતો હોય તેવુ લાગે છે.” સાંભળેલી લોકવાયકા મોહનના મનોજગતમાં જડબેસલાક બેસી ગઈ હતી આથી તે ઘટના સાચી હોવાનું મિત્રોને ઠસ્સાવવા માગતો હતો.

image source

” એ તો જાણ્યું મેં, કે જ્યારે આપણે આ બાજુ આવવાનું થાય છે ત્યારે આ પથ્થરથી તું દૂર ઊભો રહે છે.” જીગાએ મોહનને ચીડવવા કહ્યું, ” એથી આ શિલાને અડકવાની તારી હિંમત નથી ચાલતી. સાચું ને મોહન ?””જો જીગા, તું મારી વાત માનતો ના હોય તો પ્રવીણકાકા વળતા વળે ત્યારે આપણે આ પથ્થરની લોકવાયકા તેમના મોંએથી સાંભળીએ.” મોહન તેનો કક્કો ખરો કરવા માંગી રહ્યો હતો.

“હા. આવવા દ્યો પ્રવીણકાકાને, એ ગમે તેમ તોએ ભણેલાગણેલા ને આપણા કરતાં એમણે વધારે દિવાળીઓ જોયેલી.” રાજુએ પણ આવું કોઇકની પાસેથી સાંભળેલું. એ પથ્થરની આસપાસ પડેલ માટલાના ટુકડા, કાચની બંગડીના ટુકડા, નાડાછડીના દોરા, અને અડદના દાણા વગેરે જીગાને બતાવતાં બોલ્યો,” કાંઈક તો તથ્ય હશે હો જીગા, આપણા ગામનો જાયમલ ભુવો નહિ? એ બધાના વળગાળ ને કામણટુમણ બધું અહીં મૂકી જાય છે જો.” ” સો વ્હોટ?” ( તેથી શું) જીગો ઊંચા અવાજે બોલ્યો,”હું આવામાં માનતો જ નથી. હંબગ! બધું જૂઠું ને ઉપજાવી કાઢેલું.”

image source

” પણ ગોમતીભાભી છ મહિના ધૂણ્યાં ને છેવટે આ પથરે આવી સવાશેર ફૂલેર ચડાવી પછી જ એમનો વળગાડ ગયો એ તો તારી નજર સામું છે ને?” રાજુએ તાજો પુરાવો રજૂ કર્યો.” જો એમજ હોય તો પછી સવલીની શાકભાજીની વાડી તો આ પથ્થરની બાજુમાં જ છે તો એ ને એનો ઘરવાળો ધુળો અહીં એકલાં કઈ રીતે રહી શકતાં હશે.?” જીગાએ સોલિડ પ્રશ્ન કર્યો.

” જીગા, એ સવલી ને ધુળિયો જાતેજ ભૂતના ભાઈ જેવાં લાગે છે. વળી ધુળો આજકાલ તો જેલની સજા કાપી રહ્યો છે તો પણ સવલી ઝૂંપડીમાં એકલી પડી રહે છે.” મોહન આગળ દલીલ કરતાં બોલ્યો, ” એમને વળી બીક શાની? નહીં તો ગામથી આટલે દૂર એકાંતમાં રહી શકતાં હશે. હમણાંથી તો દીપડા પણ ગામમાં આંટો મારી જાય છે.”

image source

ત્યાંતો માસ્તર આવ્યા. જુવાનીયાના આગ્રહથી નિવૃત માસ્તરે લોકવાયકા સાંભળાવી, ” વાયરે ઊડતી વાતો છે ભાઈ આતો! સાચું ખોટું રામ જાણે! કહેવાય છે કે ત્યારે આપણું બાજુનું જંગલ ખુબજ ગાઢ હતું. તેમાં કેટલાય નેસડા ને વનવાસીઓ રહેતા હતા. ને આપણા ગામનો ખાઈબદેલ મુખી ચંદનજી પ્યોર મહુડાનો પીવા વનમાં રહેતી એક વિધવા પાસે જતો. ક્યારેક રાત પણ ત્યાં વિતાવતો એમાંને એમાં એ ભર યુવાનીયે વિધવા બનેલ બાઈ ભારે પગી થઈ ગઈ.

ચંદનજીએ વિધવાને ખાતરી આપી હતી ‘કે તું જરાય ગભરાઈશ નહીં, હું તને છડેચોક મારા ઘરમાં બેસાડીશ.’ પણ કહેવાય છે કે ચંદનજી ખૂટલ નીકળ્યો હતો. જ્યારે પેલી વિધવા છ માસના પુત્રને લઈને તેના ઘરે આવી હતી ત્યારે તેણે તે બાઈને ધૂતકારીને કાઢી મૂકી હતી. આક્રોસમાં તે સ્વમાની બાઈએ પછી બાળકને આ પથ્થર પર પટકીને મારી નાખ્યો હતો ને તેણે પોતે ગામનો કૂવો ગોઝારો કર્યો હતો.”

ગળામાં બાઝી ગયેલ ખરખરી ભાગતાં એમણે આગળ ઉમેર્યું,” મારા દાદા કહેતા હતા કે આવા બનાવના થોડા જ સમયમાં જંગલના કોઈ જાનવરે ચંદનજીને ફાડીખાધો હતો ને આ જ પથ્થર જેને ગામના લોકો સિંહાસનીયો પથ્થર કહે છે તેના પરથી તેનું વેરવિખેર કંકાલ ને પાઘડી મળી આવ્યાં હતાં.” સિંહાસનીયા પથ્થર તરફ આંગળી ચીંધતાં માસ્તરે તેમની વાત પૂરી કરી. મોહનના ચહેરા પર ભયનું એક લખલખું પસાર થઈ ગયું તેની જીગાએ નોંધ લીધી ને મનમાં નક્કી કરી લીધું કે આ સિંહાસનિયાનાં પારખાં લઈ હંબગ લોકવાયકાને જૂઠી ના પાડું તો મારું નામ જીગો નહીં.

પર્વતો તો થોડા દૂર દેખાતા હતા. પણ આ બિહામણો સિંહાસનીયો પથ્થર સદીઓથી ખેતરમાં જવાના રસ્તાની બાજુમાં આશાન જમાવીને પડ્યો હતો. જીગો ખેતર જતાં આવતાં ટાણેકટાણે તેની પાસેથી નીકળતો. ક્યારેક રાતના સમયે તેના પર ધારીયું અથડાવતો તો ખડિંગ…ખડિંગ.. અવાજ ઊઠતો ને તણખા ઝરતા. સદીઓથી ટાઢ ને તડકો વેઠતા આ પાષણ પર વરસાદને કારણે જે લીલ ઉગતી તે ચોમાસા પછી કાળી પડી જતી તેથી દેખાવમાં ખરેખર કાળમીંઢ પથ્થર જ લાગતો. થોડા સમય પહેલાં વળી કોઈએ તેના પર સરકારી જાહેરાત લખેલી ‘સ્વચ્છ ભારત સ્વચ્છ ગામ’ જે ઘણાનું ધ્યાન ખેંચતી પણ તેના ઇતિહાસના લપેડા હજુ જરાય ઝાંખા થયા ન હતા.

બન્યું એવું એક અંધારી કાળી ઘનઘોર રાતની વહેલી સવારે જીગો ખેતરમાંથી પાણત કરીને ગામ તરફ આવી રહ્યો હતો. થોડા સમયથી બાજુના ગામની સીમમાં દીપડાનો રંજાડ હોવાનું તેને સાંભળ્યું હતું આથી સાવચેતી માટે હાથમાં કડીયાળી ડાંગ ને હાથબત્તી રાખી હતી. ગામ નજીક આવતાં તેને સિંહાસનિયો પથ્થર યાદ આવ્યો. મનમાં કોઈ ડર નહીં. જેવો એ પથ્થર થોડો દૂર રહ્યો કે તેને તે તરફથી બાળકના રડવાનો અવાજ આવ્યો.

બાળકનાં રડવાનાં ડૂસકાં ઠંડી રાતમાં સિમ ગજવી રહયાં હતાં. તેને મોહને કરેલી વાત યાદ આવી. “આજ મોકો છે સિંહાસનીયા પથ્થરનું પાણી માપવાનો” તે સ્વગત બોલ્યો. તેને થયું કે આ પરોઢના સમયે સિંહાસનીયા પાસે બાળક ક્યાંથી આવ્યું હશે? શુ કોઈ તેનો બલી ચડાવવા લાવ્યું હશે? કે કોઈ જંગલનું જાનવર ઉપાડી લાવ્યું હશે? થોડીવાર રોકાઈ તેને કાન માંડયા તો રડવાનો અવાજ બંધ થઈ ગયો. ને વળી પાછો ચાલુ થયો…

image source

તેણે સાંભળ્યું હતું, ‘કે ભૂત સાથે લડતાં લડતાં જો એની ચોટલી આપણા હાથમાં આવી જાય તો તે આપણું ગુલામ બની જાય’ એને થયું ‘જો ભૂત જેવી કોઈ બલા હોય તો આજતો તેની ચોટલી પકડી લઉં ને આ હજારો મણની પથ્થરની શીલા એના હાથે જ ઉચકાવીને દૂર દેખાતા પેલા ડુંગરોની ખીણમાં ફેંકાવી દઉં. શાલા ભૂતડા આજ તારી ખેર નથી! સવાર પડતાં આજ કાંતો તું નહીં કે હું નહીં.’ એ કમર કસીને સાબદો થયો. તેણે પોતાની ચાલવાની ઝડપ વધારી દીધી ને પથ્થરની નજીક આવી ગયો.

જ્યાંથી બાળકનો રડવાનો અવાજ આવતો હતો ત્યાં શિલાની બાજુમાં તેણે હાથબત્તીનો શેડ માર્યો તો…. એક બાળક અને તેની માનું દ્ર્સ્ય જોઈ તેનું માથું સરમથી ઝૂકી ગયું. ને સવલીએ બૂમ પાડી, ” કોણ છો તમે લાજ વગરના! હાજત કરવા બેઠેલ બાઈ માણસ પર બત્તીનો શેડ મારતાં તમને શરમ નથી આવતી?” એણે લાચારી અનુભવી ને બત્તી ઓફ કરી એ ગામ તરફ ચાલતો થયો.

લેખક : સરદારખાન મલેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version