એક્સ્ટ્રા ઓવર – એ બંગલાની બહાર મરી રહેલ ભૂંડને બધાએ જોયું હતું અને એકદિવસ…

શું મજા હતી! મિડલ સ્કૂલના એ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવાની. રવિવારે આખું ગ્રાઉન્ડ ભર્યું હોય. એક બાજુ નાના ટાબરિયાંની ટિમ ટેનિસબોલથી ચોકા છક્કા ફટકારતી હોય તો બીજી બાજુ ટીન એજના છોકરા રમતા હોય. અમારી કોલેજીયનોની ટિમ મેચબોલથી રમતી હોય. બોલ એક બીજાના ગ્રાઉન્ડમાં ધસી આવતો હોય ને ફિલ્ડર પણ તેની સાથે બીજાની બાઉન્ડરીમાં ધસી આવતો. ક્યારેક બીજી ટીમનો ફિલ્ડર પણ પોતાના ગ્રાઉન્ડમાં ઉછળી પડતા દડાની ફિલ્ડિંગ ભરી લેતો.

આ બધામાં અમારો મેચબોલ ઉછળીને કોઈને વાગી ના જાય તેનું બહુ ધ્યાન રાખવું પડતું. જો કોઈને વાગી જશે તો લેવાના દેવા થઈ પદશે એમ થયા કરતું. કોઈ ઝગડો થઈ જશે તેવો ડર રહેતો. મેદાનના કોર્નર પર અમારી ટિમ રમતી આથી બોલ ક્યારેક મેદાનની બહાર નીકળી જતો ને ફિલ્ડરને બહાર લેવા જવું પડતું. ભૂલેચુકેય બોલ જો કોઈ વટેમાર્ગુને વાગી જતો ત્યારે એ બોલ લેવા જવાની કોઈ હિંમત ના કરતા.

image source

મેદાનને અડીને આવેલ એક બંગલામાં બોલ ચાલ્યો જાય ત્યારે તો બહુ તકલીફ પડતી. અમારી પિચની ઓન સાઈડમાં આવેલ અંગ્રેજ વખતના એ બંગલામાં કોઈ રહેતું ના હતું પણ બોલ એમાં ચાલ્યો જતો ત્યારે બંગલાની કંમ્પાઉન્ડ વોલ કૂદીને એમાં પડવાનું ને ઊગી નીકળેલા ઘાસમાં બોલ શોધવાનો એમાં ઘણો સમય લાગતો. આમતો અમારી ટીમનો વિનિયો હઠ્ઠોકઠ્ઠો. એ માળો એક દોડ લગાવીને એવો કૂદકો મારે કે સીધો એ બંગલાની દીવાલ પર ને ત્યાંથી ભૂસકો મારે તે સિદ્ધો જ બંગલાના કમ્પાઉન્ડમાં બે મિનિટમાં તો એ બોલ લઈને પરત આવી જાય એવો માહિર ને હિમતવાળો. એ ગવાસકરની માફક એ પણ કવર પર જ ઊભો રહીને ફિલ્ડિંગ ભરતો હોવાથી કેટલાય તેનો શિકાર બની જતા જેના કારણે એના નામની પાછળ ‘વિનિયો ધ શિકારી’ લેબલ લાગી ગયેલું.

વિનિયો ના હોય ત્યારે પ્રભાતસિંહ જેને અમે બાપુળો કહેતા એ કમ્પાઉન્ડમાં ઉતરતો ને બોલ લઈ આવતો. એમતો ઇકબાલ પણ બંગલાના કંમ્પાઉન્ડમાં ઉતરવાની હિંમત કરી લેતો. પણ એ ભારે બીકણ ને ફોશી. વિનિયાની હાજરી ના હોય ને જ્યારે જ્યારે બંગલામાં એને બોલ લેવા જવુ પડતું ત્યારે એ કહેતો, “યાર હવેથી મને બંગલાના કંપાઉન્ડમાં બોલ લેવા મોકલતા નહિ ત્યાં તો સસલા જેવડા જેવડા ઉંદરો હડિયો કરતા હોય છે જેનો મને બહુ ડર લાગે છે.” આમ એ ડરપોકનું નામ ‘ઇકબાલ ધ ફોશી’ છપાઈ ગયેલું.

image source

આમ અમારી ટીમમાં એકાએકથી ચડિયાતા ફિલ્ડરો તો હતા જ તેમ છતાંય જો બંગલા તરફ ગયેલો બોલ ના મળી આવે તો વળી પાછા પૈસાની ઉઘરાણી કરી અમારે નવો બોલ લાવવો પડતો એ અમને ભારે કાઠું પડી જતું.

સારા કામમાં સો વિઘ્ન આવે તેમ અમારે એક નવી મુશ્કેલી આવી પડી. જુના એ બંગલાનો થોડો ભાગ રીનોવેશન કરાવી એક નિવૃત કર્નલ તેની નવી પત્ની સાથે રહેવા આવી ગયેલો. Kol.Bhardvaj (rtd.) લખેલું બોર્ડ તેના ઝાંપે લટકતું અમે જોતા. તેની નવી પત્ની સાથે તે જ્યારે બજારમાં નીકળતો ત્યારે અમે અને ટિકિટિકીને જોતા. ખાસ તો તેની પત્નીને જોતા. જે ઉંમરમાં કર્નલ કરતાં ઘણી નાની દેખાતી હતી. એના ઝાંપેથી નીકળતી વખતે નજર કરીએ તો એ મોટા ભાગે રાઇફલ સાફ કરતો હોય કે તેની મોટી મોટી મૂછો આમળતો જોવા મળતો. અમારે તો હવે ઘણી સાવધાનીથી રમવું પડતું કારણ એક વખત વિનિયો દીવાલ કૂદીને તેના કંપાઉન્ડમાં બોલ લેવા ગયેલો ત્યારે આ બિહામણા ચહેરાવાળા કર્નલે તેને બોલાવીને કહેલું કે, ” બીના પૂછે હમારે કંપાઉન્ડમેં કયું આયા ? ઐસી તરહ દુબારા આયા તો ગોલીસે ઉડા દુંગા.”

એક દિવસ બંગલાના ઝાંપા પાસે લોહી નિગળતી હાલતમાં એક ભૂંડ મરવાની અણી પર તરફડીયાં ખાઈ રહ્યો હતો. જતાઆવતા લોકોનું કહેવાનું એમ હતું કે આ ભૂંડ કંપાઉન્ડમાં ઘુસી ગયેલું ને કર્નલે તેને બંદૂકના ભડાકે દીધું.

image source

બસ ત્યારથી અમારી ટીમનો ક્રિકેટ રમવાનો જુસ્સો ઓગળવા લાગ્યો. બંધ બાજીનો ખેલાડી જેમ પત્તાં જોઈ જોઈને રમે એમ અમે ક્યારેક રમતા પણ ખૂબ જાળવી જાળવીને બેટ ઉછાળતા ને મન મનાવી લેતા. એ બંગલા તરફ અમારો બોલ ઉછળીને જાય નહીં તેની ખૂબ તકેદારી રાખવી પડતી. ઠીચુક ઠીચુક વાળી રમતામાં અમને ચોકા-છકાવાળી રમત જેવી મજા ના આવતી પણ થાય શું મજબૂરીનું નામ…!!

બધા ખેલાડીઓ ખૂબ અકળાઈ ગયેલા. અમને એમ થતું કે કબાબમાં હડ્ડી બનીને આવેલો શાલો આ કર્નલ અહીંથી ટળશે જ નહીં ને આમારાથી રમઝટવાળી રમત અમે કદાચ ભૂલી જઈશું. એ અમને આંખના કણાની જેમ ખૂંચવા લાગ્યો પણ કાંઈ થઈ શકે તેમ હતું નહીં.

એવામાં એક દિવસ ટીમનો એક એક ખેલાડી ખબર લાવ્યો કે, ” કર્નલને પક્ષઘાત થયો છે ને બે દિવસથી એ મિલિટરી હોસ્પિટલમાં દાખલ કર્યો છે. ” અમે તો ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા. દોડતા હતા ને ઢાળ મળ્યો. તાબડતોબ અમેતો આ ખુશ ખબરી બધાને પહોંચાડી દીધી. બંગલાના દરવાજે બે-ત્રણ દિવસ સુધી આંટા મારીને ખાતરી કરી લીધી કે ખરેખર કર્નલ બંગલામાં હાજર છે કે નહીં. અમારા આશ્ચર્ય વચ્ચે અમે જોયું કે કર્નલ બંગલામાં હાજર ના હતો માત્ર કર્નલની નવી પત્ની ક્યારેક નજરે ચડતી.

image source

ટીમના અકળાએલા ખેલાડીઓ એકાદ ટેવેન્ટી-ટેવેન્ટી ગેમ રમી પોતાનો શોખ પૂરો કરવા ને ઘણા સમયની બાકી ઇચ્છાને સંતોષવા માગતા હતા. કેટલાકની ઈચ્છા હતી કે કર્નલની ગેરહાજરીમાં એકાદ રવિવારે હરીફ ટિમ સાથે ટેવેન્ટી-ટેવેન્ટી ગોઠવીને હાથ સાફ કરી લઈએ. આમ અમે હરીફ ટીમને આમંત્રણ મોકલી રવિવારની ટેવેન્ટી-ટેવેન્ટી રમવાનું નું આયોજન કરી લીધું.

* * * *

એક રવિવારની શુભ સવારે એ ખુશીનો દિવસ આવી ગયો. વિનિયો ધ શિકારી ઇકબાલ ધ ફોશી ને બાપુળો વાળી અમારી આખી પલટન મિડલ સ્ફુકના એ મેદાનમાં હાજર હતી. હરિફટીમ પણ આવી ગઈ હતી. દસના ટકોરે ટવેન્ટી-ટવેન્ટીની એ ગેમ સ્ટાર્ટ થવા જઈ રહી હતી. ઇનામ એ રાખવામાં આવ્યું હતું કે જે ટિમ હારે તે બધા ખેલાડીઓને હોટેલ પ્રિન્સમાં બપોરનું લંચ આપે.

image source

હરીફ ટીમે કમાલ કરી જોતજોતામાં તો તેમણે બસો પંદર રનનો જુમલો ખડકી દીધો. ત્યાર પછી મિડલ સ્કૂલના ગ્રાઉન્ડમાં બાંગલાવાળા કર્નલની બીક વગર અમારી છુટા હાથની રમત ચાલુ થઈ. શૈલેષ ચોકસીએ તેની અલંકૃત ભાષામાં વગર માઈકે મેચની કોમેન્ટ્રીરી ચાલુ કરી- હલકી હલકી હવા ચલ રહી હૈ! પિચ પર કોમલ ઘાસ લહરા રહા હૈ, એક ગલી એક એક્સ્ટ્રા કવર, ટૂ ફાઇન લેગ, વિનિયો ધ સિકારીને કવર પર અપની પોઝિશન લે લી હૈ! યે હૈ ફિલ્ડીંગકી પોઝિશન… ! દેકારા ને પડકારા વચ્ચે ઘણા દિવસે ફ્રી હિટ જેવી રમત રમતાં રમતાં બાપુળો ખીલ્યો ને એને સદી ફટકારી તો ઇકબાલ ધ ફોશી એ હાલ્ફ સેન્ચુરી મારી આથી હરીફ ટીમના બસોપંદરના જુમલાને અમે આંબી ગયા ત્યારે મુશ્કેલી એ ઊભી થઈ કે બંને ટિમો વચ્ચે ટાઈ પડી તો હવે બપોરના લંચનું ખર્ચ કોણ ભોગવે.? માથાના દુખાવા જેવો પ્રશ્ન.! કેટલાક વાંધા વચકા સાથે નક્કી થયું કે વધુ એક એક્સ્ટ્રા ઓવર રમવી ને હારજીતનું પરિણામ તેના પરથી નક્કી કરવું. મેચ ખૂબ જ રોમાંચક તબ્બકા પર પહોંચી ગઈ હતી.

એક્સ્ટ્રા ઓવરની દિલડધડક રમત ચાલુ થઈ. હરીફ ટિમ સામે બાપુળાએ પહેલા બે બોલમાં ડોટ્સ લીધા. પણ એ પછીના ચારેય બોલમાં સિક્સર લાગી આમ અમારી હરીફ ટીમે એક્સ્ટ્રા ઓવરમાં ચોવીસ રન ફટકારી દીધા. ખરો રોમાંચ ઊભો થયો હતો. અમારી ઓવર ચાલુ થઇ. કેપટને વિનિયો ને બાપુળાને બેટિંગમાં ઉતર્યા. વીનીએ પહેલાજ બોલમાં છક્કો ફટકાર્યો ને બોલ વોલ કૂદીને ગયો હતો એ કર્નલવાળા બંગલામાં. ભારે થઈ.! હવે શું કરવું ? રમત અટકી પડી.

image source

” વિનય તું જા બોલ લઈ આવ.” અમારી ટીમના કેપટને કહ્યું. ” ના હો… એ બંગલાના કંપાઉન્ડમાં હું ના જાઉં.” વિનિયાએ કહ્યું. પછી કેપટને ઇકબાલ ધ ફોશી અને બાપુળા ને કહી જોયું પણ તેઓ એ કંપાઉન્ડમાં ઉતરવા તૈયાર ના થયા. ખરેખર તો ફિલ્ડિંગ ભરવાની જવાબદારી હરીફ ટીમની હતી પરંતુ તેઓએ કર્નલના દરવાજે તડપીને મરી ગયેલા ભૂંડના હાલ જોયા હતા આથી તેઓ કોઈ બંગલાના કંપાઉન્ડમાં ઉતરવા તૈયાર ના હતા.

મામલો ભારે ગૂંચવાયો હતો. કેપટન ઇકબાલ ધ ફોશીને એક બાજુ લઈ ગયો ને ખાનગીમાં સમજાવ્યું કે, “ઈકા, તું જા ને જો આપણી ટિમ હારી જશે તો તારા ભાગનું ખર્ચ હું ભોગવી લઈશ.” છેવટે પૈસા બચાવવાની લાલચે ઇકબાલફોશી કંપાઉન્ડમાં ઉતરવા તૈયાર થયો. તે જાણતો હતો કે કર્નલતો ભુજિયાની મિલિટરી હોસ્પિટલમાં છે છતાં તેને બીક તો લાગતી જ હતી. એ ડરતો ડરતો કંપાઉન્ડમાં ઉતર્યો. બોલ પરત આવવાની બધા ધડકતા દિલે રાહ જોવા લાગ્યા.

થોડી વાર થઈ પણ ફોશી પરત આવ્યો નહીં. દશેક મિનિટ પછી વિનિયો ફોશીને જોવા દીવાલ પર ચડ્યો. વીનીએ આમ તેમ જોયું પણ ફોશી નજરે ચડ્યો નહીં આથી એ ગભરાઈને નીચે ઊતરી આવ્યો. ” ઇકબાલ ફોશી કંપાઉન્ડમાં હોય તેમ લાગતું નથી.” એણે જાહેર કર્યું ને બંને ટીમના ખેલાડીયો હકાંબકાં થઈ ગયા. બધાના ચહેરા પર એક જ પ્રશ્ન દેખાવા લાગ્યો હતો. ‘ હવે શું કરવું?’

થોડી ચર્ચા કરી બધાએ નક્કી કર્યું કે બંગલાના દરવાજે જઇ ઈકબાલફોશીની ભાળ મેળવીએ. આખું ધાળું ઉપડયું બંગલાના દરવાજા તરફ જે જાહેર રોડ પર ખૂલતો હતો. અમે દરવાજે જઇ જોયું તો ઈકબાલફોશી ખુશ થતો દરવાજા તરફ બોલ રમાડતો રમાડતો આવી રહ્યો હતો ને કર્નલની પત્ની તેને હાથના ઇશારાથી બાય બાય કરી રહી હતી.

” અલ્યા અમે તો તારી રાહ જોઇને બેઠા હતા ને તેં આટલી વાર કેમ લગાડી ? વીનીયો ગુસ્સે થતાં બોલ્યો હતો, ” આખી મેચની તેં પત્તરની રગડી નાખી.” ” સોરી! યાર કર્નલ સાહેબનાં પત્નીના બેડરૂમની બારીઓ ખુલતી ના હતી તે ખોલી આપવામાં મારે મોડું થયું.” ” પણ ફોશી, તારે લીધે યાર મેચ રદ કરવી પડી ને હોટેલ પ્રિન્સની પાર્ટી પણ.”

” મેચને મારો ગોળી” ઈકબાબ આંખ મિચકારતાં બોલ્યો, ” આજે લંચ મારા તરફથી.” હોટેલ પ્રિન્સ તરફ જતી ટોળકી મફત જમવાના આનંદમાં હતી ને ઇકબાલફોશી કર્નલની પત્નીના બેડરુમની બારી અને બેડરુમના પલંગના ડનલોપના ગાદલાના સ્પર્શમાં હજીય વિહરતો હતો ! જ્યારે કાયમ બોલ લેવા કૂદી પડતા વિનિયાને પસ્તાવાનો પાર નહોતો.

લેખક : સરદારખાન મલેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ