જલ્સા કરોને જેંતીલાલ

શું તમને કૂતુહલ છે કે શીખ ધર્મમાં પુરુષો ના નામ પાછળ ‘સિંહ’ તેમજ સ્ત્રીઓના નામ પાછળ ‘કૌર’ શા માટે લગાવવામા આવે છે ?

લોકોના મનમાં આ પ્રશ્ન માટે જે કૂતહલ રહેલું છે તેના શીખ ધર્મના ગ્રંથોમાં અલગ-અલગ રીતે રીતે જવાબ આપવામા આવ્યા છે. આ એ યુગની વાત છે જ્યારે ભારત પર અફઘાનો, તૂર્કો અને મુઘલોનું રાજ હતું. તે વખતે દિલ્લીના દરબારમાં ઓરંગઝેબ બેસતો હતો.


ભારત પર જ્યારે ઓરંગઝેબનું શાસન હતું તે સમય દરમિયાન હિન્દુઓ પર અપાર અત્યાચાર થતાં હતા. જો કે તેમાં માત્ર ઓરંગઝેબનો જ વાંક નહોતો. હિન્દુ સમાજ પોતે પણ જાત-પાતમાં એટલો ઓત પ્રોત હતો કે સમાજને પણ પોતાનું હિત શામા છે નહોતું સમજાતું. હિન્દુ વર્ણ વ્યવસ્થા પ્રમાણે દરેક જ્ઞાતિને કોઈ ચોક્કસ કામ વહેંચી દેવામાં અવ્યું હતું. દા.ત. બ્રહ્મણ જ્ઞાન પામવા તેમજ વહેંચવાનું કામ કરતાં તો ક્ષત્રિય લડવાનું અને પોતાના રાજ્ય તેમજ તેમાં વસતા લોકોના રક્ષણનું કામ કરતા. મુઘલોનો સામનો કરવા માટે ખૂબ જ ઓછા હિન્દુઓએ પોતાનો જુસ્સો દાખવ્યો હતો. બાકીના લોકોએ મુઘલો સામે હથિયાર નાખી દીધા હતા.


અને આ બધું મુઘલો આવ્યા ત્યારનું નહોતું પણ તેના પણ સૈકાઓ પહેલાંની આ વ્યવસ્થાને અનુસરવામાં આવી રહી હતી. હિન્દુ સમાજની બધી જ જ્ઞાતિઓ પછી તે ભ્રાહ્મણ હોય, વૈષ્ણવ હોય કે પછી ક્ષૂદ્ર હોય પોતાના રક્ષણની જવાબદારી ક્ષત્રીય પર છોડી હતી. પણ તેઓ પણ લડી લડીને કેટલું લડે. મુઘલોના હૂમલા અવિરત પણે ચાલતા રહેતાં અને સામે હાર મળતી રહેતી. છેવટે રાજપૂતોએ પણ તેમની સાથે ગઠબંધન કરી લીધું. માત્ર ભારત જ નહીં પણ કંધાર સુધી ફેલાયેલા આપણા રાજપૂતો મુઘલો સાથે જોડાઈ ગયા હતા.


શીખ પંથના બે મહાન ગુરુ ગુરુ અર્જુનદેવ તેમજ ગુરુ તેગ બહાદૂર મુઘલોના હાથે માર્યા ગયા હતા. હવે જે અનુયાયીઓ બચ્યા હતા તેઓ નિરુત્સાહ હતા અને તેમની વચ્ચે કોઈ એકતા પણ નહોતી રહી.

1699નો દિવસ હતો સીખોના દસમાં ધર્મગુરુ ગુરુ ગોબિંદ રાયે આનંદપુર સાહિબની તળેટીમાં એક મોટું સમ્મેલન બોલાવ્યું, જેમાં સમગ્ર દેશમાંથી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. તેમણે આવેલા બધા જ લોકોને ઠપકો આપ્યા કે તમે ક્યાં સુધી મુઘલોના અત્યાચારની ફરિયાદ કરતા રહેશો. તેમણે તેમને પડકાર આપ્યો કે તમે ક્યાં સુધી તેમની સામે ઝુકેલા રહેશો, ક્યાં સુધી તેમની બદીઓને સહન કરતા રહેશો. તેમણે લોકોને જલદ શબ્દોમાં પોતાના ધર્મની રક્ષા કરવા માટે કુર્બાની માંગી, તેમણે લોકોને પ્રશ્ન કર્યો કે એવા કેટલા છે જે પોતાના ધર્મની રક્ષા કરવા માટે પોતાનું માથુ આપવા તૈયાર છે.


તેમના આ પડકારના જવાબમાં લાહોરનો એક વાણિયો ભીડમાંથી ઉભો થયો. તેનું નામ હતું દયારામ. ગુરુ દયારામને અંદર લઈ ગયા અને જ્યારે પાછા આવ્યા ત્યારે તેમની તલવાર પરથી લોહી નીતરી રહ્યું હતું. ફરી તેમણે ભીડ પાસે બલી માંગી, ફરી એક શૂરવીર ભીડમાંથી બહાર આવ્યો ફરી તેઓ તેને અંદર લઈ ગયા આમ ચાર પાંચ બલીઓ લેવામાં આવી. દર વખતે ગુરુજી બલી આપનારને અંદર લઈ જતાં અને દર વખતે લોહી નીતરતી તલવાર સાથે બહાર આવતા. બલિ માટે પોતાની જાતને આગળ ધરનારા ગણ્યા ગાંઠ્યા પુરુષો જ હતા.

જેમાં મેરઠનો એક જાટ ખેડૂત – ધરમદાસ, ઓડિશાના પૂરીથી આવેલો એક મશકવાળો – હિમ્મત રાય, ગુજરાતના દ્વારકાથી આવેલો દરજી – મુખમ ચંદ, અને કર્ણાટકથી આવેલો એક વાળંદ – સાહિબ ચંદ. લોકો મૂક થઈ ગયા હતા. તેઓ માનતા હતા કે ગુરુએ પાંચેની બલી લઈ લીધી છે પણ ગુરુ તે પાંચેને અંદરથી સહીસલામત બહાર લાવ્યા અને જાહેરાત કરી કે આ પાંચ જેમણે પોતાના જીવની પણ ચિંતા ન કરી તે તેમના પહેલાં “સિંહ” છે તેમના ‘પાંચ પ્રિય’. જે રીતે સિંહ એટલે કે સાવજ નિર્ભય થઈને જંગલમાં ફરે છે તે જ રીતે આ સિંહોએ, પોતાના પહેલાના ભયભીત જીવનનો ત્યાગ કર્યો છે તેઓ શસ્ત્ર ઉઠાવશે અને સમાજની રક્ષા કરશે અને તેઓ હવેથી ‘ખાલસા કહેવાશે.’


તેમને તલવારથી ઘૂંટીને બનાવવામાં આવેલા અમૃત સમાન પ્રસાદનું પાન કરાવવામા આવ્યું અને તેમને એક લાંબી તલવાર આપવામા આવી જેને કિર્પાણ નામ આપવામા આવ્યું. અને તેમને હૂકમ કરવામાં આવ્યો કે હવેથી બધા જ ખાલસાઓ પોતાનું નામ ત્યાગ કરી ‘સિંહ’ નામ ધારણ કરશે. આમ પહેલાં પાંચ શીખ બન્યા – ભારતની ઉત્તરે આવેલા લાહોરથી સરદાર દયા સિંહ, ભારતના મધ્યે આવેલા મેરઠથી સરદાર ધરમ સિંહ, ભારતની પશ્ચિમે આવેલા દ્વારકા અરબ મહાસાગરથી આવેલા – સરદાર મુખમસિંહ, પૂર્વે જગ્ગનાથ પૂરીથી આવેલા – સરદાર હિમ્મત સિંહ, તેમજ ભારતની દક્ષિણેથી સરદાર સાહિબ સિંહ.


ખુદ – ગુરુ ગોવિંદ રાયે પણ પોતાનું નામ બદલી ગુરુ ગોવિંદ સિંહ જાહેર કર્યું. અને તેમણે જાહેર કર્યું કે હું આ મારા પાંચ પ્રિયોનો ગુરુ છું અને તેઓ મારા ગુરુ છે. તેમણે જાહેર કર્યું કે આ પાંચ જે કહેશે તે તેઓ માનશે અને સમગ્ર ખાલસા સમાજ તેને માન્ય રાખશે.

તેમણે બીજી મહત્ત્વની ઘોષણા એ કરી કે સમગ્ર ભીડને આહવાન આપ્યું કે જે કોઈ પછી તે સ્ત્રી હોઈ કે પુરુષ તે આ પાંચના સંઘર્ષમાં જોડાવા માગતા હોય તેમણે તેમની જુની નાત, તેમજ જાતિ અને તેમનું નામ ત્યાગ કરવું પડશે અને આ નવી ખાલસા ફોજમાં જોડાવું પડશે.

દરેક પુરુષે સિંહનું નામ ધારણ કરવાનું છે અને તેમના પર હૂમલો કરનારા પર સિંહની જેમ ટૂટી પડવાનું છે.

અને દરેક સ્ત્રીએ ‘કૌર’નું નામ ધારણ કરવાનું છે અને રાજકુમારીની જેમ ગૌરવભેર રહીને પોતાની જાતને કોઈ પણ પુરુષથી ઓછી નહીં સમજીને પોતાના તેમજ અન્યોના સમ્માનની રક્ષા કરવાની છે.

આ રીતે ભારતની ચારે દિશામાંથી અલગ અલગ જાતિઓના પુરુષો કે જેમણે પોતાના જીવનમાં ક્યારેય શસ્ત્રો નહોતા ઉઠાવ્યા તેમણે શસ્ત્રો ધારણ કર્યા. અને તેમણે કેશ નહીં કાપવાનું પ્રણ લીધું. અને આમ સદીઓ પહેલાં ભારતમા ઋષીઓ દ્વારા જે જટ ધારણ કરવાની પ્રથા હતી તે પુનર્જીવિત થઈ.

અહીં ગુરુજીનો બીજો ઉદ્દેશ એ પણ હતો કે તેઓ શીખ ધર્મમાં કોઈ પણ જાતનો જાતિવાદ ઉદ્ભવવા દેવા નહોતા માગતા. હકીકતમાં તો આ નામકરણે જાતિવાદ પર એક તમતમતો તમાચો માર્યો છે. અને માત્ર જાતિવાદ જ નહીં પણ પુરુષ અને સ્ત્રીઓ વચ્ચે જે અસમાનતાઓ ઉભી થયેલી છે તેને પણ સ્થાનહિન કરવાનો પ્રયાસ કર્યો છે. ગુરુજી ઇચ્છતા હતા કે સ્ત્રીઓને પણ પુરુષો જેટલું જ સમ્માન પ્રાપ્ત થાય. શીખ સ્ત્રીઓ પોતાના લગ્ન બાદ પણ પોતાનું આ ઉપનામ નથી બદલતી. જો કે ઘણીવાર સમાન નામ હોવાના કારણે તકલીફ ઉભી થતી હોય છે જેને દૂર કરવા માટે તેઓ પોતાના નામ સાથે પોતાના ગામનું નામ પણ જોડી લેતા હોય છે.


ગુરુ ગોબિંદ સિંહ દ્વારા રચવામાં આવેલા સર્બલોહ ગ્રંથમાં પણ તેમણે આ જ કહ્યું છે. કે સમાજના દરેક સ્ત્રી-પુરુષે પોતાનું કર્મ કરવાનું છે. પોતાના ધર્મ અને નબળાઓની રક્ષાની જવાબદારી ઉઠાવવાની છે નહીં કે તેને બીજી કોઈ જાતિ પર થોપવી. પોતાની જ જવાબદારી ગણવાની છે અને તેને પૂર્ણ કરવાની છે. દરેક સ્ત્રી પુરુષે જ્ઞાનના સાગરમાં ખોવાઈ જવાનું છે. અને એક ખાલસા એટલે કે એક પવિત્ર સમાજનું નિર્મણ કરવાનું છે.

ગુરુ ગોવિંદની આ પહેલ તેમજ આ વિચારધારાની એવી અસર થઈ કે ખાલસા સમાજ રચાયાના માત્ર પાંચ જ વર્ષમાં બંદા બહાદૂરે મૂઘલોના પાયા હલાવી દીધા અને માત્ર 70 વર્ષની અંદર સમગ્ર ઉત્તર ભારતથી લઈને યમુનાના હિન્દુકુશ સુધી ઇસ્લામિક શાષનનો અંત લાવિ શીખ સમાજની સ્થાપના કરી. તમે જ્યારે કોઈ મોટા મેળાવડામાં જતાં હોવ ધારી લોકો કે કોઈ કોન્ફરન્સમાં જશો તો જોશો કે આવનારા લોકોની અટકો અલગ અલગ હશે પણ જો તે શીખ હશે તો તેના નામ પાછળ સિંહ લખેલું હશે જ. શીખ લોકોની આ ઓળખ છે.

જો કે એ વાત અલગ છે કે ભારતમાં ઘણા બધા લોકો પોતાના ઉપનામ તરીકે પોતાના નામ પાછળ સિંહ લગાવે છે જેમકે ગુજ્જર, રાજપૂતો, મરાઠાઓ, શીખ જાટો, હિંદૂ જાટો.


એ વાત સત્ય છે કે સિખો પહેલાં રાજપૂત, ઠાકૂરો, ડોગરા તેમજ કેટલાક બ્રાહ્મણો પણ સિંહ શબ્દનો પ્રયોગ પોતાના નામ પાછળ કરતા આવ્યા છે. મોટે ભાગે તો સિંહ શબ્દનો ઉપયોગ રાજપૂતો જ કરતા આવ્યા છે જ્યારે રાજપૂતાણીઓના નામ પાછળ કુંવર અથવા ગુજરાતમાં બા લગાવવામાં આવે છે.

સિખો અને રાજપૂતોમાં પણ ઘણી સમાનતા છે. જૂના સમયમાં રાજપૂતો તેમજ રાજપૂતાણીઓ પણ પોતાની પાસે કટાર રાખતા હતા. રાજપૂતો પણ દાઢી તેમજ વાળ વધારતા હતા.

Exit mobile version