શું તમે પણ બાળકોને મનાવવા અને સમજાવવાનો એક સરળ રસ્તો શોધી રહ્યા છો તો આ રહ્યા ઉપાય…

‘બચ્ચે મન કે સચ્ચે’ અને બાળકો તો ભગવાનનું સ્વરૂપ છે. એવી અનેક ઉક્ત્તિઓ નાના ભૂલકાંઓ માટે વપરાતી હોય છે. ખરેખર આ ઉમર એવી હોય છે જ્યારે તેઓ અસલ દુનિયાદારીથી તદ્દન અજાણ હોય છે. અને માત્ર પોતાની નિર્દોષ દુનિયામાં રાચતાં હોય છે. વધુમાં કહેવાય છે કે બાળકો તેમના વડીલોનું પ્રતિબિંબ હોય છે. તેઓ મોટેરાં કરે તેવું જ અનુકરણ કરવા પ્રયત્નો કરતાં હોય છે.

તમે ક્યારેક જોયું હશે કે નાની બેબીઓ મમ્મીની જેમ સાડી, સેન્ડલ અને પર્સ લટકાવીને લઈને રમતી હોય છે અને છોકરાઓ ઓફિસ – ઓફિસ રમતા થઈ જતા હોય છે. તેમના જમવાની ટેવ કે પછી બોલવા – ચાલવાની અદાઓ પણ એઓ માતા – પિતા કે વડીલો પાસેથી અનાયાસે જ શીખતાં હોય છે. એવામાં એ બહુ જ જરૂરી હોય છે કે વડીલો પોતાના બાળકો સાથે કઈ રીતનું વર્તન કરે.

ક્યારેક એવું બનતું હોય છે કે બાળકો પોતા તરફ ધ્યાન દોરવા સતત તોફાન કરે કે પછી કોઈ નાની – મોટી ભૂલ કરીને પછી ખોટું બોલે. ક્યારેક ખોટેખોટું રડી લેવાની પણ તેમને ટેવ પડી જતી હોય છે. આવે સમયે માતાઓ બાળકોને સમજાવવાને બદલે તેને મારે છે કે પછી ધમકાવીને તેમને કોઈ બાબતને લઈને ડરાવે છે. જેને લીધે કુમળાં બાળમાનસ પર ખોટી અને ઊંડી અસર પડે છે. ઘણીવખત એવું પણ બનતું હોય છે કે મોટું થયા પછી પણ બાળક અમુક બાબતોને ભૂલી શકતું નથી.

બાળકોને સમજાવવા પહેલાં એમને સમજવા પડે છે. તેઓ આવું વર્તન શાથી કરે છે? તેમના મનમાં શું ચાલી રહ્યું છે? ઘણીવખત તેમને ડરાવવામાં આવે છે અથવા તેમને બીક હોય છે કે મને મારશે કે ખીજાશે તેથી તેઓ ખોટું બોલી દે છે. તેમને નિર્ભિક સત્ય બોલતાં શીખવાડવું ખૂબ જરૂરી છે. અવારનવાર જો બાળક આવું કરે ત્યારે અકળાઈને તેને મારવું કે ધમકાવવાને બદલે કેટલી મહત્વની બાબતો છે જે અપનાવવાથી બાળકના કુમળાં માનસ પર ખૂબ જ સકારાત્મક અસર પડશે.

ઝટ દઈને બાળકોને પ્રતિભાવ ન આપવોઃ

ક્યારેક બાળક જિદ્દે ચડે કે રડે ત્યારે એમને તરત જ આપણે ખીજાઈ લઈએ છીએ. ક્યારેક એમની ફરમાઈશ પણ આપણે તરત જ માની જઈએ છીએ. કોઈ વસ્તુ લઈ આપવા માટે કે કોઈવાર તેઓ ફકત અટેનશન ગેઈન કરવા પણ આવું કરતું હોય છે. એવે સમય આપણે એમનું આવું વર્તન શાથી છે એ જાણવું જોઈએ. એકવાર એમની ડિમાન્ડ પૂરી કરી દેશો કે તરત એમને ટેવ પડી જશે એક પછી એક હઠ કરવાની કે જૂઠું બોલીને પોતાની વાત મનાવરાવવાની. આવું ન થાય તે માટે તેમને સમજવું જોઈશે અને પછી એમને પ્રેમથી સમજાવવું જોઈશે કે તેમણે કરેલ ડિમાન્ડ કેટલી જરૂરી છે. કોઈ રમકડું ખરીદવાની કે કોઈ અન્ય વાત હોય તે માનવી કેટલે અંશે વ્યાજબી છે એ વડીલોએ જાતે જ નક્કી કરીને સમજવું જોઈશે.

બાળકોનો ભરોસો જીતોઃ

મોટે ભાગે નાનપણથી જ બાળકોનું મનોવલણ એવું થઈ જતું હોય છે કે ખોટું બોલીશ તો જ મારી વાત રહેશે. અથવા તો જો સાચું બોલી જઈશ તો માર પડશે કે કોઈ સજા થશે. એની બદલે જૂઠાણાનો સહારો લઈને શિફતથી નીકળી જવાનું બાળકો શીખી લેતાં હોય છે. સામાન્ય રીતે બાળકોમાં આ પ્રકારની સમજ ૪થી ૬ વર્ષ સુધીમાં આવી જતી હોય છે. તેઓ આવું ન કરે અને તેમના ઉછેરમાં મોટી ગેરસમજ ન ઉમેરાય એ માટે એમના પાકા મિત્ર કે સખી બનવાનો પ્રયત્ન કરો. તમારું બાળક તમને બધું આવીને સાચેસાચું કહી દે એવું વાતાવરણ પરિવારમાં પહેલેથી જ કેળવો. ઘણીવખત ઓછા માર્ક્સ આવવાથી લઈને મોટાં થઈને પ્રેમ પ્રકરણ કે ડિપ્રેશનથી માંડીને ક્યારેક આત્મહત્યા સુધીના બનાવો બને છે. તેની પાછળનું કારણ એજ હોય છે કે માતા – પિતા સાથે બેસીને મોકળાશથી વાત કરવાની બાળપણથી ટેવ જ ન પડી હોય.

બાળકોને પ્રેરણાદાયક પ્રોત્સાહન આપોઃ

બાળકો વડીલોનું અનુકરણ કરે છે. જેમ મોટેરાંનું વર્તન હશે તેઓ પણ એવું જ કરશે. તેઓ અજાણતાં જ તમારી પાસેથી એવી સહેલાઈથી કંઈને કંઈ શીખી જતાં હોય છે કે તમને નવાઈ લાગશે. ક્યારેક વડીલો ફૂલાઈ જતાં હોય છે કે જુઓ કેવું કોપી કરે છે, પપ્પાની કે મમ્મીની! પણ એ ખરેખર તો ખોટું છે. એઓને પોતાને એની સમજ કેળવવી જોઈશે કે તેઓ હજુ નાના છે જેમ વડીલો કરે છે તેમ બધું જ એલોકોથી ન કરાય. આ માટે વાર્તાઓ, ગીતો, જોડકણાં વગેરે એક સરળ અને પ્રબળ માધ્યમ બની રહે છે. તેમને આ પ્રકારના સાહિત્યના માધ્યમથી સમજાવવું જોઈઍ કે શું સાચું શું ખોટું? થાળીમાં અન્ન હોય એટલું બધું જ જમી જવું, દરરોજ દૂધ પીવું કે પછી બૂટ – ચંપલ ઘરની બહાર જ ઉતારવા જોઈએ અને ઘરમાં ધીમેથી બોલીને વાત કરવી જોઈએ એવી બાબતો એમને ધીમેધીમે શીખવાડવું જોઈએ. બાળક આવી કોઈ પ્રવૃત્તિને યોગ્ય રીતે માનીને અનુસરે તો તેમને ચોકલેટ જેવું ઇનામ આપવું જોઈએ. જેથી તે પ્રોત્સાહિત થાય. પરંતુ એ વાતનું ધ્યાન રહે કે તેમને ક્યારેય એવી લાલચ ન જાગે કે ચોકલેટ મળવા ખાતર જ તે સારું વર્તન કરે.

મારવું કે ગુસ્સો ન કરવોઃ

બાળકો અતિ સંવેદનશીલ હોય છે. તેમના મનમાં એકવાર કોઈ બાબત વિશે કોઈ વાત ઘડ બેસી જશે તો તે મોટું થઈને વધુ પ્રમાણમાં ખરાબ પરિણામ લાવી શકે છે. હકીકતે જ્યારે બાળક તોફાન કરે કે જિદ્દ કરે કે તરત જ તેને સાંભળ્યા વગર મારવા કે ગુસ્સો કરવા ન માંડવું જોઈએ. બાળકની કલ્પનાશક્તિ ખૂબ જ ઝડપથી વિકસતી હોય છે. એ મુજબ ક્યારેક તે યોગ્ય રીતે સમજાવી શકતું નથી. તે વ્યક્ત કરી શકતું નથી હોતું કેમ કે તેની પાસે શબ્દ ભંડોળ પણ ઓછું હોય છે. આથી તે શું કહેવા માંગે છે એ સમજવું વધુ અગત્યનું છે. તેનાથી કોઈ વસ્તુ તૂટી જાય કે બગડી જાય તો ગુસ્સે થયા વિના તેને ભૂલ કરી છે તે સમજાવો. તેને સજા નહીં થાય પણ એણે પ્રાયશ્ચિત રૂપે તે સાફ કરવું પડશે કે ફરીથી કરવામાં મદદ કરવી પડશે એવું સમજાવો. કેમ કે બાળમાનસમાં એક ઘટના ફિક્સ થઈ જાય પછી તે એવું જ માની લે છે કે દરવખતે આવું જ થશે. તેના મનમાં વડીલો પ્રત્યે પ્રેજ્યુડિકલ માઈન્ડ સેટ ન થઈ જવો જોઈએ. નહીંતર તે કાયમ જૂઠું બોલીને પોતાનું કામ પાર પાડવાની ટેવમાં ક્યારે કુશળ થઈ જશે એ તમને ખ્યાલ પણ નહીં આવે.

વાતચીતની ટેવ પાડવીઃ

રાતે સૂતી વખતે આખા દિવસ દરમિયાન શું કર્યું અને સવારે જાગીને તેમણે શું કરવાનું છે? એવી વાતો કરવાની ટેવ માતા – પિતા કે દાદા – દાદીએ પાડવી જોઈએ. પરિવારમાં સૌની સાથે બાળકને સુમેળ સાધતાં કરવા માટે આ એક શ્રેષ્ઠ ઉપાય છે. તે શું વિચારે છે, કઈ રીતે વ્યક્ત થાય છે અને તેને શું ગમે છે તે પરથી તેની માનસિકતાની સાચી સમજ કેળવી શકાશે. પોતાની પસંદગી થોપવાને બદલે પહેલથી ટેવ પાડો કે બાળકને શું ગમશે? હોટેલમાં જમતી વખતે તેને મેનૂ બતાવો અને કપડાં ખરીદતી વખતે તેને પૂછો કે તને ગમે છે? આમ કરવાથી બાળકમાં એવો વિશ્વાસ બેસશે કે મારાં પેરેન્ટસ મને મહત્વ આપે છે. મને સમજે છે.

બાળકને પ્રવૃત્ત રાખોઃ

બાળક શાળાએ જાય કે કોચિંગ ક્લાસ જાય એ પૂરતું નથી. તે ઘરે આવીને પણ શું કરે છે અને કેવી પ્રવૃત્તિઓમાં રસ ધરાવે છે એ પણ જોવું જોઈએ. ક્યારેક બાળક કોઈ ડ્રોઈન્ગ બનાવે તો તેના વખાણ કરો અને વધુ સરસ બનાવવા પ્રોત્સાહિત કરો. બહાર રમવા જવા પ્રેરો જેથી અન્ય મિત્રો સાથે તે દુનિયા સાથે સુમેળ કેળવી શકે. માત્ર ઘરમાં વિડિયો ગેમ કે હોમવર્ક કે ક્રાફ્ટ વર્ક ન કર્યા કરે તે પણ જુઓ. તેને બાળવાર્તાઓ અને સરસ મજાની ફિલ્મો કે કાર્ટૂન્સ પણ જોવા દેવાં જેથી તેમની કલ્પના શક્તિમાં વધારો થાય અને ભાષા વૈવિધ્ય પણ આવે.

બાળકને સૌની સાથે હળવા – મળવાનું શીખવોઃ

ક્યારેક માતા – પિતા ઘરમાં ન હોય તો અન્ય વડીલો સામે તેઓ તોફાન કરવા લાગે છે. જે જિદ્દે ચડવા માંડે છે. અથવા તો સાવ અણોસરાં થઈને એકલવાયા સૂનમુન બેસી રહે છે. ક્યારેક લગ્ન પ્રસંગે કે સામાજિક કાર્યક્રમોમાં બાળકો રડવા લાગે છે. કંટાળો પ્રગટ કરે છે ત્યારે વડીલો પ્રસંગને માણી શકતાં નથી. તેમને સમજાવો કે બહારના લોકો સાથે પણ હળી – મળીને આદરથી વાત કરવી જોઈએ. જે પ્રસંગે ગયાં હોવ તેના વિશે અગાઉથી વાત કરીને તેનમે ઉત્સુક કરવા જેથી તેઓ પણ રસપૂર્વક કાર્યક્રમનો આનંદ લેવાની સમજ કેળવતું થાય. ખાસ કરીને જો બાળક એક જ હોય ત્યારે તેને સમજવાની જરૂરિયાત વધી જાય છે. અને જો બે બાળકો હોય ત્યારે તેમની વચ્ચેનો તાલમેલ જાળવવાની પહેલી જવાબદારી પણ માતા – પિતાની જ રહે છે.