જલ્સા કરોને જેંતીલાલ

શું તમે મુંબઈથી ગોવા જતી જન શતાબ્દિ ટ્રેનના કાચની છતવાળા કોચની મુસાફરી કરી ? આ લાહવો લેવાનું ન ચુકશો

મુંબઈથી ગોવા જવા માટે જો તમે ફ્લાઈટનું બુકીંગ કરાવવાના હોવ અથવા બીજી કોઈ રીતે જવા માગતા હોવ તો તે પહેલાં આ લેખ ચોક્કસ વાંચી લેજો. મુંબઈથી ગોવા જતી જન શતાબ્દી એક્સપ્રેસ એક સ્પેશિયલ કોચ એટેચ કરવામાં આવ્યો છે જેની છત કાચની બનાવવામાં આવેલી છે. રેલ્વેની આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ટુરીઝમને પ્રોત્સાહિત કરવાનો છે.


મુંબઈથી ગોવા જતી આ ગાડીમાંના આ સ્પેશિયલ કોચની કાચની રુફ ઇલેક્ટ્રોનિકલી કંટ્રોલ કરવામાં આવે છે અને તેને સુંદર કુદરતી દ્રશ્યો માટે ટ્રાન્સપરન્ટ પણ કરી શકાય છે. આ કોચમાં આવેલી સીટો 360 અંશના ખુણે એટલે કે ચારે દિશામાં ફરી શકે છે જેથી કરીને તમે બધી જ દિશાને બરાબર જોઈ શકો.


આ ઉપરાંત આ કોચના ડોર ઓટોમેટીક છે. 40 સીટનો આ કોચ કોંકણ રુટ પર ખુલ્લો મુકવામા આવ્યો છે. કારણ કે આ રૂટમાં પર સુંદર મજાના ઘાટો, પહાડીઓ, નદીઓ, ખીણો તેમજ ખેતરો આવેલા છે જેનું સૌંદર્ય જોઈ પ્રવાસી આ રૂટને ક્યારેય નહીં ભુલી શકે.

આ કોચની બારીઓ પણ ખુબ જ પહોળી અને વિશાળ બનાવવામાં આવી છે માટે તમને એક ઉત્તમ વ્યૂ મળી રહેશે. તેમજ કોંકણ રૂટ પર આવતી સુંદર ટનલ પસાર થાય છે ત્યારનો રોમાંચ તો કંઈક અલગ જ હોય છે. જો તમે એકવાર આ કોચમાં મુસાફરી કરશો તો વારંવાર આ મુસાફરી કરવાનું મન થશે.


આ ટ્રેન મુંબઈના દાદર સ્ટેશનથી ગોઆના મડગાંવ સુધી જાય છે. ટ્રેનના કોચમાં 12 એલસીડી, એક ફ્રીઝ, ઓવન, જ્યુસર અને ગ્રાઇન્ડરની પણ સુવિધા છે.

પણ ચોમાસાની સીઝનમાં આ કોચની ફ્રીક્વન્સી ઘટાડી દેવામાં આવે છે. કારણ કે તે સમયે લેન્ડ સ્લાઇડ થવાના જોખમ રહેલા હોય છે અને તેની જગ્યાએ ટુ-ટાયર એર-કન્ડીશન્ડ કોચ એટેચ કરી દેવામાં આવે છે. ચોમાસુ ન ચાલતું હોય તેવા સામાન્ય દીવસોમાં આ કોચને અઠવાડિયામાં પાંચ દિવસ ચલાવવામાં આવે છે જ્યારે ચોમાસામાં માત્ર ત્રણ જ દિવસ મુસાફરો તેનો લાહવો લઈ શકે છે. આ ઉપરાંત ટ્રેનની સ્પીડને પણ 110 કી.મી દર કલાકની જગ્યાએ 75-90 કી.મી. દર કલાક સુધી ઘટાડી દેવામાં આવે છે.


આ પ્રકારના કોચને વિસ્ટાડોમ કોચ કહેવામાં આવે છે. આ પહેલાં વિશાખાપટ્ટનમ અને અરાકુ વેલી હિલ સ્ટેશન વચ્ચે આવો કોચ દોડાવવામાં આવે છે. આ કોચને તૈયાર કરાવવાની કીંમત 3.38 કરોડ રૂપિયા છે. આ વિસ્ટા ડોમ કોચનું નિર્માણ તામિલનાડુના ચેન્નઈ ખાતે આવેલી ધી ઇન્ટીગ્રલ કોચ ફેક્ટરી કરે છે.


પણ જો તમે આ કોચમાં કન્સેશનની આશા રાખતા હોવ તો તે તમને નહીં મળે અહીં તમારે પુરુ ભાડુ ભરવું પડશે. આ કોચમાં બુકીંગ કરાવવા માટે તમારે દર વ્યક્તિએ 2,235 રૂપિયા ચુકવવા પડશે. અને તેનું રેલ્વેના નિયમો પ્રમાણે અગાઉથી બુકીંગ કરાવવું પડશે.


ભારત ઉપરાંત બીજા ઘણા બધા દેશમાં આ પ્રકારની આખીને આખી ટ્રેનો ચાલતી હોય છે જેનો એક માત્ર ઉદ્દેશ ટુરીઝમનો હોય છે અને લોકોને પ્રવાસનો એક ઉત્તમ અનુભવ કરાવવાનો હોય છે. ભારતીય રેલ્વે પણ વિભાગીય રીતે પોતાના મુસાફરોને અવનવી સગવડો આપ્યા કરે છે.

હજુ ગયા મહિનામાં જ કાલકા-સિમલા રૂટ પર જે નાનકડી હેરીટેજ ટ્રેન ચાલે છે તેમાં એક સ્પેશિયલ કોચ એટેચ કરવામાં આવ્યો છે. ઉત્તર રેલ્વેએ એક જરુખા ટાઇપનો કોચ તૈયાર કરાવ્યો છે જેમાં તમે મુસાફરી કરતાં કરતાં શિમલાનું અદ્ભુત સૌંદર્ય માણી શકશો.

આ ઉપરાંત આજ રૂટની આ નાનકડી હેરીટેજ ટ્રેઇનમાં પણ વિસ્ટાડોમ કોચ એટેચ કરવામાં આવ્યા છે. જો તમે નજીકના ભવિષ્યમાં શિમલા ફરવા જવાના હોવ તો આ સુંદર મજાની ટ્રેનની મુસાફરી ચોક્કસ કરજો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version