શું તમે કન્ફ્યુઝ છો કે કેવું એસી લેવું? તો અત્યારે જ જાણી લો સાચી માહિતી…

શું તમે કન્ફ્યુઝ છો કે કેવું એસી લેવું ?

ઉનાળાની મોસમ ખીલી ઉઠી છે અને ગરમી પણ શરૂ થઈ ગઈ છે. અને હવે જેમની પાસે એસી નહીં હોય તેમને પણ એસીની જરૂર લાગવા લાગી હશે. 15-20 વર્ષ પહેલાં પણ ગરમી તો આટલી જ પડતી હતી પણ હવે લોકોને ઓફિસમાં, સિનેમા ઘરોમાં રેસ્ટોરન્ટમાં, કાર્સ તેમજ બસ તેમજ ટ્રેઇનમાં પણ એસી મળવા લાગ્યું છે માટે લોકો હવે ગરમી સહન નથી કરી શકતા અને તેમે ઉનાળો બેસતા જ એસીની જરૂર પડવા લાગે છે.


દર ઉનાળે લાખો ઘરોમાં નવા એસી ઇન્સ્ટોલ કરવામાં આવે છે. તમે પણ તેમાંના હોઈ શકો છો. પણ અહીં તમને સમસ્યા એ હશે કે તમને ખ્યાલ નથી કે તમારે કેવું એસી ખરીદવું. તો તમારી આ જ સમસ્યાનું નિરાકરણ અમે આજની આ પોસ્ટમાં લાવ્યા છીએ.

સૌ પ્રથમ આપણે એ જાણીએ કે એસી કેવા પ્રકારના હોય છે. એક છે વિન્ડો એસી અને બીજું છે સ્પ્લિટ એસી.


વિન્ડો એસી

વિન્ડો એસી તમારા રૂમની વિન્ડોમાં લગાવાનું રહે છે જેમાં તેનું પોણા ભાગનું યુનિટ રુમમાંની બારીની બહારની બાજુ રહે છે. જેમાં તે બહારની ગરમ હવાને કન્ડેન્સ કરીને રૂમને ઠંડો બનાવે છે. અહીં તમારી બારીને સંપૂર્ણ રીતે બ્લોક કરી દેવામાં આવે છે. અને તેમ કરવાથી હવાની અવરજવર પણ બંધ થઈ જાય છે. અને જો તમારા રૂમમા બારી જ ન હોય તો વિન્ડો એસી લગાવી શકાતું નથી.

સ્પ્લિટ એસી


સ્પ્લિટ એસીનો અર્થ છે કે એસીને બે વિભાગમાં વહેંચી દેવું. જેમાં એક ભાગ બહાર રહે છે અને એક ભાગ અંદર રહે છે. સ્પ્લિટ એસીનો એક ફાયદો એ છે કે જો તમારા રૂમમાં બારી ન હોય તો પણ તમે તેને લગાવી શકો છો. અને જો તમારા રૂમમાં બારી હોય તો તમે તેને બ્લોક કર્યા વગર સ્પ્લિટ એસી વાપરી શકો છો. અને એસીની જરૂર ન હોય તેવા સમયે તમે બારી ખોલીને હવાઉજાસ મેળવી શકો છો. હાલ સ્પ્લિટ એસી બજારમાં વધારે વેચાય છે અને લોકો તેને વાપરવું વધારે પસંદ કરે છે.


કેટલા ટનનું એસી લેવું ?

એસીની કેપેસિટી તે કેટલા ટનનું છે તેના દ્વારા નક્કી થાય છે. 1 ટન એસી એટલે એક ટન બરફને તમારા રૂમમાં રાખવામાં આવે અને જે ઠંડક મળે તેને એક ટનનું એસી કહેવાય. જો તમારો રૂમ 100 સ્ક્વેર ફૂટથી ઓછો હશે તો તમારા માટે 1 ટનથી ઓછું એસી યોગ્ય રહેશે. પણ જો તમારો રૂમ 100 સ્ક્વેર ફૂટથી મોટો એટલે કે 100થી 150 વર્ગફૂટનો હશે તો તમારા માટે 1 ટનનું એસી યોગ્ય છે. પણ જો તેનાથી પણ મોટો રૂમ હશે તો તમારે 1.5 ટનના એસીની જરૂર પડશે.


વધારે ટનનું એસી લેવાથી રૂમ જલદી ઠંડો થાય છે. પણ જો તમારો રૂમ ઉપર જણાવ્યું તેમ નાનો હોય તો તમારે વધારે ટનનું એસી લેવાથી કોઈ જ ફાયદો નહીં થાય તેનાથી માત્ર ઇલેક્ટ્રી સીટીનું બીલ જ વધારે આવશે. માટે તમારા રૂમની સાઇઝના આધારે જ તમારે કેટલા ટનનું એસી લેવુ તે નક્કી કરવું. જેટલા વધારે ટનનું એસી લેશો તેટલી એનર્જી વધારે વપરાશો. ઉપરાંત વધારે ટનનું એસી મોંઘું પણ વધારે હોય છે.

કેટલા સ્ટાર્સનું એસી લેવું


એસી પર લગાવવામાં આવેલા સ્ટાર્સ તે કેટલું જલદી કુલીંગ આપે છે તે નક્કી નથી કરતું પણ તે કેટલી ઇલેક્ટ્રીસીટી બચાવે છે તે નક્કી કરે છે. આ ઉપરાંત જેટલા વધારે સ્ટાર્સનું એસી હશે તેટલું જ વધારે તે મોંઘું હશે. માટે જો તમે દિવસમાં વધારે સમય એસી વાપરવાના હોવ તો જ તમારા માટે વધારે સ્ટાર્સ વાળુ એસી યોગ્ય છે.

પણ જો તમારો વપરાશ ઓછો હોય તો તમે એક સ્ટાર વાળુ એસી પણ લઈ શકો છો. કારણ કે ઇલેક્ટ્રીસીટી બચાવવાના ચક્કરમાં તમે વધારે સ્ટાર્સ વાળુ મોંઘું એસી તો લઈ લેશો પણ જો તમે તેને વધારે વાપરશો નહીં તો તમે પેલી ઇલેક્ટ્રીસીટીની બચત નહીં કરી શકો અને તેના કારણે તમે સ્ટાર્સ માટે જે વધારાના રૂપિયા આપ્યા છે તે પણ વસુલ નહીં કરી શકો. માટે તમારી જરૂરિયાત પ્રમાણે કેટલા સ્ટાર્સનું એસી લેવું તે નક્કી કરો.


નોન ઇન્વર્ટર એસી લેવું કે ઇન્વર્ટર એસી લેવું ?

નોન ઇન્વર્ટર એસીમાં તમારા એસીનું કોપ્રેસર વારંવાર ચાલુ બંધ થાય છે. જેના કારણે એનર્જીનો વપરાશ વધારે થાય છે. દા.ત. તમે 24 ડીગ્રી સેટ કરીને તમારું નોન ઇન્વર્ટર એસી ચાલુ રાખો તો તે તમારા ઓરડાના ટેમ્પ્રેચરને 24 પર લાવીને કોમ્પ્રેસર બંધ કરી દેશે અને ફરી પાછું રૂમનું ટેમ્પ્રેચર વધશે એટલે કોમ્પ્રેસર ચાલુ કરી ફરી પાછુ ટેમ્પ્રેચર 24 પર લાવશે આમ વારંવાર એસીનું કોંપ્રેસર ચાલુ બંધ થશે. જેના કારણે એનર્જીનો વપરાશ વધારે થશે.


ઇન્વર્ટર વાળુ એસી વાપરવાથી તેનું કોમ્પ્રેસર વારંવાર બંધ નથી થતું પણ તેની ગતી ઝડપી-ધીમી થયે રાખે છે જેના કારણે કોંપ્રેસર ચાલુ કરવા માટે જે વધારાની એનર્જી વાપરવી પડે છે તે નથી વપરાથી આમ ઇન્વર્ટર વાળુ એસી વાપરવાથી વીજળીની બચત થાય છે.

ઇન્વર્ટર વાળુ એસી 30થી 40 હજારનું આવે છે જ્યારે નોન ઇન્વર્ટર એસી 20થી 30 હજારનું આવે છે આમ લગભગ 6-7 હજારનો ફેર બન્નેનીં કીંમતમાં રહે છે. માટે અહીં પણ તમારે તમારા ઉપયોગને ધ્યાનમાં રાખવાનું છે કે તમે દીવસ દરમિયાન એસી કેટલું વાપરો છો જો તમે ઓછું વાપરતા હશો તો મોંઘુ ઇન્વર્ટર એસી ખરીદવાનો કોઈ અર્થ નથી કારણ કે તમે તમારી કીંમત વસુલી નહીં શકો. પણ જો તમે વધારે સમય એસી ચાલુ રાખવાના હોવ તો અહીં તમને સલાહ છે કે તમે ઇન્વર્ટરવાળુ એસી જ વાપરો.

કેવી કોઈલ વાળુ એસી લેવું ?


એલ્યુમિનિયમ કોઈલવાળુ એસી વધારે મેઇન્ટેનન્સ માગી લે છે, તેની વોરન્ટી પણ ઓછી હોય છે અને તેના કારણે એસી વધારે સમય ખરાબ થાય છે. ખુબ જ ઓછો સમય એલ્યુમિનિયમ કોઈલ ચાલે છે.

કોપર કોઈલનું એસી ઓછું મેઇન્ટેનન્સ માગે છે, એસી ખરાબ થવાની શક્યતા ઓછી રહે છે. અને કોપર કોઈલની આવરદા પણ લાંબી હોય છે. માટે સસ્તા એસીની લાલચમાં એલ્યુમિનિયમ કોઈલનું એસી ન લેવું પણ કોપર કોઈલ વાળા એસીનો જ આગ્રહ રાખવો.

કઈ કંપનીનું એસી લેવું ?

સૌ પ્રથમ તો તમારે તમારા લોકલ માર્કેટમાં જઈ અભ્યાસ કરવો કે ત્યાં કઈ કંપનીના એસી અવેલેબલ છે. અને કયા એસી વધારે વપરાય છે. કારણ કે જે વધારે વેચાતા હશે તેની સર્વિસ તમારા વિસ્તારમાં સરળતાથી અવેલેબલ હશે. તેમજ તેની આફ્ટર સેલ્સ સર્વિસ કેવી છે તે પણ ધ્યાનમાં રાખવું. માટે મોટી મોટી જાહેરાતોમાં આવીને તે એસી લેવું જરૂરી નથી પણ તમને જેની આફ્ટર સેલ્સ સર્વિસ સારી રીતે અવેલેબલ હોય તેવું એસી તમારા માટે વધારે યોગ્ય છે.

એક જરૂરી ટીપ:


એસી વાપરતી વખતે હંમેશા સ્ટેબિલાઇઝર યુઝ કરવું. તેમ કરવાથી જો તમારા વિસ્તારમાં પાવર કટની સમસ્યા અવારનવાર રહેતી હોય તો તેવા સંજોગોમાં સ્ટેબિલાઇઝર હોવું જરૂરી છે. જો સ્ટેબિલાઇઝર વગર એસી વાપરવામાં આવશે અને અવારનવાર વિજળી અવરોધાશે તો તમારા એસીને નુકસાન થશે તે વહેલું બગડશે અને વારંવાર બગડશે. માટે બે-ત્રણ હજાર નો ખર્ચો કરી એસી સાથે સ્ટેબિલાઇઝર પણ ખરીદી જ લેવું જોઈએ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ