શ્રીમદ ભગવદ ગીતાના નિયમિત પઠનથી ડાયાબિટીઝ સહિત ભલભલા હઠીલા રોગ થઈ શકે છે દૂર…

પહેલાંના જમાનામાં રાજરોગ તરીકે ઓળખાતો આ ડાયાબિટીઝનો રોગ હવે જનમતાંવેંત નાના બાળકમાં પણ જોવા મળે છે. શરીરમાં જ્યારે શુગરની માત્રા વધી જાય ત્યારે આ મીઠી પેસાબ જેવા દેશી નામે ઓળખાતો ડાયાબિટીઝ ક્યારે ઘર કરી જાય છે ખબર પણ નથી પડતી. મધુમેહમાં થાક લાગવો, પેસાબમાં બળતરા થવી, સતત તરસ લાગવી જેવા લક્ષણો તો સામાન્ય છે પરંતુ તેને લીધે બીજી તકલીફો પણ થાય છે જેમ કે થાયરોડ, નબળાં હાડકાની તકલીફ ઓસ્ટોપોર્સિસ… આ બધાની સામે ઇલાજ રૂપે ક્યાં તો નિયમિત દરરોજ દવાઓ લેવી પડે છે અથવા તે વધુ હોય તો ઇન્સ્યુલીનના ઇન્જેક્શન પણ દરરોજ લેવાં પડે છે.

આ બધી તકલીફોની સામે એક સમાચાર એવા આવ્યા છે જે જાણીને ડાયાબિટીઝના દર્દીઓને એક નવી આશા ચોક્કસ બંધાશે. હૈદરાબાદ કે જે તેલંગણાની રાજધાની છે ત્યાંના ઉસ્માનિયા જનરલ હોસ્પિટલના ડોક્ટરો સહિત કેટલાક શોધકર્તાઓની એક ટીમે ડાયાબિટીઝ સામે સારવાર માટેનો એક આદ્યાત્મિક રસ્તો શોધી કાઢ્યો છે, અને તેનો સ્ત્રોત છે ભાગવદ ગીતા.

તે શોધકર્તાઓની ટીમનું કહેવું છે કે, ભાગવદ ગીતામાં આવેલા અર્જુન અને ભગવાન કૃષ્ણ વચ્ચેના સંવાદથી અને બીમારીઓની સારવાર શક્ય છે જેમાં ડાયાબિટીઝ પણ શામેલ છે. તે નિષ્ણાંતોનું કહેવું છે કે ગીતામાં કુલ ૭૦૦ (સાતસો) શ્ર્લોક છે, જે પૈકી ૫૭૫ શ્ર્લોક શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા છે, ૮૫ શ્ર્લોક અર્જુન બોલ્યા છે… આ સંવાદમાં એટલી બધી સકારાત્મક ઊર્જા સમાયેલી છે કે તેનું પઠન, ચિંતન અને મનન કરવાથી વ્યક્તિના વિચારોમાં ખૂબ ફેરફાર થાય છે. તેમની એકાગ્રતા વધે છે અને ડિપ્રેશન ઓછું થાય છે. આ મહાન ગ્રંથના વિવિધ પ્રકારે લખાયેલ ૨૫૦ પુસ્તકો હાલ ઉપલબ્ધ છે, જેમાં તેને જુદી જુદી દ્રષ્ટિએ વિવિધ લેખકો દ્વારા સમજાવાઈ છે. દરેક વ્યક્તિ તેને પોતાની સમસ્યા અને ઉપાયોને સમજીને અનુસરી શકે એ રીતે તેનું વાંચન કરે તો એનું ખૂબ સારું પરિણામ મળે છે.

સામાન્ય રીતે આપણે કોઈ પરિવારનું સ્વજન મૃત્યુ પામ્યું હોય ત્યારે ગીતા પાઠ ઘરમાં રખાવીએ છીએ પરંતુ ગીતા પઠન જ્યારે પણ ઇચ્છા થાય કરી શકાય છે. મનની શાંતિ માટે તે ખૂબ જ સારું છે. તે શોધકર્તા કાર્યકરોનું માનવું છે કે ગીતાના શ્ર્લોકોનું પઠન કરવાથી દરેક પ્રકારની નકારાત્મકતા દૂર થાય છે. ગીતામાં પારિવારિક સંબંધોથી લઈને જીવનભર ઉપયોગી થાય તેવા દરેક વિષયોની વિસ્તારથી સમજૂતી આપી છે. જે વાંચીને મનમાં ગોળાતા પ્રશ્નોનો ઉકેલ શોધવામાં મદદરૂપ થાય છે.

ઇન્ડીયન જર્નલ ઓફ એન્ડોક્રિનોલોજી એન્ડ મેટાબોલિઝમમાં પ્રકાશિત આ સંશોધનની નોંધ લેવાઈ છે, જેમાં આ વિશે દેશ – વિદેશની કેટલીક હોસ્પીટલના રિસર્ચ ઇન્સ્ટીટ્યુટના ડોક્ટર્સની ટીમ તેની પર કામ કરી રહી છે.