જે ઈશ્વર ઈચ્છે તે જ થવાનું છે, થાય છે, અને આગળ પણ તેજ થશે…

પાંચે પાંડવોએ કૃષ્ણ પાસે કળયુગ વિશે જાણવાની તેમજ, કળયુગમાં માણસો કેવા હશે ? કળયુગનો પ્રભાવ કેવો હશે ? જાણવાની ઈચ્છા જાહેર કરી. કૃષ્ણએ સમજાવવાની કોશિષ કરેલ કે કળયુગ વિશે નો વિચાર ના કરો. પરંતુ પાંડવોને તો કળયુગ વિશે જાણવું હતું તેથી…

કૃષ્ણ : તમે પાંચે ભાઈઓ વનમાં જાવ અને જે કંઈ તમને જોવા મળે તે જણાવો, એટલે કલયુગના પ્રભાવ વિષે ? કળયુગ નો માણસ કેવો હશે તે જણાવીશ.

યુધિષ્ઠિર : વનમાં જતાં તેમની નજર એક હાથી પર ગઈ, તેને બે સુંઢ હતી.
અર્જુન : ધ્યાનમાં આવ્યું કે, એક પક્ષીની પાંખો પર વેદોની રચના લખવામાં આવેલ, પરંતુ તે મૃત લોકોનું માસ ખાઈ રહ્યું હતું.
ભીમ : પોતાની નજર સામે એક ગાય પોતાના વાછરડાને જન્મ આપીને એટલી હદે ચાટવા લાગી કે, વાછરડાની ચામડી ફાટીને લોહી નીકળવા લાગ્યું.
સહદેવ : છ-સાત કુવામાં સૌથી ઉંડો અને વચ્ચે આવેલ કુવામાં એક બુંદ પણ પાણી નહી, અને તેની આસપાસના દરેક કુવામાં પાણી હિલોળા લે છે.

નકુલ : અદભુત અને દુર્લભ ઘટના તેની આંખો સામે જ બની. પહાડ પરથી એક મોટી શીલા ગબડતી ગબડતી નાના-મોટા કેટલાય વૃક્ષોને ભાંગતી, તોડતી બીજી કેટલીય શિલાઓને ગબડાવતી આવતી હતી, અચાનક એક નાના રોપના અડવાથી ત્યાં જ સ્થીર થઈ ગઈ.
પાંચો ભાઈઓ વન વિચરણ કરીને કૃષ્ણ પાસે જાય છે. જે જે નજરે જોયેલ છે તે જણાવે છે.
યુધિષ્ઠિર : એક હાથીને જોઈને હું અંચબામાં પડી ગયો, કારણકે તે હાથીને બે સુંઢ હતી.
કૃષ્ણ : કળયુગમાં એવા લોકોનું રાજ હશે જે દરેક જગ્યાએથી જેટલું થાય એટલું શોષણ કરશે. એટલી હદે શોષણ થશે કે દિકરાને પિતાની કદર નહી હોય. એક બાપ પાંચ દિકરાનું પાલન પોષણ ભુખ્યો રહીને કરશે. પરંતુ પાંચ દિકરા વચ્ચે એક બાપને નહી સાચવવા માટે ઝગડો થશે.

વૃદ્ધાવસ્થામાં વૃધ્ધાશ્રમમાં આશરો લેવો પડશે. પાપ-પુણ્યની વાતો જરૂર થશે. પરંતુ અમલ તલ ભાર પણ નહી. કોઈ કોઈનું નહીં હોય. માણસ બોલશે કંઈ અને કરશે કંઈ. માણસના ચાવવાના દાંત અલગ હશે અને બતાવવાના દાંત પણ અલગ હશે. માણસનો બાહ્ય દેખાવ ભગવાન જેવો હોય અને મનમાં એટલી હદે ઈર્ષા ભરેલ હોય છે કે જે વ્યક્તિનું ખાય તેનું પણ સારું ઈચ્છી શકતો નથી. માણસ માણસ માટે સારું વિચારશે પણ નહીં.

અર્જુન : મેં એક પક્ષીની પાંખો પર વેદોની રચના લખેલી જોઈ, પણ તે પક્ષી તો મૃત લોકોનું માસ ખાઈ રહ્યું હતું.
કૃષ્ણ : કળયુગમાં એવા માણસો હશે જે મોટા મોટા પંડિત, વિદ્ધાન તરીકે પૂજાતા હશે. જ્ઞાની હશે, છતાં પણ તે મનથી એવી ઈચ્છા રાખશે કે તેમને ભગવાન માનતો, ભગવાનની જેમ પુજાતો મનુષ્ય પોતાની સંપત્તિ તેના નામે કરી આપે, કોઈપણ પદ કે હોદા પર બીરાજમાન હોવા છતાં પણ તેમની નજર હંમેશા કોઈપણ સંસ્થાની કે વ્યક્તિની સંપત્તિ તેમના નામેં કરી આપે તેવી આશામાં રહેશે. બીજાની સંપત્તિ પર હંમેશા તેની નજર હશે. ભગવો ધારણ કરનાર લાખો હશે.

પરંતુ ભગવાના રંગે રંગાયેલા નહી હોય. ધર્મસ્થાનો અઢળક હશે, તેમાં જાણે રૂપીયાની નોટો છાપવાનાં મશીન હોય એવી આવક થતી હશે. છતાં પણ મંદિરોમાં માંગવા વાળાની લાઈનો હશે અને મંદીરની બહાર ભુખ્યાની ભોજન માટે ભગવાનના નામે માંગનારની લાઈન હશે. માણસ માટે રૂપીયો ભગવાન બની જશે.
જે વ્યક્તિ પાસે રુપીયો હ્શે તેની જ કિંમત થશે. રૂપીયા વગરના માણસની કિંમત કોડીની હશે. આટલી હદે કળયુગનો પ્રભાવ હોવા છતાં પણ સંતપુરુષ જરૂર હશે પરંતુ શાકમાં મીઠું ભળે એ રીતે બહુ જુઝ સંતપુરુષ હશે.
ભીમ : મારી નજર સામે એક ગાય પોતાના વાછરડાને જન્મ દેતી જોઈ, અને વાછરડાંને એટલી હદ સુધી ચાટવા લાગી કે, વાછરડાની ચામડી ફાટીને લોહી નીકળવા લાગ્યું.

કૃષ્ણ : કળયુગમાં માતા-પિતા પોતાના બાળકોને અનહદ લાડ-લડાવશે. તેની લાગણી, લાડ તેને એટલી હદે રૂંધી નાંખશે કે, બાળકોનો માનસિક વિકાસ રુધાય જશે. પોતાના બાળકોની જિંદગી મશીન જેવી બનાવી દેશે. દરેક માતા – પિતાને પડોશીનો પુત્ર સંત બનશે તો મન મુકીને ખુશી વ્યક્ત કરશે. પરંતુ પોતાનો પુત્ર સંત બનવા માંગશે તો પોક મુકીને રડશે. અમારું શું થશે ? બુઢાપામાં અમારું કોણ ? આવા અનેક સવાલો સાથે માયામાં એટલા ઓતપ્રોત કરી નાંખશે કે તેમના વિચાર સાથે તેમનું જીવન પણ પરિવારની આસપાસ જ પૂર્ણ થઈ જશે. ખરેખરે તો એ પણ ભુલી જાય છે કે આપણે સૌ નાશવંત છીએ. જન્મે તેનું મૃત્યુ નિશ્ચિત છે. સંતાનો માતા-પિતાના નથી. માતા-પિતા સંતાનોના નથી આપણે સૌ પરમાત્માના સંતાનો છીએ. આપણો આત્માનો પણ તેજ માલિક છે.

સહદેવ : મેં તો એવા છ-સાત કુવાઓ જોયા જે પાણીથી હિલોળા લઈ રહ્યા હતા. પરંતુ તેની વચ્ચેનો સૌથી ઉંડા કૂવામાં એક બુંદ પણ પાણી નથી.

કૃષ્ણ : કળયુગમાં અમીર લોકો પોતાના ઘર અને સંતાનોના નાના-મોટા પ્રસંગો પાછળ લાખો રૂપિયા કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વગર વાપરી નાંખશે. મોજ-શોખ, ફેશન, દારૂ પાછળ પણ વિચાર્યા વગર રૂપીયાનો ખર્ચ કરશે. પરંતુ બાજુમાં રહેતો પાડોશી ભુખ્યો – તરસ્યો હશે તો તેની ખબર પુછવામાંથી પણ જશે. નામ કમાવા, નામોની તકતીઓ લગાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરશે પરંતુ જરૂરીયાતને મદદ કરવા માટે ભુલથી પણ હાથ લંબાવશે નહી.

નકુલ : પહાડ પરથી એક મોટી શીલા ગબડતી ગબડતી નાના-મોટા કેટલાય વ્રુક્ષોને ભાંગતી, તોડતી બીજી કેટલીય શિલાઓને ગબડાવતી આવતી હતી. અચાનક એક નાના રોપના અડવાથી એટલી મોટી શીલા ત્યાં જ સ્થીર થઈ ગઈ.

કૃષ્ણ : કળયુગમાં માણસના મન અને મગજમાં વિચારો બહુ તુચ્છ હશે. તે પોતાના જીવનનું પોતાની રીતે જ પતન કરશે. પતનના રસ્તા પર ચાલતાં તેમનાં જીવનને ધનરૂપી શીલાઓ કે સત્તારૂપી વૃક્ષ રોકી શકશે નહીં. ધન અને સત્તા તેમનાં જીવનને પતનરૂપી ઊંડી ખાયમાં ધકેલશે. વ્યસન અને વ્યભીચારના રસ્તે જીવન વ્યર્થ કરશે. પરંતુ ભાવભર્યું એક હરીનામ તેમના જીવનરૂપી પતનને અટકાવી તેમને સાચે રસ્તે જરૂર દોરશે અને પૂરું જીવન હરી તેનો હાથ છોડશે નહી.

પહેલાં સમયમાં માણસોને વર્ષોના વર્ષો તપ કરવા પડતાં પોતાના શરીર પર રાફડારૂપી ધુળ જામી જતી ત્યારે ભગવાનની પ્રાપ્તી થતી. તેના પ્રમાણે કળયુગમાં ભગવાન ખુબ નજીક છે. એટલો બધો નજીક છે કે ભાવથી યાદ કરો તો તે હરસમયે, કણકણમાં સમાયેલો જોવા મળશે. પરંતુ કળયુગમાં માણસો પણ માયાનો અટેલો બધો પ્રભાવ હાવી થઈ ગયો છે કે માણસમાં ભગવાન જોવો તો બહુ દુરની વાત છે માણસને મંદીરમાં રહેલી મૂર્તિમાં પણ ભગવાન દેખાતો નથી.
પરંતુ કળયુગમાં પણ ભગવાનની ઈચ્છા વગર કોઈ કાર્ય થતું નથી, પહેલાં પણ થતું નહીં અને ભવિષ્યમાં પણ થશે નહીં. માણસ હંમેશા વહેમમાં રહે છે કે, હું કરું છું.

કોઈ એક વ્યક્તિએ જીવનમાં કોઈપણ કાર્યમાં જીત, સફળતા, પ્રગતી, કીર્તિની પ્રાપ્તી થઈ તો કહેશે મેં મહેનત કરેલ છે, મહેનત વગર તો કોઈ કાર્ય શક્ય છે જ નહીં. મેં દિવસ-રાત જોયા વગર તનતોડ મહેનત કરેલ છે. મને સફળ થતાં કોણ રોકી શકવાનું હતું.
એજ વ્યક્તિ જીવનમાં કોઈ તબક્કે કોઈપણ કાર્યમાં હાર, નિષ્ફળતાનો સામનો કરવો પડે તો કહેશે જેવી હરીની ઈચ્છા. આપણા હાથની વાત તો છે નહી. આપણે તો એક જરીયો છીએ બાકી તો હરી કરે તે જ સાચું. તેની ઈચ્છા વગર કોઈ કાર્ય શક્ય છે જ નહીં. આપણે તો આપણાથી બનતી મહેનત કરી શકીએ.

કહેવાનો મર્મ એટલો જ છે કે, જે હરી ઈચ્છે તે જ થવાનું છે, થાય છે, અને આગળ પણ તેજ થશે. આપણે જે ઈચ્છીએ તે નહી પરંતુ તે પોતાની ઈચ્છા પ્રમાણે જે આપણા માટે યોગ્ય હશે તે આપણી ઈચ્છા નહીં હોવા છતાં પણ કરાવે છે અને આપણે કરીએ પણ છીએ. આપણા જન્મ સમયે જ આપણા મોતની તારીખ નક્કી કરનાર જગતનો નાથ, દુનીયાનો સર્જનહાર તે શું ન જાણે ?

લેખક : કીર્તિ ત્રાંબડીયા

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી