શ્રદ્ધાંજલિ – કાગડોળે કોઈના આવવાની રાહ જોતા હોઈએ અને એ ક્યારેય પાછું આવેજ નહી તો…

“શું છે આ ?, મોહન”

ગ્રીષ્મની સાંજે ૬:૩૦ વાગ્યા હશે સંધ્યા પુર બહારમાં ખીલેલી, સુરજની વિદાઈ અને ચંદ્ર ના આગમનની એ ક્ષણે પોતાના રૂમની બાલ્ક્નીમાં ઉભેલો મોહન ગાઢ ચિંતન સાથે હાથમાં રહેલો કાગળ વાંચી રહેલો..ડાર્ક બ્લુ કલરનું જીન્સ સાથે આછા વાદળી રંગના જ્ભ્ભામાં સજ્જ એ ખુબ હેન્ડસમ લાગી રહેલો..એનાગોરા વાન ચહેરા પર આકાશનો કેશરીયો રંગ રીફ્લેક્શન મારી રહેલો… પણ ચહેરો થોડો ચિંતિત દેખાયો..રૂમમાં પ્રવેશતાજ બંસરી એને આમ જોઈ પૂછી રહી…


મોહને કાગળમાંથી નરજ ઉંચી કરી બંસરી તરફ જોયું .. ગળી બ્લુ કલરનો ડ્રેસ, ગળામાં આછા ગુલાબી રંગના દુપ્પટા સાથે લાંબુ ડાયમંડના પેન્ડન્ટ વાળું મંગળસુત્ર, કાનમાં ઝુમ્મર, કપાળની વચોવચ મેન્ચિંગ બ્લુ કલરનો ચાંદલો અને હાથમાં લાલ અને સફેદ રંગનો લગ્ન ચૂડો પહેરેલો, હાથમાં મહેંદીનો રંગ હજી આછો આછો દેખાતો…એના ગુલાબી ગાલ અને ચામડીનો રંગ એના દુપ્પટા સાથે એકદમ મેચિંગ થઈ જતા .. મોહન એને જોઈ રહેલો…

“શું જોઈ રહ્યા છો …” બંસરી સહેજ શરમાઈ મોહન ના ગાલ પર વ્હાલથી ટાપલી કરતા પાછું પૂછ્યું “કંઈ નહી”.. “કેમ મૂડ નથી કે શું …આ શેનો કાગળ છે ? મોહન ..” મોહને બંસરી ના ચહેરા પર પ્રેમથી હાથ ફેરવ્યો ને એનો હાથ પકડતા બોલ્યો “બોર્ડર પરથી આવી છે ચિઠ્ઠી.. ઓર્ડર છે .. ટ્રેનીંગ શરુ થઈ રહી છે એટલે પાછા જવાનું છે..”


“ક્યારે?” બંસરી સાવ સહેમા અવાજે તરતજ પૂછી બેઠી “આવતી કાલે “ આ સાંભળતાજ બંસરીના ચહેરાનો રંગ ઉડી ગયો આંખોમાં ભેજ ઘસી આવ્યો એ તરતજ મોહનને વળગી પડી … “બંસરી તું દુઃખીના થઇશ એમપણ જવાનું તો નક્કી હતુજ ને અને માત્ર છ મહિનાની જ તો વાત છે ..”

બંસરીની આંખોમાં આંસુ છલકાઈ ગયા એને લૂછતાં મોહન બોલ્યો .. “હજી આવતી કાલે જવાનું છે પણ અત્યારથી લઈને ત્યાર સુધીની પ્રત્યેક ક્ષણ આપણે સાથેજ છીએને એ ક્ષણોને તો આપણે ખુબજ સુંદર રીતે આપણા સાથથી સજાવીશું…. જો તું વધારે રડીશ તો મારા પણ પગ નહી ઉપડે જતા અને જવું તો જરૂરી છે ને..”


મોહન કરણભાઈ અને કેતકી બહેનનું એકમાત્ર સંતાન, સ્વભાવે સુશીલ અને ગુણોમાં સંસ્કારી, દાદાજી પાસેથી સાંભળેલી દેશભક્તોની વાતોથી બાળપણથી જ દેશભક્તિ એના લોહીમા ભળી ગયેલી, મીકેનીકલ એન્જીનીયર થઈને એ BSFમા જોડાયેલો, દોઠ વર્ષે રજાઓમાં ઘરે આવેલો. બંસરી અને મોહન પોતાની જ્ઞાતિના એક સંમેલનમાં એકબીજાને મળેલા અને થોડી વાતચીતની આપ-લે થઈ એકબીજાના વિચારો જાણ્યા અને બંનેએ એકબીજા પર જીવનસાથી તરીકેની મહોર મારી દીધી… એકજ મહિનામાં બંનેના લગ્ન લેવાયા બંને પરિવારોએ આ નિર્ણયને હરખભેર વધાવ્યો… લગ્નને ત્રીજે જ દિવસે બંને હનીમુન માટે એક અઠવાડિયું ગોઆ ઉપડી ગયેલા પાછા આવ્યાને ૨૨ દિવસ થયેલા કે એક સાંજે ઓર્ડર આવી ગયો..

બંસરી સ્વસ્થ થઈ અને હસતા ચહેરે મોહન સામે જોઈ બોલી “હં” એ આખીયે સાંજ બેઉ જણાયે વાતોમા ગળી અને આખી રાત બંસરી મોહનના બહુપાસમાં લપાઈને સુતી.. આંખોતો બેઉની ખુલ્લીજ હતી આજે નિંદર જેવું તો ક્યાં કંઈ આવ્યું હતું પાંપણોને મળવા… સવાર પડીને જવાનો સમય થયો…મોહનને ભાવતા લાડુ, થેપલા, અને બીજા થોડા ઘણા નાસ્તા બેગમાં મૂકાઈ ગયેલા…કંકાવટી અને દહીની વાટકી પણ ટીપોઈ પર તૈયાર હતા..બંસરીએ આજે લાલ રંગની સાડી પહેરેલી જે મોહનને ખુબજ ગમતી… મોહન રૂમમાં બંસરીને મળી એને ગળે લગાડી નીચે આવ્યો, બંસરીએ હસતા મોઢે એને વિદાય કર્યો અને કહ્યું “જલ્દી આવી જજો”


નીચે આવી રૂમમાં રાહ જોતા કરણભાઈ અને કેતકી બહેનને તે પગે લાગતા બોલ્યો તમારું ધ્યાન રાખજો હું જાઉં પછી બહુ રડતા નહી…બંનેએ દીકરાને ગર્વભેર આશીર્વાદ આપી ગળે લગાડી દીધો… “તું તારું ધ્યાન રાખજે અને હા બંસરીની પણ કોઈ ચિંતા નહી કરતો અમે છીએ એની સાથે” ચારેયની આંખો ભીની થઈ. બંસરીએ મોહનને કપાળે કંકુનો ચાંદલો કર્યો અને દહીની ચમચી મોંમાં મૂકી શુકન કરાવ્યા …ઘરના ઉંબરાને નમન કરી એકવાર ઘર તરફ નજર કરી મોહન ચાલી નીકળ્યો…બંસરી કરણભાઈ અને કેતકીબેન એ રસ્તાને ખાસી વાર સુધી જોઈ રહ્યા…


દિવસો વિતવા લાગ્યા… બંસરી માટે બધું નવુંજ હતું અને પાછો મોહન પણ નહોતો સાથે, તોય એ ખુબજ સારી રીતે એડજસ્ટ થઈ ગયેલી, ઘરમાં એને ઘણી જવાબદારી અને કામ ઉપાડી લીધેલા … … સામે કરણભાઈ અને કેતકીબેન પણ એને ખુબજ વ્હાલ અને પ્રેમથી રાખતા…બેઉ બંસરીનું ખુબ ધ્યાન રાખતા એને ખુશ રાખતા ..પણ બંને જાણતા હતા કે બંસરી મોહન વિના એકલી પડી ગઈ છે આખો દિવસ ત્રણેય લગભગ સાથેજ ગાળતા.. દરેક મોહનને ખુબ મિસ કરતા પણ ક્યારેય એકબીજાને એનો અહેસાસ ના થવા દેતા. બંસરી આખો દિવસ મોહનની યાદોમાં રહેતી ક્યારેક એના ફોટા સાથે એકલામાં વાતો કરતી તો ક્યારેક રડી પણ લેતી…ફોન પર તો ભાગ્યેજ વાત થઈ શકતી મોહન સાથે પણ સુચેત્ગર, જમ્મુની બોર્ડર અને ઘર વચ્ચે પત્રોની અવર જવર નિયમિત ચાલુ રહેતી..થોડા દિવસ થાય અને મોહનની ચિઠ્ઠી આવે…સામે એનો જવાબ પણ ઘરેથી જાય..

આમને આમ મહિનાઓ વીતી ગયા ને અત્યાર સુધી મોહનના પત્રોની રાહ જોતી બંસરી હવે મોહનના આવવાની રાહ જોવા લાગી…દિવસના મોટા ભાગનો સમય એની નજર ઘરના જાંપે અટકેલી રહેતી…એ કેટકેટલુંય વિચારીને બેઠેલી કે મોહન આવશે એટલે આ કહેશે, તે કહેશે…કેટલીયે વાતો એના દિમાગમાં ચાલ્યા કરતી અને એ સુખી ક્ષણોની કલ્પના એના હોઠ પર સ્મિત બનીને છલકાતી..


એક સાંજે મોહનનો કાગળ આવ્યો જેમાં એને લખેલું ટ્રેનીંગતો પતી ગઈ છે પણ હમણાં અહીનું વાતાવરણ થોડું ગંભીર હોવાથી કોઈ પણ જવાનને રજા નથી આપવામાં આવી મારે પાછા આવતા હજી બે ત્રણ મહિના થઈ જશે … મોહનની રાહ જોઈ રહેલા એ ત્રણેય ના ચહેરા નિરાશ થઈ ગયા….

બંસરી પથારીમાં સુતેલી એક હાથ પોતાના પેટ પર અને બીજા હાથમાં મોહનનો ફોટો… આંખોમાં ઝળઝળિયા આવી ગયા મોહન સાથે વાત કરતી હોય એમ મનમાં બોલી “તમારા આવવાની રાહમાં આ ૬ મહિના વીતી ગયા પણ હવે બીજા બે ત્રણ મહિના કેમ જશે …અત્યારસુધી હું આ ૬ મહિના પુરા થવાની રાહ જોઈ રહેલી પણ હવે તમારી રાહ જોવામાં એક એક દિવસ એક મહિના જેવો લાગશે…”ડૂમો ભરાયો અને ડુસકા બહાર આવ્યા… બંસરી ઉભી થઈ લેમ્પ બંધ કરી રૂમની લાઈટ ચાલુ કરી. પેન અને કાગળ લઇ મોહનને પત્ર લખવાનું શરુ કર્યું…

ડીયર મોહન,


કેમ છો તમે? તમારો પત્ર મળ્યો ..તમે ગયા એજ ક્ષણેથી તમારા આવવાની રાહ જોઈ રહેલી અને તમે હજી થોડો સમય ત્યાં રહેવાના છો… એજ વિચારે ચડેલું છે મન કે હવેનો સમય કેમ પાર પડશે… મમ્મી-પપ્પા ખુબજ સારા છે એ મારું બહુજ ધ્યાન રાખે છે મને ખુશ રાખવા પ્રયત્ન કરે છે પણ હું તમારા વિના અંતરથી એકલી જ છું …નથી રહેવાતું તમારા વિના…

દિવસો તમારી યાદોમાં વિતાવું છું, મમ્મી પાસેથી તમારી બાળપણની વાતો વાંરવાર સાંભળ્યા કરું છું દિવસતો તોયે ગમે તે કરી માંડ માંડ નીકળી જાય છે પણ એકલા રાત નથી જતી..તમારી લખેલી એ દરેક ચિઠ્ઠીઓ રાત્રે વાંચું છું. આખીરાત તમારા ફોટાને છાતીએ વળગાળીને સુવું છું.. દરેક પળે તમારા સહવાસને ઝંખું છું.. ઘણીવાર તમારો કબાટ ખોલી તમારા કપડાને બાથ ભરી લઉં છું એમાંથી મને તમારી સુવાસ આવે છે જે તમારા મારા નજીક હોવાનો અહેસાસ કરાવે છે

મેં વિચારેલું કે તમે આવશો એટલે તમને સરપ્રાઈઝ આપીશ..એક નવા માણસ સાથે તમને મળાવીશ પણ તમારે આવતા હજી વાર થાય એવું છે તો કહી દઉં તમે એક નવા સંબધમા જોડાવાના છો..તમે સાથે નથી પણ તમારું અંશ મારા ગર્ભમાં ઉછરી રહ્યું છે.. તમે પપ્પા બનવાના છો..મને છટ્ઠો મહિનો પુરો થવા આવ્યો છે અને અમારા બંનેની તબિયત એકદમ સારી છે ..


મોહન હવે મારી સાથે સાથે આ નાનું માણસ પણ તમારી રાહ જોઈ રહ્યું છે …તમે અમારી ચિંતા બિલકુલ નહી કરતા પોતાનું ધ્યાન રાખજો અને જલ્દી આવી જજો…

તમારી રાહ જોઈ રહેલા

બંસરી અને તમારું જ અંશ

અક્ષરોની સાહી ફેલાઈ ગઈ ..મોહનના હાથમાં રહેલો પત્ર પલળી રહ્યો.. પત્રને પોતાની છાતી એ લગાવી ખુશીનો માર્યો એ રડી પડ્યો… “ક્યાં હુઆ .. કોઈ ખાસ બાત ?” તેના રૂમમાં રહેતા બલવિન્દરેપૂછ્યું ત્યાંતો એ ખુશીથી તેને ગળે લાગી ગયો અને કહેવા લાગ્યો..” “દોસ્ત મેં પાપા બનને વાલા હું, બંસરી પ્રેગ્નેટ હેં ..મેં પાપા બનને વાલા હું” “અરે વાહ! ક્યાં બાત હેં .. એ સુનીલ, રાકેશ સુના તુને અપના ભાઈ પાપા બનને વાલા હેં” બ્લ્વીન્દરે ખુશીથી જુમી ઉઠતા બધાને સમાચાર જણાવ્યા ત્યાં એ ચારેયે ગળે મળી આ ખુશીના વધામણા કર્યા..

પરિવારથી દુર રહેતા એ દરેક જવાનને એકબીજા પ્રત્યે ખુબ લાગણી એમના જાતી પ્રદેશ અને પહેરવેશ અલગ હોવા છતાંય તેઓંના મન જાણે એકજ .. અને હોય પણ કેમ નહી એમની માટે તો આ એમનો બીજો પરીવારજ હતોને જ્યાં એકબીજા સાથે સુખ દુખની વહેંચણી કરતા…ઘરની વાતો કરતા અને એકબીજાનો સાથ બનતા.. આ ખુશખબરથી આખાયે રૂમમાં ખુશીની લહેરકી છવાઈ ગઈ..


એ રાત્રે કોઈને ઉંઘના આવી બધા પોતાના પલંગ પર આડા પડેલા જાણે બધાને પરિવારજનોની યાદ આવી રહી હોય એમ માયુસ ચહેરે કંઈક વિચારોમાં ખોવાયેલા ..મોહને પોતાની પેટીમાંથી તેમનો ફેમીલી ફોટો કાઢ્યો અને જોવા લાગ્યો … બાજુના પલંગ પર સુતેલો સુનીલ બોલ્યો .. “ ઘરનાની યાદ આવી રહી છે ને?” “હા, યાર….મમ્મી-પપ્પા છે… પણ આ સમયે બંસરીને મારી સૌથી વધુ જરૂર હશે અને હું એની સાથે નથી રહી શક્યો..”

“હં..હં,… આપણે તો અહિયા આટલા બધાની વચ્ચે અને આખા દિવસના કાર્યક્રમમાં આપણો દિવસ ક્યાંય પુરો થઈ જાય છે ને જયારે એ લોકો યાદ આવે ત્યારે આપણે કેટલા દુખી થઈ જઈએ છીએ જયારે એ લોકો તો આપણા વિના એકલા છે ..સાથે રહેલા ઘરમાંજ યાદ આવતી હશે તો કેમના રહી શકતા હશે…?” સુનીલ સુતા સુતા છત સામે જોઈ બોલ્યો…

“આપણે તો અહીંયા હોઈએ ત્યારે એમને પણ કોઈની કોઈ જરૂરતો પડતીજ હશેને…ક્યારેક કોઈ મુશ્કેલી પણ પડતી હશે ત્યારે એ લોકો કોને કહેતા હશે?” રાકેશ પલંગમાં બેઠા થતા બોલ્યો.. દીવાલે ઓશીકાનો ટેકો લઇ અડધા સુતેલા બ્લ્વીન્દરે કહ્યું.. “કિતની અજીબ બાત હે ના, ધરતીમાં કી સેવા કરતે કરતે જન્મ દેને વાલે માં-બાપ કી સેવા કરનેકા મોકા હી નહી મિલતા..”


“હા આપણે ઘરથી દુર રહીને દેશમાટે કુરબાની આપીએ છીએ અને આપણા માતા-પિતા પત્ની એ ઘરે રહીને એમના જીવનની કુરબાની આપે છે ..હવે જુવોને લગ્નના એકજ મહિના માં બંસરીને મુકીને હું અહીંયા આવી ગયો એના હાથની મહેંદી પહેલા મેં એનાથી વિદાય લીધેલી… ત્યારથી આ સાત મહિના એને કેવી રીતે કાઢ્યા હશે… એક પતી તરીકે હું એને એક વિરહ શિવાય બીજું શું આપી શક્યો?..મમ્મી-પપ્પા જેને મને ખુબ કાળજીથી મોટો કર્યો અને આજે જયારે એમનું ધ્યાન રાખવાનો મારો વારો આવ્યો…. ત્યારે હું એમની પાસે છુ જ નહી..”

“હા, એકદમ સાચી વાત, આપણે આપણા દેશની રક્ષા માટે દિવસ રાત અહીંયા ખડે પગે રહી શકીએ છીએ એની પાછળ આપણા પરિવારનું બહુ મોટું યોગદાન છે…આપણી વચ્ચે હાજર દરેક જવાનના પરિવારે પોતાના કાળજાનો કટકો દેશને ભેટ આપી દીધો છે જે જરાયે સહેલી વાત નથી..”

રાતના ૧ વાગી ચુકેલા પડખા ફેરવીને થાકેલો મોહન હાથમાં પેન લઇ પત્ર લખવા બેઠો એક મમ્મી-પપ્પાના નામનો અને બીજો બંસરીના… એને પરબીડીયામાં મૂકી ઉપર નામ સરનામું લખ્યા અને પરબીડીયા પોતાના પલંગની બાજુમાં રહેલા કબાટના ખાનામાં મૂકી દીધા અને સવાર પડવાની રાહ જોવા લાગ્યો કે અજવાળું થાય ને પોસ્ટ કરે.. વિચારમાં ને વિચારમાં પાંપણો ભેગી થઇ ગઈ..


“ઉઠો સબ લોગ જલ્દી સે તૈયાર હો જાઓ …બોર્ડર પર હમલા હુઆ હેં….બી રેડી” ની બુમો પડતા સવારના ૪:૩૦ વાગે સૌ ઉઠીને લડાઈ માટે નીકળી પડ્યા

ઘરે બધાજ સગા-સંબંધીઓં આવી પહોચેલા ..બંસરીને દુલ્હનની જેમ સજાવીને વચ્ચે ખુરશીમાં બેસાડેલી.. આજુબાજુબધી સ્ત્રીઓં સીમંતના ગીતો ગાઈ રહેલી..ઘર ફૂલોથી ડેકોરેટ કરેલું અને જલસાનો માહોલ હતો …પણ બંસરીના ચહેરા પર ખુશી નહોતી દેખાઈ રહી..આ નિરાશ ચહેરાનું કારણ કરણભાઈ પામી ગયેલા..એ અને કેતકીબેન બંસરી પાસે જઈ માથે હાથ મુક્તા બોલ્યા… “મોહનની યાદ આવી રહી છે ને બેટા?” “હા , પપ્પા” બંસરીની આંખો ભરાઈ આવી…

“બેટા જો આટલો સરસ પ્રસંગ અમે તારી માટેજ તો કરી રહ્યા છીએ અને તું દુખી થાય તો અમને કેમ ગમશે?” કરણભાઈ એને સમજાવતા બોલ્યા
“હા અને તું આમ રહીશ તો નાના મોહન કે નાની બંસરીને પણ નહી ગમે હો” કેતકીબેન વાતાવરણને હળવું કરવા થોડા રમુજી અવાજમાં બોલ્યા..
“તું જો જે ને એ નું આ દુનિયામાં આગમન થશે ને ત્યારે સૌથી પહેલા એના પપ્પા એને હાથોમાં લેશે …

મોહન જલ્દી આવી જશે દીકરા…આપણા ઘરમાં ને જીવનમાં આવી રહેલા એ નાનકડા મહેમાનને ચાલ હરખે આવકારીએ … બેટા આ રીવાજ તો આપણે પુરો કરવોજ રહ્યો…” બંસરી હસીને ઉભી થઈ અને સીમંતની વિધિ પૂરી કરી બધાએ એકબીજાના મોં મીઠા કરાવ્યા અને બંસરીને આશીર્વાદ આપ્યા..બધાજ ખુશ હતા આંગણામાં જમણવાર શરુ થયો…અડધો પત્યો હશે ત્યાં ઘરના જાંપે જીપ આવીને ઉભી રહી

BSFના ડ્રેસમાં ત્રણ જવાનો નીચે ઉતર્યા એક મોટી એટેચી જેવું હાથમાં લીધું અને અંદર આવ્યા..આ જોઈ કરણભાઈ આગળ પહોંચ્યા. “કરણસિંહ ચાવડા?” એક જવાને પ્રશ્ન કરતા પૂછ્યું.. “હા હું જ “ “સર મને માફ કરજો મને જણાવતા અંત્યંત દુઃખ છે કે આપના પુત્ર વીર જવાન ‘શ્રી મોહનસિંહ ચાવડા ગઈકાલે વહેલી સવારે થયેલા બોમ્બ એટેકમાં શહીદ થયા છે..”


કરણભાઈ ના પગ જાણે તૂટી પડ્યા હોય તેમ એ ત્યાં ના ત્યાંજ બેસી ગયા કંઈજ બોલી ના શક્યા “સર પ્લીઝ સંભાળો તમારી જાતને ..” એક જવાને એમને પકડીને સહારો આપતા કહ્યું…ત્યાં હાજર સૌ કોઈ આ જોઈ તેમની પાસે દોડી આવ્યા..આમ બહાર કંઈ અજુગતું દ્રશ્ય જોઈ કેતકીબેન અને બંસરી પણ બહાર દોડી આવ્યા ..સમાચાર જાણી કેતકીબેન પણ ત્યાંજ બેભાન થઈ ઢળી પડ્યા.. બંસરી જોતી જ રહી ગઈ શું કરવું એ સમજાયું નહી.. પગ તળેથી જમીન સરકી ગઈ.. ખુશીઓના સાગરે પહોંચતા પહેલાજ દુખના રણ પર આવીને ઉભી રહી ગઈ….

“બંસરી આત્યારે હું જાઉં છું પણ તું મમ્મી-પપ્પાનું ધ્યાન રાખજે કદાચ હું પાછો ના પણ આવું તો તું રડતી નહી પણ મારી પર ગર્વ લેજે. હું તમારી આંખોમાં મારી માટે ક્યારેય દયા કે માયુસી નહી પણ ગર્વ જ જોવા માંગું છું અને આજ મારા જીવનના છેલ્લા શબ્દો હશે..” મોહને જતા જતા કહેલા આ શબ્દો બંસરીના કાનમાં ફરીથી રણક્યાં.. બંસરી ઉભી થઈ એ જવાન પાસે ગઈ અને બોલી..

“શું થયું હતું મારા મોહનને “જવાને તેને દુખી હ્રદયે જણાવ્યું… અને બેગ એના હાથોમાં આપતા કહ્યું… “બોમ્બ બ્લાસ્ટના કારણે એમનું શબ્ નથી મળી શકેલ પણ આમાં એ વખતે એમની સાથે હતો એમાંથી થોડો મળી આવેલો સમાન છે… એકાદ કલાક પહેલા જે ખોળામાં નાના બાળકના આવવાના હરખના વધામણા હતા એજ ખોળામાં મૃત્ત પતિની નીશાનીઓં આવી પડી…. એને છાતી સરસી ચાંપી આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યા ..


પતિની આખરી ઈચ્છા પૂરી કરવા પોતે પોતાની જાતને સંભાળી સાથે સાથે મમ્મી-પપ્પાને સંભાળ્યા ..અને ગર્વ પૂર્વક એની વિધિ પૂરી કરી… રાતે પોતાના રૂમમાં પ્રવેશી બારણું વાસી મોહનના ફોટા સામે જોયું ને છુટા મોં એ રડી પડેલી ત્યાંજ ઢગલો થઈ પડી… ઘડીભરનો સહવાસ જીંદગી ભરનો આઘાત…આ કારમો પડકાર કેમ કરી સહેવાસે… તમને જોયા વિના તમારી આવવાની રાહમાં આટલા મહિનાઓ પસાર કર્યા એ આશાએ કે તમે આવશો પણ હવે કેમ કરી જીંદગી કાઢીશ જેમાં હું જાણું છું કે તમે ક્યારેય આવવાના જ નથી.

કાગડોળે કોઈના આવવાની રાહ જોતા હોઈએ અને એ ક્યારેય પાછું આવેજ નહી તો … એવો આઘાત લાગ્યો મનને એટલી હદે દુઃખ થયેલું કે એ પોતે સગર્ભા છે એનું ભાન પણ ન રહ્યું… કરણભાઈ અને કેતકીબેન નો સહારો ચાલ્યો ગયો બંસરીનીતો જાણે જીંદગી લુંટાઈ ગઈ , એમની આંખો સુકાતીજ નહોતી.. આમને આમ બે મહિના થઈ ગયા ..“ટ્રીન..ટ્રીન” એક બપોરે ડોરબેલ વાગતા કરણભાઈએ દરવાજો ખોલ્યો ..સામે બે યુવાન ઉભેલા ૩૧-૩૨ વર્ષની ઉંમરના હશે .. કરણભાઈ ને જોઈને તેઓ બોલ્યા “નમસ્તે અંકલ અમે મોહનના મિત્રો છીએ જમ્મુમાં અમેં સાથે હતા” અવાજ સાંભળી બંસરી અને કેતકીબેન બેઉ રૂમમાં આવ્યા ..

કરણભાઈએ તેમને અંદર બોલાવ્યા પણ તેઓં પછી આવશું કહી બહારથી નીકળી ગયા અને બે પત્રો તેમના હાથમાં આપતા કહ્યું “આ મોહને લખ્યા હતા પણ પોસ્ટ નહોતો કરી શક્યો એ જ તમને આપવા આવેલા” “આવજો” કહી એ બંને ચાલી નીકળ્યા કરણભાઈએ દરવાજો બંધ કરી પરબીડીયા જોયા એક પર બંસરીનું નામ લખેલું એ એના હાથમાં આપ્યું અને પોતાના નામનું પરબીડિયું ખોલતા સોફા પર બેઠા અંદર રહલો કાગળ ખોલી વાંચવાનું શરુ કયું…


પ્રિય અને આદરણીય

મમ્મી-પપ્પા, અભિનંદન તમારું પ્રમોશન થવાનું છે ..તમે દાદા-દાદી બનવાના છો .. હું જાણું છું કે તમને દરેક ક્ષણે મારી કમી વર્તાય છે અને મારા વિના નથી ફાવતું .. અને કેમ ફાવે મને નાનપણથી લાડથી ઉછેરી મોટો કર્યો ..મારી દરેક જરૂરિયાતો પૂરી કરી… અને અત્યારે જયારે તમને મારી જરૂર છે ..એ હું પૂરી નથી કરી શકતો…

તમે બંસરીને પણ બહુજ સાચવો છો…તમારા મારી પર ઘણા ઋણ છે ..એ ચૂકવવા તમારી સેવા કરવા તમારી સાથે રહેવા હું જલ્દી પાછો આવીશ.. અને હા આ વખતે હું પાછો જઇશ ત્યારે તમારા હાથમાં નાના મોહનને આપીને જઇશ એટલે તમને મારી બહુ યાદના આવે. હું તો હમેશા એની સાથે નહી હોઉં પણ તમે એનું મને આપ્યા એવા તમારા સંસ્કારોથી સીંચન કરજો… મને પણ તમારી ખુબજ યાદ આવે છે ..

લી. તમારો લાડલો

મોહન

કાગળ પુરો વંચાવા સુધીમાં તો ત્રણેય જણા રડી પડ્યા .. બંસરી પોતાનો કાગળ લઇ ઉપર રૂમમાં ચાલી ગઈ ને પરબીડિયું ખોલી કાગળ વાંચવાનું શરુ કર્યું..

ડીઅર બંસરી,

સૌથી પહેલાતો આઈ લવ યું વેરી મચ…અને કોન્ગ્રેચ્યુલેશન્સ ડીઅર .. તને અને મને જોડતી કડી, આપણા પ્રેમનો અંશ એવું નાનકડું સભ્ય આવવાનું છે …આપણે મમ્મી-પપ્પા બની જઈશું .. મને ખબર છે કે તું સાવ એકલી પડી ગઈ છે, તને નથી ફાવતું, હરેકપળે મારા આવવાની રાહ જોઈ રહી છે, નથી રહી શક્તિ મારા વિના … મને બહુજ પ્રેમ કરે છે ને એટલે.

તારી સાથે મમ્મી-પપ્પાતો છે જ ને ડીયર , આપણે ભલે દુર છીએ પણ મારો પ્રેમ હમેશા તારી સાથે જ છે … અને તારા પ્રેમના સહારે જ મેં અહિયા આ સાત મહિના વિતાવ્યા છે આટલા સમયથી ભલે મેં તને જોઈ નથી પણ તારો ચહેરો હમેશા મારી આંખોમાં જ રહે છે… મારા દરેક શ્વાસે મને તારી યાદ આવે છે હું પણ તને ખુબજ પ્રેમ કરું છું… તારા વિના નથી રહી શકતો…

બંસરી હું પણ અહિયા સાવ એકલોજ છું ..

હું તારી પાસે આવવા માંગું છું ..

તારી છાતીમાં માથું છુપાવીને હુંફ મેળવવા માંગું છું …

તારા ખોળામાં માથું રાખું અને તું પ્રેમ થી હાથ ફેરવે તેમ સુવા માંગું છું ,,

તારા હાથમાં હાથ પરોવી બેસવા માંગું છું ..

તારા ચહેરાની નિર્દોષતાને હંમેશા માટે મારી આંખોમાં કેદ કરવા માંગું છું

તારા કપાળને પ્રેમથી ચૂમવા માંગું છું

તારી એ પ્રત્યેક ખાલી પડેલી ક્ષણોને મારા સાથ થી સુંદર બનવા માંગું છું ..

તને એ દરેક વાત કહેવા માંગું છું કે તારી યાદમાં મેં કેવી રીતે દિવસો વિતાવ્યા…

તારી અને મારી એકલતા દુર કરવા માંગું છું ..

તારી દરેક સુની રાતોને સજાવા માંગું છું ..

તારી જિંદગીને ખુશીઓથી ભરવા માંગું છું ..

તને કહેવા માંગું છું કે હું તને કેટલો પ્રેમ કરું છું ..

અને એટલેજ હું તારી પાસે આવવા માંગું છું ..

જિંદગીને ભરપુર જીવવા માંગુ છું..

બંસરી હું બહુજ જલ્દી આવી જઇશ ..મારી રાહ જોજે…

તારી પાસે આવવા તરસતો,

તારો મોહન


બંસરી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી જાણે ઈશ્વરને વિનવતી હોય તેમ બોલી .. “હે ભગવાન એક વાર માત્ર એક વાર મને એ એક દિવસ પાછો આપી દે જેમાં મોહન મારી સાથે હોય..અને એમાં હું આખી જીંદગી જીવી લઉં…” એ ફોટા સામે જોઈ રડી રહેલી ..બંસરીને જાણે કાનોમાં મોહનના છેલ્લા શબ્દો ફરી અથડાયા ને ઉભી થઈ નીચે ગઈ.. દુખી ચહેરે બેઠેલા કરણભાઈ અને કેતકીબેન પાસે જઈ બોલી “મમ્મી-પપ્પા આપણો મોહન મર્યો નથી .. એ શહીદ થયો છે ..મને ગર્વ છે કે હું એક વીર શહીદની પત્ની છું..”

“જીવી લઉં આખી જીંદગી, બાકીના રાખું કાંઈ પણ…

પ્રાથુ છું ઈશ્વરને કે, હેં ઈશ્વર.. જો આપે તું મને એક વીતેલી ક્ષણ..”

લેખક : સ્વાતી સીલ્હર

વાર્તા વિષે તમારા અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો. તમારા બે શબ્દો લેખકને લખવા માટે પ્રેરણા આપે છે.