શંકર ભગવાનના અગિયાર રુદ્ર અવતારો કયા છે? વાંચો અને શેર કરો

શંકર ભગવાનના અગિયાર રુદ્ર અવતારો કયા છે?

ભારતીય વૈદિક સંસ્કૃતિના પ્રાચીન પુરાણ અનુસાર ભગવાન શિવના 11 રુદ્ર અવતાર છે. તેમની ઉત્પત્તિની કથા ઘણી રોમાંચક છે. એકવાર એવું બન્યું કે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ છેડાઇ ગયું અને તેમાં દાનવોની જીત થઇ. એટલે તેમણે દેવોને સ્વર્ગથી બહાર કાઢી મૂક્યા. આને લીધે બધા દેવો દુ:ખી દુઃખી થઇને પોતાના પિતા કશ્યપ મુનિ પાસે ગયા. તેમણે પિતાને પોતાનું દુઃખ જણાવ્યું. પરમ શિવભક્ત કશ્યપ મુનિએ પોતાના પુત્રોને આશ્વાસન આપ્યું. તેઓ કાશી જઈ ભગવાન શિવની પૂજા-આરાધના કરવા લાગ્યા . તેમની સાચી ભક્તિ જોઈ શંકર ભગવાન પ્રસન્ન થયા. તેમણે કશ્પય મુનિને દર્શન આપી વરદાન માગવાનું કહ્યું. મુનિએ દેવોની ભલાઈ માટે તેમને ત્યાં પુત્ર રૂપે આવવાનું વરદાન માંગ્યું. શિવજીએ કશ્યપ મુનિને વરદાન આપ્યું અને તેઓ પત્ની સુરભિના ગર્ભમાં કુલ અગિયાર સ્વરૂપે પ્રગટ થયા. આ અગિયાર રુદ્ર કહેવાયા. તે દેવોના દુઃખને દૂર કરવા માટે પ્રગટ થયા હતા. ભગવાન રુદ્રએ દેવોને ફરીથી સ્વર્ગમાં રાજ અપાવ્યું. હિન્દુધર્મશાસ્ત્રો પ્રમાણે આ અગિયાર રુદ્ર સદૈવ દેવોના રક્ષણ માટે સ્વર્ગમાં જ રહે છે.

આ 11 રુદ્રો આ પ્રમાણે છે:

1-કપાલી

કપાલી એટલે ખોપરીનો હાર રાખનાર-મહાદેવ; શિવ. તદુપરાંત એક જાતના અઘોરી બાવાને-શિવભક્તને પણ કપાલી કહેવાય છે. ભગવદ ગોમંડળ અનુસાર કપાલીના કુલ ચૌદ અર્થ થાય છે. રુદ્ર ઉપરાંત હલકી વર્ણના માણસ એટલે કે માછીમાર પુરુષથી બ્રાહ્મણ સ્ત્રીના પેટે ઉત્પન્ન થયેલી વર્ણસંકર જાતિને કપાલી કહેવાય છે. કપાલી ભૈરવનું એક નામ પણ છે. ભૈરવ કપાલીની મૂર્તિ નેપાલના ગુહ્યાક્ષરી મંદિરમાં- પીઠસ્થાનમાં છે. આદ્યાત્મિક અર્થ સિવાય તેનો એક દુન્યવી અર્થ પણ છે. પહાડી સૂરવાળા, ઊંચે અવાજે ગાનારાને કપાલી તરીકે ઓળખવામાં આવે છે.

2-પિંગલ :


પિંગલ અગિયારમાંનો એક રુદ્ર એટલે કે મહાદેવ છે. શિવનાં હજારમાંનું એક નામ છે. ભગવદ ગોમંડળમાં પિંગળના કુલ34 અર્થો જણાવેલા છે. મૂળ સંસ્કૃત શબ્દ પિંગલ- પિંગળનો અર્થ લાલાશ પડતા પીળા રંગનું એવો થાય છે. પિંગળ નામના ઋષિ પિંગલાચાર્ય હતા. તેમણે કવિતાનાં તાલ માપ ગોઠવ્યાં હતાં. તેમણે છંદશાસ્ત્ર ઉપર આઠ સૂત્રગ્રંથો લખ્યા છે. દરિયા કિનારે એક મગરે તેને મારી નાખ્યા હતા. તેમના નામ ઉપરથી છંદશાસ્ત્ર પણ પિંગળ સંજ્ઞાથી ઓળખાય છે. પિંગલ નામનો વિષમજાતિ માત્રામેળ છંદ ઉપરાંત ફેણવાળો સર્પ છે. પર્વત, યક્ષ, કુબેરનો એક નિધિ, ઘુવડ, વાનર અને નોળિયાની એક પ્રજાતિ, એક પ્રકારનું વાજું, ચિત્રાનું ઝાડ, ઢોલિયો-પલંગ અને ચોક્કસ પ્રકારનું ઝેર પિંગળ તરીકે ઓળખાય છે. પ્રાચીન કાળગણના મુજબ પ્રભવ વગેરે વર્ષમાં પિંગળ નામનું એક વર્ષ અને સાઠ સંવત્સરોમાં એકાવનમો સંવત્સર તથા રુદ્રની વીશીનો અગિયારમો સંવત્સર પિંગળ છે. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતશાસ્ત્રમાં ભૈરવ રાગનો પિંગળ નામનો એક પુત્ર છે. આ રાગ સવારે ગવાય છે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળ ગ્રહનો રંગ સહેજ પીળો હોવાથી તેને પિંગળ કહેવાય છે. પુરાણ અનુસાર સૂર્યનો પિંગળ નામનો એક ગણ-અનુચર છે. પ્રાચીન કાળમાં હિંદની વાયવ્યે આવેલા એક દેશનું નામ પિંગળ હતું. લાસ્ટ બટ નોટ લીસ્ટ, પિત્તળ નામની ધાતુને પિંગળ કહેવાય છે.

3-ભીમ:

પ્રાચીન વેદમાં જોવા મળતું દેવાધિદેવ શંકર-રુદ્રનું એક નામ ભીમ છે. શંકર ભગવાન સિવાય વિષ્ણુનાં હજાર નામમાંનું એક નામ ભીમ છે કારણ કે તે ભયંકર સ્વરૂપ ધારણ કરનારા અને ભયાનક કામ કરનારા છે. તેમણે લીલાવતારમાં ઘણાં ભયંકર રૂપ ધારણ કરી, ભયંકર કામ કર્યાં છે. વળી તેમનાથી સર્વ ડરે છે. મૃત્યુકાળે યમ સ્વરૂપ દેખાડીને જીવોને બિવડાવનારા પણ તે જ છે. માટે વિષ્ણુ ભીમ કહેવાય છે. અઢાર અક્ષરનો એક મંત્ર ભીમ છે. પુરાણ અનુસાર શંકરે ભીમ નામના એક દાનવને મારી નાખેલો. લંકામાંનો રાવણના પક્ષનો એક રાક્ષસ અને કુંભકર્ણનો પુત્ર ભીમ હતો. તે રાવણની સેનાનો સેનાપતિ હતો. જૈન ધર્મના આગમ અનુસાર રાક્ષસ જાતના વ્યંતર દેવો બે છે. તેમાંના ભીમ નામનો એક ઇંદ્ર છે. જૈનશાસ્ત્રોમાં ભીમ, મહાભીમ, વિધ્ન, વિનાયક, જમરાક્ષસ, રાક્ષસરાક્ષસ અને બ્રહ્મરાક્ષસ એમ કુલ સાત રાક્ષસો છે.

મહાભારત મુજબ પાંચ પાંડવોમાંનો એક પાંડવ ભીમ હતો. તે કુંતીનો બીજો પુત્ર હતો. તે વાયુના સંયોગથી કુંતીના ગર્ભમાં ઉત્પન્ન થયો હતો. પરાક્રમી પાંડવ ભીમ યુધિષ્ઠિરથી નાનો અને અર્જુનથી મોટો હતો. ભીમ મોટો વીર અને બળવાન હતો. કહેવાય છે કે, જન્મ સમયે જ્યારે તે માતાની ગોદથી પડ્યો હતો, ત્યારે પથ્થરના ટુકડે ટુકડા થઈ ગયા હતા. તેનો અને ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધનનો જન્મ એક જ દિવસે થયો હતો. તેનું પેટ વરુ જેવું હતું. તેથી તેને વૃકોદર પણ કહે છે. તે ગમે તેટલો ખોરાક ખાતો તો પણ તે પચાવી શકતો. તેને બહુ બળવાન જોઇને દુર્યોધને ઈર્ષ્યા આવી હતી. એટલે તેણે ભીમને ઝેર ખવડાવી દીધું હતું. તેથી ભીમ બેભાન થઈ ગયો. પછી તેને વેલાઓથી બાંધી પાણીમાં ફેંકી દીધો હતો. પાણીમાં સર્પો કરડવાથી ભીમનું ઝેર ઊતરી ગયું અને નાગરાજે તેને અમૃત પાઈને અને તેનામાં દશ હજાર હાથીનું બળ ઉત્પન્ન કરાવીને તેને ઘેર મોકલી દીધો હતો. ઘેર આવી તેણે દુર્યોધનની દુષ્ટતાની હકીકત બધાને કહી. પણ યુધિષ્ઠિરે આ વાત કોઈને નહીં કહેવા માટે અને પોતાના પ્રાણની રક્ષા માટે સદા ચેતતા રહેવા જણાવ્યું. ફરી વાર કર્ણ અને શકુનિની મદદથી દુર્યોધને ભીમને મારવા વિચાર કર્યો, પણ તેમાં તે સફળ ન થયો. ભીમ ગદાયુદ્ધમાં પારંગત હતો. જ્યારે દુર્યોધને લાક્ષાગૃહમાં પાંડવોને સળગાવી દેવાની ઇચ્છા હતી ત્યારે ભીમને અગાઉથી સમાચાર મળી જતાં માતા અને ભાઈઓને સાથે લઈ ત્યાંથી તે નીકળી ગયો હતો. જંગલમાં જતાં હિંડિંબની બહેન હિડિંબા તેના ઉપર આસક્ત થઈ. તે વખતે તેણે યુદ્ધમાં હિડિંબને માર્યો અને ભાઈ તથા માતાની આજ્ઞાથી તેણે હિંડિંબા સાથે લગ્ન કર્યાં. તેના ગર્ભથી તેને ઘટોત્કચ નામનો પુત્ર થયો હતો. યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ સમયે તે પૂર્વ તરફ બંગદેશ સુધી દિગ્વિજય માટે ગયો હતો અને અનેક દેશ તથા રાજા ઉપર વિજય મેળવ્યો હતો. જ્યારે દુર્યોધને જૂગારમાં દ્રૌપદીને જીતી અને ભરી સભામાં તેનું અપમાન કર્યું તેમ જ તેને પોતાની જાંઘ ઉપર બેસાડવા ઇચ્છ્યું. તે વખતે તેણે પ્રતિજ્ઞા કરી હતી, ‘હું દુર્યોધનની તે જાંઘ તોડી નાખીશ અને દુ:શાસન સાથે લડી તેના લોહીનું પાન કરીશ.’ મહાભારતના યુદ્ધ વખતે કુરુક્ષેત્રમાં તેણે પોતાની પ્રતિજ્ઞાનું પાલન કર્યું હતું. દુર્યોધનના બધા ભાઈઓને મારી દુર્યોધનની જાંઘ તોડી નાખી હતી અને દુ:શાસનનું રક્ત પીધું હતું. વનવાસમાં તેણે ઘણા જંગલી રાક્ષસો અને અસુરોને માર્યા હતા. અજ્ઞાતવાસમાં તે વિરાટ રાજાને ત્યાં વલ્લવ નામ ધારણ કરી રસોઇયા તરીકે રહેલો. હજુ આજે પણ એકવીસમી સદીમાં ધોળકામાં ‘ભીમનું રસોડું’ નામની જગ્યા આવેલી છે. જ્યારે કીચકે દ્રૌપદીની છેડછાડ કરી, ત્યારે ભીમે તેને પણ માર્યો હતો. મહાભારતનું યુદ્ધ જીતી ગયા પછી પાંચ પાંડવોએ સ્વર્ગરોહણ એટલે કે મહાપ્રસ્થાન કર્યું. એ વખતે ભીમ યુધિષ્ઠિરની સાથે હતો અને સહદેવ, નકુલ તથા અર્જુન એ ત્રણ મરણ પામ્યા પછી તેનું મૃત્યું થયું હતું. કહેવાય છે કે, ભીમે એક વખત સાત હાથી આકાશમાં ફેંક્યા હતા. તે આજ સુધી વાયુમંડલમાં ફરતા રહે છે અને ત્યાંથી પાછા પૃથ્વી ઉપર આવ્યા નથી.
ભારતીય કાવ્ય શાસ્ત્રમાં ભયાનક રસને ભીમ કહે છે. તદુપરાંત મહાદેવની આઠ માંની એક મૂર્તિ- આકાશરૂપ મૂર્તિ ભીમ તરીકે ઓળખાય છે.

એક પ્રકારની ખટાશવાળી ભાજી અને માછલીને ભીમ કહેવાય છે. સંગીતનો એક રાગ, એક ગાંધર્વ, એક હાથી ભીમ છે.

4- વિરૂપાક્ષ

ભગવાન શિવનો એક રુદ્ર અવતાર વિરૂપાક્ષ છે. તેમની આંખની અસાધારણ સંખ્યા હોવાથી તે આ નામે ઓળખાય છે.આ ઉપરાંત મહાભારતમાં ભીમના પુત્ર ઘટોત્કચનો સારથિ વિરૂપાક્ષ હતો.રામાયણ અનુસાર અશોકવાટિકામાં રાવણના રાખેલા પાંચ સેનાપતિમાંના એક રાક્ષસ વિરૂપાક્ષને લક્ષ્મણે યુદ્ધમાં માર્યો હતો. પુરાણ કથા અનુસાર એ નામના એક બ્રહ્મર્ષિ હતા.પૂર્વ દિશાના લોકપાલ ઇંદ્રનો ઐરાવત વિરૂપાક્ષ છે. અને મહિષાસુરનો એક પ્રધાન અને સુમાલી રાક્ષસના એક અમાત્ય વિરૂપાક્ષને યુદ્ધમાં સુગ્રીવે માર્યો હતો.

5-વિલોહિત


નિર્વિકાર તેજોમય રક્તવર્ણ શરીરવાળા રુદ્રને વેદમાં વિલોહિત તરીકે ઓળખવામાં આવ્યા છે.

6- શાસ્તા

જગત પર શાસન કરનાર રુદ્ર એટલે શાસ્તા. શિવનાં હજારમાંનું એક નામ શાસ્તા છે. વિષ્ણુ ભગવાનનાં હજાર નામમાંનું એક નામ શાસ્તા છે. શ્રુતિસ્મૃતિ વગેરેથી સર્વેનું અનુશાસન કરે છે તેથી તે શાસ્તા કહેવાય છે. બૌદ્ધ ધર્મ અનુસાર ભગવાન બુદ્ધ શાસ્તા કહેવાય છે. ભગવદ ગોમંડળમાં શાસ્તાનો દુન્યવી અર્થ નિયમમાં રાખનાર; શાસન કરનાર; હુકમ કે અમલ ચલાવનાર અને શિક્ષા કરનાર એવો થાય છે.

7-અજાપાદ

આ રુદ્ર અવતાર વિશે હાલમાં વધુ માહિતી ઉપલબ્ધ નથી પણ વિદ્વાનો માટે આ રિચર્સનો વિષય બની શકે છે.

8-અહિર્બુધન્ય

શંકર ભગવાનના 11 રુદ્ર અવતારોમાંનો એક અહિર્બુધ્ન્ય, અહિર્બુધ્નને નામે વધુ જાણીતો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઉત્તરાભાદ્રપદા નક્ષત્રના બે તારા છે. તેના દેવ અહિર્બુધ્ન છે. અહિર્બુધ્ન મુહૂર્ત એટલે કોઈ કામ શરૂ કરવાનો શુભ વખત. યજ્ઞનો ખાસ અગ્નિ અને ચંદ્ર અહિર્બુધ્નને નામે ઓળખાય છે.

9-શંભુ

શંકર, મહાદેવનો એક રુદ્ર અવતાર શંભુ છે. સાતમાંની એક પુરુષ શક્તિ શંભુ છે. ભગવાન વિષ્ણુનાં હજારમાંનું એક નામ શંભુ છે. એવું એટલા માટે ‌વિષ્ણુ ભગવાન ભક્તો માટે સુખની ભાવના પેદા કરે છે તેથી તે શંભુ કહેવાય છે. ભૂત એટલે પ્રાણીઓનું કલ્યાણ કરનારી ભૂમિકામાં ભગવાન તેઓ શંભુ કહેવાય છે. એક પૌરાણિક કથા અનુસાર શુક્રાચાર્ય પીબરીને પેટે થયેલો પાંચમાંનો ત્રીજો પુત્ર તે શંભુ.
સૂર્યનું એક નામ શંભુ છે.

10-ચંડ

ભગવાન શિવનો અન્ય એક રુદ્ર અવતાર ચંડ છે. શિવ પુરાણ મુજબ શિવજીના એક રુદ્રગણ ચંડી- ચંડેશ્વરે શંકર ભગવાનની આજ્ઞાથી દક્ષના યજ્ઞભંગ વખતે પુષા નામના બ્રાહ્મણને બાંધ્યો હતો. શંકર ભગવાનના હજારમાંનું એક નામ ચંડ છે. ચંડ એટલે ઉગ્ર, આકરું, ભયાનક, ભંયકર. પુરાણકથા અનુસાર આઠમાંથી એક ભૈરવ ચંડ છે. એ શિવજીના પુત્ર કાર્તિકેયની એક ઓળખ ચંડ છે. ચિત્રગુપ્તનો ચંડ નામનો એક સેવક હતો. યમદૂત ચંડથી ઓળખાય છે. આ ઉપરાંત કુબેરના આઠમાંનો એક પુત્ર ચંડ શિવપૂજન માટે સૂંઘીને ફૂલ લાવ્યો હતો તેથી પિતાના શાપ વડે તે બીજા જન્મમાં કંસનો ભાઈ થયો હતો અને કૃષ્ણને હાથે માર્યો ગયો હતો. જૈન આગમ અનુસાર કોપ-ક્રોધને ચંડ કહે છે. માઇથોલોજી એમ કહે છે કે પ્રલય મેઘમાંનો ચોથો મેઘ ચંડ છે. ભારતના ભવ્ય ઇતિહાસમાં ચંડ નામનો પૃથ્વીરાજનો એક સામંત હતો. રામાયણ અનુસાર ભગવાન રામની સેનામાં ચંડ નામનો વાનર હતો. વિષ્ણુ ભગવાનનો એક પાર્ષદ ચંડ છે.

11-ભવ

ભવ રુદ્રનો અગિયારમાંનો એક અવતાર છે. તેમની પત્નીનું નામ ઉષા હતું. ભાગવત અનુસાર વસુદેવને રથરાજીથી ભવ નામનો પુત્ર થયેલો. કામદેવની એક ઓળખ ભવ છે. ચોસઠમાંના એક માનસતત્ત્વ દેવ ભવ છે. નક્ષત્ર દેવમાંના એક ભવ છે. બૌદ્ધ ધર્મ અનુસાર પરલોકની વાસનાને ભવ કહેવાય છે.

(સીમિત સંસાધનો અને પ્રાપ્ત ગ્રંથોના વિશેષ સંદર્ભ સાથે આ માહિતીપ્રદ લેક રજૂ કરાયો છે. આમાં વિવિધ મતમતાંતરો શક્ય છે. જેમ કે ભગવદ ગોમંડળમાં એવો ઉલ્લેખ થયેલો જોવા મળે છે કે
સુખરૂપ, ઐહિક-સાંસારિક સુખ જેમાંથી ઉત્પન્ન થાય છે તેના ઉત્પાદક એવા રુદ્ર માટે ઋગ્વેદમાં વીરભદ્ર, શંભુ, ગિરીશ, અજ, એકપાદ, અહિર્બુધ્ન, પિનાકિ, કપાલી, વિશાંપતિ, સ્થાણુ, ભવ એમ અગિયાર રુદ્રનો ઉલ્લેખ જોવા મળે છે. )

લેખન : મીરા ત્રિવેદી 

રોજ રોજ ધર્મને લગતી માહિતી વાંચવા માટે લાઈક કરો અમારું પેજ

ટીપ્પણી