મા – એ નાનકડો વિદ્યાર્થી પોતાની માતાને કુહાડીથી મારવાની વાત કરી રહ્યો હતો…પણ કેમ? હવે શું કરશે એ શિક્ષિકા?…

??માં??

…”હતો હું સૂતો પારણે પુત્ર નાનો !
રડું છેક તો રાખતું કોણ છાનું !
મહા હેતવાળી દયાળી જ માં તું !!!”

સગુણા ટીચરે કલાસમાં આજે કવિતા ગવડાવી ..
બધા માસૂમ બાળકો સરસ થી ગાતા ગાતા માથા ડોલાવતા હતાં. પણ, એક ટાબરીયો છોકરો.. શુ નામ ?? હા નામ હતું રઘો !! સખત મોઢું ભીડી ને બેઠો હતો.

આ કવિતા ગાઈ ને સગુણા ટીચરે માં વિશે બાળકો ને સરસ વાતો કરી , ખાસ કરીને માં ના ઉપકારોનું વર્ણન કર્યું.
પછી બાળકો ની પાસે મૌલિકતા લાવવા માટે સૂચન કર્યું કે, દરેક સ્ટુડન્ટ પોતાની મમ્મી વિશે જેવું આવડે એવું બોલવા પ્રોત્સાહન આપ્યું.

આ એક જૂનાગઢ જિલ્લાના નાનકડા ગામડાની વાત છે . ગામડું અને લોકો … એકદમ પછાત કહી શકાય એવું વાતાવરણ !! એટલે પ્રાયમરી ના બાળકો કેવા હોય એ તમે કલ્પના કરી શકો . શરૂઆત માં કોઈ બોલતું નહોતું પણ, સગુણા ટીચરે થોડાક વાક્યો બોલી શરૂઆત કરાવી પછી, ધીમે ધીમે બોલવા લાગ્યા…

એક વિદ્યાર્થી બોલ્યો, ” મારી મમી મને હવારે ઉઠાડે સે ! ”

બીજો , : “મારી મમી, મને સા દૂધ બનાવી દયે સે . ”

ત્રીજો,: ” મને નિહાળે મોકલે સે !”
આમ, એકદમ સહજતા અને નિખાલસતા થી એકેક બાળક કાઈ ને કાઈ પોતાની માં વિશે બોલે છે. પણ, રઘો ?? એ કાંઈ નથી બોલતો.

વળી સગુણા બેન એને બોલાવવા માટે માં ના પોતાના દીકરા દીકરી પર ના વ્હાલનું વર્ણન કરે છે.અને રઘા ને બોલવાનું કહે છે. વળી બીજા બાળકો બોલે છે.. અને પોતાને પણ કઈ આવડે છે એવું અનુભવીને આત્મવિશ્વાસ સાથે વધુ વાક્યો ઉમેરે છે. પણ,સગુણા ટીચરે નોંધ્યું કે રઘો હજુયે પોતાની માં વિશે કશું જ બોલતો નથી. અને જ્યારે બેને આગ્રહ કરી રઘા ને બોલવા ઊભો કર્યો ત્યારે રઘો બોલ્યો,
” મારી મમી, …મારી ..માં….ને તો.. મારે .. કવાડીએ ( કુહાડીએ ) કવાડીએ મારવી સે ..!! ” .. આટલું બોલતાં બોલતાં રઘાની આંખોમાં લાલાશ આવી ગઈ , એના ભવાં ઊંચા ચડી ગયા અને આખો ચકળવકળ થઈ ગઈ અને જાણે કેટલાય દિવસનું ભરેલું ખુન્નસ બહાર આવી ગયું અને એના હાથની મુઠ્ઠીઓ વાળીને એ કલાસમાંથી દોડીને ભાગી ગયો…

સગુણાબેન એનું આવું વર્તન જોઈ અચંબિત થઈ ગયા પણ, કલાસના બીજા વિદ્યાર્થીઓ પાસે થી એમને રઘા ની વાતો જાણવા મળી.

” બેન, ઇ ની માં નથી ”

સગુણાબેને પૂછ્યું, ” કેટલા વર્ષ પેલા એ ગુજરી ગયા ? ”

ત્યારે કોઈ બોલી ઊઠ્યું કે , ” રઘાની માં કોક હારે ભાગી ગઈ સે !! ”
એવું સાંભળી સગુણાબેને વાત અટકાવી ને આગળ બાળકોને આ કવિતા સારા અક્ષરે લખી મુખપાઠ કરવા જણાવ્યું.

પણ, રઘો આજે એમનું દિલ ડામાડોળ કરી ગયો. ‘ એક બાળકના દિલમાં માં પ્રત્યે આટલી નફરત ?? ” ટીચર સ્કૂલનો ટાઈમ પૂરો થયો અને છૂટ્યા ત્યારે ઘરે જવાને બદલે ગામમાં રઘાનું ઘર પૂછતાં પૂછતાં એના પાડોશમાં પહોંચ્યા, તપાસ કરતા માલૂમ પડ્યું કે..

… રઘાની માં રઘાને છોડીને કોકની હારે કેદુની હાલી નીકળી સે ! એનું કારણ રઘાનો બાપ દારૂડિયો અને રઘાના દાદા,દાદી ભારે જુલમી. રઘાની માં બિચારી આ ત્રણેયનો ત્રાસ મૂંગે મોઢે સહન કરતી’તી . પણ, રઘાના બાપે દારૂ પી ને મારતાં મારતાં એની પત્ની ઉપર જૂઠું આળ ચડાવ્યુ ચોરીનું અને એને ન કહેવાના વેણ કહીને એના ચારિત્ર્ય ઉપર ઘા કર્યો ત્યારે પોતાના સાસુ અને સસરાને ફરિયાદ કરી તો ઉલટાના એ બધાયે સાથે મળી ને રઘાની માં ઉપર વધારે ને વધારે જુલમ ગુજાર્યો અને એને મારવા લાગ્યા.
ત્યારે એના સદનસીબે એના માવતરેથી કોઈ આવ્યુતું ને એને આ હાલતમાં જોઈ ને એ આદમીએ આ જાલીમોના પંજામાંથી છોડાવીને પોતાની સાથે રઘાને લઈને એ નિર્દોષને ભગાડી જવા લાગ્યો અને જ્યારે રઘાનો બાપ જોઈ ગયો ત્યારે એણે રઘાને ઝૂંટવી લીધો અને રઘાની માં ને ગડદા ને પાટા મારી મારી ને અધમુઈ કરી ને મારી જ નાખત પણ પેલો આદમી એને બચાવીને પોતાની હારે લઈ ગયો. બિચારીનો જીવ તો ઇના સોકરામાં હતો એટલે તો બધોય ત્રાસ વેઠીને ય બાપડી આયા જ બેઠીતી પણ, હવે તું અમારે જોયે જ નહીં એમ કહી ને રઘાના બાપે એને કાઢી મેલી પણ, રઘલાને તો એમ જ કીધે રાઈખું કે “એને રોતો ને રઝળતો મેલી ને ઈની માં કોક બીજા મરદ હાર્યે ભાગી ગઈ સે !!!’

.” …પણ , ત્યારથી તે આજ દિ લગી આ રઘલાને એનો બાપ માં હમાણી ગાઈળું જ દયે સે .. ને ઇ બિસારો હું હમઝે ??.. ઈંને પણ એમ જ થાય કે માં એટલે કુલટા અને માં એટલે પાપીણી… !! ”

કદાચ સમાજ સામે બંડ પોકારતાં અમુક લોકો આવી જ રીતે ગેરમાર્ગે દોરવાઈને,કુરસ્તે ફંટાઈને અઠંગ ગુનેગાર બનતા હોય તો નવાઈ નહિ !!
સગુનાબેન નું હૃદય ખીન્નતાથી ભરાઈ ગયું. એમણે મનોમન ગાંઠ વાળી અને બીજે દિવસે રઘાની ઘરે જઈ એને સમજાવી ફોસલાવી ને સ્કૂલે લઈ આવ્યા. અને રઘાને માથે પ્રેમનો છંટકાવ કરવાની શરૂઆત કરી.

સગુનાબેને પ્રેમનું ઝરણું વ્હાવ્યું રઘા પર…
ધીમે ધીમે,… ટીંપે ટીંપે સરોવર ભરાય એ ન્યાયે એક સ્ત્રી શિક્ષિકાએ માં નું વાત્સલ્ય વ્હાવ્યું . એ ઝરણાં એ પોતાનો રસ્તો કરી લીધો જે પાષાણ પર્વતમાં કુદરતનું ઝરણું ક્યાંયે અટકતું નથી આ તો , માસૂમ ફૂલડું !!

રઘા એ માં ની મૂર્તિ રૂપે એક પત્થર જ કલ્પયો હતો એને બદલે સગુણાબેનના રૂપે એને એક અલગ મૂર્તિ મળી. અને રઘાની કઠોરતા આ ખળખળ વહેતાં વાત્સલ્યમાં વહી ગઈ.

એક શિક્ષિકા એ નમાયા છોકરાની ઉપર નિઃસ્વાર્થ પ્યાર રેડી ને નિર્જીવ અને જડ બની ગયેલા જીવ ને લાગણીથી નવપલ્લવિત કરી એક નવું જીવન આપ્યું.

રઘા માટે સગુણાબેન ફક્ત એક સાધારણ શિક્ષિકાબેન ન્હોતા પણ અસાધારણ માં બની ગયા. આજે રઘો એક સ્વસ્થ અને સ્થિર જિંદગી જીવે છે અને તેની જીવનસંગીની સાથે એક પુત્ર નો વ્હાલસોયો પિતા પણ છે.

જ્યાં સ્વસ્થ સમાજના નિર્માણમાં પાયાના પત્થર બનીને આવા શિક્ષકો છે ત્યાં એ બાળકોનું, લોકોનું ને સમાજનું ભવિષ્ય સુરક્ષિત છે.

લેખક : દક્ષા રમેશ

ધન્ય, ધન્ય, એ સગુનાબેન શિક્ષિકા ને,એમના માતૃ હૃદય ને પ્રણામ !!
આ પોસ્ટને એટલી શેર કરો કે એ ટીચર સુધી પહોચે અને તેમના થકી હજી કેટલાય આવા શિક્ષકો જાગૃત થાય.
મિત્રો એક ખાસ વાત જો તમે પણ આવા કોઈ શિક્ષકને જાણો છો જે આપણા સમાજ અને અનેક વિદ્યાથીઓ માટે ખૂબ ઉમદા કાર્ય કરી રહ્યા હોય તો તેમની વિગતો અને તેમના કાર્ય અમને અમારા ઈનબોક્સમાં જણાવો અમે તેમના અનોખા કાર્યને લોકો સમક્ષ રજુ કરીશું…

ટીપ્પણી