શેઢા-પડોશી – ગામડા ગામની ખેતરના શેઢે મળતી સુંદર પાડોશીની એક નવા વિષયની વાર્તા..

ટાઢો બોળ પવન રોકાતો ના હતો. સૂરજ માથે આવવા થયો હતો. છતાં હજુ ટાઢ ઊડી ના હતી. પોષ મહિનાની ટાઢ તો હોયજ એવી. અણીયારી ને આકરી, જો મન મજબૂત ના કરો તો બપોર સુધી ખાટલો છોડી ના શકાય. હું તો ખેતરના શેઢે શેઢે જઈ રહ્યો હતો. બાજુના ખેતરમાં મારી નજર ગઈ. ઓહ ! મને લાગ્યું કે મેં આને ક્યાંક જોયેલી છે. ક્યાં જોઇ હશે? મેં મારી યાદોને ઢંઢોળી. કાંઈ યાદ આવ્યું નહીં.

image source

કોઈ રૂપાળી વ્યક્તિને આપણે જોઈએ ત્યારે એમ થાય કે મેં આને ક્યાંક જોયેલી છે ! પણ યાદ આવતું નથી. ખરેખરતો આપણે એને પહેલી વખત જ જોતા હોઇએ. છતાં એવું થયા કરે. એનું નામ જ નમણું રૂપ. દેખવડી વ્યક્તિ એને જ કહેવાય જ્યારે આપણમાં આવો ભ્રમ જાગે. બાજુના ગામના ચેલજીભઈનું આ ખેતર હતું. ચેલજીભઈ માસ્તરની નોકરી કરે. દર બીજાને ત્રીજા વર્ષે ભાગીયા બદલે. આ વર્ષે પણ એમણે ભાગીયો બદલ્યો હતો.

ચણીયો ચાડવીને કાછળો વાળેલો. દાતરડું ચૈળ…ચૈળ…ઘાસ વાઢે. આંબાના થડની આડ્સમાં ઊભાં ઊભાં મેં ઘડીક આંખોને ટાઢી કરી. જેવી એની નજર મારા પર પડી કે એ ઝડપથી ઊભીથઈ ગઇ. મારી ચોરી પકડાઈ ગઈ. અપરાધી ભાવે હું ત્યાંથી ભાગ્યો. દૂર સુધી ઝડપથી ગયો પણ વળતું વળીને જોવાની હિંમત ના કરી શક્યો. સામેના શેઢે પહોંચી ગયો. મને લાગ્યું કે પડોશીના વિશ્વાસને મેં નિર્દયતા પૂર્વક ખોતર્યો.

image source

* * * * * *
પાકી ગયેલા ભંઠિયા(એક જાતનું કાંટાવાળું ઘાસ)ના કાંટા સાથળમાં વાગતા હતા. આ મુઈ જીવાતતો જુઓ નિલજી નફ્ટ થઈને કાછડો વાળવાથી ખુલ્લી થયેલી સાથળ, કરડી કરડીને લાલ ચોળ કરી દીધી. પેલા ભંઠીયાની સાથે વાદ વદતી હોયને તેમ. ઘાસ હજુ ઘણું વાઢવાનું હતું. ગાંસડી વજનવાળી થશે તો ? શી રીતે ઉપાડીશ. શેઢા પડોશી હાજર તો છે. પણ હજુ ખાસ ઓળખાણ થઈ નથી. આજ તો મોકો હતો, ઓળખાણ કાઢવાનો. પણ જેવી ઊભી થઈ તેમને બોલાવવા ગઈ તેવામાં તો એ સડસડાટ ચાલતા થઈ ગયા. સ્વભાવે અતળા ને શરમાળ હશે.

કાછડો વળવામાં ચણીયો આટલો અધ્ધર ચડાવવાની શું જરૂર હતી? એમની નજર પણ કદાચ આજ ઠેકાણે હતી….હાય બાપ ! એકલી એકલી હુંતો લાજી મરી ! થોડાં ગલગલીયાં ઉભરાઈ આવ્યાં.

image source

સામેના શેઢે કુકડીયોકુંભાર બોલતો હતો. એવું લાગે જાણે આપણી બાજુમાંજ બોલતો હોય. ઓહુક….ઓહુક…બોલીને આખી સીમ ગજવી નાખે. કેટલી તાકાત હશે, આ નાનકડા પંખીના ગળામાં ! શા માટે ગળું ફાડી ફાડીને બોલતો હશે ! માદાને આકર્ષવાજ તો ! કોણ જાણે કુદરતે કેવી માયા મૂકી છે, આ માદામાં ! પશુ, પંખી શું કે મનખાદેહ શું ! આ બાબતે તો બધાં સરખાં !

એમાંય પશુ-પંખીતો નિર્દોષ. કુદરતે જે ઢાંચામાં મૂક્યાં હોય તેમાંજ ચાલ્યા કરે. ના કોઈ બનાવટ, ના પ્રલોભન, ના વાયદો કે વચન. જ્યારે માણસ ભલે સભ્ય સમાજની આમન્યા પાળે પણ સભ્યતાના આંચળા હેઠળ ભૂખ્યા વરૂ જેવો. નિર્ભયાની ચામડી ચૂંથવાનો એને ભારે શોખ.

image source

* * * * * *

હું ચારની ગાંસડી એના માથે મુકાવરાવી વળતો વળ્યો. ” ચૉકણિયાંથી ? ઇ બાજુ હું કૉમેં ગ્યાતા ? ” કોઈ પોલીસવાળો ચોરને રંગે હાથે પકડીને જે ખુશી અનુભવે એવા ઉમંગથી મંગુ, મારી ઘરવાળી મારો જવાબ માગી રહી હતી. ” ચમ તે વળી એમણે ચારની ગૉહડી ઉપડાવવા મને ટુહૂકો કર્યો હતો, તે જવું તો પડે ને. પહેલો સગો પડોશી ! પડોશીને મદદ કરીએ તો જરૂર પડે એ વખતે અડધી રાતે આપણા ઘરે આવીને ઊભો રહે. ”

image source

રોજ કરતાં ભેંસો લઈને ઘરેથી આજે એ મોડી આવી હતી. ચોર કોટવાળને દંડે, એમ ઉપરથી એ મારો રિમાન્ડ લઈ રહી હતી. ખેતરે સવારે હું રહેતો ને સાંજે તે રોકાતી. મને કકડીને લાગી હતી. મારે ઘેર જવાની ઉતાવળ હતી.

” તે લીલાબુનની ઓળખાણ કાઢી લીધી એમને ? ” મંગુએ મને પૂછ્યું ત્યારે ખબર પડી કે બાજુવાળાંનું નામ લીલા છે. આમતો ખરેખર એને મારે ભગવાનની લીલા જ સમજવી જોઈએ. ખેતરમાં બેઠાં બેઠાં સમય ક્યાં જતો હતો ? હવે તો બપોર ક્યારે થઈ જાય છે તેની ખબરજ નથી પડતી.

image source

ઑણ સાલ વરસાદ વધુ હતો ને ટાઢ પણ બહુ પડશે. ખેતરમાં રાયડો બહુ ફાલ્યો હતો. પીળો ધમરક. આખું ખેતર મધમધી ઊઠ્યું હતું. બોરડીનાં લાલ લાલ બોર ને વખડાનાં પીલૂ પણ એની ઓઢણી જેવાં લાલ ચટાક ! મેં જેવો ખોડીબારે( ખેતરમાં જવાઆવવાના રસ્તા પર લગાવેલ Y આકારનું લાકડું) થી પગ બહાર મૂક્યો કે એ આવતો દેખાયો. આ લીલાનો ઘરવાળો ? કાળો મેંશ ઠીંગણો,ને ચિબું નાક, કદાચ નાક પર કાંઈક વાગ્યું હશે, એવું લાગે. લીલાની છાતી સુધી માંડ આવતો હશે, એની ઊંચાઈ, કજોડાની ચાડી ખાઈ રહી હતી. કાગડો દહીંથરુ લઈ ગયો ! એવી કહેવત કદાચ આ લીલાબુનના કજોડા પરથી પડી હશે. કદરૂપા ઘરવાળાને કારણે એમનો જીવ અડોઅવળો ભટકતો હશે.

ચહેરા પરથી ઊઠી આવતી પ્રભા, ચાલવાની છટા ને ભરાવદાર છાતી પરથી લાગે કે, એ નછોરવી જ હશે. ખેતરની ભરપૂર પાંહમાં માથે બે મણ વજનની ઘાસની ગાંસડી ઉપાડીને એ ચાલે, તો પણ એની ચાલ તમને જોવી ગમે તેવી ઠસ્સાદાર ચાલ.

* * * * * *

image source

” આજ તો ધોખર છવાઈ ગયો હતો. સવાર સવારની આટલી ઠંડીમાં સૂરજનું કાંઈ ઉપજે તેવું હતું નહીં. ધૂંધળું વાતાવરણ. થોડે દૂર જોવું હોય તોય ઝાંખું દેખાય. આકાશનાં વાદળો જાણે ખેતરોમાં આંટો મારવા ઊતરી આવ્યાં હોય તેવું કળાય. દૂરથી મેં તેમના ખેતર તરફ નજર કરી તો બધું ધૂંધળું લાગ્યું. એ હજુ આવ્યા નહોતા. એક ગાય તેમના ખેતરમાં બેફામ રીતે ફરી રહી હતી. મનમાં થયું રેઢું ખેતર કોને કહેવાય ? તે આનું નામ. પડોશી ધર્મ નિભાવવા હું ગાયને ખેતર બહાર કાઢવા ગઈ. ગાય દોડતી રહી. આખું ખેતર ચીરીને સામે શેઢે પહોંચી ગઈ, મારેય જવું પડ્યું એની પાછળ પાછળ. ને એ આવ્યા.

” આજ નીકળવામાં થોડું મોડું થઈ ગયું. એમાં આ ભંજવાડ થઈ ગયો. ખેતીનું કામ જ એવું. ચોવીસ કલાક સતત હાજરી આપવી પડે. જરા પણ શરતચુક થઈ તો પૂરું ! કર્યું કરાવ્યું બધું પાણીમાં. સારું કર્યું એતો તમે જાળવી લીધું .” દૂર ઊભા ઊભા તેમણે મારી સાથે વાત કરી.

image source

મારે વાતતો એમને કરવી હતી. પણ શરૂઆત ક્યાંથી કરવી એ અવઢવમાં શબ્દો બહાર આવતા ન હતા. સામે આવે ત્યારે જાણે કોઈ અજાણ્યા પરદેશમાં ઘેરાઈ ગયા હોય તેમ ડરતા હોય. તેવું મને એમ કે એમના ખેતરમાં હું આટલે સુધી અંદર આવી ગઈ છું, તો સામેના શેઢા સુધી મારી સાથે ચાલતા ચાલતા આવશે એ વખતે વાત કરી લઈશ.

” તુવેરો પાકી જવા આવી છે. ઉતારવા જેવી થઈ છે કે કેમ જરા જોતો આવું.” એમ બોલીને એ બીજી બાજુ ફંટાણા. પુરુષોની નજર હરાયા ઢોર જેવી ! પાછા શરીફ હોવાનો કેવો ડોળ કરે. વારંવાર એ નજર ખસેડી લે તે શું મને ખબર નહીં પડતી હોય ! ચાવવાના ને દેખાડવાના બેય જુદા. સરસ મોકો હતો,વાત કરવાનો. ખેતરનું અફાટ એકાંત ! પણ એ મોકો છૂટી ગયો. હવે વધુ રાહ જોવી નથી.

image source

ખેત તલાવડીમાં થોડું પાણી હતું. બગલો એક પગે પાણીમાં સ્થિર ઊભો હતો. કેટલો સરસ ધોળો વાન ! જરા અવાજ થયોને પાંખો ફડાવતો ઊડી ગયો. શેઢા પડોશી પણ એક પગે ઊભેલા બગલા જેવા લાગ્યા.

આમતો મારા એ સવારે ખેતર જતા. ઘરનું કામ પતાવી હું બપોરે જતી, ને એ ઘેર આવી જતા. એક દિવસ અચાલા જેવું હતું આથી એમને બપોર પાલી ખેતર મોકલ્યા. બસ ત્યારના એ તો વગર કીધે બપોરે આવવા લાગ્યા. છેક મોડી સાંજે ઘરે આવે. રોજ મોડા ઘરે આવે રોજ નવાં નવાં બહાનાં. ચેલજીભાઈ રાત્રે અમારે ઘેર આવે. જો ના આવ્યા હોય તે તેઓ ચેલજીભાઈના ઘેર જઇ ખેતરની નવાજુની કહી આવે.

* * * * * *

image source

કોઈ દિવસ કોઈ પર સ્ત્રી જોડે આટલા અફાટ એકાંતમાં, આટલે નજીક હું રહ્યો નથી. આમતો મને સારું લાગી રહ્યું હતું. હજુ વધારે સહવાસ હું ઝાંખી રહ્યો હતો. આટલી નિખાલસ ને બિનદાસ્ત બાઈ હશે એની મને ખાતરી ના હતી. રેઢા ખેતરમાં ઢોર, અને એય પાછું હરાયું ઢોર ! નુકશાની વધારે પહોંચાડે. એક વખત જો ફાવી ગયું તો, પછી ચહરકો લાગી જાય. એટલે કોઈ પણ સમયે આવે. મંગુને આવવાને હજુ વાર હતી. મારી નજર વારંવાર ખેતરને ખોડીબારે જતી હતી.

લીલાની ત્રાંસી નજરથી હું ડરવા લાગ્યો. હશે બિચારાં બે છેડા ભેગા કરવા આ પારકી જમીનમાં મહેનત કરવા આવ્યાં છે. તો એમનું માન સચવાય તેમ મારે વર્તવું જોઈએ. એનો મળતાવળો સ્વભાવ જોઈ, મારે એલફેલ વિચાર ના કરવા જોઈએ.ખોટા રવાડે ચડેલી મારી વિચારધારા એકદમ સીધી થઈ ગઈ. કેટલી ભલી બાઈ ! એનાથી જુદા પડવા મેં ચાલ ધીમી કરી તો એ પણ ધીમે ધીમે ડગલાં ભરવા લાગી. મને થયું, એકાંત બહુ ખરાબ તબકો છે. એમાંય સ્ત્રી-પુરુષનું એકાંત એટલે સમજોને દારૂ ને દેતવા ! શાસ્ત્રમાં તો સગાં ભાઈ-બહેનના એકાંતનો પણ નિષેધ છે. આથી મને અકળામણ થવા લાગી એટલેજ , તુવેર જોવા જાઉં છું એવું બહાનું કાઢી હું છટકી ગયેલો.

image source

જો એને આવવામાં મોડું થાય તો, રાયડો લહેરાય ત્યારે રાયડાનાં પીળા ફુલમાં તેની ઓઢણી લહેરાતી દેખાય. ના આવે ત્યાં સુધી સીમમાં કાંઈક ખૂટતું હોય તેવું લાગે. ને આવે ત્યારે જાણે વૈશાખનો વંટોળ ! બે દિવસથી એણે મારા સામે નજર ના કરી. સારું થયું ! કેટલી આશાઓ ને ઉમંગથી ખેતર વાવ્યું હશે. એમાંય જો હું ખોરા ટોપરા જેવી દાનત રાખું તો મારા જેવો નગુણો કોઈ ના કહેવાય. લીલા તરફના મારા શરૂઆતના આકર્ષણ બદલ મને પસ્તાવો થવા લાગ્યો.

ઓહુક…..ઓહુક…..કુકડીયોકુંભાર અંબાની ડાળ પરથી બોલવા લાગ્યો. હું આંબા નીચે ઊભો હતો. મારી નજર પડી. એ ઊભી થઈ. કદાચ એને આ પંખીનો અવાજ ગમતો હશે. મારા તરફ નજર નાખી. મોટો લાકડાંનો ભારો તૈયાર હતો. મને એમ કે તે ઉપડાવવા બોલાવશેતો…. ! ! ફરી પાછું ધર્મસંકટમાં મૂકવું પડશે. મેં ખોડીબારે નજર કરી તો મંગુ આવી રહી હતી. કુકડીયોકુંભાર હજુ ખેતર ગજવી રહ્યો હતો. હું આંબા નીચે લાંબો થઈ સુઈ ગયો.

image source

” તે બસ ખેતર આવી ઓંઘવાનું ? આ લીલાબુનના ઘરવાળા માલજીભઇ તો પગવાળીને ઘડીએ બેહતા નથ. કૉમ કૉમને કૉમ આખો દાળો જપે જ નઇ.” મંગુ આવી એવી બોલવા લાગી. ” લે તેં તો નવા પડોશીની ઓળખાણ પણ કરી લીધી. શું નામ કીધું તેં એમનું. માલજીભાઈ ? ” હાજ તો, માલજીભઇ બહુ કૉમઢા, ને વાતોળિયા હો, જેટલી વખત સા મૂકે એટલી વખત મને બોલાવે.” હું ઘર તરફ વળ્યો ને લીલાબુનનો એ રૂપાળો ઘરવાળો આવતો દેખાયો.

* * * * * * *

શિયાળાની ઋતુ વિદાય લઈ રહી હતી. સવારનો કુણો તડકો હવે બરડ બનવા લાગ્યો હતો. ખેતીનો મોલ તૈયાર થવાને હવે વધુ વાર ના હતી. વાતાવરણ માદક બનવા જઇ રહ્યું હતું. વસંતનાં વધામણાં જ સમજોને. રાયડો પાકી ગયો હતો. હવે વાઢ પડશે. કાળી કાળી જીવાત ઊડી રહી હતી. થોડે દુર એ ઘાસ વાઢી રહી હતી. ગોરી ગોરી પીઠ પર કમખાની કસનું ફુમતું ઉછાળા લઈ રહ્યું હતું. તેની પીઠ મારા તરફ હોવાથી મારી હાજરીનો તેને ખ્યાલ નહીં હોય.

ઓહુક….ઓહુક…..ઓહુક..ઉપરથી કુકડીયો ટહુકયો. એણે પાછળ જોયું. બેઠી થઈ, થોડી વાર ઊભી રહી. ને મારા તરફ પગ ઉપાડયા. શું એ પક્ષીની ભાષા સમજતી હશે ? મેં ખેતરના ખોડીબારા તરફ નજર દોડાવી! મંગુને આવવાનો વખત થઈ ગયો હતો. આ કુકડીયો…. લુચ્ચો.. કેવા સમયે બોલ્યો. હાથમાં દાતરડું હતું. પગમાં કડલાં-કાંબી. ઢેફેથી ભરેલા ખેતરમાં પણ વૈભવી ચાલ. મને લાગ્યું કે અત્યાર સુધીનું મૌન હવે શબ્દ બનીને વહેવા લાગશે. ભડ ભડ સળગતી આગમાં લોટો ભરીને ઘી રેડીએ તો રીતસરનો ભડકોજ થાય ને.

image source

” મારે તમને કેટલા વખતથી એક વાત કરવાની હતી. પણ મારી જીભ ઉપડતી ના હતી.” તેના અવાજમાં ધ્રુજારી હતી. મને થયું ‘ જે વાતનો ડર હતો તે અંતે સામે આવી ખરી’ મનમાં રામનું નામ લઈ છાતી કાઠી કરી હું ઊભો રહ્યો. છટકવાનું હાલ કોઈ બહાનું પણ ના હતું.

“તમેજ કહો મારે શું કરવું ? તમારાં ઘરવાળાં બપોરના સમયે ખેતર આવે છે. એમના બદલે તમે આવતા હોવ તો …જ મારા…એ..સુધરે. મારો કહેવાનો મતલબ એવોનથી કે, બધો વાંક મંગુબુનનો છે. મારો જ રૂપિયો ખોટો હોય ત્યારે તમને વધારે શું કહેવું ? હવે તો ગળે આવી ગઈ છું. કોઈ બીજાએ કહ્યું હોય તો ના માનું. આતો મારી સગી આંખે જોયેલુ. ”

એકી શ્વાસે તે આક્રોશથી બોલી ગઈ, ને ચાલવા લાગી. હું તો સ્તબ્ધ થઈ ગયો. થોડે ગયા પછી ફરી પાછી આવી.
” બપોરના સમયે ખેતર હું આવવા તૈયાર છું, પણ એ મને તેમ કરવા દેતા ચમ તે ? વાતમાં કાંઈ સમજણ પડી ?”

image source

મારા પગ ખેતરમાં ખોડાઈ ગયા. ઓહુક…ઓહુક…કુકડીયાનો અવાજ સંભળાયો,ને સીમની ચારે દિશાઓએ પડઘા પાડયા. પાપ જાણે છાપરે ચડ્યું હતું !!!

લેખક : સરદારખાન મલેક

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ