ટ્રેઇનમાં ભજન ગાઈ મળેલી ભીખથી હજારો અનાથ બાળકોનું પેટ ભરતી સિંધુ તાઈ- પ્રેરણાદાયી વ્યક્તિત્વ..

14 નવેમ્બર 1948ના રોજ મહારાષ્ટ્રના વર્ધામાં જન્મેલી ચિંદીને માતાપિતાએ ગરીબીના કારણે માત્ર 4થા ધોરણ સુધી જ ભણાવી અને 10 વર્ષની ઉંમરમાં 30 વર્ષની વ્યક્તિ સાથે તેના લગ્ન કરાવી તેનું બાળપણ છીનવી લીધું. પતિએ 9 મહિનાની ગર્ભવતી ચિંદીને ઘરમાંથી કુલક્ષણા કહીને બહાર કાઢી મુકી. ચીંદી પાસેથી તેના પોતાના જ લોકોએ તેનું બધુંજ છીનવી લીધું પણ વિસમ પરિસ્થિતિઓમાં પણ એક અજાણ્યા સાહસે તેના જીવનમાં પ્રકાશ શોધનારી ચિંદીને પોતાની સાથે થયેલા અન્યાયના કારણે જ જીવવાનું સાધ્ય મળી ગયું. પોતાના જેવા નિસહાય બાળક માટે ચિંદીએ પોતાનું જુનું નામ છોડી સિંધુ તરીકે જાણે બીજો જન્મ લીધો અને સિંધુ તાઈએ નિસહાય, અનાથ અને નસીબના માર્યા બાળકો માટે પોતાનો સ્નેહ પાથરી દીધો. આજે સિંધુ તાઈ એટલે કે માના કુટુંબમાં 1000થી વધારે બાળકો છે જેમાંથી 272 જમાઈ અને 36 વહુઓ છે.

સિંધુતાઈના કુટુંબના અનાથ બાળકોમાંથી કેટલાક બાળકો આજે ભણીગણીને ડોક્ટર, એન્જિનિયર, વકીલ વિગેરે ઉચ્ચાં ઉચ્ચાં પદો પર કામ કરી રહ્યા છે. એક બાળક તો સિંધુ તાઈના જીવન પર પીએચડી કરી રહ્યો છે. સિંધુ તાઈને બાળપણથી જ ગરીબી, તકલીફ, નિરાશા, અપમાન, પિડા આ બધું જ મળ્યું હતું. તેમનું લગ્નજીવન એટલું પિડાદાયક હતું કે તેણી તે તરફ પાછુ વળીને જોવા જ નહોતી માગતી.

સામાજિક વ્યવસ્થામાં તેણીને જાણે હોમી દેવમાં આવી હતી. કુલક્ષણનો આરોપ લગાવી તેને ઘરમાંથી કાઢી મૂકી તેનો સંસાર બરબાદ કરી દેવામાં આવ્યો હતો. તેના પતિએ તેને ગાયના તબેલામાં ફેંકી દીધી હતી. બધી જ ગાયોએ તે ગર્ભવતી માતાની પીડા સમજી તેનો જીવ બચાવ્યો. ગાયના તબેલામાં પેતાની બાળકીને જન્મ આપનારી સિંધુ તાઈએ જાતે જ 16 વાર પથ્થરથી પ્રહાર કરી કરીને જન્મનાળ તોડી પોતાની દીકરીને જન્મ આપ્યો હતો અને ત્યારે જ તેમણે સંકલ્પ કર્યો કે તે પોતાના જેવા નિસહાય બાળકોની માતા બનશે અને હવેથી તે પોતાના માટે નહીં પણ અન્યો માટે જીવશે.

ટ્રેઇનમાં ભજન ગાઈને ભીખ માગી, જે ખાવાનું મળ્યું તે અનાથ બાળકો સાથે વહેંચીને ખાધું. આવું કરતાં કરતાં કોણ જાણે કેટલાએ અનાથ બાળકોની તે મા બની ગઈ તેનો હવે આ અનાથો સાથે એક અલગ સંબંધ બંધાઈ ગયો હતો. ત્યારે કેટલાક લોકોએ મળીને એક ઝૂંપડી બનાવી અને ક્યારે તે ઝૂંપડીમાંથી મોટા ઘરમાં આ બાળકો સાથે કુટુંબ બનાવી લીધું ખબર જ ન પડી. ભજન ગાઈને તેમના માટે ભોજન ભેગુ કરતી અને તેમનું પાલન પોષણ કરવા લાગી. આ અનાથ બાળકોને પાળવામાં ક્યાંક પોતાની દીકરી માટેની મમતા આડી ન આવે તે માટે તેમણે પોતાની દીકરીને એક ટ્રસ્ટમાં આપી દીધી. આજે તેમની દીકરી મમતા એક દીકરીની માતા છે અને સિંધુ તાઈ હજારો બાળકોની માતા છે.

“પહેલીવાર વર્ષ 2009માં વિશ્વ મરાઠી સાહિત્ય સમ્મેલનમાં અમેરિકામાં ભાષણ આપવા માટે સિંધુ તાઈને આમંત્રણ આપવામા આવ્યું માતા અને જય મહારાષ્ટ્રના જયજયકાર વચ્ચે સિંધુ તાઈએ પોતાના ભાષણ દ્વારા ત્યાં હાજર દરેક વ્યક્તિનું મન જીતી લીધું. સિંધુ તાઈને દેશ વિદેશમાં 500થી પણ વધારે પુરસ્કારો દ્વારા સમ્માનિત કરવામાં આવ્યા છે.”

મરાઠી નિર્દેશક અનંત મહાદેવને જ્યારે સમાચારપત્રમાં સિંધુતાઈના વિશાળ પરિવાર અને તેમના જીવન વિષે વાંચ્યું તો તેમને તેમની વાર્તા એટલી લાગણીસભર લાગી કે તેમણે તેના પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. અનંત મહાદેવને પોતાની ફિલ્મમાં ખાસ કરીને દર્શાવ્યું છે કે જ્યારે તેમના પતિ ચિંદીમાંથી સિંધુ તાઈ બનેલી પોતાની પત્ની પાસે આવીને તેને પોતાની શરણમાં લેવાની પ્રાર્થના કરે છે, ત્યારે સિંધુ તાઈ તેને પેતાના પતિ તરીકે નહીં પણ પોતાના સૌથી મોટા પુત્ર તરીકે સ્વીકાર કરી માતાની પરાકાષ્ટાને સ્થાપિત કરે છે.

એક એવો સમાજ જ્યાં એક સંતાન મોટો થયા બાદ પોતાના માતાપિતાને રાખવા સક્ષમ નથી એક એવો સમાજ જ્યાં વૃદ્ધાશ્રમની સંખ્યા વધતી જઈ રહી છે, ત્યાં સિંધુ તાઈનો 1000 કરતાં પણ વધારે બાળકોનો આ પરિવાર માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પુરું પાડે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

મિત્રો શેર કરો આ પ્રેરણાદાયી વાત તમારા ફેસબુક પર અને દરરોજ અલગ અલગ માહિતી અને વાર્તાઓ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી