શરીરમાં પાણી ની જરુરત અને તે વધારવાની ગોલ્ડન ટીપ્સ…

આજકાલના યુવા વર્ગમાં એસિડીટી, કબજિયાત, પેટની અન્ય સમસ્યાઓ, ડિહાઈડ્રેશન, થાક, કંટાળો, સુસ્તિ, મુત્ર વિસર્જન સંબંધિત સમસ્યા તેમજ મહિલાઓમાં માસિક અંગેની સમસ્યાઓ વગેરે સમસ્યા ખુબ સામાન્ય થતી જાય છે. આ બધી સમસ્યા થવાનું એક કારણ ઓછું પાણી પીવાની ટેવ પણ છે. આપણા શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે પૂરતા પ્રમાણમાં પ્રવાહીની આવશ્યકતા છે. આપણા શરીરમાં રહેલું પાણી એ શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, પાચનમાં મદદ કરે છે, ઝેરી તત્વોને શરીરની બહાર ફ્લશ કરે છે, આપણો થાક દૂર કરે છે અને સાંધા, પેશીઓ અને અવયવોમાં સારા લ્યુબ્રિકેટરનું કામ પણ કરે છે. તેમજ પાણીમાં ઓગળેલો ઓક્સિજન આપણને આખો દિવસ તરોતાજા રાખે છે.

કેટલું પાણી આવશ્યક કેવી રીતે જાણી શકાય

ચિકિત્સકો દ્વારા એક પુખ્ત વયની વ્યક્તિ માટે સરેરાશ દિવસમાં ઓછામાં ઓછા ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવાની ભલામણ કરવામાં આવે છે, પરંતુ વ્યક્તિગત રીતે પાણીની જરૂરિયાત એક વ્યક્તિથી બીજી વ્યક્તિ માટે અલગ અલગ હોય છે. આપણા શરીરમાં પાણીની જરૂરિયાત એ મુખ્યત્વે પર્યાવરણીય પરિબળો અને આરોગ્યની કેટલીક પરિસ્થિતિઓને આધારિત હોય છે. જેમ કે ગરમ પ્રદેશમાં રહેતા લોકોને વધુ પાણી પીવું જોઈએ. અથવા જો કોઈ વ્યક્તિને તાવ આવ્યો હોય કે ઝાડા થયા હોય તો તેણે વધુ પાણી પીવું જોઈએ.

તદુપરાંત, તમારા રોજિંદા દિનચર્યા માં જો કસરત અથવા તેના જેવી અન્ય શ્રમદાયક પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હોય તો તમને સરેરાશ કરતા વધુ ગ્લાસ પાણી પીવાની જરૂર પડશે. કારણ આવી પ્રવૃત્તિઓ કરવાથી શરીરમાં વધુ પરસેવો થશે અને તેથી શરીરમાં પાણીની ઉણપ સર્જાશે. જેને પુરી કરવા તમારે પાણીના સેવનમાં વધુ વધારો કરવો પડે. તેવી જ રીતે જ્યારે તમે વધુ પ્રોટીનયુક્ત (શરીરને પ્રોટીનમાં રહેલા નાઇટ્રોજન તત્વને બહાર કાઢવા માટે પાણીની જરૂર પડે છે) અથવા ફાઇબરયુક્ત ( ફાઇબર પાણી શોષી લે છે) ખાતા હો ત્યારે વધારે માત્રામાં પાણી પીવું જોઈએ. તમે ચા,કોફી જેવા પીણા વધુ પીતા હોવ તો પણ તમારે વધુ પાણી પીવું પડશે. કારણ આવા કેફેટીનયુક્ત પીણાથી શરીર ડિહાઈડ્રેટ થાય છે.

તમે પુરતું પાણી પીવો છો તે જાણવાની એક સરળ પધ્ધતિ એટલે તમારા મુત્રના રંગને તપાસવું. જો રંગ પારદર્શકથી આછા પીળા જેવો હોયતો પુરતું પાણી પીવો છો. મુત્રનો આછા પીળા થી પીળો રંગ જણાવે છે કે તમારે વધુ પાણી પીવાની જરૂર છે. પરથી સહેલાઈથી જાણી શકો છો. ઘેરો પીળો રંગ કે નારંગી જેવો રંગ ડિહાઈડ્રેશનની નિશાની છે. શરીરમાં સ્ફુર્તિનો અભાવ, માથું દુઃખવું એ પણ ડિહાઈડ્રેશનના સુચક છે.

શરીરમાં પાણી વધારવાની ગોલ્ડન ટીપ્સ

– પોતાને વધુ પાણી પીવા માટે પ્રોત્સાહિત કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે તેનાથી થનારા ફાયદાઓ વિશે વિચારી વધુ પાણી પીવાનું સંકલ્પ લો. નાના બાળકોમાં નાનપણથી આવી આદતો પાડી શકાય પરંતુ તેઓ પોતાની મેળે તો ત્યારેજ કરશે જયારે તેઓ તમને પુરતું પાણી પીતા જોશે. ધ્યાન રાખો જો તમારે બાળકોમાં સારી આદતો રોપવી હશે તો તમારે પણ એ સારી આદતોને અપનાવવી પડશે.

– જો તેમ છતાંય પાણી વધુ ન પીવાતું હોય કે કામની વ્યસ્તતામાં રહી જતું હોય તો દર એક કે બે કલાકનો રિમાઈન્ડર મોબાઈલમાં સેટ કરી દો.

– માર્કીંગવાળી બોટલ્સનો ઉપયોગ કરી શકો જેથી તમારે પાણી પીવાનું છે તે બાબત ધ્યાનમાં રહેશે.

– ઘણા વ્યક્તિઓ કામના સ્થળે ટોયલેટની પુરતી સુવિધા ન હોવાથી કે સ્વચ્છ ટોયલેટના અભાવે ઓછીવાર બાથરૂમ જવું પડે તે માટે પાણી પીવાનું ટાળે છે જે ખરેખર અયોગ્ય છે. તે માટે તમારે જ પહેલ કરી તમારા ઉપરી પાસે આ માટે યોગ્ય વ્યવસ્થા કરવાનું સુચન કરવું પડશે.

– તમારી ઓફિસ બેગ, કાર, જીમ બેગમાં હંમેશા પાણી ભરેલી વોટર બોટલ તમારી સાથે રાખો. તેનાથી એક તો તમારે પાણી પીવાનું છે તે ધ્યાનમાં રહેશે અને બીજું પાણી પાસે ન હોવાથી સોડા, કોલા કે અન્ય ઠંડા પીણા પીવાની ઈચ્છાને રોકી શકાશે. પાણીની બોટલ હાથવગી રહેશે તો પાણી પીવાનું છે તે યાદ રહેશે.

– ઘણીવાર પીવાના પાણીનો સ્વાદ પણ ઓછા પાણીની આદત માટે જવાબદાર હોઈ શકે છે. તે માટે એક તો તમે ઘરમાં વોટર ફિલ્ટર બેસાડી શકો જેથી પાણીમાં ભળેલા ક્ષારો દુર કરી પાણીના સ્વાદને સુધારી શકાય અથવા પાણીમાં વિવિધ ફળ, શાકભાજી કે હર્બ્સને પલાળી તૈયાર થતા ફલેવર્ડ વોટરનો વપરાશ કરી શકાય. ફલેવર્ડ વોટર માટે નારંગી, અનાનાસ, લીંબુ, કાકડી, તડબૂચ, દ્રાક્ષ, સ્ટ્રોબેરી, સક્કરટેટી, સફરજન, કીવી, જેલોપીનો જેવા ફળો અને શાકભાજીનો ઉપયોગ કરી શકો છો. તે સિવાય કોથમીર, ફુદીનાના પાંદડા, તુલસીના પાંદડા અને રોઝમેરી સ્પ્રિંગ્સ, લવંડર, તજ જેવા પાન, ઔષધિઓ અને હર્બ્સનો પણ ઉપયોગ કરી શકાય છે.

– મગજનો એક જ ભાગ ભૂખ અને તરસને નિયંત્રિત કરે છે તેથી જ તે બંને માટે સમાન સંકેતો મોકલે છે અને પરિણામે આપણે ભૂખ અને તરસને ગુંચવીએ છીએ. માટે જયારે પણ ભૂખ લાગ્યા નો સંકેત મળે ત્યારે થોડું પાણી પીવો અને ૨૦ મિનિટ રાહ જુઓ કે તમને હજી ભૂખ લાગી છે કે કેમ. અને જો પાણીએ તમારી તૃષ્ણા શાંત કરી દીધી હોય, તો શક્યતા છે કે તમે ભૂખ્યા થવાને બદલે ખરેખર તરસ્યા હતા.

– તમારા આહારમાં તાજા ફળ અને શાકભાજીનો જ્યુસ, સ્મુધિ, સૂપ, નાળિયેર પાણી, દૂધ, સોયા દૂધ, દહીં, ખુબ પાણી ધરાવતા ફળો કે શાકભાજી જેવા ખાદ્યોનો સમાવેશ કરીને પણ શરીરમાં પાણીની માત્રા જાળવી શકો.

– જયારે પણ કોઈ હોટલ – રેસ્ટોરંટમાં કોફી, સ્નેક્સ કે લંચ કે ડિનર માટે જાવ ત્યારે ખાવાનો ઓર્ડર આપવાની સાથે જ પાણી મંગાવો. તમારો ઓર્ડર આવે ત્યાં સુધી માં થોડુંક પાણી જરૂરથી પીવું. તેથી તમે બહાર હશો ત્યારે પણ હાઈડ્રેટેડ રહેશો.

– જો તમને થોડુંક ઓછું ગળ્યું પીણું પીવામાં વાંધો ના હોય તો તમારા ગળ્યા જયુસ કે પીણામાં થોડું પાણી કે બરફ ઉમેરવું તેથી વધારે માત્રામાં પાણી શરીરમાં જશે. અથવા જયારે કોઈ પીણું વધારે પડતું ગળ્યું હોય તો આમ કરી શકાય.

– ઘરમાં વારંવાર નજર પડે તે રીતે ટેબલ પર પાણી ભરેલા જગ રાખી શકો. જેથી તમે જયારે પણ તેને જુઓ તો પાણી પીવાનું યાદ આવે. તે ઉપરાંત રસોડામાં તમે જયારે પણ રાંધતા હોવ ત્યારે વચ્ચે વચ્ચે પાણી પીવું.

– કામના સ્થળે કે ઘરમાં જેટલીવાર બાથરૂમ જાવ ત્યારે પરત ફરતા પહેલા પાણી પીવો અને પછી કામે વળગો. આમ કરવાથી તમે વધુ વાર બાથરૂમ જશ અને વધુ પાણી પીશો તથા શરીરમાં પાણીનું પ્રમાણ જળવાશે.

– કેટલું પાણી પીધું તે નોંધ કરતા એપ કે જર્નલનો પણ ઉપયોગ કરી શકાય.

સંકલન : ઉર્વી શેઠિયા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ