શારીરિક નિર્બળતા પર વિજય મેળવવાને બદલે માનસિક વલણ પર વિજય મેળવનાર શ્રી ધનજીભાઇ લાલજીભાઇ કેરાઇ

શારીરિક નિર્બળતા પર વિજય મેળવવો તે સૌથી અઘરામાં અઘરી વસ્તુ નથી પણ માનસિક વલણ પર વિજય મેળવવો તે સૌથી અઘરામાં અઘરું કાર્ય છે. માણસ પોતાના મૂલ્યો મુજબ સારો છે તેવું દુનિયા સ્વીકારી લેતી હોય છે કે માની લેતી હોય છે. માનવી પોતાનામાં રહેલ કમીથી શરમિંદો બની રહે અને દયાપાત્ર છે તેવું અભિવ્યકત કર્યા કરે તો દુનિયા માટે તે શરમિંદો અને દયાપાત્ર જ બની રહેવાનો. પણ માનવી પોતે જ પોતાના માટે સન્માનનિય પરિસ્થિતિ ઉભી કરે તો તેને આજુબાજુથી બહુ જ સરળતાથી તે સન્માન મળી રહેશે.

હેલન કેલર કહે છે, “હું મારી જિંદગીને નિરાશાવાદી દ્રષ્ટિબિંદુથી મૂલવું તો હું કાંઇ જ ન કરી શકું. મારી આંખો ને જે જ્યોતિ નથી મળવાની તેના માટે હું વ્યર્થ પ્રયત્ન કરું કે મારા કાનોમાં તે સંગીતની સૂરાવલી નથી સંભળાવાની તેના માટે નિરર્થક પ્રયત્ન કરું તો મારા તે પ્રયત્નો નિષ્ફળ જવાના છે. હું રાત્રી પાસે દિન-રાત પ્રકાશની ભીખ માંગ્યા કરું તો પણ મને સંતોષ મળવાનો નથી. હું કોઇ ભયંકર નિર્જન સ્થળે એકલી બેસી રહું તો ડર અને નિરાશાનો શિકાર બનું તે નિશ્ચિત છે. પણ હું મારી જાત માટે અને બીજાના સુખને લક્ષમાં રાખીશ તો, હું કોઇપણ પ્રકારની વિપદામાંથી બચી શકીશ.”

આપણે બધા જ કોઇને કોઇ અસમર્થતાથી કે કમીથી પીડાતા હોઇએ છીએ. પણ તેનાથી આપણે આપણા વ્યક્તિત્વને મૂરઝાવા દઇએ તો જીવી ન શકીએ. પોતાનામાં રહેલ કમી ને છુપાવ્યા વગર તેને સ્વીકારી લઇને હસતે મુખે જિંદગી વિતાવનારા ઓછા બહાદુર નથી હોતા. વિકલાંગતાએ બહાદુરી પૂર્વકનો સંધર્ષ નથી કે પ્રતિકૂળતામાં દાખવેલ શૌર્ય નથી પણ તે તો કુશળતા પૂર્વક જિંદગી જીવી જાણવાની કળા છે. આજે આપણે કોઇપણ માનવી માટે અસાધારણ કાર્ય કરવું એટલે બહુ મોટી સિદ્ધિ મેળવવી તેવું માનીએ છીએ. પરંતુ જ્યારે શારીરિક પડકારો ઝીલીને અસાધારણ કાર્ય કરવામાં આવે ત્યારે તે સિદ્ધિનું મહત્ત્વ એથી વિશેષ હોય છે. આજે આપણે અહિયા એક એવા માનવી કે જેણે પોતાની વિકલાંગતાને લક્ષમા લીધા વગર ઉદત જીવન જીવી બતાવ્યું છે તેની વાત કરવા જઇ રહયા છીએ. તેઓએ પોતાના કાર્યો દ્વારા અનેક વિષમતા અને પ્રતિકૂળતાઓને ગણકાર્યા વગર પોતાના પગ પર ઉભા રહેવા લાંબો જીવનપથ હસતે મુખે કાપ્યો છે એટલુંજ નહી, પણ મસ્તક ઉંચુ રાખી સશક્ત માનવ સમાજમાં તેઓે ભળી ગયા છે અને તેમણે અનેક સફળતાના શિખરો સર કરી બતાવ્યા છે.

ગુજરાતના ક્ચ્છમાં આવેલ મુન્દ્રા તાલુકાના ધનજીભાઇ કેરાઇની પ્રેરણાદાયક આ વાત છે. ધનજીભાઇ મધ્યમ વર્ગના ખેડુત કુટુંબમાં જનમ્યા છે. તેમણે પોતાની ઇચ્છાથી શાળાનું શિક્ષણ લીધું નહીં પરંતુ પ્રૌઢાવસ્થામાં પહોંચતા તેઓ એ ત્રણ મહિના પ્રૌઢ શિક્ષણ કેન્દ્રમાં વાંચવા અને લખવાની તાલીમ લીધી હતી. અત્યારે ઠીક ઠીક પ્રમાણમાં તે લખી વાંચી શકે છે. જન્મથી વિકલાંગ એવા ધનજીભાઇ અસાધારણ નિર્ણયશક્તિ ધરાવે છે. તેઓ ઉભા રહે તો તેમની ઉંચાઇ ભાગ્યેજ દોઢ ફૂટ જેટલી થાય. તેમનું વજન ૧૯ કિ. ગ્રા. જેટલું છે. તેઓની હલન-ચલન શક્તિ એટલી બધી ધીમી છે કે આપણને તે જોઇને વેદના થઇ આવે.

બે વર્ષની ઉંમરે પોલિઓના તીવ્ર હુમલાને લીધે તેઓ કાયમ માટે વિકલાંગ બની ગયા ત્યારથી તેમના બન્ને પગો અને એક હાથ કોઇ કામ આપી શકતા નથી. પરંતુ પોતાની વિકલાંગતાથી સહેજપણ વિચલિત થયા વગર તેઓ માનસિક રીતે ગજબનો ઉત્સાહ ધરાવે છે. જોકે તેમણે કોઇ ઔપચારિક શિક્ષણ કે તાલિમ લીધી નથી છતાં પણ તેઓ વિદ્યુત અને ઓટોમોબાઇલ ઉપકરણો રીપેર કરવા માટેનું જ્ઞાન ધરાવે છે. તેમના વિસ્તારમાં તે સન્માનપાત્ર ઉત્તમ મિકેનીક છે.

પોતાની જાતને એક મિનિટમાં ત્રણથી વધારે મિટર જેટલી તે ખેસવી શકતા નથી. નિર્ભય એવા ધનજીભાઇએ પોતાના માટે ખાસ સ્કૂટર તૈયાર કર્યું છે જે દિવસના ૧૫૦ કિ.મિ. જેટલું તે ચલાવી શકે છે. જાતે શિક્ષિત બનેલ આ યુવાન માણસ હંમેશા પોતાની જિંદગી લોકોને કેમ વધુ ઉપયોગી અને સુખસગવડ પૂરી પાડતી બની રહે તેની જ ખેવના રાખે છે. ધનજીભાઇ અપરણિત છે અને પોતાના માતા-પિતા સાથે રહે છે. તેમની પાસે ૨૦ એકર જેટલી જમીન છે જેની સંભાળ તેમના પિતા રાખે છે.

ધનજીભાઇ તેમના બચપણને યાદ કરતા જણાવે છે કે તેઓ પંદર વર્ષના થયા નહી ત્યાં સુધી તેમની માતા જ્યાં જતા ત્યાં તેની પીઠ પર મુસાફરી કરતા. પછીથી પોતાની જાતે જ હલન-ચલન કરવા કૃતનિશ્ચયી બન્યા. પોતાના વ્યક્તિગત કાર્યો પોતાની જાતે તે કરતા થયા. એટલુંજ નહી પણ તેમણે સ્વાશ્રયી બનવાનું અને જાતે કમાવવાનું નક્કિ કર્યું.

આ કમાવવાનું શરૃ કરવાના અનુસંધાને ધનજીભાઇ એક કિસ્સો યાદ કરતા કહે છે કે લંડનમાં રહેતા તેમના મામાએ તેમને રેડિઓ કમ – ટેપ – રેકોર્ડર મોકલ્યું હતું. થોડા દિવસ પછી તેમણે તે ટેપ રેકોર્ડરના બધા સ્પેરપાર્ટસ છૂટા કરી નાખ્યા અને પછી તેને પાછા બરાબર ગોઠવવાનું નક્કિ કર્યું. પણ સતત ત્રણ દિવસ તેઓ મથ્યા છતાં તેમાં તે સફળ નિવડયા નહી. અંતે ટેપ રેકોર્ડરને પડતું મુક્યું અને એક મોપેડના એન્જિનને સાઇકલ સાથે બેસાડવામાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. મિત્રો માંહેના એક મિત્ર કમલભાઇ સિંઘલે સાઇકલ સાથે એન્જિન વેલ્ડ કરી આપવામાં મદદ કરી. મોપેડ એન્જિનથી ચાલતી સાઇકલ ચાર દિવસમાં તૈયાર થઇ ગઇ અને ટેપ રેકોર્ડર ચાલુ કરવાનુ ભૂત પાછું વળગ્યું. સંભાળપૂર્વક વાયરિંગનું નિરીક્ષણ કર્યા પછી તેમણે ફરીથી તેને બરાબર ગોઠવવાનું શરૃ કર્યુ અને આ વખતે તેઓ તેમના કાર્યમાં સફળ થયા અને આમ કમાવા માટેનો એક માર્ગ તેમને મળી આવ્યો.

ધનજીભાઇની હંમેશની ઇચ્છા એ હતી કે તેમને સ્કૂટર ચલાવતા આવડી જાય. પણ જે વ્યક્તિ પોતાના બે પગ અને એક હાથનો ઉપયોગ ન કરી શકતો હોય તો તેના માટે વાસ્તવિકરીતે આ કેવી રીતે શક્ય બને? ક્રમશઃ તેમની આ ઝંખના તીવ્રતા પકડવા લાગી. ઇચ્છાએ સંકલ્પનું સ્થાન લીધું અને આ સંકલ્પ પરિપૂર્ણ કરવા ધનજીભાઇએ એક અભિયાન શરૃ કર્યું. સૌપ્રથમ તો તેમણે ભિન્ન ભિન્ન પ્રકારની ચીજો એકઠી કરવાનું શરૃ કર્યુ કે જેના વડે તે એવા ફેરફાર વાળું સ્કૂટર બનાવી શકે કે કોઇપણ વિકલાંગને તેના પર સવારી કરવામાં કોઇ અંતરાય ન આવે.

પ્રથમ મુશ્કેલી એ હતી કે ટુ-વ્હિલરના હેન્ડલ બારને બન્ને હાથ વડે તે પક્ડી શકતા ન હતા અને સમતોલન જાળવી શકતા ન હતા. તેથી તેમણે આ ટુ-વ્હિલરને ફોર-વ્હિલરમાં રૃપાંતરિત કરવાનું નક્ક્િ કર્યું. આ એક અજોડ પ્રયોગ હતો. (આજે તો આવા ફોર-વ્હિલર બજારમાં સુલભ બન્યા છે.) તેમણે જુની રીક્ષાના બે વ્હિલ અને એક મજબુત લોખંડનો પાઇપ ખરીદ્યા. આ સાધનો ને તેના સ્કૂટર સાથે જોડવાના કામમાં તે લાગી ગયા. સ્કૂટરમાં રોજની જવા આવવાની સગવડતા પ્રમાણે ફેરફાર કરવામાં તે સફળ નિવડયા જેથી તે પોતાની જાતે વાહન ચલાવી શકે.

મૂળભૂતરીતે આ છૂટા છૂટા ભાગોને જોડીને બનાવાયેલુ સ્કૂટર હતું. તેમાં ચેસીઝ અને એન્જિન બજાજ પ્રિયાના હતા અને બાહય માળખુ બજાજ ચેતકનું હતું. સ્કૂટરને ટેકારૃપ સમતોલન માટે બન્ને બાજુએ એક એક વ્હિલ જોડેલા હતા. ધનજીભાઇ હેન્ડલબાર નજીક પહોંચી શકે તે માટે સામાન્ય બેસવાની સીટ પાસે દૂર કરી શકાય તેવી સીટ ગોઠવાઇ હતી. પાછળના વ્હિલની બ્રેક સાથે લીવર જોડયું હતું જેથી વાહન ચાલક પોતાના હાથ વડે બ્રેકનો ઉપયોગ કરી શકે. પાછળના બન્ને વ્હિલ થોડા ઉંચા રખાયા હતા જેથી વાહન ફરી ન જાય. આ પ્રકારની ગોઠવણી થી વાહન ચાલક વાહનને સુલભ રીતે હંકારી શકે અને ૬૦ થી ૭૦ માઇલની વધારેમાં વધારે ઝડપે ગતી કરી શકે.

સ્કૂટર તૈયાર થતા તેમના મિત્ર કમલભાઇએ ધનજીભાઇને સ્કૂટર ચલાવવા આપતા પહેલા બે દિવસ ચલાવી જોયું. આ આખા પ્રયોગે ત્રણ મહિના લીધા અને ધનજીભાઇએ તેને હંકારતા શીખવામાં ત્રણ દિવસ લીધા. લગભગ ૩૦૦૦ રૃપિયા તે પ્રયોગ માટે ખર્ચાયા હતા. ફ્ક્ત એકજ સમસ્યા ધનજીભાઇને નડતી હતી. સ્કૂટરને ચાલુ કરવામાં તેમને કોઇની મદદ જોઇતી હતી. કોઇ વ્યક્તિ ધનજીભાઇને ઉંચકીને તેમની બેઠક પર બેસાડતુ અને હેન્ડલ બારને હાથ વડે પકડી શકે તે રીતે તેમને ગોઠવી દેતી. ત્યાર પછી કીક મારીને બીજી વ્યક્તિ સ્કૂટર ચાલુ કરી આપતી. બસ પછી ધનજીભાઇ કાચા-પાકા રોડ પર નીકળી પડતા. આમ પોતાની શારીરિક મર્યાદાઓ હોવા છતાં તેમણે સાબિત કરી આપ્યું કે મન હોય તો ચોક્ક્સ માળવે જવાય જ.

રેડિઓ સાથેના ટેપ રેકોર્ડરને સમુ કરવામાં જે સફળતા મળી હતી તેનાથી ધનજીભાઇનો આત્મવિશ્વાસ ઇલેક્ટ્રિકલ અને ઇલેકટ્રોનિક ઉપકરણોને સમા કરવા માટે મજબુત બન્યો. થોડા જ સમયમાં તેમણે ટેલિવિઝન સેટ, રેડિઓ સેટ અને બીજા ઇલેક્ટ્રિકલ અને ઇલેકટ્રોનિક ઉપકરણો ને સમા કરવામાં પોતાના કૌશલ્યનો ઉપયોગ કરવાનું શરૃ કર્યું. સંપૂર્ણપણે આ કળા સિદ્ધ કરવા માટે તેઓ જુના ટેપ રેકોર્ડરો અને રેડિઓ સેટ ખરીદવા લાગ્યા. તેઓ કહે છે કે ઘણાં લોકોએ તેમને સ્વેચ્છાએ તેમના જુના ઉપકરણો તેમને આપ્યા. તેમણે તેને સમા કર્યા અને જે લોકોને નવા સાધનો ખરીદવા પરવડતા ન હતા તેઓને તે વેચાતા આપ્યા. ધીમે ધીમે તેમને પોતાની જાતને વ્યસ્ત રાખવા પુરતુ કામ મળવા લાગ્યું. આ રીતે ઇલેકિટ્રકલ ઉપકરણોને સમા કરવાનો વ્યવસાય શરૃ કર્યો. સાથો સાથ પોતાની આજીવીકા માટે ઉચિત આમદની પણ તેમને મળવા લાગી.

ધનજીભાઇ તેમના અનુભવ સિદ્ધ શિક્ષણને વર્ણવતા કહે છે, “અમારા ગામમાં ટેપ રેકોર્ડર, રેડિઓ સેટ કે ઘડિયાળો સમી કરવા વાળું કોઇ ન હતું. જ્યારે કોઇ ટેપ રેકોર્ડર, રેડિઓ સેટ કે ઘડિયાળના ચાલવામાં કોઇ કમી ઉભી થતી કે મુશ્કેલી શરૃ થતી ત્યારે તેઓ તેને ત્યજી દેતા. મેં પહેલા તો આ ઉપકરણો રીપેર કરવા માટે જે કોઇ જરૃરી સાધનો હતા તેની કીટ ખરીદી અને મારું કામ મેં શરૃ કર્યું. મેં તે ઉપકરણો સમા કરવા માટેના દર વ્યાજબી રાખ્યા. તે ઉપકરણો કામ કરતા થાય તે માટે નિષ્ઠાપૂર્વક મેં પ્રયત્નો કર્યા. ત્યાર પછી મેં સાઇકલ અને સ્કૂટરના ટાયરોને સમા કરવાનું અને વલ્કેનાઇઝિંગ કરવાનું શરૃ કર્યું. ક્રમશઃ હું ઓડિઓથી વિડિઓનોે સ્નાતક થવા લાગ્યો. મને એક સંબંધી પાસેથી એક TV મળ્યું. મેં તેની કાર્યપદ્ધતિનો ઝીણવટથી અભ્યાસ કર્યો અને તેને પણ સમુ કરતા શીખ્યો. જેવી એક આવડતમાં મેં નિપુણતા મેળવી કે બીજી કળા હાસલ કરવા હું તત્પર રહેવા લાગ્યો.”

ધનજીભાઇએ છેવટે ઇલેક્ટ્રિોનિકસ બજારમાંથી નવા ટેપ રેકોર્ડર અને ટેલિવિઝન સેટ્સના અંગભૂત ભાગો ખરીદી તેને એસેમ્બલ કરીને વેચવાનું શરૃ કર્યુ. તેમણે લગભગ ૧૫૦ ટેપ રેકોર્ડર એસેમ્બલ કરીને અને સમા કરીને વેચ્યા હશે. ૮૦ જેટલા રેડિઓ અને ૫૦ ટેલિવિઝન સેટ, ૨૦ કલર TV અને ૩૦ બ્લેક એન્ડ વ્હાઇટ TV પણ વેચ્યા હશે.

ધનજીભાઇ સ્ટોકમાં રાખવા જેટલા સેટ એસેમ્બલ કરી રાખતા નથી પણ તેે તેમના નિશ્ચિત ઓર્ડર મુજબ તેટલા જ સેટ તૈયાર કરે છે. સરેરાશ રોજના તે ૨૦૦ થી ૩૦૦ રૃપિયા કમાઇને આર્થિકરીતે સ્વનિર્ભર બન્યા છે. ઇલેકટ્રોનિક સામાન રાખનારા ભૂજ, મુન્દ્રા અને માંડવીના દુકાનદારો ને ધનજીભાઇના મિકેનિક તરીકેના કૌશલ્ય પર ભરોસો છે. ઘણીવાર આ દુકાનદારો પોતાની પાસે રીપેરિંગ માટે આવતા સેટસ તેમને મોકલી આપી કમાવવામાં મદદરૃપ થાય છે. ધનજીભાઇ ગૌરવથી કહે છે, “ક્યારેક દુકાનદારો એવો આગ્રહ પણ રાખે છે કે મારે છેલ્લામાં છેલ્લા બહાર પડેલા આધુનિક સાધનોને પણ સમા કરવા જોઇએ. આવે સમયે મને પ્રતીતિ થાય છે કે માનવીને શીખવું જ હોય તો આકાશ જ તેની સીમા હોવી જોઇએ.” ધનજીભાઇએ સમા કરેલા અને એસેમ્બલ કરેલા યંત્રોના ઉપયોગ કરનારા તે સાધનોની કાર્યક્ષમતાથી ખુશ છે. તે લોકોને લાગે છે કે બ્રાન્ડ નેઇમ ધરાવનારા ઉત્ત્પાદન કરતા પણ ધનજીભાઇએ એસેમ્બલ કરેલા સેટ ખુબ સારો સંતોષ આપે છે.

ધનજીભાઇ પોતાના મિત્રોના ખુબજ ઋણી હોવાની લાગણી અનુભવે છે. આ મિત્રોએ તેમને ખુબજ મદદ કરી છે અને સ્વમાનથી જીવવા માટેની તકો ઉભી કરી આપી છે. તે પોતે જાતે સ્કૂટર ચલાવી શકતા નથી તેથી તેઓ જ્યાં જાય ત્યાં કોઇક મિત્રને સાથે લઇ જવો પડે છે. આ પરતંત્રતા પણ તેમને ખૂબ ખુંચે છે. પોતાનું સ્કૂટર સેલ્ફ-સ્ટાર્ટીંગ મિકેનિઝમ ધરાવતું થાય તે માટે તેઓ પ્રયત્નશીલ છે.

પોતાની શારીરિક મર્યાદા હોવા છતાં ધનજીભાઇએ સિદ્ધ કરી આપ્યું છે કે ઇચ્છા હોય તો માર્ગ આપોઆપ મળી આવે છે. ટેલિવિઝન,VCR, રેડિઓ, ટેપ રેકોર્ડર જેવી ઇલેકટ્રોનિક આઇટમો સમી કરવામાં પોતાનો હાથ અજમાવીને તેઓએ તેમના વિસ્તારમાં એક માંગ ધરાવનારા ટેકનિશ્યનનું સ્થાન બનાવ્યું છે. તે ઇલેકટ્રિકલ રીપેરીંગ વર્કશોપ ચલાવે છે. તેમણે કોર્ડલેસ ટેલિફોન સમા કરવાનું પણ ચાલુ કરી પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તાર્યું છે. ફક્ત કામ કરતા એક જ હાથ વડે અને અણવિકસિત પગ હોવા છતાં તેમણે બતાવી આપ્યું છે કે વિકલાંગતાએ માનસિક તાકાત અને દ્રષ્ટિની આડે કદી આવવું ન જોઇએ.

ધનજીભાઇની જીવનપ્રણાલીએ બતાવી આપ્યું છે કે સ્થાપિત પ્રણાલિકાઓમાં વધારે સારા ફેરફાર કરવાની સૂચક બાબત એ છે કે શારીરિક પડકારો ઝીલતા વ્યક્તિને તેનાથી પરતંત્રતામાંથી મુક્તિ મળે છે અને તેની જિંદગીમાં સામાન્યપણું પાછું આવે છે તેમજ સમાજમાં કાઇંક પ્રદાન કરનારા બીજા સભ્યોની જેમ તે ઉપયોગી બનવા લાગે છે.

તેમણે ૨૦૦૫માં ‘NIF’ નો ”Third National Competition for Grassroots Innovations and Traditional Knowledge’ નો રાષ્ટ્રિય એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. ધનજીભાઇની આ સિદ્ધિઓ અને મક્ક્મ મનોબળ માટે લાખ લાખ અભિનંદન.

પ્રસ્તુતકર્તાઃ
“ડૉ. જનક શાહ અને શ્રીમતી ભારતી શાહ”

ફ્રોમઃ ‘અંધારી અમાસના તેજસ્વી તારલા’

ટીપ્પણી