જલ્સા કરોને જેંતીલાલ

શપથ વિધિ – દિલ્હીની રાજગાદી સંભાળવા યોજાશે ભવ્ય સમારંભ, દરેક ગુજરાતી માટે આજે ખુશીનો દિવસ…

પ્રચંડ જનાદેશ સાથે નરેન્દ્ર મોદી બનશે ફરીથી વડાપ્રધાન, દેશ – વિદેશમાંથી આવશે વિ.આઈ.પી. અને કેવી છે તૈયારીઓ? શું છે ભોજનનું મેનુ… દરેક રસપ્રદ વાતો જાણો… શપથ વિધિ – દિલ્હીની રાજગાદી સંભાળવા યોજાશે ભવ્ય સમારંભ. રાષ્ટ્રપતિ ભવનમાં કરાઈ છે ખાસ તૈયારીઓ…


તારીખ ૩૦મી મે, ૨૦૧૯ની સાંજે સાત વાગ્યા પછીનો સમય એવો હશે જેની પર આખા દેશની જ નહીં આખી દુનિયા મીટ માંડીને બેઠી છે. આ સમયે આપણે ફરીથી સાંભળીશું, મૈં, નરેન્દ્ર દામોદરદાસ મોદી…. જી, હા… બહોળી સંખ્યામાં મતાદેશ મેળવીને તેમણે ફરીથી વડાપ્રધાન પદે બિરાજમાન થવાનો હક મેળવ્યો છે. પોતાના તરફ કે પાર્ટીની તરફ આવેલા અનેક અયોગ્ય આક્ષેપો અને વાંધાજનક વિધાનોના બાણ તેમણે હિંમતથી ઝીલ્યા છે.


જેનું પરિણામ છે આ વખતની ચૂંટણીનો અકલ્પ્ય મતદાનનો આંકડો. પોતાના વિરોધીઓને પણ તેમણે વિચારતા કરી મૂક્યા છે કે આવું પરિણામ આવવું કઈરીતે શક્ય છે. આખેઆખી ચૂંટણી પ્રચારની પ્રક્રિયામાં તેમણે અનેક વિકટ સ્થિતિઓનો સામનો કર્યો જેમાં ચોકીદાર પ્રકરણ, ટાઈમ્સ મેગેઝીનનું ટીકા કરતું કવર પેજ અને બંગાળ, ઉત્તર પ્રદેશ સહિત અનેક જગ્યાઓએ હિંસક પ્રવૃત્તિઓ થઈ જેમાં કાર્યકર્તાઓના મૃત્યુ થવા જેવી દુખદ ઘટનાઓ પણ બની છે. પોતાના તરફ ફેંકાતા પત્થરોને પગથિયાં બનાવીને એવા શિખરે તેઓ પહોંચ્યા છે કે તેમને કોઈ જ વિરોધીઓ કે વિદેશી સત્તાધિશો આંગળી ઊંચી કરીને ઉદ્દેશીને બોલી શકે તેમ નથી.


કેટલા આવશે મહેમાનો?

રાષ્ટ્રપતિ ભવનમાં આજે આશરે ૬૦૦૦ જેટલા વી.વી.આઈ.પી મહેમાનોનો જમાવડો થશે. જેમાં BIMSTEC (બાંગ્લાદેશ, ભારત, મ્યામ્યાર, શ્રીલંકા, થાઈલેન્ડ, નેપાળ અને ભૂતાન) આ પૂર્વ એશિયાઈ દેશોનું સંગઠન છે જેમાં ભારત દેશ પણ સભ્ય તરીકે સામેલ છે તેથી તેના વડા આગેવાનોને પણ આમંત્રણ આપ્યું છે.


વિવિધ રાજનૈતિક પાર્ટીઓના અધ્યક્ષોને આમંત્રણ અપાયું છે જેમાં રાહુલ ગાંધી હાજરી આપવાની હામી ભરી છે પરંતુ મમતા બેનર્જીએ છેલ્લી ઘડીએ આમંત્રણ નકારતાં ટ્વીટ કર્યું છે કે હું આવવા ઇચ્છતી હતી પરંતુ તમે બંગાળાના તમારા ચૂંટણી પ્રચાર સમયે મૃત્યુ પામેલા પાર્ટી કાર્યકર્તાઓના પરિવારને આમંત્રણ આપ્યું છે જે મને ખરાબ રાજનીતિ લાગે છે જેથી હું નહીં આવી શકું. વધુમાં પડોશી દેશ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને આમંત્રણ આપવામાં નથી આવ્યું. જેના પર ઇમરાન ખાનની દીકરી એ ટ્વીટ કરીને નારાજગી દર્શાવી છે.


આ સિવાય વિવિધ દેશોના ડિપ્લોમેટ્સ, આપણા દેશના ઉદ્યોગપતિઓ, ધર્મગુરુઓ અને સંતો, સ્પોર્ટ્સ, ફિલ્મ અને મનોરંજન જગતના પ્રખ્યાત હસ્તીઓ ઉપસ્થિત રહેશે. સાઉથના લોકપ્રિય અભિનેતા રજનીકાંત પણ મોદીની શપથવિધિના સાક્ષી થવા હાજર રહેશે તેવા સમાચાર છે.


હવે એ જોવું રહ્યું કે કોણ કોણ ઉપસ્થિત રહેશે આ યાદગાર શપથ સમારોહમાં.

કેવી પરીસાશે વાનગીઓ?


મળેલા સૂત્રોના રિપોર્ટ મુજબ આ પ્રસંગે વિશેષ ચા પીરસાશે અને તેની સાથે લેમન ટાર્ટસ, સેન્ડવિચ અને સમોસાનો ઓર્ડર અપાયો છે. સાંજે ૭ વાગ્યે હાઈ ટી શપથ વિધિ સમયે ખુરશીએ બેઠેલા મહેમાનોને એમના સ્થાને જ પહોંચાડાશે. વધુમાં ૯ વાગ્યા બાદ બેન્ક્વિટમાં સ્વરૂચિ ભોજનનું પણ આયોજન છે. જેમાં વિદેશોમાંથી પણ મહેમાનો આવ્યા છે જેમનું ધ્યાન રાખીને વેજ અને નોનવેજ એમ બેય પ્રકારનું ભોજન મેનૂમાં નક્કી કરાયું છે. જેમાં વેજ કોરિયેન્ડર સૂપ શરૂઆતમાં મહેમાનોને પીરસાશે.


અહીંના અધિકારીઓએ જણાવ્યું છે કે પીરસવામાં આવતું ભોજન બહુ ભારી નથી રાખવામાં આવ્યું. કેમ કે આજે વિદેશથી પણ મહેમાનો સામેલ થયા છે તેમના સમય અનુસાર ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરાઈ છે. અહીં, મહેમાનોનું ૪૮ કલાક સુધી રહેઠાણ અને ચા – નાસ્તાની વ્યવસ્થા કરાઈ છે.

મીઠાઈમાં મોદીજીની પ્રિય બંગાળી મીઠાઈ રાજભોગ રાખવામાં આવી છે.

રાષ્ટ્ર્પતિ ભવનની ભવ્યતા


ભવની ભવ્યતા અને તેનું માહત્મય જળવાઈ રહે તે રીતનું સ્ટેજ અને લાઈટિંગ કરાયાં છે. જે સ્થાનેથી મોદીજી શપથ લેશે તે સ્ટેજ તૈયાર થઈ ચૂક્યું છે. આ અદ્ભૂત કાર્યક્રમની દરેક જોગવાઈ પર રાષ્ટ્રપતિ ખુદ વ્યક્તિગત રીતે ધ્યાન આપી રહ્યા છે. તેમણે મીડિયાને અને તેમના અધિકારી કાર્યકર્તાઓને ખાસ સૂચના આપી છે કે આ સમારોહની સાદગી અને સહજતા જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. કેમ કે આ પ્રકારનો ભવ્ય કાર્યક્ર્મ અગાઉ ક્યારેય રાષ્ટ્રપતિ ભવનમાં નથી યોજાયો.


આપને જણાવીએ કે વર્ષ ૨૦૧૪ની શપથ વિધિ પણ અહીં જ થઈ હતી. પરંતુ માનવામાં આવે છે કે આ પાર્ટ – ૨ ઇનિંગની રોનક અને ઉત્સાહ કંઈક જુદો જ હશે.

ટ્રાફિક અને કાર પાર્કિંગ


દિલ્હીના આજે રાષ્ટ્ર્પતિ ભવન તરફ જતા કેટલાક રસ્તાઓ મહેમાનો માટે ખુલ્લા મુકાઈને આમ નાગરિકો માટે બપોરે ચાર વાગ્યાથી રાતના ૯ વાગ્યા સુધી બંધ રહેશે. અહીં અંદાજિત ૬૦૦૦ મહેમાનોની એ રીતની સગવડ રહેશે કે તેઓ સમયસર સમારોહમાં આરામથી પહોંચી જઈ શકે.

કેવો રહેશે સમારોહ સમયનો યોગ – સંયોગ?


ગુરુવારે, ૩૦મી મેના સાંજે સાત વાગ્યે જ્યોતિષવિદ્યા અનુસાર સમય વૃશ્ચિક લગ્નમાં ગ્રહ ફેરવાશે જે મોદી સાહેબની જન્મ સમયની રાશી અને લગ્ન રાશી પણ છે. શપથ ગ્રહણ સમયે તેમની કુંડળીનો સંયોગ એવો બની રહ્યો છે કે લગ્નમાં બેઠેલ ગુરુ પંચમે અને સપ્તમે ભાવથી તથા દશમે સૂર્ય અને અષ્ટમે બુધની દ્રષ્ટિ પડે છે. આ સુભગ સંયોગ તેમની પ્રતિભા અને તેજસ્વીતાને ઔર દીપાવશે તેવું લાગી રહ્યું છે.

નવું મંત્રી મંડળ


વર્ષ ૨૦૧૪થી ૨૦૧૯ની પાંચ વર્ષનો સફળ કાર્યકાળ પૂર્ણ કરીને નવા મંત્રીમંડ્ળની રચના થશે. જેમાં સૌથી વધુ ધ્યાન યુવા મંત્રી બનેલ તેજસ્વીએ ખેંચ્યું છે. આ સીવાય અમેઠીની સીટ પર પહેલીવાર પાર્ટીને બહોળો મત લઈ આપનાર સ્મૃતિ ઇરાનીને પણ સારું એવું પદ મળવાની શક્યતા દેખાઈ રહી છે. અરૂણ જેટલી અને સુસ્મા સ્વરાજ સશક્ત મંત્રી હોવા છતાં નાદુરસ્ત તબીયતને લીધે જવાબદારી સંભાળી શકવાની ના પાડી છે. તેથી તેમના સ્થાન વિશેની ખાલી જગ્યાઓની અટ્કળો ચાલુ છે. અહીં, કિંગ મેકર તરીકે માન્યતા મેળવનાર અમીત શાહને પણ સ્થાન મળી શકવાની શક્યતાઓને પણ નકારી ન શકાય. મંત્રી મંડ્ળનું રહસ્ય પણ આજે સાંજે જ ખુલશે…

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version