જલ્સા કરોને જેંતીલાલ

શમણું – એનું નામ સાંભળતા જ તે ખુશ થઇ ગયો હતો, આખી નાતમાં તેનું નામ હતું સુંદર અને ભણેલી પણ…

*”જિંદગીમાં જે નથી પૂરું થતું*

*એ જ શમણું ખૂબ નમણું હોય છે.”*

ઈશાન પર તો જાણે નશો છવાઈ ગયો. પોતાના કાન પર વિશ્ર્વાસ જ ન આવ્યો. તેણે ફરીથી તેના પપ્પાને પુછયું, “શું કહ્યુ ? કોની વાત છે?” તેના પપ્પાએ હસતા હસતા કહ્યું, “હા.. ભાઇ.. નામ સાંભળતાં જ હોશ ખોઈ બેઠો ?તે સાચુ જ નામ સાંભળ્યુ છે, પ્રાચીની વાત તારા માટે આવી છે, બે દિવસ પછી આપણે તેને જોવા જવાનું છે.”

ઈશાન તો પપ્પા સામે હરખ છતો ન થઈ જાય તે વિચારથી ત્યાંથી પોતાના રૂમમાં દોડી ગયો રૂમ બંધ કરીને કેટલી વાર સુઘી ખુશીથી આળોટતો રહ્યો. પ્રાચીને તેણે જોઇ ન હતી, પણ તેના વિશે વાતો સાંભળી હતી. પ્રાચી એટલે તેમની આખી નાતમાં સૌથી સ્વરૂપવાન છોકરી, ભણેલી પર ખરી, તે જે રસ્તેથી પસાર થતી ત્યાં જાણે યુવાનો હોંશ ખોઈને ઢળી પડતાં, આવી અદભુત છોકરીનું માગુ પોતાના માટે આવ્યું હતું. કેટલીવાર સુઘી હરખાતો રહ્યો. પછી પોતાની જાતને અરીસામાં જોઇ વિચાર્યુ કે પોતે પણ કયાં ખોટો છે?, દેખાવમાં, હાઇટમાં, શરીરમાં સપ્રમાણ છે. સરકારી નોકરી છે, માબાપનો એકનો એક દીકરો છે, આનાથી વઘુ શું જોઇએ ?

પછીના બે દિવસ તેના માટે બહુ ધમાલના રહ્યાં. એક આખો દિવસ કપડાની ખરીદીમાં ગયો, પાર્લરમાં જઇ વધુ રૂપાળો થઇ આવ્યો અને નકકી કરેલા દિવસે પ્રાચીના ઘરે બઘા ગયા. શરૂઆતની ઔપચારિક વાતો… મીઠો આવકાર, આડીઅવળી વાતો, કુટુંબની જાણકારી… પણ ઈશાનને તો આ બઘી વાતમાં રસ ન હતો. તે પ્રાચીની રાહ જોતો હતો. ત્યાં પ્રાચી નાસ્તો લઇને આવી. શરમાઇને ઈશાનની સામે બેઠી. ઈશાનને લાગ્યુ કે સૌંદર્યની તમામ વ્યાખ્યા પ્રાચી સુઘી આવીને પુરી થઇ જાય છે. અત્યાર સુઘી સુંદરતાના જેટલા તેના વિચારો હતા તે બઘા ભાંગીને ભુકકો થઇ ગયાં. પ્રાચી સુંદરતાની પરિભાષાથી કયાંય ઉપર હતી. જાણે તેણે કોઇ સ્ત્રીની કૂખેથી નહી પણ ફલોની ડાળીએથી જન્મ લીઘો હોય તેવું લાગતું હતું.

થોડીવાર પછી ઘરના વડીલોએ જ બન્નેને ઉપરના રૂમમાં મોકલ્યા. વાત કરતા કરતા કોઇવાર પ્રાચી ખડખડાટ હસતી હતી. ઈશાનને લાગ્યુ કે , જાણે કોઇ ઝરણું કલકલ કરતું વહી ગયું. તેણે પુછવા ખાતર બે – ત્રણ સવાલ પુછયા, પણ તે ફકત વાત લંબાવવાના હેતુથી જ… તેણે તો પ્રાચીને પસંદ કરી જ લીઘી હતી. પ્રાચીને નાપસંદ કરનારને બધા પકડીને પાગલખાને મુકી આવે તેવું હતું. થોડીવાર આડીઅવળી વાતો પછી ઈશાને ઉભા થતાં પૂછયું, “તમારે કંઇ પુછવું છે??” પ્રાચીએ નજર નીચી રાખીને પુછયું, “શું હું તમને પસંદ છું? તમે વડીલો સામે જઇને હા પાડશો ?”

ઈશાન તો ઢળી પડયો, તેનૈ થયું કે નકકી હું પણ તેને પસંદ છું એટલે જ આવું પૂછે છે. તેણે ફૂલોની ભરેલી ડાળી જેવી પ્રાચીને તેટલા જ જવાબ આપ્યો, “તમને ના પસંદ કરીને મારે મારી જાતને મુરખમાં નથી ગણાવવી” પ્રાચીએ ઊંચુ જોયું. તેની આંખમાં ખુશી દેખાતી હતી. તેણે ઈશાનને બેસવા કહ્યું અને અચાનક ગંભીર બનીને બોલી,”આવી વાત મારી સાથે કરવાની જરૂર નથી, તમે બહાર જઇને ના પાડી દેજો.”

ઈશાન માટે તો જાણે આભ તુટી પડયું. તે સમજી ન શકયો કે પ્રાચી આ શું બોલે છે? તેણે પ્રાચીને કારણ પુછયું. પ્રાચી આંખમાં આંસુ સાથે બોલી, “હું કોઇને ચાહુ છું અને તેની સાથે જ લગ્ન કરવા માંગુ છું.” ઈશાન ખળભળી ઊઠયો, એક સાથે કેટલાય સવાલ પૂછી નાખ્યાં, ” તે કોણ છે ? કયાં રહે છે ? શું કરે છે ? ઘરમાં વાત કેમ નથી કરતી …?”

પ્રાચીએ બધા જ સવાલોના જવાબ આપતા કહ્યું, “તેનું નામ મોહિત છે, આપણી જ નાતનો છે, મારા-તમારા કરતાં વધારે ભણેલો છે, બહુ સારી નોકરી પણ કરે છે, પણ એક જ તકલીફ છે કે હું તેને પ્રેમ કરુ છું, તે મને નથી કરતો, તેને મારા પ્રેમની ખબર છે, તે મને સમજાવે છે કે મારે તેને ભુલીને મા-બાપની ઈચ્છાથી લગ્ન કરી લેવા જોઇએ. તેણે આજીવન કુંવારા રહેવાનું નકકી કર્યુ છે. તે ભકિતના માર્ગે ચડી ગયો છે, પણ મને વિશ્ર્વાસ છે કે હું તેને ગમે તેમ કરીને મનાવી લઇશ. પણ મને સમય જોઇએ છે, તમને ના પાડવાનું મારી પાસે કોઇ કારણ નથી એટલે તમને કહુ છું કે તમે જ ના પાડી દેજો.”

ઈશાનની હાલત ગંભીર હતી, તેને થયું કે પ્રાચીની વાત ન માનું, એકવાર લગ્ન થઇ જાય પછી પોતે પ્રાચીને એટલો પ્રેમ આપશે કે પ્રાચી બધુ જ ભૂલી જશે. પણ બીજી મિનિટે થયું કે આ તો જબરજસ્તી કહેવાય. તેણે વિચારી લીઘું અને બહાર આવીને ના પાડી દીધી. તેના મા-બાપે બહુ સવાલ કર્યા, પણ ઈશાન ચૂપ રહ્યો. સમય જતાં પ્રાચી તેને ભુલાવા લાગો અને તે પણ પરણી ગયો. આજે છેક દસ વર્ષ પછી તેને પ્રાચી યાદ આવી. આજે પણ પ્રાચીની સુંદરતા, નજાકત તેની આંખ સામે તરવરી ગયા તેણે વિચાર્યુ મોહિત કેટલો નસીબદાર છે.

ઘડિયાળમાં જોતા પ્રાચીના વિચાર બંધ કરીને તે ઉઠયો, તેની પત્નીએ મંગાવેલ વસ્તુ લેવા બજારમાં ગયો. અચાનક તેની નજર પડી. એક મિનિટ તેને પોતાની આંખ પર વિશ્ર્વાસ ન આવ્યો. ફૂલોની લચકતી ડાળી જેવી પ્રાચી આજે સુંકાયેલા ઠુંઠા જેવી થઇ ગઇ હતી. અકાળે સફેદ થયેલા વાળ, ઉંડી ઉતરી ગયેલી આંખો, સસ્તી સાડીમાં પ્રાચીને તે ઓળખી તો ગયો પણ બોલાવવાની હિંમત ન કરી.

પ્રાચીએ સામેથી તેને બોલાવ્યો. પ્રાચીએ કહ્યું, “ઈશાન મોહિતના પ્રેમમાં હું પાગલ હતી, મને એમ હતું કે મારા પ્રેમથી તેને પીગળાવી નાખીશ, તમારા જેવા કેટલાય યુવાનોને મેં સામેથી ના પડાવી, પણ મોહિત ન માન્યો..તેના પર ચડેલા ભકિતના રંગ પર હું મારા પ્રેમનો રંગ ન ચડાવી શકી બહુ મનાવ્યો, પણ તે સંસાર છોડીને કાશી જતો રહ્યો. આખી નાતમાં વાત ફેલાઈ ગઇ હતી,એટલે છેલ્લે સાઘારણ યુવાન સાથે લગ્ન કરવા પડયા તેને બઘી જ ખબર હોવાથી આટલા વર્ષોથી રોજ મને સંભળાવે છે. હું જેમ તેમ કરીને જીવન પુરૂ કરું છું. તમારા બઘાની મને હાય લાગી ગઇ લાગે છે.” ઈશાન ફાટી આંખે તેને સાંભળતો રહ્યો.

લેખક : દિપા સોની “સોનુ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version