શક્કરિયાની વેફર – હવેથી બટાકાની જગ્યાએ ઉપવાસમાં આ વેફર બનાવજો

શક્કરિયાની વેફર

આપણે ઉપવાસમાં મોટાભાગે બટેટા અને કેળાની વેફર ખાતા હોઈએ છે..

પરંતુ આજે શિવરાત્રીના ઉપવાસમાં શકકરિયાની વેફરની રેસિપી લાવી છું.. 10 મિનીટમાં બની જાય એવી સ્વાદિષ્ટ અને ક્રિસ્પી આ વેફર આજે ચોક્કસથી બનાવો. કોઈ પણ ટાઈમ પર ખાય શકાય એવી આ વેફર છે.

શકકરિયા ખૂબ જ પૌષ્ટિક હોય છે. તેમાં બહોળા પ્રમાણમાં વિટામિન્સ અને બીજા બધા પોષકતત્વો આવેલા હોય છે. શકકરિયા ખાવાથી આપણાં શરીરને ખૂબ જ લાભ થાય છે. તેમાં વિટામિન A , B1 ,B2 અને C આવેલું હોય છે. શકકરિયા પાચન માં અને કિડની ના કાર્ય માટે ફાયદાકારક છે. હાર્ટ પ્રોબ્લેમ ને દૂર રાખે છે. અને કેન્સર સામે પણ રક્ષણ આપે છે. એમાં આવેલી શર્કરા આપણા શરીર માં જલ્દી શોષાય જાય છે. આ સિવાય પણ બીજા અનેક ફાયદાઓ છે.

બાળકોને બહાર ની વેફર લઇ આપવા કરતા ઘરે બનાવેલી આ હેલ્થી વેફર આપો. અત્યારે આમ પણ શકકરિયા માર્કેટ માં ખૂબ જ સરસ આવે છે.

શક્કરિયાની વેફર બનાવાની સામગ્રી:-

મોટા શકકરિયા
તળવા માટે તેલ
મીઠું , સંચળ ,મરચું અને મરી ની ભુકો

રીત:-
સૌ પ્રથમ બહારથી ચોખ્ખા હોય અને બગડેલા ના હોય એવા મોટા શકકરિયા પસંદ કરો.( નાના શકકરિયા પણ ચાલે એની વેફર નાની બનશે) હવે શકકરિયાને ધોઈને પાણીમાં પલાળી રાખો.30 મિનીટ.. જો ટાઈમ ના હોય તો મધ્ય ગરમ પાણી માં 5 મિનીટ માટે પલાળી ને રાખો. આવું કરવાથી બહારની છાલ એકદમ ચોખ્ખી થઇ જશે.
પછી શકકરિયાને ધોઈને સાફ કરી લો. અને જો કોઈ ડાઘ કે ખરાબ ભાગ હોય તો નિકાળી લો.

હવે એક મોટા તપેલામાં પાણી ભરીને રાખો અને શકકરિયાને છાલ સહિત જ વેફર સ્લાઈઝરની મદદથી પાણીમાં જ સ્લાઈઝ કરો.

હવે એક નેપકિન કે કિચન ટોવેલ પર જેટલી તળવી હોય એટલી જ કોરી કરો. બધી એક સાથે નહીં નિકાળવી નહી તો કલર બદલાય જશે.

એક પહોળા પેન માં તેલ લો . કડાઈ માં લો તો પણ ચાલે પરંતુ એક સાથે 4-5 વેફર થી વધુ ના ઉમેરો નહીં તો એનો શેપ બદલાય જશે.


તેલ ગરમ થાય એટલે ધોઈ ને કોરી કરેલી શકકરિયા ની સ્લાઈઝ તેલ માં ઉમેરો. ગેસ મધ્યમ આંચ કરી ને વેફર આછા ગુલાબી થાય ત્યાં સુધી બન્ને બાજુ તળી લો. જારા ની મદદ થી વેફર બહાર નિકાળી ને પેપર નેપકિન પર મુકો. આવું કરવાથી વધારા નું તેલ નીકળી જશે.

હવે એક બાઉલ માં મીઠું , સંચળ, મરી નો ભૂકો અને મરચું ઉમેરો. બધું મિક્સ કરી ને તળેલી વેફર પર છાંટી દો.

સ્વાદિષ્ટ શકકરિયા ની વેફર તૈયાર છે. બીજી વેફર ની જેમ આ વેફર ને પણ બનાવી ને સ્ટોર કરી શકો છો.

નોંધ:-

શકકરિયા ની સ્લાઈઝ બહુ જાડી ના કરવી . આપણે બટેટા ની વેફર બનાવીએ એટલી જ જાડાઈ રાખો. નહિ તો ક્રિસ્પી નહીં બને .

મધ્યમ આંચ પર વેફર તળો નહીં તો થોડી ઓઈલી રહશે.

તમે ઉપવાસ માં મરચું ના ખાતા હોવ તો નહીં ઉમેરવું.

આ વેફર છાલ ઉતારી ને પણ બનાવી શકો.

આમચૂર ખાતા હોવ તો એ પણ મસાલા માં ઉમેરી શકો છો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી