શૈલેષ સગપરીયાની કલમે એક વખત અચુક વાંચજો – આંખો ખોલી નાખે તેવી વલસાડ જીલ્લાની સત્યઘટના.

વલસાડ જિલ્લાના કિલ્લા પારડી શહેરમાં કલરવ નામની બાળકોની એક હોસ્પિટલ છે. ડો. કાર્તિક ભદ્રાની આ હોસ્પિટલમાં લગભગ સાતેક વર્ષ પહેલાં એક દંપતી એના નાના બાળકને લઈને સારવાર માટે આવ્યું. 2 વર્ષની ઉંમરના બાળકને ન્યુમોનિયાએ પૂરી રીતે એના કબજામાં લઇ લીધો હતો અને બાળક સિરિયસ હતો.ડો. ભદ્રાએ બાળકની યોગ્ય સારવાર કરી અને ભગવાનની કૃપા ભળી એટલે બાળક બચી ગયો. એકાદ અઠવાડિયાના રોકાણ પછી બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. દીકરો બચી ગયો છતાં માં-બાપના ચહેરા પર વેદના હતી કારણકે માંડ માંડ ગુજરાન પૂરું કરતા આ આદિવાસી દંપતી પાસે હોસ્પિટલનો ચાર્જ ચૂકવવા પૂરતા પૈસા નહોતા.

ડોક્ટરે ગરીબ આદિવાસી દંપતીને કહ્યું,”તમે કોઈ ચિંતા ના કરો, બાળક બચી ગયુ એ જ આપણા માટે મોટી વાત છે. ફી તમારાથી થાય તો આપી જજો.” દંપતી માયાળુ ડોક્ટરનો આભાર માની પોતાના જીવનપ્રાણ સમાં દીકરાને લઈને વિદાય થયા.

થોડા સમય પહેલા 7 વર્ષ પછી આ દંપતી એના 9 વર્ષના દીકરાને સાથે લઈને કલરવ હોસ્પિટલમાં આવ્યા. ડોક્ટર તો આ દંપતીને ભૂલી ગયા હતા એટલે એણે તો સીધું એમ જ પૂછ્યું કે બાળકને શુ તકલીફ છે ? છોકરાના પિતાએ કહ્યું , “સાહેબ, બાળકને કોઈ તકલીફ નથી. અમે તો બાકી પૈસા માટે આવ્યા છીએ ?” ડોક્ટરને કાંઈ સમાજ ના પડી એટલે પૂછ્યું કે મારે દેવાના બાકી છે?

છોકરાના પિતાએ સ્પષ્ટતા કરતા કહ્યું, “સાહેબ, તમારે નહીં, મારે દેવાના છે. તમે ભૂલી ગયા હશો પણ 7 વર્ષ પહેલાં આને ન્યુમોનિયાની સારવાર માટે તમારી હોસ્પિટલમાં દાખલ કરેલો ત્યારે હોસ્પિટલનું બિલ ચૂકવવાના અમારી પાસે પૈસા નહોતા. તમે કહેલું કે જ્યારે થાય ત્યારે દેજો. સાહેબ, અમે મહેનત-મજૂરી કરીને માંડ-માંડ પૂરું કરીએ છીએ એટલે થોડી થોડી બચત કરતા કરતા 7 વર્ષે ભેગી થયેલી આ રકમ તમને આપવા અને ઋણ ઉતારવા આવ્યા છીએ.” આટલું કહીને એ ભાઈએ બિલની રકમ ડોકટરના ટેબલ પર મૂકી.ગામડાના અભણ આદિવાસીની નૈતિકતા જોઈને ડોક્ટરની આંખો પણ ભીની થઈ ગઈ.

ડોક્ટરે પોતાના પાકિટમાંથી થોડા રૂપિયા આ રકમમાં ઉમેર્યા અને પેલા ભાઈને પાછા આપતા કહ્યું, “ભાઈ તારી પ્રામાણિકતાનું બીજું તો શું ઇનામ આપું ? મારા કરતાં ક્યાંય અમીર હોય એવા કેટલાય લોકો બાકી ફી દેવા આવતા નથી અને માંડમાંડ પેટિયું રળતો તું 7 વર્ષ પછી પણ પૈસા આપવા આવ્યો છો. આ બધી રકમ તારા આ દીકરાના અભ્યાસ માટે હું તને પરત આપું છું” પેલા ગરીબ આદિવાસીએ રકમ પરત લેવાની ના પાડી એટલે ડોક્ટરે કહ્યું, “આ તને નહીં તારા દીકરાને આપું છું. તે તારી બાકી ફી આપીને ઋણ ચૂકતે કરી દીધું એટલે આપણો વહીવટ પતી ગયો આ તો હું મારા તરફથી તારા પોયરાના ભણતર માટે આપું છું એટલે એ પણ ભણી ગણીને મારા જેવો મોટો સાહેબ થાય અને લોકોની સેવા કરે.”

મિત્રો, આજના કલુષિત વાતાવરણમાં ચારે બાજુથી દિલ દુભાવનારા સમાચારો જ વાંચવા, સાંભળવા અને જોવા મળે છે એવા સમયમાં આ ગરીબ આદિવાસીની નૈતિકતા અને ડૉ.કાર્તિક ભદ્રાની માણસાઈ હૈયાને ટાઢક આપે છે. બસ આવા લોકો હજી જીવે છે એ જ ઈશ્વરના અસ્તિત્વનો મોટો પુરાવો છે.

લેખક : શૈલેશ સગપરીયા

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ!
– તમારો જેંતીલાલ