શબરી – ગુરુ પૂર્ણિમા પર એક વાત

કોલેજ પૂરી થયા પછી કેટલાક વર્ષ મેં જોબ સિવાયના ફ્રી ટાઈમમાં છોકરાઓને ડ્રોઈંગ ક્લાસ કરાવેલા. જે હવે તો ૩-૪ વર્ષથી બંધ કર્યા છે. ડ્રોઈંગ શીખવતી વખતે એક ટેવ એવી કે જે-તે જે ટોપિક પર ડ્રોઈંગ કરતા હોઈએ એ ટોપિકને રીલેટેડ બાળકો સાથે ડ્રોઈંગ દરમિયાન સતત વાતો થાય.

એમાં સાવ શરૂઆતમાં એક દસ-બાર વર્ષની છોકરીને હું ડ્રોઈંગ શીખવતો. તો એકવાર રામનવમી હતી અને એ છોકરીને રામ વનવાસનું જ ડ્રોઈંગ કરાવતો હતો. તો રામાયણને લગતી ઘણી વાતો ચાલી. એમાં શબરીની વાત નીકળી કે એ એકલી રહેતી હતીને એણે વર્ષો સુધી રોજ બોર એકઠા કરી-કરીને એણે રાહ જોઈ કે રામ એક દિવસ મારે આંગણે આવશે.

આ વાતમાં અચાનક એ ટેણીએ એક સવાલ કર્યો કે “સર, શબરી એકલી જ રહેતી હતીને બીજા કોઈની ચિંતા તો હતી નહિ તો રોજ બોર એકઠા કરવાના ને રામના આગમન માટે રોજ-રોજ સજાવટ કરીને વર્ષો સુધી રાહ જોવાને બદલે એ જ સામેથી રામને મળવા નીકળી પડી હોત તો કદાચ રામ વહેલા ના મળી ગયા હોત…?!”

આ તો ગઈકાલે ગુરુપૂર્ણિમા પર હું મને મળેલા બધા ગુરુઓ વિષે વિચારતો હતો એમાં આ ટેણી પણ યાદ આવી….

લેખક :- કાનજી મકવાણા

Post :- થોડા ફેરફાર સાથે — Vasim Landa ☺ The Dust of Heaven ✍

ટીપ્પણી