ઢાબા સ્ટાઇલ સેવ ટામેટાનું શાક – ગરમાગરમ રોટલી, પરાઠા કે ભાખરી સાથે ઓલટાઈમ ફેવરિટ, હવે આવીરીતે બનાવજો..

ઢાબા સ્ટાઇલ સેવ ટામેટાનું શાક

કેમ છો? જય જલારામ. આશા છે તમે બધા પરિવાર સાથે સેફ હશો. આજે ફરી તમારી સમક્ષ હાજર છું મારા ઘરમાં બધાને પસંદ આવતી એક રેસિપી લઈને. ધીમે ધીમે વરસાદ આવવાની શરૂઆત તો થઇ જ ગઈ છે એટલે મારા ઘરમાં તો રોજ કાંઈક ગરમાગરમ ખાવાની ફરમાઈશ આવે. હવે રોજ વરસાદ આવે તો રોજ ભજીયા કે ગોટા થોડી ખવાય એટલે હું રેડ ગ્રેવી સ્ટોર કરીને રાખું છું અને પછી જયારે મસાલેદાર અને તીખું શાક ખાવાની ફરમાઈશ આવે એટલે તરત બનાવી લઉં છું.

આ રેસિપી સાથે રેડ ગ્રેવી બનાવવાની અને સ્ટોર કરવાની રેસિપી લિંક અંતમાં આપીશ. તો આજે આ સ્ટોર કરેલ રેડ ગ્રેવીની મદદથી બનાવીશું સેવ ટામેટાનું ઢાબામાં મળે છે એવું જ શાક. ઢાબા કે હોટલમાં જયારે તમે જાવ છો અને કોઈ ગ્રેવીવાળું શાક ઓર્ડર કરો છો તો એ લોકો ઇન્સ્ટન્ટ ગ્રેવી નથી બનાવતા તેઓ પણ એકસાથે ઘણીબધી માત્રમાં રેડ ગ્રેવી બનાવે અને પછી આપણી ફરમાઈશ પ્રમાણે અલગ અલગ મસાલા અને તડકા સાથે સબ્જી પીરસે છે.

તમે ઈચ્છો તો ફ્રેશ ગ્રેવી બનાવીને પણ આ શાક બનાવી શકો છો. તો ચાલો બનાવીએ રેડ ગ્રેવીની મદદથી સેવ ટામેટાનું ઢાબા સ્ટાઇલ શાક.

રેડ ગ્રેવી બનાવતા શીખવા અહીંયા ક્લિક કરો. http://rasoinirani.jentilal.com/red-gravy-panjabi-sabji/

સામગ્રી : (રેડ ગ્રેવી તૈયાર હોય તેના પછીના સ્ટેપ માટે)

  • ટામેટા – જીણા સમારેલા
  • રતલામી સેવ – એક વાટકી
  • તેલ – ઉપરથી વઘાર કરવા માટે
  • મરચું
  • ધાણાજીરું
  • હિંગ
  • મીઠું
  • લીલા ધાણા

ઢાબા સ્ટાઇલ સેવ ટામેટાનું શાક બનાવવાની સરળ રીત :

1. સૌથી પહેલા તૈયાર ગ્રેવીને કઢાઈમાં કાઢી લો.

2. હવે એ ગ્રેવીમાં થોડું પાણી ઉમેરો (જો ગ્રેવી ફ્રેશ બનાવી હોય તો જે મિક્ષર જારમાં ગ્રેવી બનાવી હોય તેમાં પાણી ઉમેરીને તે પાણી ગ્રેવીમાં ઉમેરવું)

3. હવે ગ્રેવી થોડી ગરમ થાય એટલે કે તેમાંથી પરપોટા થવા લાગે એટલે તેમાં જીણા સમારેલા ટામેટા ઉમેરો

4. હવે ગેસ ધીમો કરીને ટામેટાને થોડા ચઢવા દેવા. (ગ્રેવીમાં ટામેટા હોવાથી આ સ્ટેપમાં બહુ ટામેટા ઉમેરવાની જરૂરત નથી.)

5. ટામેટા થોડા ગળી જાય એટલે તેમાં રતલામી સેવ ઉમેરવી અને બરોબર મિક્સ કરી લેવું

6. હવે એક વઘારિયામાં તેલ ગરમ કરવા મૂકવું

7. હવે એ તેલ ગરમ થાય એટલે તેમાં થોડી હળદર, ધાણાજીરું અને મરચું હિંગ સાથે ઉમેરો.

8. પછી તરત તેને રેડી થયેલ શાકમાં ઉમેરો (જો ઓછું તેલ પસંદ હોય તો આ વઘાર ના કરો તો પણ ચાલે પણ કરશો તો શાકનો ટેસ્ટ કાંઈક અલગ જ આવશે.)

9. હવે તૈયાર શાક પર લીલા ધાણા ઉમેરો અને હવે શાક ખાવા માટે તૈયાર છે જે તમે ગરમાગરમ રોટલી, પરાઠા કે ભાખરી સાથે ખાઈ શકશો.

અમારા ઘરમાં બધાને આ શાક ખુબ પસંદ છે આશા છે તમે બનાવશો અને તમારા પરિવારને પણ પસંદ આવશે.

રેડ ગ્રેવી બનાવવા માટેની રેસિપી લિંક :http://rasoinirani.jentilal.com/red-gravy-panjabi-sabji/

તમને આ રેસિપી કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો આવજો ફરી મળીશું મારા ઘરની એક સરસ ટેસ્ટી વાનગી સાથે.

રસોઈની રાણી : પદમા ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.