સેવ ખમણી – પરફેક્ટ માપ અને ટિપ્સ સાથે બનશે બહુ ટેસ્ટી અને છૂટી છૂટી

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે એકદમ છુટી છુટી અને બજારમાં મળે એવી ખાટીમીઠી અને તીખી “સેવ ખમણી” નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયુંને?? જો એને પરફેક્ટ માપ સાથે બનાવામાં આવે તો એ એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે. આના સામે બજારમાં મળતી સેવ ખમણીનો ટેસ્ટ પણ ફિક્કો લાગશે. એકવાર આ રીતે બનાવશો તો નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી સૌ કોઈને ખૂબ જ ભાવશે જરાય પણ વખાણ કરતા નહિ થાકે. એકવાર ઘરે જરૂરથી બનાવજો વિડીયોને છેલ્લે સુધી જોજો કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

ખમણી ના ઢોકળા માટે –

  • ૧/૨ કપ ચણા ની દાળ એક રાત પલાળેલી
  • ૨ લીલા મરચા
  • ૬ થી ૭ કળી લસણ ની
  • ૧ ઇંચ ટુકડો આદુ નો
  • ૧.૫ ટેબલ સ્પૂન ખાંડ
  • ૧/૨ ટી સ્પૂન લીંબુ ના ફૂલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧/૨ ટી સ્પૂન ઇનો

વઘાર માટે –

  • ૧ ટેબલ સ્પૂન તેલ
  • ૧ ટી સ્પૂન રાઈ
  • ૪ થી ૫ મીઠા લીંબડા ના પાન
  • ૨ થી ૩ લીલા મરચા
  • ૧/૨ ટી સ્પૂન હિંગ
  • ૧.૫ ટેબલ સ્પૂન તલ
  • ૧/૪ ટી સ્પૂન હળદર
  • ૧/૪ કપ પાણી
  • ૧ ટેબલ સ્પૂન ખાંડ
  • ૨ થી ૩ ટીપા લીંબુ નો રસ
  • ૧/૨ કપ ઝીણી સમારેલી કોથમીર
  • ૧/૨ ટી સ્પૂન મીઠું

સર્વિંગ માટે –

  • નાઈલોન સેવ
  • દાડમ ના દાણા
  • લીલા નારિયળ નું છીણ

રીત:

૧. ખમણી ના ઢોકળા માટે આપેલી સામગ્રી માં થી ઇનો સિવાય ની બધી સામગ્રી ને મિક્સર માં પેસ્ટ બનાવી લેવી. જરૂર મુજબ પાણી ઉમેરવું પણ બને એટલું ખીરું જાડું જ રાખવું.

૨. હવે ઢોકળીયા માં પાણી ગરમ કરવા મૂકવું. પીસેલા ખીરા માં ૧/૨ ટી સ્પૂન ઇનો ઉમેરી ને ઉપર ૨ ટેબલ સ્પૂન પાણી ઉમેરવું. હવે ખીરા ને એક જ દિશા માં મિક્સ કરવું.

૩. હવે એક ડબ્બા માં તેલ લગાડી ને ઢોકળા નું ખીરું ઉમેરી ને ઢોકળીયા માં ૧૦ થી ૧૫ મિનિટ સુધી વરાળે બાફો.

૪. ૧૫ મિનિટ પછી ચપ્પુ થી ચેક કરી લો.

૫. ઢોકળા ને ૧ કલાક ઠંડુ થવા દો અને પછી છીણી થી છીણી લો.

૬. હવે વઘાર માટે એક પેન માં તેલ મૂકી ને રાઈ, લીંબડા ના પાન, ઝીણા સમાંરેલા મરચા, હિંગ, હળદર, અને તલ ઉમેરો. પછી પાણી, ખાંડ, લીંબુ નો રસ અને મીઠું ઉમેરી દો અને ઉકાળવા દો.

૭. પાણી ઉકળે એટલે ખમણી ઉમેરી દો. ૨ થી ૩ મિનિટ ગરમ કરી ને ઉપર કોથમીર ઉમેરી દો અને મિક્સ કરી દો.

૮. ખમણી તૈયાર છે. આને ગરમાગરમ પીરસો ઉપર થી સેવ, દાડમ ના દાણા અને લીલા નારિયળ નું છીણ ભભરાવી ને.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.