આ સેવાભાવી વ્યક્તિ જરૂરિયાતમંદ દર્દીઓને ફ્રીમાં પૂરી પાડે છે મેડિકલ સુવિધાઓ, પૂરી કહાની વાંચીને તમે પણ કરશો આ વ્યક્તિને સો..સો..સલામ

કહેવાય છે ને કે સારું કામ કરતા વાર નથી લાગતી પણ સારું કામ કરવું જોઈએ તેવો વિચાર આવતા વર્ષો લાગી જાય છે. અહીં આપણે વાંકાનેરનાં એક એવા યુવાનની વાત કરવા જઈ રહ્યા છીએ જેણે સારું કામ કરવાનો ફક્ત વિચાર જ ન કર્યો પરંતુ પોતે એ કામ શરૂ પણ કરી બતાવ્યું.

અબ્બાસ શબ્બીરહુસેન ભારમલ નામનો વાંકાનેરનો આ યુવાન છેલ્લા છ વર્ષથી જરૂરિયાતમંદ દર્દીઓને જરૂર હોય ત્યાં સુધી વ્હિલ ચેર, વોકર, સ્ટ્રેચર, ઇલેક્ટ્રિક બેડ અને ટોયલેટ ચેર જેવા મેડિકલ સાધનો એક પણ રૂપિયો લીધા વિના મફત પુરા પાડી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તેમની આ સેવાકીય પ્રવૃત્તિનો લાભ વધુ ને વધુ લોકોને મળે તથા અન્યોને પણ આવું કાર્ય કરવાની પ્રેરણા મળે તે હેતુથી અમારા પ્રતિનિધિ દ્વારા અબ્બાસ ભારમલ સાથે મુલાકાત કરવામાં આવી હતી. અહીં તેમની સાથે થયેલ વાતચીતના અંશો પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

Q – આ સેવાકાર્યની શરૂઆત કઈ રીતે કરી ?

A – તેની શરૂઆત એક એક્સિડન્ટથી થઈ હતી. બન્યું એવું કે મારા પપ્પા શબ્બીરહુસેન ભારમલ અમારી દુકાને (અબ્બાસ ભારમલની હાર્ડવેરની પોતાની દુકાન છે) કામ કરતા કરતા પડી ગયેલા અને એમને થાપાનું હાડકું તૂટી ગયું. ઓર્થોપેડિક ઈલાજ બાદ પપ્પાનું હાલવા ચાલવાનું ચાલુ રહે તે માટે વોકરની જરૂરત ઉભી થઇ. મેં શહેરભરમાં શક્ય તેટલી કોશિશ કરી કે ક્યાંક આવી વોકર હોય તો હું ભાડે લઇ આવું. પરંતુ ક્યાંય ન મળતા છેવટે મેં પપ્પા માટે નવી વોકર ખરીદી લીધી. ત્યારે મને વિચાર આવ્યો હતો કે હું તો સામાન્ય પરિવારમાંથી આવતો હોવાથી મારા માટે નવી વોકર ખરીદવી બહુ અઘરું નથી પણ કોઈ ગરીબ પરિવારમાં આવી ઘટના ઘટી હોય તો… ? જ્યાં ઈલાજ કરવાના રૂપિયાના પણ ફાંફાં હોય તે લોકો દર્દી માટે નવી વોકર ક્યાંથી ખરીદી શકવાના ? પણ જે તે સમયે એ વિચાર ફક્ત વિચાર જ રહ્યો

ત્યારબાદ 2014 માં 66 વર્ષની વયે જ્યારે મારા પપ્પાનું દુઃખદ અવસાન થયું અને તેમની વરસીનો સમય આવ્યો ત્યારે નાત-જમણ કરવાને બદલે મેં તે રકમમાંથી જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગમાં આવે તેવા સાધનો વસાવી પપ્પાનાં ઇસાલે સવાબ માટે ઉપરોક્ત સેવાકાર્યની શરૂઆત કરી.

Q – આ માટે કોઈનો આર્થિક સહયોગ મળ્યો ?

A – ના, અસલમાં મેં ક્યાંયથી આર્થિક સહયોગ માંગ્યો પણ નથી. પપ્પાનાં અવસાન બાદ તેમની વરસીનું નાત-જમણ કરવાના બદલે એ રકમનો જ ઉપયોગ કરવાનું મેં નક્કી કર્યું હતું અને તે રકમમાંથી જ મેડિકલ સાધનો ખરીદ્યા. હા, આ માટે મારા ખાસ મિત્ર અને રાજકોટ ખાતે મેડિકલ સ્ટોર ધરાવતા અકબરભાઈ પટેલે મને મેડિકલ સાધનો વ્યાજબી ભાવે મળી રહે તે માટે ખૂબ મદદ કરી જે માટે હું એમનો આભારી છું.

Q – આ સેવાકાર્ય માટે ફેમિલી સપોર્ટ કેવો મળ્યો ?

A – જો કે આ કાર્ય સાથે મારો કોઈ પણ પ્રકારનો આર્થિક ફાયદો જોડાયેલ નથી તેમ છતાં મારા ફેમિલી ઉપરાંત મારા ફ્રેન્ડ સર્કલમાંથી પણ મારા આ કામને બિદરાવવામાં આવ્યું. મારા મરહુમ પપ્પાને તેનો ઇસાલે સવાબ મળે તે હેતુ જ આ ટોટલ નિઃસ્વાર્થ સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે.

Q – અત્યાર સુધીમાં કેટલા દર્દીઓને લાભ પહોંચ્યો હશે આપની આ સેવા પ્રવૃત્તિથી ?

A – મેં ઓક્ટોબર 2016 માં આ પ્રવૃત્તિની શરૂઆત કરી હતી ત્યારથી વાંકાનેર શહેર અને ગ્રામ્ય પંથક મળી અત્યાર સુધીમાં લગભગ 400 જેટલા જરૂરિયાતમંદ દર્દીઓને અમે ઉપયોગી થયા છીએ.

Q – ઉપરોક્ત સાધનો માટે તમે કોઈ ભાડું કે ડિપોઝીટ લ્યો છો ?

A – ના, શહેરમાં કોઈપણ જરૂરિયાતમંદ દર્દીને જો વ્હિલ ચેર, વોકર, સ્ટ્રેચર, ઇલેક્ટ્રિક બેડ અને ટોયલેટ ચેર જેવા મેડિકલ સાધનોની જરૂર પડે તો તેના માટે કોઈ પણ પ્રકારનું ભાડું નથી લેવામાં આવતું. અલબત્ત સાધનની બજાર કિંમત અનુસાર 500 થી 3000 રૂપિયા ડિપોઝીટ પેટે લેવામાં આવે છે જે રકમ દર્દી સાધનનો ઉપયોગ કરી લે અને પાછું આપે તે સમયે પૂરેપૂરી રકમ પરત આપી દેવામાં આવે છે. એટલે કે દર્દીને કોઈ પણ પ્રકારનો આર્થિક બોજ નથી પડતો.

Q – દર્દીઓ તરફથી કેવો પ્રતિભાવ મળ્યો ?

A – આપણી આજુબાજુ એવા ઘણા લોકો રહે છે જેઓ પાસે ઈલાજ અને દવાના પૈસા પણ નથી હોતા એવા લોકો જ્યારે મારી પાસે મેડિકલ સાધનો લેવા અને ઉપયોગ કર્યા બાદ પરત દેવા આવે છે ત્યારે ભાવુક થઈ દુઆઓ પણ આપતા જાય છે અને આ કાર્યની સરાહના પણ કરે છે.

Q – જો આ કાર્યમાં કોઈ તમારા સહભાગી બની યોગદાન આપવા ઈચ્છે તો આપી શકે ?

image source

A – જો કે અમે કોઈ પાસેથી ડોનેશન કે દાન સામેથી નથી સ્વીકારતા પરંતુ જે કોઈ સ્વેચ્છાએ કે પોતાના મરહુમ (સ્વર્ગસ્થ) વ્યક્તિનાં ઇસાલે સવાબ અર્થે સહયોગ આપવા ઈચ્છે તો આપી શકે. હાલમાં જ અમારા એક મિત્ર તરફથી તેમના મરહુમનાં ઇસાલે સવાબ અર્થે એક હોસ્પિટલ બેડ અમને આપવામાં આવ્યો હતો જેથી જરૂરિયાતમંદ દર્દીઓ લાભ લઇ શકે.

Q – હાલ અત્યારે તમારી પાસે કેટલા મેડિકલ સાધનો ઉપલબ્ધ છે ?

A – હાલ અમારી પાસે 30 ટોયલેટ ચેર, 3 બેડ (ડોનેટેડ), 30 વોકર, 5 સપોર્ટ માટેની લાકડી, 1 સ્ટ્રેચર, 12 ટોયલેટ પોટ અને 5 ઇલેક્ટ્રિક બેડ, 5 વહીલ ચેર ઉપલબ્ધ છે અને ધીમે ધીમે વધારે સાધનો વસાવી વધુ ને વધુ લોકોને ઉપયોગી થઈ શકાય તેવા પ્રયાસો કરીશું.

image source

અબ્બાસ ભારમલનો સંપર્ક સેતુ

  • અબ્બાસ ભારમલ
  • ” મોહમ્મદી હાર્ડવેર માર્ટ ” મદીના મસ્જિદથી આગળ,
  • મેઈન બજાર, વાંકાનેર – 363621
  • મો. નં. – 99741 61252

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ