સેવઉસળ – ખાટા, મીઠા અને તીખા પરફેક્ટ ટેસ્ટનું કોમ્બિનેશન છે , તો ક્યારે ટ્રાય કરો છો ???

સેવઉસળ

સેવઉસળ એ ખૂબ જ પ્રખ્યાત સ્નેક્સ છે. ખાટા, મીઠા અને તીખા ટેસ્ટ નું પરફેક્ટ કોમ્બિનેશન હોય છે સેવઉસળ. ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં સરળ એવી આ રેસિપી બધા ને ખબર જ હોય છે. બસ મારી સર્વ કરવાની રીત કદાચ થોડી અલગ છે. અને આ રીતે પીરસવામાં એના ટેસ્ટ માં વધારો થઈ જશે એની ખાતરી આપું છું. આમ તો સેવઉસળ પાઉં સાથે સર્વ કરવામાં આવે છે.મેં અહીં બ્રેડ સાથે સર્વ કર્યું છે.

સેવઉસળ નો રગડો બનાવવા માટે ની સામગ્રી:-

 • 2 કપ સૂકા લીલા વટાણા,
 • 2 બટેટા બાફીને નાના કટકા કરેલા,
 • 2 ટામેટાં ઝીણા સમારેલા,
 • 1 મોટી ડુંગળી ઝીણી સમારેલી,
 • 2 ચમચી લસણ ની પેસ્ટ,
 • 1 ચમચી આદુ મરચાં ની પેસ્ટ,
 • 6-8 મીઠાં લીમડા ના પાન,
 • 2 ચમચાં તેલ,
 • 1 ચમચી જીરું,
 • ચપટી હિંગ,
 • 1/4 ચમચી હળદર,
 • 2 ચમચી લાલ મરચું,
 • 1 ચમચી ધાણાજીરું,
 • 1/4 ચમચી ગરમ મસાલો,
 • 2 ચમચા ગોળ,
 • 1/2 લીંબુ નો રસ કે 1 ચમચો નો રસ

રીત:-

સૌ પ્રથમ સૂકા વટાણા ને ધોઈ ને 3-5 કલાક પાણી માં પલાળી ને રાખો. ત્યાર બાદ કુકર માં પાણી અને મીઠું ઉમેરી ને 3 સીટી વગાડી ને બાફી લો. હવે એક કડાઈ માં તેલ ગરમ કરો પછી તેમાં જીરુ, હિંગ અને હળદર ઉમેરી ને ડુંગળી સોફ્ટ ત્યાં સુધી સાંતળો.
ત્યારબાદ તેમાં મીઠો લીમડો , લસણ ની પેસ્ટ અને આદુ-મરચાં ની પેસ્ટ ઉમેરો. અને બરાબર સાંતળો. હવે ટામેટાં ઉમેરી ને 3-5 મિનિટ માટે ધીમી આંચ પર સોફ્ટ થાય પછી બાફેલા બટેટા, મીઠું, મરચું , ધાણા જીરું ઉમેરી ને બાફેલા સૂકા વટાણા રસા સાથે ઉમેરો. વટાણા ને વધુ રસાવાળા કરવાના છે એટલે જરૂર મુજબ પાણી પણ ઉમેરો. અને ધીમી આંચ પર 15 -20 મિનિટ બરાબર થવા દો. જ્યારે બધું થોડું ઘટ્ટ થાય ને એટલે ગરમ મસાલો, ગોળ અને લીંબુ નો રસ ઉમેરી ને બધું મિક્સ કરો અને થોડીવાર ફરી થી થવા દો. ગેસ બંધ કરી ને સમારેલી કોથમીર ઉમેરો. સેવઉસળ માટે નો રગડો તૈયાર છે.

સેવઉસળ સર્વ કરવા માટે ની સામગ્રી-

 • 8- 10 બ્રેડ ની સ્લાઈસ ના નાના કટકા,
 • આંબલી-ખજૂર ની ચટણી,
 • કોથમીર-લીલાં મરચાં ની ચટણી,
 • લસણ ની સૂકી ચટણી,
 • ઝીણી સમારેલી ડુંગળી,
 • ગાજર અને બીટ છીણેલાં,
 • ઝીણી સમારેલી કોથમીર,
 • ઝીણી સેવ અથવા ખાટું- મીઠું ચવાણું,
 • રગડો.

રીત:-

સૌ પ્રથમ એક થોડી ઊંડી હોય એવી પ્લેટ માં બ્રેડ ના કટકા મુકો. ઉપર આંબલી- ખજૂર ની ચટણી ઉમેરો. હવે રગડો બરાબર બધી બ્રેડ ઉપર આવી જાય એવી રીતે ઉમેરો.પછી સમારેલી ડુંગળી , ગાજર અને બીટ નું છીણ ઉમેરી ને ફરી થી આંબલી- ખજૂર ની ચટણી ,લીલી ચટણી અને લસણ ની સૂકી ચટણી રગડા ઉપર નાખો.

ત્યારબાદ કોથમીર અને સેવ ભભરાવી ને તરત જ સર્વ કરો.

નોંધ:- તમે ઇચ્છો તો પાવ સાથે પણ સર્વ કરી શકો છો. પરંતુ બ્રેડ સાથે આવી રીતે સર્વ કરવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. સેવઉસળ ની પ્લેટ બનાવ્યા પછી તરત જ સર્વ કરી દો નહીં તો બ્રેડ બહુ પોચી થઈ જશે. ગાજર અને બીટ ના છીણ થી ટેસ્ટ વધુ સારો આવશે.  તમે ઇચ્છો તો લસણ ની ચટણીમાં પાણી ઉમેરી ને પણ વાપરી શકો. મેં કોરી ચટણી ભભરાવી છે. રગડો વધુ રસાવાળો જ રાખવો કેમકે થોડું ઠંડુ થશે એટલે વધુ ઘટ્ટ થશે અને બ્રેડ માં પણ રસો વધુ હોય તો જ ખાવાની મજા આવશે. પરંતુ જો તમે પાવ સાથે ખાવાના હોવ તો રસો ઘટ્ટ રાખો.
મીઠું ઉમેરતી વખતે યાદ રાખો કે વટાણા મીઠું નાખી ને બાફયા છે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી