જલ્સા કરોને જેંતીલાલ

સેતુબંધ – આખરે એ અજાણ્યા વડીલના આશીર્વાદ ફળ્યા, એક અનોખી પ્રેમકહાની…

દૂર ક્ષિતિજ પર સૂર્ય જાણે પોતાના કિરણો ને પ્રસારી આળસ મરડી ને ઊભો થઈ રહ્યો હતો, વાતાવરણ માં આહ્લાદક શીતળતા હતી, પક્ષીઓ નો કલરવ જાણે આ વાતાવરણ ને સંગીતમય બનાવી રહ્યો હતો, પોતાના ક્વાર્ટર્સ ની બાલ્કની માં ઊભો રહેલો વચન હાથ માં રહેલી કોફી ને પૂરતો ન્યાય આપતાં આપતાં આ ખુશનુમા સવાર નો લૂત્ફ ઉઠાવી રહ્યો હતો. દૂર તિથલ ના દરિયાકિનારે ઉછાળા મારતાં મોંજા ની જેમ વચન નું મન પણ આજે ખુશીઓના ઉછાળા મારી રહ્યું હતું. તિથલ ના દરિયાકિનારે છલક નો હાથ પકડી ને ખુલ્લા પગે સવાર સવાર માં મોર્નિંગ વોક ની કલ્પના માત્ર થી દિલ માં જાણે અનેરી ખુશી છવાઈ જતી હતી. આજે ઘર ના બધા જ ખૂણાઓ માં છલક ના હોવાનો ભાસ થતો હતો, હવે વચન થી રહેવાતું નહોતું. એનું મન જલ્દી થી છલક ને પોતાના જીવન માં લાવવા થનગની રહ્યું હતું. હાથ માં રહેલી કોફી સાથે એની નજર દૂર ક્ષિતિજ પર ઠરી ને સ્થિર થઈ ગઈ અને એ છલક સાથે ની પહેલી મુલાકાતની યાદો માં સરી પડ્યો.


સાંજ નો સમય હતો, વચન વલસાડ થી સુરત હાઇવે પર પોતાની કાર માં મધ્યમ વેગે આગળ વધી રહ્યો હતો, બસ હવે સુરત નજીક જ હતું. એવામાં વચન એ દૂર થી જોયું તો એક ટ્રક એક રાહદારી ને અડફેટ માં લઈ પુરપાટ ગતિ એ અદ્રશ્ય થઈ ગઈ. એ રાહદારી ઘણો ઘવાયેલો હતો, રોડ પર લોહી ના ખાબોચિયા રચાઇ ગયા હતા, છતાંય કોઈ પણ રાહદારી ની હાલત જોવા ઊભું નહોતું રહેતું. વચન ડોક્ટર હતો,પોતાની ફરજ એ ભૂલ્યા વગર રાહદારી પાસે ગયો, પોતાની કાર માંથી ફર્સ્ટએઈડ ની કીટ માંથી થોડીઘણી સારવાર કરી તુરંત જ પોતાની કાર માં એ રાહદારી ને સુરત સિવિલ ના તાત્કાલિક સારવાર વિભાગ માં લઈ ગયો. અકસ્માતનો કેસ હોઈ પોલિસ ફરિયાદ ની તમામ વિધિ પૂરી કરી વચન સારવાર માં પણ સાથે રહ્યો. રાહદારી ની દાઢી માંથી ડોકિયાં કરતાં સફેદવાળ એ રાહદારી ની પ્રૌઢાવસ્થા છતી કરતાં હતાં. આ વડીલ સહાયે કોઈ ના આવે ત્યાં સુધી વચન એમની સાથે જ રહ્યો.


અને સારવાર કરી રહી હતી ડૉ.છલક. છલક નો એમડી અભ્યાસ ચાલુ હતો. છલક પૂરું મન અને દિલ લગાવી ને સારવાર કરી રહી હતી. એક અનોખું તેજ હતું છલક ના ચહેરા પર, બધાને પ્રેમ થી બોલાવતી, પોતાના સ્નેહ ના દરિયા માંથી જાણે સ્નેહ ને છલકાવતાં છલકાવતાં પોતાની ફરજ નિભાવી રહી હતી, એકદમ સુંદર દેખાવ ને એમડી અભ્યાસ કરતી હોવા છતાં વર્તન માં અભિમાનનો છાંટો નહોતો વાર્તાતો. વચન ને છલક દિલ માં સ્પર્શી ગઈ. છલક એ જ્યારે આ વાત જાણી કે વચન ડોક્ટર થઈ ને પણ વચન એક અજાણ્યા દર્દી ની પડખે ઊભા રહ્યા છે તો છલક ને પણ વચન માટે માન થયું. બંને સાથે હવે તેમની સેવા સુશ્રુષા ને સારવાર માં લાગી ગયા.બંને ની મહેનત રંગ લાવી રહી હતી, એ વડીલ ની તબિયત માં હવે ખાસો સુધાર જણાતો હતો. ક્યારેક આંખ ખોલતાં ને છલક ને વચન ને જોઈ હળવા સ્મિત સાથે આંખ બંધ કરતાં. હવે આ વડીલ ધીમે ધીમે ભાન માં આવી રહ્યાં હતાં. અકસ્માત સમયે આ વડીલ ના હાથ માં એક ટિફિન સિવાય કશું નહોતું એટલે પોલિસ ને અકસ્માતના ઘટના સ્થળ ના આધારે 2 દિવસ લાગ્યા, આ રાહદારી ના કુટુંબીજનો ની ભાળ મેળવવામા. એમનું નામ હતું ગિરધરલાલ. ગિરધરલાલ ના આશીર્વાદ લઈ ને હવે વિદાય લેવા આવ્યો ત્યાંજ પડખે ઊભેલી છલક ને જોઈ ને એમને આશીર્વાદ આપ્યા.

“ભગવાન, તમારી જોડી સલામત રાખે દીકરા !”

વચન થી શું બોલવું એ સમજાયું નહીં, પરંતુ આ શબ્દો થી જાણે રોમ રોમ માં આનંદ વ્યાપી ગયો. જાણે હ્રદય માં ઊર્મિઓ ઉછાળા મારી રહી હતી, એણે છલક સામે જોયું, છલકે પણ શરમાઇ ને આંખો ની પાંપણો ને ઢાળી દીધી હતી.


વચન ના હ્રદય માં કોઈ કુટુંબ ના મુખ્ય આધારસ્તંભ ને સાચવવાનો આનંદ અને સાથે સાથે છલક થી દૂર જઈ રહ્યાં ના અફસોસ ની મિશ્ર લાગણી હતી. વચન આ થોડા સમય માં મન થી એક સ્નેહ ના તાંતણે છલક સાથે ગૂંથાઇ ગયો હતો. છલક પણ જાણે વચન તરફ ઢળી ચૂકી હતી.

વિદાય લેતાં લેતાં દૂર થી વચન એ વોર્ડ ની બારી માં જોયું તો છલક પણ વચન ને નીરખી રહી હતી. વચન ને છલક ને એક હળવું સ્મિત આપ્યું અને બદલા માં એ જ સ્મિત છલક પાસેથી મળ્યું. બંને ની આંખો એક થઈ અને સાથે સાથે હ્રદય પણ.

આ હતી વચન ની છલક સાથે ની પહેલી મુલાકાત અને પ્રથમ પ્રેમ નો અહેસાસ.

*****************************
અચાનક જ હાથ માં રહેલી કોફી છલકાતાં વચન નું ધ્યાન ભંગ થયું અને એણે ઘડિયાળ સામે જોયું તો સવાર ના 9 વાગી ચૂક્યા હતા એટલે ઝડપ થી વચન એ બધુ કામ આટોપી લીધું. આજે વચન એ છલક મળવા સુરત જવાનો હતો. પ્રથમ મુલાકાત બાદ આજે પહેલીવાર છલક ને મળવા જઈ રહ્યો હતો, બસ હવે વચન થી રહેવાતું નહોતું. વચન એ આજે પ્રેમના પ્રસ્તાવ ને છલક આગળ રજૂ કરવાની પૂરી તૈયારી કરી લીધી હતી.વચન ના મન માં ઉત્સાહ છલકાઈ રહ્યો હતો.

****************************
એ 2 દિવસો દરમ્યાન થયેલી ફોન નંબર ની આપલે દ્વારા વચન એ જ છલક નો પહેલો સંપર્ક સાધ્યો. ફોન માં અભ્યાસ ની ઘણી વાતો કરવા લાગ્યા. હવે ધીરે ધીરે વાતો હવે અભ્યાસ થી બહાર પણ થવા લાગી. છલક અને વચન ના મન હવે એકબીજા ની નજીક આવતાં હતા. થોડાજ સમય માં બંને ના હ્રદય વચ્ચે એક એવો સેતુ રચાયો કે વચન છલક ને યાદ કરે ને છલક નો ફોન આવી જાય અને છલક વચન ને યાદ કરે ને વચન નો ફોન આવી જાય. વચન ને આંખ ના દરેક પલકારે અને દરેક શ્વાસે છલક ની યાદ સતાવતી. સામે પક્ષે છલક નું હ્રદય પણ વચનએ પ્રેમ થી ભરી દીધું હતું. બંને એક સેતુ વડે રચાયેલા સંબંધ એટલે કે એક સેતુબંધ નું નિર્માણ કરી ચૂક્યા હતા પરંતુ બંને માંથી કોઈ એ હજુ સુધી પ્રેમ નો પ્રસ્તાવ રજૂ નહોતો કર્યો. છલક ખૂબ જ ખુશ હતી અને સાથે સાથે એક વાતે ઉદાસ પણ થઈ જતી. છલક ને એક વાત વચન ને જણાવવી હતી. જ્યારે જ્યારે વચન નો ફોન આવતો ત્યારે ત્યારે છલક ને થતું કે જણાવી દઉં પણ કોઈ કારણસર વાત જીભ પર નહોતી આવતી. છલક ને ડર હતો કે ક્યાંક વાત જાણી ને વચન નો સાથ છૂટી તો નહીં જાય ને ?

***********************
વચન ના મન માં ઉત્સાહ અને ઉમંગ ઉભરાઇ રહ્યા હતા. વચન ની નજર કાર ની બાજુની સીટ માં મૂકેલા ગુલાબ ના ગુલદસ્તા પર જતાં જ આંખો માં ચમક સાથે હોઠ પર સ્મિત આવી જતું. કાર ચલાવતા ચલાવતાં છલક ની યાદો માં ખોવાઈ જતો,મન માં ને મન માં છલક સાથે સંવાદ કરતો. બારી ની બહાર રહેલી દરેક વસ્તુ માં આજે સંગીત વાગતું હતું કેમ કે આજે વચન છલક આગળ પ્રેમ નો પ્રસ્તાવ જો મૂકવાનો હતો.

**************************
છલક આજે ખૂબ જ ખુશ હતી સાથે સાથે એક બેચેની છલક ના જીવ ને કોરી ખાતી હતી, છલક ને પણ આ સંબંધ માં આગળ વધવું હતું પણ વચન થી કોઈ વાત છુપાવી ને નહીં. આજે વચન મળવા આવી રહ્યો છે એ વાત જાણી છલક વધુ બેચેન હતી. ક્યાંક વાત જાણી ને વચન નો સાથ હંમેશા માટે છૂટી તો નહીં જાય ને ! આ વાત નો ડર સતત છલક ને સતાવતો. પણ છલક ને સત્ય ના પાયા વગર સંબંધ ની ઇમારત નહોતી ચણવી એટલે હિંમત કરી ને છલકે વચન ને કોલ લગાવ્યો અને સંપૂર્ણ વાત જણાવી દીધી. વાત જાણી ને વચન ને પણ નવાઈ લાગી. આજ દિન સુધી આ વાત છલક એ જણાવી જ નહોતી એટલે અચાનક છલક જોડે થી આ વાત જાણી મન માં દુખ પણ થયું અને પ્રત્યુત્તર કશું જ જણાવ્યું નહીં એને બાજુ ની સીટ માં રહેલા ગુલાબ ના ગુલદસ્તા સામે જોયું અને કોલ કટ કરી નાખ્યો અને કાર ને અચાનક પાછી વળાવી લીધી.

*********************************
છલક આંખો માં અશ્રુધારા સાથે પોતાના ફોન માં વચન ના કૉલ ની રાહ જોઈ રહી હતી. છલક ને નાનપણ થી વિટીલીગો (સફેદ ડાઘ) ની બીમારી હતી, જ્યારે વચન મળ્યો ત્યારે ચહેરા પર ના સફેદ ડાઘ તો હળવા મેક-અપ થી છુપાઈ ગયા હતા પરંતુ પીઠ અને હાથ માં સફેદ ડાઘ જે કપડાં માં છુપાયેલા હતા એની વચન ને નહોતી ખબર. છલક ની એક સગાઈ ની વાત આજ કારણોસર આગળ નહોતી વધી. છલક હવે વચન જોડે મન થી બંધાઈ ચૂકી હતી, હવે વચન થી અલગ નહોતું થવું પણ આજે વચને આમ વાત ને જાણતાં જ અચાનક કૉલ કટ કર્યો તો છલક ના દિલ માં જાણે વીજળી પડી હોય એમ એનું દિલ રોઈ રહ્યું હતું. પણ મનમાં હજુ ક્યાંક ઊંડો ઊંડો વિશ્વાસ હતો કે મારો વચન જરૂર આવશે અને આતુરતા પૂર્વક ભીની આંખે એ હોસ્પિટલ ના ગેટ ને નીરખી રહી હતી.

ઘણી રાહ જોયા પછી પણ વચન ના આવ્યો.ધ્રુસકે ને ધ્રુસકે છલક રોઈ રહી હતી, અચાનક એક હાથ છલક ના પીઠ પર આવ્યો અને એને પાછળ ફરી ને જોયું તો એ વચન હતો.


વચને છલક ના આંસુ લૂછતા લૂછતા પ્રેમ પૂર્વક કહ્યું “પગલી, હવે તો આપણું એક અસ્તિત્વ અને એક જ શ્વાશ છે, કેમ ના અલગ થઈશું. ખબર જ્યારથી તને મળ્યો છું સતત તારા માં જીવું છું. એવી કોઈ પળ નહીં હોય જ્યાં તને યાદ ના કરી હોય, મારા ઘર નો કોઈ ખૂણો એવો નહીં હોય જ્યાં તને કલ્પી નહીં હોય. તે મારા દિલ માં ના જાણે એટલો બધો પ્રેમ ભરી દીધો છે, કે હવે બીજા કોઈ ને સમાવવાની જગ્યા જ નથી. મારા ભીતર તે પ્રગટાવેલુ પ્રેમ નું તાપણું મને સતત હુંફ આપે છે.ખૂબ જ પ્રેમ કરું છું છલક તને! હ્રદય થી હ્રદય વચ્ચે રચાયેલો એક સેતુ થકી નો આપણો પ્રેમ સંબંધ-સેતુબંધ છે.

પગલી, લગ્ન પછી તને કોઈ બીમારી નું નિદાન થયું હોત તો શું હું તારો સાથ છોડી દેત ? ખબર, પહેલાં તો હું પ્રેમ નો પ્રસ્તાવ જ લઈ ને આવતો હતો પરંતુ આ વાત જાણ્યા પછી તને ફરી આપણાં પ્રેમ પર શંશય ના જાય એટલે આજે હું કંઈક લઈ ને આવ્યો છું, તારો હાથ આગળ કરીશ?

અને જેવો છલક એ હાથ આગળ કર્યો કે તરત જ તેને લાવેલી વીંટી છલક ની આંગળી માં સેરવી દીધી અને છલક ની આંખો માં આંખો નાખી પૂછી લીધું “ છલક, રોજ હાથ માં કોફી લઈ બાલ્કની માં ઊભા ઊભા તિથલ ના દરિયાકિનારે તારો તારો હાથ મારા હાથ માં લઈ ને મોર્નિંગ વોક ના સપનાં જોયા છે, મારી જીવનસંગિની બની ને આ મારૂ સપનું પૂરું કરીશ?”

છલક તો વચન ને ભેટી પડી અને આજે છલક ના જીવન ની અમૂલ્ય ક્ષણ આકાર લઈ રહી હતી, જેમાં આંખ માં આંસુ હતા ને હોઠ પર સ્મિત પણ. “આઇ લવ યૂ, વચન, આઇ લવ યૂ.” છલક પણ વચન ને હર્ષાશ્રુ સાથે પ્રેમ પૂર્વક ભેટી રહી હતી.

********************************
વચન એ હમણાં જ શહેર ના પ્રતિષ્ઠિત ચામડી ના ડોક્ટર સાથે મળી ને એક સંશોધન પત્ર રજૂ કર્યું હતું “ Role of Ultraviolet B therapy in Vitiligo- અલ્ટ્રાવાઓલેટ બી કિરણો વડે વિટીલીગો સફેદ ડાઘ ની સારવાર” આ સંશોધન મુજબ તેમને ખૂબ જ ઉત્સાહજનક પરિણામો મળ્યા હતા. વચને છલક ની પણ ત્યાં જ સારવાર ચાલુ કરાવી. થોડા મહિના ની સારવાર ના અંતે છલક હવે સંપૂર્ણ સાજી થઈ ગઈ હતી.

લગ્ન મંડપ માં જેવી છલક પ્રવેશી કે તરત જ લગ્ન મંડપ ની નીચે ગણગણાટ થવા લાગ્યો. “વહુ તો રૂપ નો કટકો છે કટકો!”

આ લગ્ન માં વચન અને છલકે ગિરધરલાલ અને એમના પૂરા કુટુંબ ને પણ ખાસ રૂબરૂ માં જઈ નિમંત્રણ આપ્યું હતું કેમ કે ગિરધરલાલ જ બંને ના પ્રેમ માટે નિમિત્ત બન્યા હતા અને આજે લગ્ન પૂરા થતાં બંને ગિરધરલાલ ને પગે લાગ્યા. ગિરધરલાલે પણ અંતઃકરણ પૂર્વક આશીર્વાદ આપ્યા.

“ભગવાન, તમારી જોડી સલામત રાખે દીકરા !”

લેખક : ડૉ. નિલેષ ઠાકોર “નીલ”

Exit mobile version