સેતુ – જયારે પણ વ્યક્તિ આ બધી વાતો છોડીને પોતાના ઉપર ધ્યાન આપશે ત્યારે કોઈ પરિવારમાં મતભેદ નહિ થાય…

🏃સેતુ🚶

“સુરભિ પાન સેન્ટર” પાનના ગલ્લે, …જોરદાર ચર્ચા.. ગરમાગરમ ! ચિંતન પણ, કાચી પાંત્રી નો માવો ચાવતો ચાવતો.., બોલાતું નહોતું તો ય બોલ્યો, ” આ હાળા..!! હાઇલા આવશે.. !! મત માંગવા તો શરમ વગર..!! અત્યારે ચોમાસામાં આ રોડ ની દૈસા જો !! કોઈ ને કાંઈ પૈડી નથી !! કામચોર સા… !!”

ત્યાં “સુરભિ પાન સેન્ટર” ના TV માં બ્રેકીંગ ન્યૂઝ આવ્યા, ” ફૂટબોલ વર્લ્ડ કપ..માં ફ્રાન્સની ફતેહ !!” ચિંતન ઉવાચઃ ” ખબર જ હતી.. એશિયાવાળા કાંઈ નહિ ઉકાળે !!’… પછી..આગળ હાંકયું, ” એલા ફ્રાન્સમાં તો માથાદીઠ આવકેય કેટલી ??પચ્ચી લાખની !!આપડે તો કાંઈ કરવું જ નહીં એને ક્યાંથી પોગીએ ??”

અને હાજર રહેલા બધા જ પુરુષો અહીં ખુલ્લા મનથી બધી જ ચર્ચા કરતાં હતાં. ચર્ચાથી વધારે તો સલાહસૂચન આપતાં હતાં. રોડ બનાવતા પહેલા આમ કરવું જોઈએ… આને કોન્ટ્રાક્ટ નો દેવો જોઈએ.. ફૂટબોલમાં એમ ગોલ નો કરાય, આમ કરવું તું ને !!… હવે તો, ચૂંટણી નો જ બહિષ્કાર કરાય !!

હા, હેલ્ધી ચર્ચા પર કોઈ રોકટોક નથી. વાણી સ્વાતંત્ર્ય નો હક્ક જો મળ્યો છે આપણને.. “બોલો.. !!! બોલો !! તમતમારે..!!” પણ, આ અમારા ચિંતન જેવા કેટલાય યુવાનો.. ?? ઘરે એમની પત્ની અને પોતાની માં વચ્ચે કંઈપણ રકઝક કે ચર્ચા ચાલે અને બન્ને માંથી કોઈ એને કાંઈ કહેવા જાય.. તો તરત બોલી ઊઠે..,

” તમારે તો રોજ નું થ્યું.. ઇ તમે બે ય સમજી લ્યો ! મને વચ્ચે ન લાવો !!” અને જાય…ભાગી…ને પાન ને ગલ્લે !! અને અહીં ?? જાણે મોટો સલાહકાર !! હજુ આગળ ચાલે હો..! Jio નો પ્લાન જોયો ? “મુકલા એ આમ નો કરાય ?? આ ટ્રમપડો આઈવો ત્યારથી જોને…!!..”

અરે, ભાઈ ! અહીં તારા મતને કોણ પૂછે છે ?? જે પૂછે છે.. ત્યાં જા ને ?? ઘરે જા, બન્ને ને સમજાવ .. ” માં !, તે મને જિંદગી આપી છે. તું મારા માટે એટલી જ મહત્વની છો !! અને તારી પત્ની, તને પોતાની જિંદગી માને છે. જા, એને જઈને કહે કે, ” તું મારી હમસફર સખા છો.. તારા વગર મારૂ જીવન નથી.” એ બન્નેને વચ્ચે મને ન લાવો કહેનાર તું.. !! એ બન્નેની વચ્ચે જ છો !! તું જ તો સેતુ છો એમને જોડનાર.. !! ચિંતન !, સેતુ બન..!! બસ.. તો ય ઘણું !!!!

લેખક : દક્ષા રમેશ “લાગણી”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ