પ્રેમની પોસ્ટઃ પ્રિયજન સાથે તમે આ રીતે ખારી સિંગ નહીં જ ખાધી હોય !!

પ્રેમની પોસ્ટઃ પ્રિયજન સાથે તમે આ રીતે ખારી સિંગ નહીં જ ખાધી હોય !!

નવો નવો પ્રેમ હોય, એકબીજા વિના થોડીક વાર પણ રહી ના શકાતું હોય, પ્રિયજનને મળવા મન મોર બનીને થનગનાટ કરતું હોય, પ્રિયજનની યાદ સિવાય બીજું કશું યાદ ના આવતું હોય, પ્રિયજનના વિરહમાં તન-મન બન્ને આકુળ-વ્યાકુળ થઇ ગયાં હોય તેવું સતત લાગતું હોય એવી સ્થિતિમાં જે મિલન થાય તે મધુરું અને યાદગાર હોય.

પ્રિયજનો પીણું પીએ તો એક બોટલમાં બે સ્ટ્રો નાખીને પીએ. કોઇ નાનકડી સરકારી યોજના ધીમે ધીમે પૂરી થતી હોય તેમ એક-એક ઘૂંટડો પીવાતો જાય અને વાતો થતી જાય. ઘણા કિસ્સામાં તો વેઇટર કિશોરમાંથી યુવાન થઇ જાય ત્યાં સુધી પ્રેમોત્સુક યુગલો પીણું પીધા કરતાં હોય છે. જો પાકો પ્રેમ હોય તો એક લીળું નાળિયેર બે જણાં પીતાં હોય તો નાળિયેર સુકાઇ જાય ત્યાં લગી સાલ ના મૂૂકે.

પ્રેમની વાત જ જુદી છે. એવી જ એક જુદી વાત વહેંચવી છે. ચાલો મળીએ કવિ-ગાયક-સ્વરકાર અરવિંદ બારોટ અને તેમનાં જીવનસાથી આશાબહેનને. અત્યારે તેઓ અમદાવાદના બોપલ વિસ્તારમાં વસે છે પણ આ વાત સાવરકુંડલાની નાવલી નદીની છે.

સાવર અને કુંડલાની વચ્ચે વહેતી ( કે ક્યારેક ના વહેતી) નાવલી નદીની રેતી જુદી છે. નાની-નાની કાંકરીઓ વાળી આ રેતી તમે તેના સંપર્કમાં આવો ત્યાં સુધી સાથ આપે, છુટા પડો ત્યારે છુડી પડી જાય. તમને ચોંટે નહીં. એકબીજાને વરવાનું નક્કી થઇ ગયું હતું તેવાં આશાબહેન અને અરવિંદભાઇ, બીજા યુગલો અને લોકોની જેમ ઉઘડતી સાંજે નાવલીમાં ટહેલવા અને બેસવા જાય. જોડે પાવલી(25 પૈસા)ની ખારી સિંગ લઇ જવાની.

નદીના પટની રેતીમાં બેસવાનું. ખારી સિંગને રેતી સાથે મિક્ષ કરી દેવાની પછી એક એક દાણો શોધીને ખાવાનો અને ખવડાવાનો. (જે હોય તે તો લખવું જ પડે ને ?) રેતીમાંથી સિંગનો દાણો શોધતી વખતે ક્યારેક પ્રિયજનના હાથનો સ્પર્શ થઇ જાય તો જે આનંદ થાય તે શબ્દોમાં વર્ણવી ના શકાય. નવ-દમ્પતિઓ લગ્ન પછી કોઇ પાત્રમાં કંકુવાળા પાણીમાં વીંટી કે સિક્કા શોધે એ રિવાજની તો ખબર હતી. જે પહેલું શોધી લે તેનું રાજ ચાલશે તેવું મનાતું પરંતુ આ સિંગવાળી વાત અમારા માટે નવી હતી. વિચાર તો કરો…

મંદમંદ પવન વાતો હોય, ઝીણી ઝીણી વાતો થાતી હોય. નદીનો પટ હોય, પક્ષીઓનો કલશોર હોય, ઘરે પાછી વળતી ગાયોનો આનંદ વાતાવરણને ભરી દેતો હોય, મનગમતા પાત્રનો સંગ હોય, ખારી સિંગ હોય અને એક એક દાણો શોધીને ખાવા કે ખવડાવવાનો હોય… વિશ્વની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, આધુનિકમાં આધુનિક રેસ્ટોરન્ટમાં, પ્રિયજનને ગમે તેટલી મોંઘી વાનગીઓ ખવડાવો… રેતી સાથે હળેલી-મળેલી ખારી સિંગ પાસે તો તેની કોઇ વિસાત નહીં જ ને. ખરું કે નહીં ?

આલેખનઃ રમેશતન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ