જલ્સા કરોને જેંતીલાલ

સૌરાષ્ટ્રના એક સામાન્ય ખેડૂત નો દીકરો આમ બન્યો કરોડો નો માલિક ! Story Of Balaji Wafers…

હાથી જેવા વિશાળકાય પશુના કાનમાં જો કીડી ઘૂસી જાય તો તે આખા જંગલમાં દોડદોડ કરી મૂકે છે. ઈ.સ. 1969માં નિરમાએ ફેબ્રિક વોશ પ્રોડક્ટ્સના માર્કેટમાં હિન્દુસ્તાન લીવરના સર્ફના એકાધિકારને છિન્નભિન્ન કરી નાખ્યો હતો. ત્યારબાદ જ બિઝનેસ વર્લ્ડની દિગ્ગજ કંપનીઓએ રિઝનલ બ્રાન્ડ્સના માર્કેટમાં પકડ અને પહોંચને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું. રાજકોટના બાલાજી વેફર્સ એન્ડ નમકીન ગ્રૂપે પણ સોલ્ટી સ્નેક્સ (નમકીન) માર્કેટમાં નિરમાની સફળતાને દોહરાવી છે.

50 હજાર કરોડ રૂપિયાના ઇન્ડિયન સ્નેક્સ માર્કેટમાં સોલ્ટી સ્નેક્સ (નમકીન)ની ભાગીદારી 60 ટકા છે તો પોટેટો ચિપ્સની 40 ટકા. ગુજરાતના સોલ્ટી સ્નેક્સ માર્કેટમાં બાલાજી વેફર્સની 65, મહારાષ્ટ્રમાં 50, રાજસ્થાનમાં 35 અને મધ્યપ્રદેશમાં 25 ટકા ભાગીદારી છે.

અહીં લેઝ, કુરકુરે, પાર્લે અને બેંગો જેવી ગ્લોબલ અને નેશનલ બ્રાન્ડ્સ બાલાજીની આ સફળતાથી હેરાન-પરેશાન છે, જેનું મુખ્ય કારણ છે તેનો દેશી ટેસ્ટ, અફોર્ડેબલ પ્રાઇઝિંગ અને પોતાના ગ્રાહકો સાથેનો સીધો સંપર્ક.

જામનગરના એક નાનકડા ગામમાં જન્મેલા ચંદુભાઈ, ભીખુભાઈ અને મેઘજીભાઈ વીરાનીના પિતા પોપટભાઈ ખેતી કરતા હતા. તેમણે પોતાની પૈતૃક ખેતીની જમીન વેચીને ઈ.સ. 1972માં પોતાના પુત્રોને કારોબાર કરવા માટે 20 હજાર રૂપિયા આપ્યા. ચંદુભાઈ વિરાનીએ ભાઈઓની સાથે કૃષિ ઉપકરણોનું ટ્રેડિંગ શરૂ કર્યું અને બધી જ મૂડી ડૂબી ગઈ.

ઈ.સ. 1974માં વિરાણી બંધુઓએ રાજકોટના એક થિયેટરમાં કેન્ટિનની શરૂઆત કરી અને ત્યાં 15 વર્ષ સુધી પોતાની પત્નીઓ દ્વારા બનાવવામાં આવેલી વેફર્સ અને સેન્ડવિચ વેચી. ગ્રાહકોએ તેમની હોમમેડ વેફર્સ અને સેન્ડવિચને બહુ પસંદ કરી.

હોમ મેડ વેફર્સની માગ વધવા લાગી તો ઈ.સ. 1989માં તેમણે વેફર્સ ફ્રાઇંગ માટે સેમી-ઓટોમેટિક પ્લાન્ટ નાખ્યો અને વેફર્સનું નામકરણ કર્યું બાલાજી વેફર્સ. વેસ્ટર્ન સોલ્ટી વેફર્સ સાથે હરીફાઈ કરવા માટે તેમણે એક નવી ઓળખ બનાવી-ઇન્ડિયનનેસ (ભારતીયતા) જે લોકલ માર્કેટમાં માસ્ટર સ્ટ્રોક સાબિત થઈ.

બાલાજી વેફર્સ એન્ડ નમકીન ગ્રૂપના આજે રાજકોટ અને વલસાડસ્થિત મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ દરરોજ ક્રમશ: 38 ટન અને 24 ટન વેફર્સ બનાવી રહ્યા છે. વિરાની બંધુઓએ પોતાના ગૃહરાજ્યની બહાર મધ્યપ્રદેશમાં 400 કરોડ રૂપિયાનું રોકાણ કરીને ત્રીજો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપ્યો છે. પીથમપુર (ઇન્દૌર)સ્થિત આ પ્લાન્ટની દૈનિક ક્ષમતા 24 ટન છે.

બાલાજી વેફર્સ એન્ડ નમકીન ગ્રૂપ પોટેટો ચિપ્સ સિવાય અનાજ પર આધારિત સ્નેક્સ પણ બનાવે છે અને ફ્રોઝન ફૂડ્સ તથા ફ્રાઇઝ માર્કેટમાં પણ તે એન્ટ્રી લઈ રહ્યું છે. ગ્લોબલ માર્કેટની સામે લોકલ બ્રાન્ડ્સ બ્રાન્ડિંગ અને પ્રમોશનની બાબતમાં પાછળ રહી જાય છે. ગ્લોબલ બ્રાન્ડ્સ વેચાણનો 54 ટકા ભાગ બ્રાન્ડિંગ-પ્રમોશનની પાછળ ખર્ચે છે જ્યારે લોકલ બ્રાન્ડ્સ વધારેમાં વધારે 40 ટકા ખર્ચે છે.

બાલાજી વેફર્સે પોતાનાં ઉત્પાદનોના ટેસ્ટ, ક્વોલિટી અને મજબૂત ડિસ્ટ્રિબ્યુશન ચેનલ સ્થાપિત કરી દીધા પછી ઉત્પાદનોના પ્રમોશન ખર્ચની બાબતમાં પણ ગ્લોબલ બ્રાન્ડ્સની બરાબરી કરી લીધી છે.

વર્લ્ડ પેનલ બ્રાન્ડ ફૂટપ્રિન્ટના એક અધ્યયન અનુસાર દુનિયાના 9000 લોકલ બ્રાન્ડ્સ ગ્લોબલ બ્રાન્ડ્સ માટે પડકારરૂપ બની ગયા છે. ફૂડ અને બેવરેજીસ માર્કેટમાં દેશી ટેસ્ટે લોકલ બ્રાન્ડ્સને આ બાબતે બહુ સારી મદદ કરી છે.

ભારત, ચીન અને ઇન્ડોનેશિયામાં લોકલ બ્રાન્ડની સાથે પ્રાઇઝને પણ પોતાનું હથિયાર બનાવી રાખ્યું છે. આ સમજી-વિચારેલી રણનીતિનું એવું સારું ફળ મળ્યું કે બાલાજી વેફર્સ એન્ડ નમકીન ગ્રૂપ સુલ્તાન ઓફ વેફર્સ બની ગયું.


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version