જલ્સા કરોને જેંતીલાલ

સાઉદી અરેબિયાની મહિલાઓને મળી વાહન ચલાવવાની આઝાદી…

સાઉદી અરેબિયાની મહિલાઓને મળી વાહન ચલાવવાની આઝાદી

હવેથી સાઉદીની મહીલાઓ ગાડી ચલાવી શકશે.

સાઉદી અરબ દુનિયાનો એક એવો છેલ્લો દેશ હતો જ્યાં સ્ત્રીઓના કાર ચલાવવા પર પ્રતિબંધ મૂકવામા આવ્યો હતો. સાઉદી અરબની એક ન્યુઝ ચેનલની એન્કર સમર અલ મોગરન એવી પ્રથમ મહિલા છે જેણે સાઉદી અરબના રસ્તા પર મંજૂરી મળ્યા બાદ પ્રથમવાર કાર ચલાવી હતી.

સાઉદી અરબની બધી જ મહિલાઓને આ દિવસની વર્ષોથી રાહ હતી. એન્કર સમરના ત્રણ બાળકો છે. મંજૂરી મળતાં અને ઘડિયાળમાં 12 વાગતાં જ તેણીએ કારની ચાવી લીધી અને આગળનો દરવાજો ખોલી ડ્રાઇવિંગ સીટ પર બેસી ગઈ. આ તો માત્ર એક સ્ત્રીની વાત છે પણ આ સમચારથી ત્યાંની ઘણી બધી સ્ત્રીઓના ઉત્સાહનો કોઈ પાર નથી.

આ ઐતિહાસિક નિર્ણય ત્યાંના હાલના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના વિઝન 2030 પ્રોગ્રામનો જ એક ભાગ છે. ક્રાઉન પ્રિન્સ 2030 સુધી સાઉદી અરબના અર્થતંત્રને ક્રૂડ-ઓઇલથી અલગ કરવા માગે છે અને તેના માટે ઘણા બધા સુધારાઓ કરવામાં આવી રહ્યા છે.

તે જ સુધારાઓમાં મહિલાઓને મળેલી ડ્રાઇવિંગની સ્વતંત્રતાનો સમાવેશ થાય છે જે હેઠળ મહિલાઓને ડ્રાઇવિંગ શીખવવા માટે ડ્રાઇવિંગ સ્કૂલ ખોલવામાં આવી, મહિલાઓ માટે ડ્રઇવિંગ લાયસન્સ બનવાના શરૂ થઈ ગયા. હાલ સાઉદી સરકારે માત્ર દસ જ મહિલાઓને ડ્રાઇવિંગ લાયસન્સ આપ્યા છે. જોકે અરજી તો હજારો કરવામાં આવી છે.

ગઈકાલથી એટલેકે 24 જુન 2018થી સાઉદી અરબ દેશની મહિલાઓને ડ્રાઇવિંગ સીટ પર બેસવાની છૂટ આપવામાં આવી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કિંગ સલમાને પોતાના દીકરા મોહમ્મદ બિન સલમાન દ્વારા સુધારો લાગુ પાડ્યા બાદ મહિલાઓ માટે ડ્રાઇવિંગ પર મુકવામાં આવેલા બેનને હટાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

આ સુધારાઓ દ્વારા સાઉદી પોતાની અર્થવ્યવસ્થામાં પરિવર્તન લાવવા માગે છે. ગયા વર્ષે 30 વર્ષના ડ્રાઇવિંગ બેનને હટાવવા માટે મહિલાઓએ ઘણો લાંબો સંઘર્ષ કરવો પડ્યો હતો. તો ચાલો જાણીએ તેમની સંઘર્ષ ગાથા વિષે.

નવેમ્બર 1990માં પહેલીવાર સાઉદીની 40 મહિલાઓએ રિયાદમાં એક સાથે ગાડી ચલાવી હતી. આ પ્રતિબંધ વિરુદ્ધનો પ્રથમ સાર્વજનિકે વિરોધ હતો. આ મહિલાઓને એક દિવસ માટે જેલ થઈ અને સાથે સાથે તેમના પાસપોર્ટ પણ જપ્ત કરી લેવામાં આવ્યા હતા.

સપ્ટેમ્બર 2007માં મહિલા એક્ટિવિસ્ટ્સે તે સમયના તત્કાનીન રાજા અબ્દુલ્લાહને ડ્રાઇવિંગ પર મુકવામાં આવેલા બેનને હટાવવા માટે 1000 હસ્તાક્ષરો વાળી એક અરજી આપી હતી.

માર્ચ 2008માં વજેહા-અલ હુવૈદર નામની એક એક્ટિવિસ્ટે યુ-ટ્યુબ પર ગાડી ચલાવતો એક વિડિયો પોસ્ટ કર્યો હતો.

જૂન 2011માં ફેસબુક પર વુમન ટુ ડ્રાઇવ નામનું એક કેમ્પેઇન લોંચ કરવામા આવ્યું હતું. મહિલાઓના ડ્રાઇવિંગ સાથે જોડાયેલા 70 કેસ નોંધાવવામાં આવ્યા કેટલાકમાં તો ધરપકડ પણ કરવામાં આવી.
ઓક્ટોબર 2013માં અનેક મહીલાઓએ ડ્રાઇવિંગ કરતા પોતાના ફોટો અને વિડિયો ઓનલાઇન શેયર કર્યા હતા.

નવેમ્બર 2014માં એક્ટિવિસ્ટ્સ લૂજા-ઇન હથલાઉલ અને માયસા અલ-અમૂદીને 73 દિવસ સુધી હિરાસતમાં રાખવામાં આવ્યા હતા. યુએઇથી સાઉદી અરબ સુધી ડ્રાઇવ કરવાના પ્રયાસ બાદ તેમના પર આતંકવાદ સાથે જોડાયેલા ગુના નોંધવામા આવ્યા.

સપ્ટેમ્બર 2017માં કિંગ સલમાને મહિલાઓને ડ્રાઇવિંગની મંજૂરીનો આદેશ આપ્યો. હજુ શનિવારની સાંજે સ્ત્રીને ગાડી ચલાવતાં જોવામાં આવી હોત તો તેણીને જેલ ભેગી કરવામાં આવી હોત. પણ પરવાનગી મળતાં રવિવારના દિવસે કાર ચલાવતી મહિલાઓનું સમ્માન કરવામાં આવ્યું હતું.

24, જૂન 2018ના રોજ મહિલાઓને છેવટે પોતાની ડ્રાઇવિંગ સીટ મળી જ ગઈ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version