સાતમે પગલે – અત્યારના આધુનિક સમયમાં દરેકે સમજવા જેવી લાગણીસભર વાર્તા…

છમ.. છમ.. છમ… ના અવાજ સાથે ક્હાને લીલી ડુંગળી ને લસણનો વઘાર કર્યો અને કક્ષિકાના નાકમાં તેની વાસ બેસી ગઈ..

શિયાળાની એક તાજગીભરી સવારનો સમય હતો.. સાત વાગ્યા હતા છતાંય જાણે વહેલી પરોઢના ચાર વાગ્યા હોય તેવું અંધારું છવાયેલું હતું. કહાન રોજ સવારે છ વાગ્યે જાગી જતો. તેનું અને તેની પત્ની કક્ષિકાનું ટિફિન તૈયાર કરવાની સઘળી જવાબદારી તેની જ હતી. તેના માતાપિતા તેના લગ્નના એક વર્ષ પહેલા જ ગામડે રહેવા ગયેલા એટલે અહી તે બંને જ રહેતા.. લગ્ન થયા ત્યારથી તેણે કક્ષિકાને કહી દીધેલું કે બીજું બધું ભલે તે કરે પરંતું રસોડું તો પોતે જ સંભાળશે. ગરમ મસાલાથી લઈને જાયફળ-જાવિંત્રી ને તજ-લવિંગનો ઉપયોગ કરી તે ચટાકેદાર જમવાનું બનાવતો.. શરૂઆતમાં કક્ષિકાને બહુ નવાઈ લાગતી કે કહાનને રસોડા પ્રત્યે આટલો પ્રેમ કેમ છે..! પરંતુ ધીમે ધીમે સમય જતા તે ટેવાઈ ગઈ હતી..


અત્યારે પણ તે સવારે તૈયાર થઈને ઘરની બહાર નીકળતી જ હતી કે રસોડામાંથી કહાનની બૂમ સંભળાઈ..! “અરે ઉભી તો રે ડાર્લિંગ.. તારું ટિફિન તૈયાર છે.. એ લઈને જ જા.. નહીંતર પાછી તું બહારનું ખાઈશ અને બીમાર પડીશ…!”

શહેરના છેડે આવેલા નવા બનેલા બઁગલોઝમાં બંને પતિ-પત્ની હજુ બે મહિના પહેલા જ રહેવા આવ્યા હતા. કક્ષિકા એક પ્રતિષ્ઠિત ગવર્નમેન્ટ સ્કૂલમાં શિક્ષિકા હતી.. કહાન બે મહિના પહેલા સુધી એક મલ્ટીનેશનલ કંપનીમાં જનરલ મેનેજર હતો. પરંતુ અહીં રહેવા આવ્યા પછી તેણે એ જોબ છોડી દીધી હતી.. કક્ષિકા કારણ પૂછતી તો એ કઈ ના જણાવતો. પછીથી તેણે પણ પૂછવાનું બંધ કરી દીધું હતું. આખો દિવસ કહાન રસોડામાં જ વ્યસ્ત રહે.. તેના મસાલા ને મહોતા તેની પ્રિય વસ્તુઓ..


અવનવી અદાથી કહાન મહારાજની સ્ટાઈલમાં ગમછો તેના ખભે નાખે અને પછી છમછમ કરીને દરેક વાનગીનો વઘાર કરે.. હવે તો કક્ષિકાને પણ તેના હાથનું જમવાની આદત પડી ગઈ હતી.. પરંતુ હા તેનો મતલબ એવો બિલકુલ નહોતો કે કક્ષિકા જમવાનું જ ના બનાવતી. સાંજે સ્કૂલેથી આવ્યા બાદ રાતનું જમવાનું કક્ષિકા જ બનાવતી. તે સમયે કહાન કમ્પ્યુટર પર બેસીને કઈ ને કઈ ટાઈપ કરતો રહેતો.. કક્ષિકાને લાગતું કે તેને કોઈ નવું કામ મળી ગયું હશે તેથી તે કમ્પ્યુટરમાં વ્યસ્ત રહે છે.. કહાન પણ કઈ ચોખવટ ના કરતો. છેલ્લા બે મહિનાથી આ જ રૂટિન બની ગયું હતું તેમનું…


એક દિવસ કક્ષિકા સાંજે સ્કૂલેથી આવી અને સમાચાર લાવી કે કહાનના માતાપિતા એટલે કે તેના સાસુ-સસરા ગામડેથી થોડા દિવસ હવાફેર કરવા માટે આવી રહ્યા છે.. કક્ષિકાના માતાપિતા તે નાની હતી ત્યારે એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા.. તે પછી મામામામીના ઘરે રહીને મોટી થયેલી કક્ષિકાને લગ્ન પછી પોતાના પ્રેમાળ સાસુ-સસરા માટે બહુ લગાવ હતો.. સન્માન પણ એટલું જ હતું. લગ્ન પછી તેમના જ કહેવાથી તો પોતે એમએડ કરેલું અને શિક્ષિકાની આ નોકરી સ્વીકારેલી. તેઓએ હંમેશાથી પોતાને પ્રોત્સાહન આપ્યું હતું. આ બધું યાદ કરતા કરતા કક્ષિકા મનોમન ખુશ થઇ રહી હતી કે તેણે ઓરડામાંથી કહાનનો અવાજ સાંભળ્યો..

“કક્ષી, પ્લીઝ આજે મારા માટે જમવાનું વધારે બનાવજે હો ને.. કામ બહુ છે ને ભૂખ પણ બહુ લાગી છે..!” પતિદેવની ફરમાઈશ સાંભળીને કક્ષિકા કામે લાગી ગઈ.. કહાન ચોક્કસ જમવાનું સ્વાદિષ્ટ બનાવતો પરતું એક સ્ત્રી તરીકે કક્ષિકાનો પણ રસોઈમાં જોટો જડે તેમ ના હતો…! તે રાતના જમવા સમયે કહાને કક્ષિકાનો હાથ પકડ્યો અને કહ્યું,


“કક્ષી, કાલે મમી-પપ્પા આવે ને પછી એમના માટે એક સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરી છે.. પરમદિવસે તેમની પચીસમી મેરેજ એનિવર્સરી છે એટલે હું તેમને સરપ્રાઈઝ આપવા માંગુ છું.. અને હા તારા માટે પણ એક સરપ્રાઈઝ છે..સિક્રેટ જ સમજ ને..! મારી, બલ્કે આપણી જિંદગીનું એક બહુ મોટું સિક્રેટ.!” કહાનની ગોળગોળ વાતોથી કક્ષિકાને કઈ સમજ નહોતી પડી રહી.. સમજવાનો પ્રયત્ન કર્યા વગર પતિ પર વિશ્વાસ રાખીને તે રાત તેણે કહાનના બાહુપાશમાં જ વિતાવી…!

બીજા દિવસની સવાર એકદમ ગુલાબી ખીલી હતી..! બ્લેન્કેટ ઓઢવું ગમે ને પંખો બંધ કરવો ના ગમે તેવી એ સવારે સાત વાગ્યામાં જ ઘરની ડોરબેલ વાગતા કક્ષિકા રસોડામાંથી દોડતી દરવાજે ગઈ…! “અરે મારી લાડકી, મારી સાત ખોટની વહુ… મારી વ્હાલી.. કેમ છે દીકરી તું..?!” સાસુમાનો હેતાળ હાથ માથા પર ફર્યો ને તેમના મોંમાંથી નીકળેલા મીઠાશભર્યા શબ્દોની સરવાણીથી ભીંજાઈને કક્ષિકા તેમની છાતીમાં લપાઈ ગઈ.. જાણે એક દીકરી સાસરેથી પિયરે જઈને તેની માઁને વળગી પડે બિલકુલ તેમજ..!


“અરે અરે દીકરી.. આજ તો કઈ બહુ વહાલ આવે છે ને… જરા કહે જોઉં, શું વાત છે..? કઈ ખુશખબર છે કે શું??” સાસુમાએ કક્ષિકાને પૂછ્યું. કક્ષિકાએ જવાબ આપતા કહ્યું, “કઈ નહિ મમી… બસ આજે તમારા પર પ્રેમ ઉભરાઈ આવે છે.. કાલે તમારી ને પપ્પાની એનીવર્સરી છે ને એટલે..!!” “હા..હા..હા.. સાચી વાત છે.. કાલે તારા પપ્પા સાથે પચીસ પુરા થશે..

તને ખબર છે દીકરી, સપ્તપદીના સાત વચન આપ્યા ત્યારે ખરેખર આશા નહોતી કે સાપસીડીની રમત જેવી ઉતાર-ચઢાવ વાળી આ જીંદગીમાં તારા પપ્પાનો સ્નેહ અને સહકાર મને ભરપુર મળશે.. ડગલે ને પગલે તેમનો સાથ મળ્યો એટલે આજે અહી જીવતી તારી સામે ઉભી છું.. બાકી એક સમય એવો હતો જ્યારે હું જીવનમાં સાવ નાસીપાસ થઇ ગયેલી… ત્યારે સતત તારા પપ્પાની હૂફ હતી.. તેમણે મારી ખાતર ઘણું સહન કર્યું છે..!”

સાસુમાની વાત સાંભળી કક્ષિકા તેમણે આશ્વાસન આપતા ભેટી પડી.. તે દિવસે રાતના બાર વાગ્યે કહાને પોતાના માતાપિતાને સરપ્રાઈઝ આપી… તે ચારેય બહુ ખુશ હતા.. અને બીજા દિવસની એક સોનેરી સવારથી અજાણ પણ ખરા… એનીવર્સરીની સવાર તે ચારેય માટે બહુ જ ખાસ હતી.. કહાન પોતે આપવા જઈ રહેલા સરપ્રાઈઝ માટે ઉતેજના અનુભવી રહ્યો હતો.. કક્ષિકા સિક્રેટને જાણવા ઉત્સુક હતી અને કહાનના માતાપિતા, સુબોધભાઈ અને કીર્તીબહેન પોતાના લગ્નની પચીસમી વર્ષગાંઠને લઈને આનંદિત હતા…


કહાને તે દિવસે રસોડું સંપૂર્ણપણે કક્ષીકાને સોંપી દીધેલું.. બપોરના જમવા સમયે ડાઈનીંગ ટેબલ પર કહાને માતાપિતાને સંબોધીને કહ્યું, “માં-પાપા આજે સાંજે તમારા બંને માટે સરપ્રાઈઝ છે.. પચીસ વર્ષ પૂર્ણ થયા એકબીજાના સહકાર થકી તેનું બહુ મોટું સેલિબ્રેશન થવું જોઈએ.. બસ તો તે માટે થઈને જ તમે તૈયાર રહેજો… સાંજે આઠ વાગ્યે આપણે બહાર જવાનું છે..!!” દીકરાની વાત સાંભળી સુબોધભાઈ અને કિર્તીબહેન ખુશ થયા.. અને સાંજની રાહ જોવા લાગ્યા.

શહેરની વચોવચ આવેલા વિશાળ પાર્ટીપ્લોટને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો હતો. ચારેતરફ રોશનીનો ઝગમગાટ હતો અને માણસોની ચહલપહલ…હજારથી પણ વધારે માનવમેદનીથી ઉભરાયેલો તે પાર્ટીપ્લોટ હવે યજમાનોની રાહમાં હતો… કહાન અને કક્ષિકા તો પહેલા જ આવી ગયેલા પરંતુ કીર્તીબહેન અને સુબોધભાઈ હવે આવવાના હતા.. કક્ષિકાએ આગ્રહ કરીને સાસુમાને પાર્લરમાં મોકલ્યા હતા અને ત્યારબાદ બન્નેને ડ્રાઈવર ગાડીમાં લઈને આવવાનો હતો.. હજુ તો કક્ષિકા તેમને ફોન કરવા જતી હતી કે ત્યાં જ ગાડીનો અવાજ આવ્યો..


“અરે કહાન ચાલો.. મમી-પાપા આવી ગયા લાગે છે..” કક્ષિકાનો અવાજ સાંભળી કહાન બહારની તરફ ગયો.. ગાડીને જોઇને નજીક જઈને દરવાજો ખોલ્યો અને પોતાના પિતાજીનું સ્વાગત કર્યું.. સુબોધભાઈ પણ બીજી તરફ ગયા અને કીર્તીબહેનને નીચે ઉતાર્યા.. ઓફ્વાઈટ સાડીમાં સજ્જ કીર્તીબહેન જાજરમાન લાગતા હતા.. સુબોધભાઈએ પણ પત્ની સાથે મેચિંગ કરીને તેવા જ કલરનું થ્રી પીસ સુટ પહેરેલું… અંદર દાખલ થતા જ બંને અચંબિત થઇ ઉઠ્યા.. જીવનભરના દરેક સંબંધને તેઓ અહી નજરોનજર નિહાળી રહ્યા હતા.. ગામડાના દરેક સંબંધી ને કુટુંબી, બધા જ અહી હાજર હતા.. દીકરાએ આટલું અદ્ભુત આયોજન કર્યું હશે તેનો બંનેને ખયાલ જ નહી હતો.. કહાનના કહેવાથી અંદર આવીને બન્ને સ્ટેજ પર બેઠા અને કહાને માઈક હાથમાં લીધું..


“મિત્રો આપ સૌનો આભાર… મારા માતાપિતાની પચીસમી લગ્નતિથીને યાદગાર બનાવવા આપ સૌ અહી આવ્યા તેનો મને અત્યંત આનંદ છે.. મારા માતાપિતાને પણ નવાઈ લાગી રહી છે કેમકે તેઓને પણ અંદાજ નહોતો કે આપ સૌ અહી ઉપસ્થિત હશો.. બધાને જ અહી બોલાવવાનું ખાસ કારણ છે..

અહી રહેલા દરેક વડીલ મારા પિતાજીથી અજાણ્યા તો નથી જ.. તેમના સંઘર્ષથી અને તેમના સાહસ્થી તેઓ સંપૂર્ણપણે જ્ઞાત છે.. પપ્પાની જીંદગીમાં એક સમય એવો હતો જયારે તેમને કોઈનો સહકાર નહોતો સાંપડ્યો.. અહી હાજર ઘણા બધાએ તેમને પોતાના ઘરના દરવાજેથી જાકારો આપ્યો હતો.. મારી માં ત્યારે મરવાની અણી પર હતી.. અને તે બધું શેના કારણે ???

ફક્ત એક જ વાતના લીધે… મારા પિતાજીએ મારી માને થોડો સમય જમવાનું બનાવીને ખવડાવ્યું તેના કારણે તેમને “બાયલા” કહીને સંબોધવામાં આવેલા.. “ગામનો ઉતાર” કહીને ગામબહાર કરાયેલા.. હા.. અહી હાજર અમુકે તો તે નજરોનજર જોયું છે…. ઘણા આ કાર્ય કરવામાં ભાગીદાર પણ છે.. અને ઘણા મારી પત્નીની જેમ આ બાબતથી સાવ અજાણ છે..

તે સમયે મમી એક ટોચના ગાયિકા હતા.. ગામેગામ તેમના અવાજનું માધુર્ય છવાયેલું હતું.. ગુજરાતના લતાદેવી કહેવાતા તેઓ.. તે સમયે પપ્પા ગામમાં રહેલી અમારા પૂર્વજોની ખેતી સંભાળતા.. ઘણી વખત એવું બનતું કે મમી બહારગામ માટે થઈને, તો આવવામાં મોડું થઇ જાય.. તે માટે થઈને પપ્પા લગ્નના થોડા વર્ષો બાદ, હું દસ વર્ષનો હતો ત્યારથી તેમના માટે જમવાનું બનાવા લાગ્યા હતા.. રોજ સવારે તે મમીને ટીફીન ભરી દે અને સાંજે મમી આવે ત્યારે જમવાનું તૈયાર રાખે.. પપ્પાને મારા દાદીમાએ નાનપણથી જ બધું કામ કરતા શીખડાવેલું.. એટલે તેમની રસોઈ પણ સ્વાદિષ્ટ બનતી… એવામાં એક દિવસ આ રામજીદાદાના પત્ની રેવાકાકી પપ્પાને રસોડામાં જોઈ ગયા.. દરવાજો ખુલ્લો હતો અને આંગણામાંથી રસોડું દેખાઈ રહ્યું હતું.. ખભા પર ગમછો નાખીને શાકનો વઘાર કરતા પપ્પાને જોઇને રેવાકાકીએ જોરથી બુમ પાડેલી “ઈ બાયલા”…!


તે સમયે હું બાર વર્ષનો હતો.. રેવાકાકીની બુમ સાંભળીઆજુબાજુના ઘરોમાંથી બધા દોડી આવેલા ને રીતસરનો પછી તો પપ્પાનો ઉધડો લીધેલો..તે સમયે મને યાદ છે મારા પપ્પાએ જરાય ડર્યા વગર અને એ કાર્યની નાનપ રાખ્યા વગર શાનથી જવાબ આપેલો, “અરે બાયલા તો તમે બધા છો.. જે પોતાની અમુક રૂપરડીની કમાણી આપીને ઘરવાળીને નોકરાણી સમજો છો.. અને તમે બધી બાયું ધણીની ખોટી વાતો અને તેના હલકાઈભર્યા વર્તનને પણ તેના પૌરુષત્વમાં ખપાવી તેની પતિવ્રતા પત્ની હોવાનું અભિમાન કરો છો..!!

મને ગર્વ છે કે હું મારી કમાતી બૈરીને ટીફીન બનાવી આપું છું.. હું તેના દરેક કાર્યને વહેચીને તેને મદદરૂપ બનું છું કારણકે લગ્નના ફેરા સમયે, સાતમે પગલે મેં તેને હમેશ જિંદગીભર મિત્ર બની રહેવાનું વચન આપ્યું છે.. અને મિત્રતામાં કોઈ કાર્ય નાનું કે મોટું ના હોય શકે..!!” ને ત્યારે જ દરવાજે આવેલી મારી માએ તાળીઓ પાડીને મારા પપ્પાની વાતમાં સાથ પુરાવ્યો હતો.. તે સમયે તમારા જુનવાણી મગજમાં મારા પપ્પા માટે જે તિરસ્કાર હતો તેના કારણે તમે તેમને ગામબહાર કરેલા… ને પછી તો મારી માની કરિયર પણ પૂરી થવા આવેલી…


ઘણા વર્ષોના સંઘર્ષ પછી મારા લગ્નના એક વર્ષ પહેલા તેઓ ગામ પાછા રહેવા આવેલા.. તે સમયે મલ્ટીનેશનલ કંપનીમાં જોબ ધરવતા દીકરાના બાપ તરીકે તેમને તમે ગામવાળાઓએ જયારે આવકાર આપેલો ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે તેમને તેમનું માન પાછુ અપાવીને રહીશ. બસ આજના દિવસથી શ્રેષ્ઠ બીજો કયો દિવસ હોય શકે? આજે ત્રણ વર્ષ પછી હું આપ સૌની સમક્ષ કહું છું કે મારા પિતાજી એક પત્નીવ્રતા, પ્રમાણિક, સંપૂર્ણ, સાહસિક અને સતત પત્નીને સાથ આપીને તેને સફળતા અપાવનારા પુરુષ છે.. જેનો મને ગર્વ છે…!!”

કહાનની વાત સાંભળી ત્યાં બેઠેલા કોઈની આંખમાં આંસુ હતા તો કોઈના ચહેરા પર અચરજ.. કોઈ મોમાં આંગળા નાખી ગયેલું તો કોઈના મો પર શરમિંદગી હતી.. પરંતુ સુબોધભાઈ, કીર્તીબહેન અને કક્ષિકા.. તે ત્રણેયની આંખમાં ગર્વ હતો.. પ્રેમ હતો અને આત્મીયતાની હુંફ હતી..

કક્ષિકા ઉભી થઈને તેના સાસુ-સસરા પાસે ગઈ અને તેમના ચરણસ્પર્શ કર્યા.. ને લોકોએ તાળીઓના ગડગડાટથી તે સૌને વધાવી લીધા.. રામજીદાદાની આંખના ખૂણે પણ આંસુનું ટીપું બાઝેલું હતું.. રેવાકાકી આજે હયાત હોત તો તેઓને ચોક્કસ પસ્તાવો થઇ રહ્યો હોત.. તેવું વિચારીને તેઓએ સ્ટેજ પર આવી અને સુબોધભાઈ અને કીર્તીબહેનની માફી માંગી..

આ ખુશીઓની ક્ષણોને કેમેરામાં કંડારીને કહાને ફરી માઈક હાથમાં લીધું અને સૌને સંબોધીને કહ્યું.. “અહી આ પાર્ટી પૂરી નથી થતી… હવે તો ઘણા વર્ષો વીતી ગયા પરંતુ આજે હું એ ભૂતકાળની ક્ષણોને ફરી જીવિત કરવા માંગુ છું.. તેમાં આપ સૌનો મારે સાથ જોઈએ..’ આટલું કહીને કહાન સ્ટેજની નીચે ઉતરીને સાઈડમાં રાખેલા પડદા તરફ ગયો અને તે પડદા હટાવીને બોલ્યો,


“અહી આજે ભોજન બનાવાની બધી સામગ્રી છે.. અહી હાજર દરેક પુરુષ પોતાની પત્ની માટે તેને આવડતું તેવું કઈક બનાવે તેવી મારી ઈચ્છા છે.. અને પ્લીઝ શરમને નેવે મુકીને દરેક પુરુષ પત્ની પ્રત્યેના પ્રેમને માટે થઈને જો આ કાર્યમાં ભાગ લેશે તો મને બહુ જ ગમશે.. એક ખાસ વાત.. આપનું જમવાનું જજ મારા પિતાશ્રી શ્રી સુબોધભાઈ કરશે.. પક્ષપાત વિના..!! કેમ પપ્પા બરાબરને…!!”

દીકરા કહાનની વાત સાંભળી સુબોધભાઈએ હા કહી ને ત્યાં હસી-ખુશીનું હળવું વાતાવરણ છવાઈ ગયું.. તે રાત સૌ કોઈ માટે ખાસ હતી.. સુબોધભાઈ અને કીર્તીબહેનને જાણે પચીસ વર્ષ લેખે લાગ્યા હોય તેવું લાગ્યું.. દરેકની આંખમાં તેમના પ્રત્યેનો આદરભાવ જોઈ તે બંને ગદગદિત થઇ ઉઠ્યા.. કહાન અને કક્ષિકા પણ બહુ જ ખુશ હતા.. પાર્ટી પૂરી થયા બાદ ચારેય ઘરે પાછા ફર્યા ત્યારે કેટકેટલી યાદો તેમના હ્રદયમાં કંડારાય ગયેલી.. ઓરડામાં દાખલ થતા જ કક્ષિકાએ કહાનને પૂછ્યું,

“તો આ હતું તમારું સિક્રેટ એમ ને?? આ કોમ્પિટિશનમાં જીતવા માટે તમે લગ્ન પછીથી જમવાનું બનાવતા એમ ને??” પત્નીની વાતનો જવાબ આપતા કહાને કહ્યું, “ના કક્ષિકા.. હું મારા પપ્પા જેવું જીવવા માંગતો હતો.. તે મારા આદર્શ છે.. અને જોબ પણ મેં બે મહિના પહેલા એટલે જ છોડી હતી કારણકે હું આ પાર્ટીની તૈયારી કરવા માટે પુરતો સમય ફાળવવા માગતો હતો.. રોજ સાંજે કમ્પ્યુટર પર બેસીને હું ઇન્વિટેશન લખતો.. બધાને પર્સનલી મેઈલ કરીને અલગ અલગ રીતે મેં ઇન્વાઇટ કરેલા.. આ તો મમી-પપ્પા આવી ગયા બાકી હું જ તેમને જઈને લઇ આવવાનો હતો.


મને ખુશી છે કે આજે બધું સરસ રીતે પાર પડ્યું..!!” પતિની વાત સાંભળી તેની છાતી પર માથું ઢાળીને કક્ષિકા બોલી, “તો મતલબ તમે આજીવન મને જમાડશો ને પતિદેવ..??” “બિલકુલ રાણીસાહેબા.. તમે કહો તેમ..! તમે કહેશો તે જ જમાડીશ…!” ને રાત પણ તેમને એકમેકમાં ઓગળતા જોઈ તે દિવસે શરમાઈ ગયેલી…!

લેખક : આયુષી સેલાણી

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ