સાટામાં સગપણ – બંને લગ્નના થોડા જ સમયમાં બે શરીર એક જીવ બની ગયા હતા પણ સંજોગ…

*સાટામાં સગપણ*

એક દિવસ સાંજે કાનજીને વાડીએથી આવતાં વાર લાગી, આથી હેમા એની રાહ જોવામાં એવી ખોવાઈ ગયેલી કે આજુબાજુનું કાંઈ ભાન રહ્યું નહીં. એની નજર રસ્તા પર ખોડાઈ ગયેલી. થોડી થોડી વારે એ રસ્તા તરફ જોતી જાય ને, ” હજુ કેમ ના આવ્યા? કાંઈ અજુગતું થયું હશે ?” બળદ ભડકયા હશે ? એમને કાંઈ વાગ્યું તો નહીં હોયને ?” આવા વિચારો દોડાવતી ગઈ ને સુનમુન બેઠી રહી.

image source

” બેટા હેમાવહુ, ભેંસ દોવાઈ ગઈ હવે તો પાડું છોડો, એમ કાંઈ લમણા વાળેથી અબઘડી કાનો આવી નથી પહોંચવાનો. “એની સાસુએ ટોકી ત્યારે એ ભાનમાં આવી ને ભોંઠી પડી. એવું ઘણી વખતે બનતું. મૂળ મુદ્દે એ ભૂલકણા સ્વભાવની. સાસુ રતનબેન પણ બહુ રંગીલા સ્વભાવનાં. વહુને એવો મીઠો ટોણો મારે કે એને જરાય ખોટું ના લાગે. હેમાને કાનજીનાં લગ્ન થયે હજુ વરસેય પૂરું નહોતું થયું તોય, એક બીજાના જીવ એવા ભળી ગયેલા ને કે જાણે, ‘એક જીવ ને બે ખોળિયાં.’

રતનબેને એક દીકરી પણ હતી. તેને હથેળીના છાંયે ઉછેરેલી. એ એમને બહુ વ્હાલી. કાનજીની વહુ હેમાને તેઓ ‘બેટા હેમ’ કહીને બોલાવે. હેમ એટલે સોનુજ ને ! ને આ હેમા ખરેખર હેમનો કટકો! હેમ ! હેમ ! બોલતાં રતનબેનની જીભ સુકાઈ જાય. સામે હેમા પણ બોલાયે ચલાયે એટલી મીઠડી કે એના હોઠોમાંથી એકલા મધ ઝરતા શબ્દો નીકળે. કાળા ભમમર ને કેડથી નીચે પહોંચે તેટલા લાંબા વાળ ને ઘઉંની કણક જેવા ગોરા ગોરા ગાલ ને ગાલમાં પડતાં ખંજન ને ઉપરથી ઠસ્સાદાર ચાલ. ફળિયાની સ્ત્રીઓ એનાં બેમોઢે વખાણ કરે.

રતનબેનને કાનાના લગ્નના આટલા ટૂંકા ગાળામાં મૂળીનું વ્યાજ મેળવવાની ઉતાવળ. મોટેભાગે એવું બને કે કાનાને વાડીએ રાતવાહો રહેવાનું થાય. રોજ રાત પડવા આવે ને કાનો સમી સાંજે વાળું કરતોકને વાડીએ ઉપડી જાય. રતનબેન ક્યારેક કાનાને કહતાં, ” કાના, બેટા રોજ ઘરે થોડી ઊંઘ લઇ પછી આરામથી વાડીએ જતો હોય તો , શું લૂંટાઈ જાય છે ?”

image source

એ રાતે કાનો થાક્યો હતો તે વાળું-પાણી કરી, આરામ કરવા ઘરમાં જઈને ખાટલા પર આડો થયો. એમ વિચારીને કે થોડો પોરો ખાઈ લઉં, પછી વાડીએ જવા નીકળું. બહાર હેમા વાસણ ઉટકી ને ઢાંકોઢૂંબો કરી રહી હતી. હિંચકા પર માળા ફેરવતાં ફેરવતાં વિચારે ચડી ગયેલાં. રંગીલા સ્વભાવનાં રતનબેનથી રહેવાયું નહીં. માળા ફેરવવાની અટકાવી ને એ બોલ્યાં, ” બેટા હેમ, તું ખાટલે જા, કાનાને વાડીએ જવાનું મોડું થાય છે ” હેમા તો શરમથી બેવડ વળી ગયેલી. એતો અડધું કામ પડતું મેલીને નીચું મોં રાખીને ગઈ ખાટલે.

આવું હસતું ખીલતું જોડું ને જો એકબીજાના છૂટાછેડા થાય, સ્વર્ગ સમા ઘરથી જુદા પડવાનું થાય તો એમની શું હાલત થાય એ વિચારો. ખરેખર બન્યું પણ એવું. આ વરઘેલી હેમાના કાનજીથી છુટા છેડા થઈ ગયા. તમને માન્યામાં નહીં આવે પણ એક વખત નાતનું પણ પંચ બેઠું ને વહુઘેલા કાનજીને એ પંચે એની હેમાથી વિખૂટો પાડી દીધો. પંચવાળા પણ સમજતા હતા કે આ પાપનું કામ છે . છતાં આવું કામ કરવું પડ્યું. પણ સમાજના પંચને આવું કેમ કરવું પડ્યું?

કાનજી ને એની નાની બેન લીલા બેય સાટેપેટે. હેમા લીલાની ભાભી ને લીલા હેમાની ભાભી. હેમાની નણંદ લીલા. લીલાની નણંદ હેમા. સંજોગો એવા બન્યા હતા કે સાટા વગર એક બીજાનું સગપણ થાય તેમ હતું નહીં. આથી આવો સબંધ થયેલો. રતનબેને તેમની દીકરીને ખૂબ લાડેકોડે ઉછેરેલી. એકતો મોઢે ચડાવેલી, ચાર ચોપડી ભણેલી, ને ઉપરથી એના ઘરવાળા ચંદુની જીભ બોલતી વખતે જરા ઝલાય. આથી ચંદુ એને ગમે નહીં. લીલાની સાસુ આકરા સ્વભાવની. સાસુનો શણકો એ ખમી ના શકે. મહિને ને બે મહિને એ રિસાઈને પિયર આવી જાય. શરૂ શરૂમાં રતનબેને એને ઘણી સમજાવી પણ પથ્થર પર પાણી. લીલા ઘર બાંધીને સ્થિર ના થઇ શકી. એણે ભાઈ-ભાભીની ચિંતા કર્યા વગર પોતાનો બાંધેલો માળો વીંખવા લાગી.

image source

એક પ્રસંગે લીલાનો ઘરવાળો તેને તેડવા આવ્યો. આ વખતે રતનબેનની હાજરીમાં લીલાને તેના ઘરવાળા ચંદુ સાથે ઝગડો થયો.આ ઝગડામાં ચંદુએ તેની ચોંટી જતી બોલીમાં રતનબેનને એલફેલ શબ્દો બોલ્યા અને મામલો કાબુ બહાર થઈ ગયો. છાસ વારે થતા આવા લોહીઉકળાથી કંટાળીને ના છૂટકે પછી ચંદુના બાપા રમણલાલે નાતનું પંચ બોલાવ્યું ને, પોતાના છોકરાની વહુ લીલાની બાલીશતા ગાઈ વગાળી. નાતના પંચે ઘીના ઠામમાં ઘી સમાવવા ઘણા રસ્તા બતાવ્યા. લીલાવહુના માબાપને પંચ રૂબરૂ બોલાવી છૂટાછેડા વગર બીજો કોઈ વચલો રસ્તો નીકળતો હોય તો તેનું પણ વિચારી જોયું. પણ લીલાની બા કોઈ વાતે બંધાઈ નહીં. છેવટના ઉપાય તરીકે રમણલાલના છોડી-છોકરા બેયના છૂટાછેડા કરાવવા તેવું નાતના પંચે નક્કી કર્યું.

નક્કી થયા મુજબ પંચ આવ્યું ધનજીભાઈ-રતનબેનના ઘરે. ગામના પાંચ નાતભાઈઓ ને બોલાવ્યા. ફરી કોઈ વચલો રસ્તો નીકળતો હોય તો તે અપનાવવાની વાતો થઈ. હેમા મૂંગા મોંએ બધું સાંભળી રહી હતી, તેની સોળે કળાએ ખીલી ઊઠેલી ફુલવાડીમાં આગ લાગવા જઇ રહી હતી તે તેનાથી જોયું જતું ના હતું, પણ સમાજના જડ રિવાજ આગળ તે લાચાર હતી. તે સમાજના કે તેના બાપના નિર્ણયને ઉથાપી શકે તેમ ના હતી. નિર્ણય લેવાઈ ગયો- લીલા એના બાપના ઘરે ને હેમા એના બાપના ઘરે. ફારગતી લખાઈ ગઈ.

image source

પંચવાળા અને હેમાના બાપા રમણલાલ તો ખરા બપોર હતા, તોયે હેમાને લઈને થયા ચાલતા. તાપ કહે મારું કામ. સૂરજ માથે આવેલો. જમીન તપીને લોઢા જેવી થઈ ગયેલી. રતનબેને દીકરીનો પક્ષ ખેંચી બળતા જીવે હેમાવહુને જવા દીધી. માથે કપડાંનું પોટકું ને આંખે અંશુનાં તોરણ સાથે હેમા નીકળી ત્યારે એને ઘરનો ઉંબરો ડુંગર જેવડો થઈ પડ્યો હતો. છેલ્લીવારનું કાનાનું મોં જોવા હેમાએ તૈયાર થવામાં ઘણી વાર લગાડી, પણ પંચવાળા ઉતાવળ કરતા હતા એથી ઘર છોડતાં પહેલાં એ કાનાને ના મળી શકી. હેમા જ્યારે ગામમાંથી નીકળી ત્યારે ગામના ઝાડવે ઝાડવા ને જોતી જોતી આંશુ રેલાવતી ભાગેલા પગે આગળ વધી.

એ ગઈને થોડી વારે કાનો ખેતરથી આવ્યો. ઘરમાં ગમગીની છવાઈ ગયેલી હતી. એને રાંધણીયામાં નજર નાખી. ઘણી વાર થઈ પણ પાણીનો લોટો લઈ હેમા ના આવી. આથી એણે પૂછ્યું, ” બા હેમા ક્યાં ગઈ ?” રતનબેને એને દુઃખી હૃદયે બધી વિગતે વાત કરી. કાનજીતો એમની નાતનાં બંધન જાણતો હતો તેમ છતાં હકીકત જાણી માથે વીજળી પડી હોય એવો આંચકો અનુભવ્યો. પોતાની માની વાત સાંભળી રહયા પછી એની નજર ગેર નીચે પડી તો, હેમાનાં ચંપલ જોયાં. એ બોલી ઉઠ્યો, . ” બા કેટલી વાર થઈ એમને નિકળયાને ? કેટલે પહોંચ્યા હશે ?” કાનજી બહાવરો થઈ પૂછવા લાગ્યો.

image source

” નિકળયાને થોડીજ વાર થઈ, હજુ પાધેળું ખેતર હવે વટાવ્યું હશે.” એની બાએ અનુમાન દોડાવ્યું. ખેતરથી ભૂખ્યો થઈને આવેલો કાનો પાણી પીવાય ના રોકાણો ને હેમાનાં ચંપલ હાથમાં પકડીને ભાગ્યો એમની પાછળ. દોડતો ગયો. દોડતો ગયો.. જ્યારે એણે દૂર દૂર માણસો જતાં જોયાં ત્યારે બુમો પાડવા લાગ્યો, “હેમા… એ..હેમા.. ઊભી… રે ઊભી…. રે આ તારાં ચંપલ લેતી જા…” પંચવાળાએ દૂરથી આવતો અવાજ સંભળાયો. બધા રોકાયા. એ દોડતો તેમની નજીક ગયો ત્યારે હેમાએ ઘૂમટો ખેંચ્યો. ભરેલા શ્વાસે કાનજી બોલ્યો, ” તું… તો સાવ ભૂલકણી રહી, ચંપલ પહેર્યા વગર ઉઘાડા પગે નીકળી ભૂંડી ! જો પગના તળિયે ફોલ્લા પડી ગયા હશે ! ” આટલું બોલી કાનજીએ હેમાના પગ પાસે ચંપલ મૂક્યાં.

ચંપલ પહેરતાં પહેરતાં હેમા એના બાપાને સંબોધીને બોલી, “બાપા, એમને કહો, કે સમુમાં આમારા ઘરે માતરની પ્રસાદી આપી ગયાં છે. તે એમના ભાગની મેં વાટકીમાં લઈ કોઠામાં (રાંધેલો ખોરાક મુકવાનું માટીમાંથી બનાવેલું કબાટ ) મૂકી છે તે ખાઈ લે.” હેમાએ આગળ ઉમેર્યું , ” અંબાલાલભઇ, એમને કહો, કે રાતવરત જો ચંદણીયા ખેતર જાય તો ઓલા બોરડીના ઝાડની બાજુમાં જરા સંભાળીને પગ મુકે, મેં ઘણી વખત ત્યાં સાપ નીકળતો જોયો છે.” વાયા વાયા એણે કાનજીને સંભળાવ્યું.

” બાપુજી , એ ભૂલકણી બહુ છે. એને ખાધુકે નહિ એ પણ ભૂલી જાય છે, તો સમય થયે એને યાદ કરીને ખવડાવજો.” કાનજી બોલતાં બોલતાં રડવા જેવો થઈ ગયો. હેમા અને કાનજી વચ્ચે વાયા વાયા ચાલતો વાર્તાલાપ સાંભળી પંચના માણસો અચંબામાં પડી ગયા. પંચનો એક માણસ બોલ્યો, ” ભાઈઓ આ બે માણહો વચ્ચે આવી બધી માયા બંધાઈ ગઈ છે કે મારે એમના લખણાનું (ફારગતિનું) પાપ ઓઢવું નથી. લખણાના લખાણ નીચે મેં સહી કરી છે તે ભૂંસી નાખો. બીજો સભ્ય પણ એને અનુસર્યો. ને એણે લખાણ નીચે જે અંગૂઠાની છાપ આપેલી હતી તે ભૂંસી નાખવાનું કહ્યું. બાકીના પંચવાળા પણ એમની વાતમાં સંમત થયા ને લખણાનું લખાણ ફાડી નાખ્યું. મૂખી બોલ્યો, “આ ચંદુનું ને લીલાનું આગળ જોયું જાશે. હેંડો વળો પાછા, આ હેમાને એના હાચા ઘરે પાછી મૂકી આવીએ.”

image source

” બેટા હેમા, બેટા કાનજી, જાવ તમે તમારા ઘરે જાઓ , સુખી થાઓ ! હું મારા ચંદુનું આગળ જોઈ લઈશ. તમારો સુખી સંસાર ભાંગી મારે પાપનું પોટલું નથી બાંધવું ! ” હેમાના બાપા રમણલાલ, સજળ નયને દીકરીના માથે હાથ મૂકીને બોલ્યા. આમ એક સારસ બેલડી ખંડિત થતાં બચી ગઈ ને, ખરા બપોરે વઢિયારી મોરલાએ ટેહુક… ટેહુક.. ટહુકાર કરી, ધોમધખતી આખી સીમ ગજવી દીધી.

લેખક : સરદારખાન મલેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ