સાસુ-વહુની જોડી – સાસુ વહુની આં બહુ નાનકડી સરળ વાત પણ કાશ દરેક લોકો આ વાત સમજતા હોય…

“બોલો હવે આ આજકાલની છોકરીઓને ક્યાં દાળ-ચોખા ને મસાલા ભરતા આવડે. આ તો એ જમાના હતા કે આપણે દળેલું મરચું ને દળેલી હળદર જાતે ઘંટીએ જઈને માથે ઉભા રહીને લઇ આવતા. આ અમારી વહુ આવશે આ ઉનાળે તો છતાય મને તો રેખાબહેન કંઈ ખાસ અપેક્ષા નથી જ હો એની પાસેથી..


આપણે ભલા ને આપણું રસોડું ભલું. વહુઓ પાસેથી અપેક્ષા રાખીએ ને વળી એ આવે ને આપણને નિરાશા થાય એના કરતા પહેલેથી કોઈ ધારણા જ ના બાંધવી. આમાં તો એવું છે ને કે “રાજાને ગમે તે રાણી, પછી ભલે ને છાણા વિણતી આણી…” એના જેવું જ છે. માર્ચ મહિનાની સવારે ધાબે સુતેલા પોતાના પતિને જગાડવા આવેલા જીજ્ઞાબહેન એમની બાજુમાં રહેતા ને ધાબે મરચું ખાંડવા આવેલા રેખાબહેન સાથે વાતો કરી રહ્યાં હતા.

અમદાવાદની ગરમી એટલે તોબા! રાતના દસ વાગ્યે ગરમ લુ લાગે ને જાણે શરીર ભડકે બળતું હોય એવું થાય. જેના ઘરમાં એસી ના હોય એ તો ધાબે જ સુવા ચાલ્યા જાય. સાંજના આખું ધાબુ પાણી વડે ધોવાય ને પછી સુવાના સમયે એ પાણીની ઠંડકથી લોકોને જરા શાતા મળે. સોલા પાસે ત્રણ માળિયા ફ્લેટમાં રહેતા લગભગ બધા જ લોકો પોતાના આખા પરિવાર સાથે ધાબે સુવા જાય. જીજ્ઞાબહેન પણ એમાંના એક જ. એમના બિલ્ડીંગને અડીને આવેલા બિલ્ડીંગમાં જ રેખાબહેન રહે. બંને પાકી બહેનપણીઓ. જીજ્ઞાબહેન ગૃહિણી અને તેમના પતિ જીગ્નેશભાઈને અમૂલનું પાર્લર. તેમનો મોટો દીકરો તેના પપ્પા સાથે જ બેસે. ને નાનો દીકરો એક કોલેજમાં એડમીન ડીપાર્ટમેન્ટમાં નોકરી કરતો. એમનો મોટો દીકરો છવ્વીસનો થઇ ગયેલો. એના માટે વરસ દિવસથી જીગ્નાબહેને છોકરીઓ જોવાનું શરુ કર્યું હતું.


ગયા મહીને મોટા દીકરા મિત્વ માટે એક દીકરી જોયેલી. એની સાથે નક્કી જેવું જ હતું એટલે જીજ્ઞાબહેન બહુ હરખમાં રહેતાં. નક્કી થયા પહેલા જ બધે જાહેરાત કરી દીધી હતી. મિશાખા તેમની વહુ બનવાની છે અને ટૂંક જ સમયમાં પરિવારમાં આવી જવાની છે.. જીજ્ઞાબહેનની ઈચ્છા હતી કે જો બધું પાકું થઇ જાય તો દીકરાના લગ્ન એપ્રિલ મહિનામાં જ લઇ લેવા.

“સાવ સાચું કહ્યું જીગ્નાબોન. આ અમારી વીરાના આવી છે તો આખો દિવસ નોકરીએ જાય. સવારે પોતાનું ટીફીન બનાવીને એ ને વિરાગ લઇ જાય ને હું ને એના પપ્પા તો બપોરે જ જમીએ. મને ક્યાં વાર લાગે બનાવતા.. એટલે હું તો એના પપ્પા આવે એની અડધી કલાક પહેલા રસોઈનો આદર કરું. સાંજે એ બેય માણસ આવે ત્યારે મેં તો બધું જમવાનું તૈયાર રાખ્યું હોય. એ તો થાકેલી આવે એમાં ક્યાં એને રસોઈ બનાવવાનું કહેવું. મસાલા પણ જો ને મેં જ ભરી લીધા ને ઘઉં-દાળ ને ચોખા પણ મેં ભરી લીધા.

મારી વહુને તો કાશ્મીરી મરચું તીખું ના આવે એવી ય ખબર નહોતી બોલો!!!!” રેખાબહેન આ કટાક્ષમાં બોલતા હતા કે બીજી કોઈ રીતે એ જીજ્ઞાબહેનને સમજાયું. છતાય તેમની વાતનો જવાબ આપતા એ બોલ્યા, “હાય હાય અલા.. રેખાબહેન. ખરું કહેવાય હો! મને લાગે છે મારી વહુનેય કઈ નહિ જ આવડતું હોય. પહેલા તો મારે ટ્રેઈન જ કરવી પડશે..!!”બંને પોતાની વાતોમાં પડ્યા હતા કે જીગ્નેશભાઈનો અવાજ આવ્યો..


“એ જીજ્ઞા.. આ મિશાખાના પપ્પાનો ફોન આવે છે. સાત વાગ્યામાં વળી શુંય કામ હશે હે?? જરા લે તો વાત કર.. હું નીચે ઉતરીને થોડો ફ્રેશ થઇ આવું.” આંખો ચોળતા ચોળતા જીગ્નેશભાઈ બોલીને નીચે ઉતરી ગયા. ગાદલા પાસે જઈને ઓશીકાની બાજુમાં પડેલો જીગ્નેશભાઈનો ફોન હાથમાં લઇ જીગ્નાબહેને ઉપાડ્યો. “હેલો..”

“બહેન.. માફ કરજો વહેલી સવારે ફોન કર્યો. પણ વાત જ કંઇક એવી છે.. મિશાખાના મમીની તબિયત બહુ ખરાબ છે અને કદાચ… બહેન એની બસ એક છેલ્લી ઈચ્છા છે કે મિશાખાના લગ્ન એની હાજરીમાં થઇ જાય. અમને તો મિત્વકુમાર પસંદ જ છે. આપને પણ જો સંબંધ અનુકુળ હોય તો વાત આગળ વધારીને વધુ રાહ ના જોઈએ. આ શનિવારનું મૂહર્ત સારું છે. ઘરના બધાની હાજરીમાં લગ્ન ગોઠવી દઈએ. પછી તમારી ઈચ્છા મુજબ જે કરવું હોય એ કરશું..”

જીજ્ઞાબહેન તો આ સાંભળીને અવાક રહી ગયા. આવી વાતનો આમ અચાનક શું જવાબ આપવો તેમને નાં સુજ્યું. મિશાખા પસંદ તો તેમને અત્યંત હતી.. પરંતુ આ રીતે અચાનક કેમ હા કહેવી!! “ભાઈ હું જરા એમની સાથે ને મિત્વ સાથે વાત કરીને તમને ફોન કરું હો..” એટલું કહીને જીગ્નાબહેને ફોન મૂકી દીધો ને રેખાબહેનને પછી મળીએ કહીને નીચે ઉતરી ગયા.


મિત્વ અમુલ પર જવાની તૈયારી કરી રહ્યો હતો.. એમનું અમુલ પાર્લર તેમના એરિયામાં બહુ જાણીતું. રોજબરોજના ઉપયોગની જાતજાતની વસ્તુઓ સાથે બીજી ડેઈરી પ્રોડક્ટ્સ પણ તેઓ રાખતા દુકાને. ઘરાકી અને આવક બંને સારી રહેતી. કોલેજ પૂરી કરીને મિત્વ પોતાના પપ્પા સાથે જ પાર્લરમાં આવી ગયેલો. બંને બાપ-દીકરો ઘરેથી સાથે જ નીકળે. નાનો મલક પણ દસ વાગ્યે તેની નોકરીએ જવા નીકળી જાય.

તૈયાર થઇ રહેલા મિત્વ પાસે આવીને જીજ્ઞાબહેન બોલ્યા, “દીકરા.. જરા અહી બેસ ને..” “મમી.. મોડું થાય છે.. આજ આનંદ વહેલો જતો રહેવાનો છે.” “કેમ એ તો છ વાગ્યે આવે પછી બપોરે ત્રણ વાગ્યે જાય છે ને?” “ના આજે એને કામ છે. પણ તું ક્યાં એની લપ કરે છે માં.. બોલ ને તારે શું કામ હતું?” “આ પેલી મિશાખાની વાત ચાલે છે ને?’

પોતાની માંની વાત અડધેથી કાપીને મિત્વ બોલ્યો.. “માં મેં તને બે દિવસ પહેલા જ કહેલું કે મારી હા છે. મને મિશાખા ગમે છે. સારી, સંસ્કારી છોકરી છે. તને ને પપ્પાને સાચવે એવું લાગતું હોય તો હા કહી દે ને..!!” જીજ્ઞાબહેનના ચહેરા પર મુસ્કાન છવાઈ ગઈ… હરખભેર પોતાના વહાલાને પકડીને તેના કપાળ પર ચુંબન કરી લીધું. મિત્વ સહેજ ચોંકી ગયો. “માં.. ગાંડી થઇ છે કે શું?? હજુ લગ્ન નથી થયા હો મારા…”


“અરે દીકરા આ જ અઠવાડિયે થઇ જશે.. મિશાખાના પપ્પાનો ફોન હતો. એના મમીની તબિયત ગંભીર છે ને એ દીકરીને દુલ્હન રૂપે જોવા માંગે છે.. થોડું ફિલ્મી લાગશે પણ દીકરા એમની ઈચ્છા આ શનિવારે લગ્ન કરવાની છે..તો તું શું કહે છે? હા કહી દઉં?” મિત્વ વિચારમાં પડી ગયો.. એને મિશાખા સાથેની એ પહેલી મુલાકાત યાદ આવી ગઈ. પહેલી મુલાકાત વખતે બંને પરિવારોએ બહાર જ મળવાનું નક્કી કરેલું. સરખેજ હાઈવે પર આવેલા મહેન્દ્ર થાળ હોટેલમાં જમવા માટે સૌ ભેગા થયેલા..

લીલાં રંગના પંજાબીમાં આવેલી મિશાખાને જોઇને મિત્વ એને જોતો જ રહી ગયેલો. લીલાં રંગની બિંદી અને કાળા, ખભાથી સહેજ નીચે આવતા વાળને તેણે હાફ પોનીમાં બાંધ્યા હતા. હાઈટ પણ સારી ઉંચી હતી અને ગાલમાં પડતા ખંજનથી જ્યારે તે મિત્વ સામે સહેજ હસી તો એ તો તેની મુસ્કાન જોઇને જ મોહી પડ્યો.. જમવા બેઠા ત્યારે બિલકુલ પોતાની પસંદગીનું જ બધું ઓર્ડર કરનારી મિશાખાને તે જોઈ રહ્યો… બધા સાથે વાત કરતી વખતે પણ તેના શબ્દોમાં મર્યાદા અને આંખમાં શરમ હતી તે જોઇને મિત્વએ નક્કી કરી લીધેલું કે તે આ છોકરીને જ પરણશે..


એ પછી તો ચાર-પાંચ વખત બધા મળ્યા. એક વાર તેના ઘરે ને એક વાર પોતાના ઘરે. એક વખત બંને બહાર ગયેલા અને એક વખત મિશાખા અને તે શહેરમાં એક કોન્સર્ટ જોવા ગયેલા.. પણ બેમાંથી એકેય પોતાનો જવાબ ફાઈનલ નહોતાં કહેતા.. એ વાતને વીસ દિવસ વીતી ગયેલા.. આજે આ રીતે અચાનક મિશાખાની વાત નીકળતા મિત્વને એ બધું યાદ આવી ગયું.. કંઇક વિચારીને તેણે કહ્યું, “માં.. મને વાંધો નથી જો તને ને પપ્પાને એ પસંદ હોય અને તને લાગતું હોય કે એ તમને સાચવશે તો આ શનિવારે જ હું તો લગ્ન કરવા રાજી જ છું.”


ને જીજ્ઞાબહેન ખુશ થતા મિત્વને ભેટી પડ્યાં.. વહેલો આવ્યો શનિવાર… ઘરના જ પચાસ માણસોની હાજરીમાં મિત્વ અને મિશાખા લગ્નસંબંધે બંધાઈ ગયાં.. “કંકુપગલાં પાડો વહુ.. મારા, “તમારા” આ ઘરે હવે પધારો વહુ..” મિશાખા આવા મળતાવડા સાસુને મેળવીને ખુશ ખુશ થઇ ગઈ.. ધામધુમથી ઘરના બધાએ તેનું સ્વાગત કર્યું.. લગ્નની એ પહેલી રાત મિત્વએ યાદગાર બનાવી દીધેલી..

આખાં ઓરડાને લાલ ગુલાબ વડે સજાવીને મિત્વએ બેડરૂમમાં બધે જ મીણબતી મૂકી હતી.. ચાદર પર એક મજાનું ગુલાબની પાંખડીઓથી દિલ દોરીને તેમાં મિત્વ લવ્સ મિશાખા એવું લખ્યું હતું.. મિશાખાનો હાથ પકડીને મિત્વ તેને ઓરડામાં લઇ ગયો.. એકબીજાના બાહુપાશમાં સુતેલા બંને જાણે એકમેકનાં હ્રદયના ધબકારા સાંભળી શકે એટલા નજીક હતાં..“મિત્વ, આમ તો તમે મને બહુ ગમો છો હો.. પણ સાચું કહું મમી મારા ફેવરીટ છે.. આજના જમાનામાં આવા સાસુમા મળ્યા છે હું તો કેટલી ભાગ્યશાળી છું..”


મિત્વને સમજાયું નહિ કે શું જવાબ આપવો.. તેને ખબર હતી તેના મમીને જ્યારે કોઈ પર લાગણી કે પ્રેમ આવે ત્યારે અનહદ વહાલ કરતાં પણ તેમને ના ગમે એવું કામ થયું હોય તો સામેવાળાનું આવી બને.. હસીને મિત્વે કહ્યું, “તો પણ અંતે છે તો મારા જ મમીને.. હવે ચલ મારી નજીક આવશે કે નહિ?” ને એ રાત એ બંનેનો પ્રેમાલાપ નિહાળતી વધુ ને વધુ ઘાટી બની ગઈ..

બીજા દિવસની સવાર સુંદર ઉગી હતી.. નાહી-ધોઈને તૈયાર થઈને આઠ વાગ્યે મિશાખા નીચે ઉતરી.. જીજ્ઞાબહેન હોલમાં બધું આઘું-પાછું કરતા હતા.. લગ્નનું ઘર હતું એટલે ઘરમાં વસ્તુઓ આમતેમ પડી હતી.. મિશાખા તરત તેના સાસુને મદદ કરાવવામાં લાગી ગઈ.. જીજ્ઞાબહેન આ જોઈ ખુશ થયાં.. થોડી વાર પછી બોલ્યા, “એક કામ કર દીકરા.. રસોડામાં આવી જા.. આપણે લાપસીનું આંધણ મૂકી દઈએ.. પછી તને મળવા પરિવારનાં બધા આવશે.. સંબંધીઓ અને સગા આવશે.. એટલે તું લાપસી કરીને પછી તૈયાર થઇ જજે..”

“હા મમી..”


રસોડામાં આવીને મિશાખાએ જીગ્નાબહેનના બતાવ્યા પ્રમાણે લાપસી મૂકી.. પછી બંને સાસુ-વહુ વાતોચીતો કરતા બેઠાં.. જીગ્નાબહેને સહેજ ઉત્સુકતાથી પૂછ્યું.. ‘હેં મિશાખા, તને ખબર છે કાશ્મીરી મરચાંનો સ્વાદ કેવો હોય?” મિશાખાને સહેજ નવાઈ લાગી કે આ મમી આવો વિચિત્ર સવાલ કેમ કરે છે.. છતાય એમના સવાલનો જવાબ આપતા બોલી, “હા માં.. કાશ્મીરી મરચું દેખાવે એકદમ લાલ હોય પણ સ્વાદમાં મોળું જ હોય..”

ને જીજ્ઞાબહેન એને ભેટી પડ્યાં ને બોલ્યાં, “હાશ.. હવે વાંધો નહિ.. હવે તું જા તૈયાર થઇ જ..!” મિશાખાને આ બધું વિચિત્ર લાગ્યું.. પોતાના ઓરડામાં જઈને જોયું તો મિત્વ હજુ સુતો હતો. તેની નજીક જઈ પોતાના વાળની એક લટ લઇ તેના કાનમાં સહેજ સહેલાવી કે તરત મિત્વ જાગી ગયો.. તેના પર ઝુકેલી મિશાખા અદ્ભુત લાગતી હતી.. તરત જ તેને ખેંચીને મિત્વે તસતસતું ચુંબન ચોડી દીધું..

“અરે અરે.. મિત્વ.. હા.. હા. ચાલો હવે જાગો.. સાડા અગિયાર થયા છે.. હમણાં મહેમાનો આવશે.. મારે પણ તૈયાર થવાનું છે.. ને એય, મિત્વ આ મમી કેમ આવું અજીબ વર્તન કરે છે.. મને બોલ કાશ્મીરી મરચાંનો સ્વાદ પૂછતાં હતાં..” મિત્વને પણ નવાઈ લાગી છતાં બોલ્યો, “કઈ નહિ.. એ હશે એમ જ.. તું એ બધું છોડ ને અત્યારે તૈયાર થઇ જા ડાર્લિંગ…” મિશાખાને પણ એ વાત યોગ્ય તે લાગતા તે તૈયાર થવા ચાલી ગઈ.. “ઓહો.. જીજ્ઞાબહેન… પુનમનાં ચાંદ જેવી છે હો તમારી વહુ તો.. કેટલી સુંદર લાગે છે..”


મિશાખાને મળવા આવેલા રેખાબહેન બોલ્યાં.. લગભગ ત્રીસ-ચાલીસ સગા, સંબંધી અને મિત્રો મિશાખાને જોવા-મળવા આવ્યાં હતાં.. રેખાબહેનની એ વાતનો જવાબ આપતા તરત જીજ્ઞાબહેન બોલ્યાં, “અરે બહેન.. મીઠડી પણ એવી જ છે મારી વહાલી હા..” મિશાખા ચારેતરફથી થતા પોતાના વખાણ સાંભળી રહી.. અચાનક તેના કાને સાસુમાનો અવાજ પડ્યો. “રેખાબહેન મારી વહુને કાશ્મીરી મરચાંના સ્વાદની ખબર છે હોં..” “ઓહો, જીજ્ઞાબહેન.. બહુ નસીબદાર.. જરાક એને મસાલા ને અનાજ ભરતા આવડે છે કે નહિ એ પણ પાક્કું કરી લેજો.. બાકી પછી તકલીફ પડશે..”

જીજ્ઞાબહેન વિચારમાં પડી ગયા ને પછી બોલ્યા, “ના હો.. મને લાગે છે મારી મિશાખાને બધુય આવડતું હશે… એમ તો રૂપવાન ને ગુણવાન છે મારી વહુ હા..” મિશાખા આ સાંભળીને પોરસાઈ ગઈ.. પછી તો ત્રણ-ચાર કલાક સુધી એવો જ માહોલ રહ્યો.. ઘરમાં મહેમાનો જ મહેમાનો.. છેક સાંજના સાત વાગ્યે આખું ઘર ખાલી થયું.. અને થાકીને લોથપોથ થઇ ગયેલાં મિત્વ અને મિશાખા ઓરડામાં જઈને તરત ઊંઘી ગયાં.

બીજા દિવસે સવારે મિશાખાની આંખ સાત વાગ્યે ઉઘડી ને હાંફળીફાંફળી બેઠી થઇ ગઈ. તરત તૈયાર થઈને નીચે ગઈ. જીજ્ઞાબહેન તો જાગી જ ગયેલાં. એ બરણીઓ ધોતાં હતાં. મિશાખા તરત ત્યાં ગઈ અને પૂછ્યું, “મમી, શું કરું? લાવો તમે ઉભા થઇ જાવ હું ધોઈ નાખું છું બરણીઓ.” “વહુ, હું જ ધોઈ નાખીશ. તમે લુછીને જરા એને ગોઠવી દ્યો. આજે બપોરે આપણે બેય મસાલા લઇ આવીશું. ને કાલે બપોરે ઘઉં-ચોખા ને દાળ..” “હા મમી.. તમે કહો એમ. આમ પણ અહી તમે કેવા મસાલા ભરો છો ને શું કરો છો એ તો મારે જોવું જ પડશે ને?” “હા હા બિલકુલ વહુ. એટલે જ ને!” અને જીજ્ઞાબહેન સહેજ પોરસાઈને કંઇક વિચારીને હસ્યાં.

એ દિવસે બપોરે બંને સાસુ-વહુ સાથે મળીને પીઠામાં ગયાં. જીગ્નાબહેને પોતાના ઘરમાં કેવું મરચું વપરાય ને કેવી હળદર લેવાય ને ધાણાજીરું કેટલુક ભરાય છે તેની માહિતી બધી જ મિશાખાને આપી. તે પણ ધ્યાનથી સાસુમાને જોઈ રહી. મસાલા ભરવા ને અનાજ ભરવું એ જાણે કે ઉત્સવ હતો એમના માટે તો!! મિશાખાએ તેના સાસુમાને કંઇક કહ્યું અને એ સાંભળીને તેઓને નવાઈ લાગી. ને એ પછી એ મસાલા ને અનાજ ભરવાનો દિવસ સૌથી યાદગાર બની રહ્યો બંને માટે!


સાસુ-વહુ બહુ ખુશ હતા. ઘરે આવ્યા ત્યારે તેમના ચહેરા પર અલગ જ આનંદ હતો. બંને સાસુ વહુએ મસાલા ભર્યા. કાચની એ મસાલા ભરવાની બરણી કદાચ પચાસ વર્ષ જૂની હશે છતાંય તેની ચમક હજુ એવી ને એવી જ જળવાયેલી હતી. મિશાખાને આ બધું જોઇને બહુ મજા પડતી. લગભગ પંદરેક દિવસ પસાર થઇ ગયાં. હવે મિશાખા ઘણીખરી રીતે તેમના ઘરની રીતભાત અને સાસરાના વ્યવહારથી પરિચિત થઇ ચુકી હતી. એ દિવસે જીગ્નેશભાઈ, મિત્વ અને મલક કામ પર ગયા પછી બંને સાસુ-વહુ એકલા બેઠા હતા. જીજ્ઞાબહેન મિશાખાને સંબોધીને બોલ્યા, “વહુ, મને એક વિચાર આવ્યો છે. તમે જો હા કહો તો આપણે એવું કરીએ.” “હા મમી. બોલો ને શું વાત છે?”

“આપણે છે ને મસાલા ને અનાજ ભરવાની એક સ્પર્ધા રાખીએ. ને એમાં સાસુઓ અને વહુઓને ભાગ લેવડાવીએ. એક સાસુ વિરુદ્ધ વહુ! આપણે પેલા મસાલા લેવા ગયાં એ દિવસે જે થયેલું ને અ એ પછી મને આ વિચાર આવ્યો છે.” જોઈએ કોણ કેવા મસાલા ભરી શકે છે. આ સ્પર્ધા તમે ને હું બંને મળીને જજ કરીશું.. ને સાથે કોઈને ચીટીંગ ના લાગે એટલે શેફને પણ જજ તરીકે બોલાવીશું.”મિશાખાને આ સાંભળી મજા પડી. આખો દિવસ ઘરમાં બેસીને કુથલી કરવા કરતા આવું કંઇક કરીએ તો મજા પણ આવે.

તેણે તરત કહ્યું, “હા મમી બહુ મજા આવશે. આપણા આ બિલ્ડીંગમાં જ કેટલી સાસુ-વહુ છે. એ બધાને આ સ્પર્ધામાં ભાગ લેવા પ્રોત્સાહિત કરીએ.” ને તરત જ બંને સાસુ-વહુ ઘરની બહાર નીકળી પડ્યા. પહેલવહેલા તો જીજ્ઞાબહેન રેખાબહેન પાસે જ ગયાં. એમને આ વિચાર સાંભળી બહુ મજા પડી. ભાગ લેવાની એમણે ખાતરી આપી એટલે બંને જણા બીજા બહેનોને મળવા ગયાં. જોતજોતામાં વીસ સાસુ-વહુની જોડી આ સ્પર્ધામાં ભાગ લેવા તૈયાર થઇ ગઈ.

વહુઓને એમ કે સાસુઓને દેખાડી દઈએ ‘અમે પણ કઈ કાચા નથી.” ને સાસુમાઓને એમ કે “અમારા જેવું તમને ના જ આવડે..” રવિવારનો દિવસ આ સ્પર્ધા માટે નક્કી થયો. શહેરના જાણીતા પીઠામાં જવાનું પાકું થયું. પહેલા બધી વહુઓ જઈને સો ગ્રામ મસાલા ખરીદશે ને પછી સાસુમાઓ. આ સ્પર્ધાને જજ શહેરના જાણીતા શેફ મીતાબહેન કરશે તેવું પણ નક્કી થયું.

સ્પર્ધાનો દિવસ આવી પહોંચ્યો. સવારથી એ ફ્લેટસના બધા ઘરોમાં ધમાલ હતી. સાસુ-વહુ પોતપોતાનું બેસ્ટ આપવા માંગતા હતાં. રેખાબહેન તો જાણે વીરાનાની સામે અલગ જ નજરથી જોઈ રહ્યા હતા. આજનો દિવસ એ તેમની વહુ મટીને સ્પર્ધક બની ગયેલી ને એટલે! “ચાલો ચાલો.. કમ ઓન.. આજે આ સ્પર્ધા ફક્ત સાસુ-વહુ વચ્ચેની નથી. બે પેઢી વચ્ચેની છે. અનુભવ અને ઈન્ટેલીજન્સ વચ્ચેની છે.” ફલેટમાંથી નીકળતા નીકળતા જીગ્નાબહેને દરેક સાસુ અને વહુને સંબોધીને કહ્યું. અને આખરે એક મીની બસમાં જીજ્ઞાબહેન, મિશાખા અને વીસ વહુઓ પીઠા પર જવા નીકળી. વીસ વહુઓની વીસ સાસુઓ ઘરે જ રહી.


પીઠા પર પહોચતા જ વીસેય વહુ તૈયાર થઇ ગઈ. અને નીકળી પડી મસાલા શોધવા. ઉત્તમ મસાલા શોધવાની સ્પર્ધા હતી આ! શેફ ત્યાં પહેલેથી જ હાજર હતા.. ત્રણેક કલાકના સમય બાદ બધી જ વહુ બસમાં પાછી આવી ત્યારે બપોરેના બે વાગ્યા હતા. હવે આ જ બસમાં તેમને ઘરે મુકીને સાસુઓને લાવવાની હતી. જીજ્ઞાબહેન અને મિશાખા સહુનો ઉત્સાહ જોઈ અત્યંત આનંદમાં હતાં. તેમણે ધારેલું ધ્યેય કદાચ આજે પાર પડી જાય તેવું બંનેનું માનવું હતું.

સાસુઓએ પણ સાંજે છ વાગ્યા સુધી પીઠામાં ફરી ફરીને ચકાસી ચકાસીને મસાલા જોઇને લીધાં. વહુઓ કરતાં એક કલાક વધારે લગાડીને તેઓ સાબિત કરવા માંગતા હતા કે અનુભવ જ હમેશા જીતે.

સાંજે સાત વાગ્યે સહુ ફ્લેટની નીચેના વિશાળ મેદાનમાં બનાવેલા સ્ટેજ પાસે ભેગા થયા. રીઝલ્ટને બસ અમુક જ મિનિટની વાર હતી.. શેફ મીતા તેમના રીઝલ્ટસ સાથે તૈયાર જ હતાં. ને આખરે પહેલી જોડીનો વારો આવ્યો.. મિશાખા જ સ્ટેજ પરથી અનાઉંસ કરતી હતી.. “તો પહેલી જોડી, રેખાબહેન અને વીરાનાની છે.. અને તેના વિજેતા છે વીરાના પંડ્યા..”

ને રેખાબહેનની આંખ આ સાંભળી પહોળી થઇ ગઈ. તેમને પોતાના કાન પર વિશ્વાસ જ નહોતો બેસતો. તે તરત જ ઉભા થયા અને બોલ્યા, “આ ખોટું છે. ચીટીંગ છે. મારી વહુને તો કાશ્મીરી મરચાંનો સ્વાદ પણ નથી ખબર. એ કેવી રીતે જીતી શકે? કંઇક ખોટું છે..” જીજ્ઞાબહેન હસતા હસતા તેની વહાલી બહેનપણી પાસે ગયાં અને બોલ્યા, “બહેન, જરા શાંત થા. બધાના રિઝલ્ટ્સ આવી જવા દે પછી વાત કરીએ..”


ને રેખાબહેન ચુપચાપ બેસી ગયા. પછી તો ચમત્કાર જ સર્જાયો જાણે.. વીસ જોડીમાંથી સોળ વહુ અને ફક્ત ચાર જ સાસુ વિજેતા બની.. હારનારી દરેક સાસુ પોતાની વહુ વિશે કંઈ ને કંઈ બોલતી હતી.. આખરે જીજ્ઞાબહેન આ બધું જોઈ મિશાખા પાસે સ્ટેજ પર ગયા. હાથમાં માઈક લઈને જીજ્ઞાબહેન બોલ્યા, ‘મને ખબર છે. મોટાભાગની સાસુઓ આ પરિણામથી નારાજ છે. પરંતુ હું તમને સમજાવું કે આવું કેમ થયું! આ બધી વહુઓ આજના જમાનાની છે. તેમણે ગુગલ ને આ તે એમ બીજું-ત્રીજું કરીને સૌથી સારા મસાલા ક્યાં હોય તેની માહિતી મેળવી લીધી હોય. તમે ફક્ત એ જુના ને જુના મસાલામાં જ ગૂંથાઈ રહો.

વહુની વાતને સ્વીકારવામાં તમને નાનમ લાગે. હું ને મારી મિશાખા વીસેક દિવસ પહેલાં મસાલા ને અનાજ ખરીદવા ગયેલાં. ત્યારે મને મારી વહુએ સમજાવ્યું અને બતાવ્યું કે હું લેતી હતી એ મસાલા કરતાં ફોનમાં કહે છે એ મસાલા લેવા જોઈએ. એણે મને કારણ પણ આપ્યું કે આ શુકામ સારા અને આ શુકામ નહી. સામે પક્ષે મેં પણ વહુને જે માહિતી ગુગલે ના આપી એ બધી વાત કહી. અમે બંનેએ સાથે મળીને અમુક ગુગલમાં બતાવેલા અને અમુક મેં કહેલા એમ બંને પ્રકારના મસાલા લીધા.

સાસુ અને વહુ બંને સાથે મળીને કંઈ પણ કરે તો એ સર્વશ્રેષ્ઠ જ થાય. એકલી સાસુનું કોઈ અસ્તિત્વ અહીં અને એકલી વહુ પણ કંઈ ના કરી શકે. બંને એકબીજાના પુરક અને પ્રભાવક છે. એકબીજાની દલીલોને સમજીને ડીસીઝન લે તો ઘર અને રસોડું બંને તરી જાય.. કેમ બરાબરને મારી મીઠડી મિશાખા?” જીગ્નાબહેને પોતાની વહુ સામે જોઇને કહ્યું. મિશાખા મલકાઈ ગઈ. તરત જ માઈક લઈને બોલી, “સાસુમાઓ.. હું હવે જે કહીશ એ અહી હાજર દરેક વહુના મનની વાત છે.. “હળદર, ધાણાજીરું ને મરચું, સાસુજી તમારીં વહુ નથી કંઈ કાચું લીંબુ!” ને બધા ખડખડાટ હસી પડ્યા.. ત્યાં હાજર દરેક વહુ એકસાથે બોલી ઉઠી, ‘સાચી વાત, સાચી વાત! અમે કંઈ કાચું લીંબુ નથી.. નથી ને નથી..”રેખાબહેન પણ પોતાની વીરાના પાસે ગયા અને એને ભેટી પડ્યા. ત્યાં હાજર દરેક સાસુ-વહુ જીજ્ઞાબહેન અને મિશાખાનો મનોમન આભાર માની રહ્યાં.


મિશાખાએ જીજ્ઞાબહેન સામે જોયું ને સાસુ પ્રત્યેના અહોભાવ અને ભાવથી તેની આંખો ઝુકી ગઈ. એ રાત્રે જયારે મિત્વ, જીગ્નેશભાઈ અને મલકે આ બધી વાત સાંભળી ત્યારે એ લોકોને પણ ગર્વ થયો બંને સાસુ-વહુ પર. “જો તમારા જેવા સાસુ-વહુ દરેક શેરીમાં હોય ને તો ત્યાં આજુબાજુ રહેતી દરેક સાસુને વહુની અને વહુને સાસુની કિંમત સમજાય..”

મિશાખા અને જીજ્ઞાબહેન આ સાંભળી હસી પડ્યા.. ને પછી તો તેઓ સમગ્ર શહેર, ધીમે ધીમે રાજ્ય અને દેશમાં પણ આવી સ્પર્ધાઓ વારે-તહેવારે યોજવા લાગ્યા. છવાઈ ગયા બંને. જેમ યુથ આઇકોન હોય તેમ આ બંને દરેક સાસુ અને વહુના આઈડીયલ અને આઇકોન બની ગયાં. સાસુ-વહુની જોડી!!!

લેખક : આયુષી સેલાણી

આપ શું વિચારો છો? આવા સાસુ વહુ દરેક શેરી અને સોસાયટીમાં હોવી જ જોઈએ.

દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત આપણા પેજ પર.